અતૂટ બંધન - 21 Snehal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ બંધન - 21





(રાતે ડિનર બનાવવાના ચક્કરમાં વધુ વંચાયું ન હોવાથી વૈદેહી સવારે વહેલી ઉઠી સાર્થકને ડિસ્ટર્બ ન થાય તેથી હોલમાં વાંચવા જાય છે પણ કિચનમાં ગરિમાબેન નાસ્તો બનાવી રહ્યાં હતાં તો વૈદેહીએ એમને આરામ કરવા કહ્યું અને પોતે નાસ્તો બનાવવા લાગી. ગરિમાબેન વૈદેહીને ઘરની બહાર કાઢવા માટે કંઇક પ્લાન બનાવે છે તો બીજી તરફ વિક્રમ એનાં કાકાનાં મૃત્યુ થવાનાં કારણે ગામડે ગયો હોય છે. એ જલ્દીથી જલ્દી શિખા અને વૈદેહીને સબક શીખવાડવા અહીંથી નીકળવા વિચારે છે. હવે આગળ)

સાર્થકનો જવાનો સમય થઈ ગયો હતો. વૈદેહી સાર્થક સાથે વાત કરવા માંગતી હતી પણ કરી નહીં શકી. સામે સાર્થક ઈચ્છતો હતો કે વૈદેહી એને કંઈ જણાવે, એની સાથે વાત કરે પણ વૈદેહી કામ અને પછી સ્ટડીમાં એટલી વ્યસ્ત હતી કે એ બંને વચ્ચે આ બે દિવસમાં માંડ થોડી વાત થઈ હતી.

અત્યારે સાર્થક અને વૈદેહી એમનાં રૂમમાં હતા. બંને તરફ ખામોશી છવાયેલી હતી. બે દિવસ પહેલા જ્યારે સાર્થક જવાનો હતો ત્યારે વૈદેહી એને વળગીને રડી પડેલી અને એ જ કારણ હતું કે અત્યારે વૈદેહી સાર્થક સામે જોવાનું ટાળી રહી હતી. એને લાગતું હતું કે જો આ વખતે એણે પહેલાં જેવું વર્તન કર્યું તો સાર્થક એનાં વિશે શું વિચારશે ?

થોડીવારમાં એક નોકર આવી સાર્થકની બેગ લઈ ગયો. વૈદેહીએ સાર્થકને એની ઘડિયાળ અને હાથ રૂમાલ આપ્યો. વૈદેહી નીચું જોઈને ઉભી હતી. સાર્થક થોડીવાર એને જોઈ રહ્યો. પણ પછી એનાથી રહેવાયું નહીં અને એણે પૂછ્યું,

"અં...કંઈ કહેવું હતું ?"

વૈદેહીએ માથું હલાવી હા કહ્યું અને ધીમેથી કહ્યું,

"તમારું ધ્યાન રાખજો."

"તું પણ તારું ધ્યાન રાખજે. અને હા, ઘરમાં ઘણાંબધાં નોકર છે તો બધું કામ તારે કરવાની જરૂર નથી. આરામ કરજે અને..." આટલું બોલી સાર્થકે વૈદેહી તરફ એક બોક્સ ધર્યું.

"આ તારા માટે છે."

"મોબાઈલ !" વૈદેહીએ મોબાઈલ બોક્સ તરફ જોઈ આશ્ચર્યથી કહ્યું.

"જ્યારે પણ વાત કરવાની ઈચ્છા થાય તો... મેં ઘરનાં બધાનાં નંબર એડ કરી દીધા છે. અને આ થોડા પૈસા છે." સાર્થકે વૈદેહીનાં હાથમાં થોડા પૈસા મૂક્યાં.

"સાર્થક, મ...મારે આની જરૂર નથી." વૈદેહીએ પોતાના હાથમાં મુકાયેલ પાંચસોની નોટનું બંડલ જોઈ કહ્યું.

