Do you have HIV? Has happened? books and stories free download online pdf in Gujarati

તમને એચ.આઇ.વી. થયો છે ?‌




" તમને એચ.આઇ.વી. થયો છે ?‌

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધા અમે
એમને નમાવવા હો તો ફૂલો નો ભાર દે...
- મરીઝ

" તમે દવા કેમ મૂકી દીધી?, તમને ખબર છે ? આ દવાઓ કેટલી મોંઘી આવે છે? " મેં અવાજ માં થોડા ગુસ્સા સાથે કહ્યું અને મારી સામે ખાટલા પર બેઠેલી અઢાર વર્ષની ઈશા એમજ, કશું બોલ્યા વગર બેસી રહી.

થોડો સમય અમારા બંને વચ્ચે મૌન તરતું રહ્યું. મેં ફરીથી થોડા વધુ ગુસ્સા સાથે કહ્યું " હવે કંઈ બોલીશ પણ ખરા" હું એ છોકરીને બે વર્ષ પહેલાં એચ.આઈ.વી (HIV) ની દવા મુકી દેવા માટે ખીજાતો હતો.

ઈશાને બે વર્ષ પહેલાં પંદર દિવસ સુધી સતત તાવ અને ઝાડા-ઉલટી થયા હતા. તેના માટે જ્યારે દાખલ કરી ત્યારે એચ.આઇ.વી નું નિદાન થયું. અને તેના માટેની એ.આર.ટી. (ART - Anti Retroviral Treatment) ચાલુ કરવામાં આવી હતી.પરંતુ એક-બે મહિના દવા લીધી-ના લીધી ઈશાએ દવા છોડી દીધી.અત્યારે દાખલ થઇ ત્યારે પણ કોઈ ને કહ્યું નહીં કે, " મને એચ.આઇ.વી.છે અથવા મે દવા લઈને મૂકી દીધી." મેં જ્યારે બે-ચાર વાર એકની એક વાત કરી ત્યારે બોલી " હા સાહેબ, મારી લીલી ચોપડી ની દવા ચાલુ કરી હતી અને મેં બે મહિના લઈને મૂકી દીધી." ઈશાએ બેફિકરાઈથી કહી નાખ્યું.
‌‌
------------------------

" ઈશા અહીં નહીં, તારે અમારી સાથે બેસીને નાસ્તો નથી કરવાનો, અમને ટીચરે ના પાડી છે." કુંડાળું કરીને મેદાનમાં નાસ્તો કરવા માટે બેઠેલા છોકરાઓમાંથી એકે કહ્યું. ઈશા ને એચ.આઇ.વી. હોવાની વાત ઈશાની પહેલાં જ સ્કૂલમાં પહોંચી ગઈ હતી.

" પણ, તમને ખબર છે એચ.આઇ.વી. સાથે બેસવાથી, સાથે જમવાથી નથી ફેલાતો, એ તો ફક્ત લોહીના સંપર્કમાં આવવાથી જ ફેલાય છે. દવા ચાલુ કરતી વખતે કાઉન્સેલરે આપેલી સલાહો યાદ કરતા ઈશાએ કહ્યું.

" તો.. તો.. તારે અમારી સાથે રમવું પણ નહીં. રમતાં રમતાં તને વાગે ને, તારું લોહી અડી ગયું તો ?" અને બધા હસવા લાગ્યાં. ને ઈશાની મજાક ઉડાવવા લાગ્યાં.

ઈશા ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળી અને હીંબકે-હીંબકે
રડવા લાગી. ગમે તેમ કરે તો પણ રડવાનું રોકી ના શકી.આ એ જ મિત્રો હતા, જે ઈશા વગર નાસ્તો પણ ન કરતા, અરે રમવાનું હોય તો પહેલા ઈશાની રાહ જોવાતી, ટીમના સિલેક્શનમાં " ઈશા તારે મારી ટીમમાં રહેવાનું છે હો ને" અને " ના...ના.. મારી ટીમમાં " એમ કહી ને મૂંઝવણમાં મૂકી દેતા. અને આજે એ જ મિત્રો છે, હું એ જ ઈશા છું, તેમ છતાં કોઈ તેની સાથે વાત કરવામાં પણ રાજી નથી.