"જાણું છું કે તને જરૂર નથી છતાંપણ હું ઈચ્છું છું કે તું એને તારી પાસે રાખ. પ્લી...ઝ !" સાર્થકે કહ્યું અને વૈદેહીનાં ગાલ પર હાથ મૂક્યો. એનાં સ્પર્શથી વૈદેહીનું મન શાંત થયું. એણે સાર્થક તરફ જોયું.

"સાર્થક હું...." વૈદેહી સાર્થકને કંઈ કહેવા માંગતી હતી પણ ત્યાં જ ધડામ કરતો દરવાજો ખુલ્યો અને શિખા અંદર આવી. એણે સાર્થકનો હાથ વૈદેહીનાં ગાલ પર મુકેલો જોયો.

"સોરી...સોરી...સોરી... યુ કંટીન્યુ...હું પછી આવીશ." આટલું કહી શિખા ફરી ગઈ.

"એય ઉભી રહે. શું કંટીન્યુ ? શું કામ સુનામીની જેમ આવી એ તો કહી દે." સાર્થકે કહ્યું.

"મમ્મી, વૈદુને બોલાવે છે અને તમને પણ પપ્પાએ બોલાવ્યા છે. હવે તમારું જે કંઈ રોમાન્સ બાકી હોય એ પૂરું કરો અને જલ્દી નીચે આવો." શિખાએ કહ્યું અને સાર્થક કે વૈદેહી કંઈ કહે એ પહેલાં ત્યાંથી જતી રહી.

"તૂફાન એક્સપ્રેસ." સાર્થકે હસીને કહ્યું અને વૈદેહી તરફ જોઈ પૂછ્યું,

"શું કહેતી હતી તું ?"

વૈદેહીએ માથું હલાવી કંઈ નહીં એમ કહ્યું અને રૂમની બહાર નીકળી ગઈ. સાર્થક પણ એની પાછળ બહાર નીકળ્યો. આ વખતે સાર્થક એકલો જ જઈ રહ્યો હતો. એણે રજનીશભાઈ અને ગરિમાબેનને પોતાની સાથે એરપોર્ટ આવવાનું ના કહ્યું હતું. તેથી એ એકલો જ ગયો. સાર્થકનાં ગયા પછી રજનીશભાઈ એમની ઓફિસ જવા નીકળ્યાં જ્યારે વૈદેહી કિચનમાં ગઈ.

"વૈદુ, શું યાર તું આમ કિચનમાં ઘૂસી જાય છે ! ચાલ મારે તારી સાથે એક જરૂરી વાત કરવી છે." શિખા વૈદેહીનો હાથ પકડી કિચનની બહાર લાવી.

"શિખુ, બસ થોડું કામ છે એ પૂરું કરી લઉં પછી..."

"બિલકુલ નહીં. કોઈ જરૂર નથી આ બધાં કામ કરવાની. કામ કરવા માટે ઘરમાં ઘણાબધા સર્વન્ટ્સ છે. તું મારી સાથે ચલ. એમ પણ આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હું વાંચી વાંચીને કંટાળી ગઈ છું. આજે આપણે બે બહાર ફરવા જઈએ." શિખાએ કહ્યું.

"અરે પણ..." વૈદેહી ગરિમાબેન તરફ જોવા લાગી.

ગરિમાબેન સમજી ગયા કે વૈદેહી કેમ શિખા સાથે જવાની ના કહે છે તેથી એમણે હસીને કહ્યું,

"વૈદેહી, તું જા. એમ પણ થોડા દિવસથી ઘરનું બધું કામ તેં જ તો સંભાળ્યું છે. આજે ક્યાંક ફરી આવો બંને."

આ સાંભળી વૈદેહી ખુશ થઈ ગઈ.

"એવું હોય તો આજે ડિનર પણ બહાર જ કરીને આવજો." ગરિમાબેને હસીને કહ્યું.

"Thank you so much Mummy. યુ આર સો સ્વીટ !" શિખાએ ગરિમાબેનના ગળે લાગી કહ્યું અને વૈદેહી સાથે તૈયાર થઈ ફરવા નીકળી ગઈ. એમનાં જતાં જ ગરિમાબેનના ચહેરાનાં હાવભાવ બદલાય ગયા. એમણે એમના ભાઈને ફોન કર્યો.

"જીગર, આજે રાતે જ શિખાને ફોન કરી ત્યાં બોલાવ અને હા મેં જે કહ્યું છે એવું જ કહેજે એટલે એ આવવાની ના જ ન પાડે." ગરિમાબેને એમના ભાઈ જીગરને કહ્યું.

"પણ બેન, એમાં ખોટું બોલવાની શું જરૂર છે ? જો હું સીધેસીધું શિખાને અહીંયા આવવાનું કહીશ તો પણ એ ના થોડી કહેવાની છે ! દર વખતે તો એ આવે જ છે ને ?" જીગરભાઈએ કહ્યું.

"દર વખત કરતાં આ વખત અલગ છે. તું બસ રાતે ફોન કરી એને ત્યાં બોલાવી લે." ગરિમાબેને કહ્યું અને બીજી થોડી વાત કરી એમણે ફોન મૂકી દીધો.

આ તરફ શિખા અને વૈદેહી સૌથી પહેલાં તો શોપિંગ કરવા ગયા. શિખાએ એનાં અને વૈદેહી માટે થોડા કપડાંની ખરીદી કરી. બંને થાકી ગયા તેથી મોલમાં જ એક જગ્યાએ કોફી શોપમાં બેઠા. વૈદેહીએ શિખાને મોબાઈલ દેખાડ્યો અને કહ્યું,

"શિખુ, મેં આજ સુધી મોબાઈલ યુઝ નથી કર્યો તો મને તો આમાં કંઈ ખબર નથી પડતી."

"એટલે જ તને હંમેશા કહેતી હતી કે મારો ફોન યુઝ કર પણ નહીં તને તો તારી બુક્સ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર જ ક્યાં હોય છે ! હવે હું નથી શીખવવાની તને હાં." શિખાએ કહ્યું.

"એવું નહીં કર ને યાર. તને તો ખબર જ છે કે મને ક્યારેય ફોનની જરૂર પડી નથી. પણ એવું નથી કે મને ક્યારેય ઈચ્છા નથી થઈ મોબાઈલ લેવાની ? ઈચ્છા તો મને પણ થતી. જ્યારે જ્યારે હું અંજલીને મોબાઈલમાં ચેટ કરતાં જોતી કે સેલ્ફી લેતાં જોતી તો મને પણ થતું કે કાશ મારી પાસે પણ મોબાઈલ હોત. પણ સાથે મને એ પણ ખબર હતી કે મામી ક્યારેય મને મોબાઈલ લઈ નહીં દે તો મેં મારું મન મનાવી લીધું હતું." વૈદેહીએ કહ્યું.

"તું આવી કેમ છે વૈદુ ? એક બાજુ કેટલી બધી હિંમત દેખાડે છે અને બીજી બાજુ સાવ ડરપોક જેવું વર્તન કરે છે. તું મને હંમેશા અન્યાય સામે લડવાનું કહે છે. હંમેશા કહે છે કે કોઈનાથી ડરવાનું નહીં અને તું પોતે બાળપણથી તારા મામીથી ડરતી આવી છે. તું એમની સામે તારા હથિયાર કેમ હેઠે મૂકી દે છે ?" શિખાએ પૂછ્યું.

"જે પોતાના છે એમની સામે કેવી લડાઈ ? તું એ બધું છોડ. તું ફક્ત મને મોબાઈલ યુઝ કરતાં શિખવાડ." વૈદેહીએ વાતને વાળતાં કહ્યું.

"પણ પહેલાં એ તો જણાવ કે તું સૌથી પહેલાં કોને ફોન કરશે ?"