ઈશાને ફક્ત એટલું જ જોઈતું હતું કે, કોઈ આવીને કહે
" કેમ ચૂપ થઈ ને બેઠી છે? તારે રમવા નથી આવવું ?
હમણાં રીસેસ પૂરી થઈ જશે." અરે બીજું કોઈ નહીં, પણ આકાશ તો આવીને કહે કે " તને એચ.આઇ.વી.છે, એમાં શું ? એનાથી તું મારી દોસ્ત થોડી મટી જવાની ? "
આકાશ, જે એનો બાળપણનો દોસ્તાર હતો, બાળપણનો સાથી ,બધી જ વાતો માં સાથે હોય.રમવામાં, ભણવામાં, ઝઘડવામાં. અને આજે એ પણ બદલાઈ ગયો?

આમાં મારો શું વાંક ? આ બીમારી મને વારસામાં મળી છે. મારો બાપ મરી ગયો ને મારી માને પણ બે વર્ષ પહેલા એચ.આઇ.વી. ભરખી ગયો અને હવે હું ? મેં કોઈનું શું ખરાબ કર્યું હતું ? ઈશા મનોમન વિચારવા લાગી અને પોતાની જાતને કોસવા લાગી.

બે ચાર દિવસ થયા , ઈશાને થયું કે થોડા દિવસોમાં બધા પહેલાની જેમ વર્તવા લાગશે, આતો નવું નવું છે એટલે બધા ડરે છે‌. પણ ઈશાને ક્યાં ખબર કે, " સમજણ અને સમાજને નદીના બે કાંઠા જેવો સંબંધ છે , જે ક્યારેય ના ભેગા થાય."

જેમ જેમ દિવસો ગયા, લોકોને ખબર પડવા લાગી એમ બધા તેની સાથે વધુ ને વધુ ખરાબ વર્તન કરવા લાગ્યાં. હવે તો કલાસરૂમમાં તેના બેસવાની જગ્યા પણ અલગ રાખવામાં આવી. અરે પાણી માટે પણ અલગ માટલું મુકાયું. હોમ-વર્ક ના કરે તો ટીચર એને મારતા પણ નહીં અને મિત્રો સાથે રમવાનું તો સાવ બંધ થયું.

સ્કૂલેથી ઘરે જાય તો, ઘરે પણ એ જ. કાકા-કાકી સાચવે પણ ,ભેદભાવ ખરો જ. હવે કાકી એક વર્ષનાં નમન ને મને અડવા પણ નથી દેતાં. ઘરે ઈશાને અલગથી રૂમ ફાળવી દીધેલો. એમાં જ ઈશાનુ ઘર, ઈશાની દુનિયા. ઘરના સભ્યો સાથે પણ કામ પુરતી જ વાત. ખાવાનું સમયસર પહોંચી જતું , અને વાસણો ધોવાઈને એના રૂમમાં મૂકી જતાં. આખરે એ પણ આ સમાજના ને ?. હવે પહેલાની જેમ કોઈ રમવા માટે બોલાવવા નથી આવતું. ઈશા રમતી ને, એની જાત સાથે , સમાજ સાથે, અને આ બીમારીનાં
વણગમતા વરદાન સાથે.

-------------------

મારી દવા મુકી દેવાના સવાલ પૂછવાથી નિશા ની નજર સામે આ બધું જ પલકવારમાં ફરી વળ્યું.
અને ઈશા બોલી " સાહેબ તમને એચ.આઇ.વી. થયો છે ? નહીં ને? તો તમને ખબર નહીં પડે, કે મેં દવા કેમ મૂકી દીધી ?" આટલું બોલતા ઈશા નો અવાજ ગળગળો થઈ ગયો.

મારી પાસે ઈશાને કહેવા એક પણ શબ્દ ન હતો. સમજણ સંજોગો સાથે આવે છે, તમારી ઉંમર સાથે નહીં. આ વાત મને ત્યારે સમજાણી.

એના ખભા પર હાથ મૂકી હું ફક્ત એટલું જ બોલી શક્યો કે " બધું સારું થઈ જશે,ચિંતા ના કર "

અને ઈશાએ હસતા કહ્યું " સાહેબ, હવે આનાથી વધુ ખરાબ પણ શું થવાનું છે? "

- કમલ કવા...

બીજા રસપ્રદ વિકલ્પો