"અં...એ તો...." વૈદેહીની આંખો સામે સાર્થકનો ચહેરો આવી ગયો. અને એનાં કારણે એનાં હોઠો પર આપોઆપ સ્માઈલ આવી ગઈ.

"એય ક્યાં ખોવાઈ ગઈ ? અને આ કારણ વગરની સ્માઈલ ! કોને યાદ કરીને હસી રહી છે ? અંઅંઅંઅં લેટ મી ગેસ. આ સ્માઈલનું કારણ ક્યાંક મારાં લાડલા ભાઈ તો નથી ને ?" શિખાએ વૈદેહીને કોણી મારીને કહ્યું.

"ન...ના..હું તો.." વૈદેહીની ચોરી પકડાઈ ગઈ હોય એમ એ આમતેમ જોવા લાગી.

"એક કામ કર. તું છે ને ભાઈને ફોન કર...નહીં ભાઈ તો ફ્લાઈટમાં હશે. તું એમને મેસેજ કર." શિખાએ ફોન ધરીને કહ્યું.

"ના, મારે નથી કરવો કોઈ મેસેજ." વૈદેહીએ કહ્યું.

"નથી કરવો કે મારી સામે નથી કરવો ? ચાલ ચાલ, જલ્દી જલ્દી ભાઈને હાય નો મેસેજ મોકલ." શિખાએ જીદ પકડી અને વોટ્સ એપ પર કઈ રીતે ચેટ થાય એ શીખવ્યું. શિખાએ ફરીથી એને સાર્થકને મેસેજ મોકલવા કહ્યું.

વૈદેહી ના કહેતી રહી પણ શિખા માની નહીં તેથી એણે સાર્થકને વોટ્સ એપ પર હાય નો મેસેજ કર્યો.

"બસ હાય કહ્યું એટલે પૂરું ?" શિખાએ કહ્યું.

"હા બસ. હવે હું કોઈ મેસેજ નથી કરવાની. સમજી ?" વૈદેહીએ કહ્યું અને ત્યાંથી ઉભી થઈ ગઈ.

"તું નહીં કરે તો કંઈ નહીં તારા બદલે હું મેસેજ કરી દઈશ અને એ પણ તારા નામથી." શિખાએ ધીમેથી કહ્યું અને વૈદેહીનાં ફોનમાંથી એણે સર્થકને થોડા મેસેજ મોકલ્યા.

ત્યાંથી નીકળી બંને એક ગાર્ડનમાં ગયા. બંને ખાસ્સો સમય ત્યાં બેઠાં. ત્યાંથી નીકળી તેઓ ડિનર કરવા ગયા. શિખાએ બધું વૈદેહીની પસંદગીનું ફૂડ ઓર્ડર કર્યું.

ઘરે પહોંચતા એમને રાતનાં દસ વાગી ગયા. શિખાએ જેવો ઘરમાં પગ મૂક્યો, એનાં મામા જીગરભાઈનો ફોન આવ્યો. ફોન સ્ક્રીન પર મામા એવું નામ જોઈ શિખા ખુશ થઈ ગઈ.

"હેય મામુ, હાઉ આર યુ ?" શિખા ઉત્સાહમાં આવી બોલી.

"એકદમ મસ્ત માય એન્જલ. પણ તું ક્યાં ખોવાઈ ગઈ છે આજકાલ ? ન કોઈ ફોન, ન કોઈ મેસેજ..પહેલાં તો થોડા થોડા દિવસે મામુને યાદ કરતી હતી પણ હવે તો માંડ ગુડ મોર્નિંગનો મેસેજ આવે છે." જીગરભાઈએ કહ્યું.

"ઓહ મામુ, હું શું કહું તમને ? મારી એક્ઝામ હતી અને એ પહેલાં મારી ફ્રેન્ડ છે ને વૈદેહી એનાં...." શિખા વૈદેહી અને સાર્થક વિશે કહેવા માંગતી હતી પણ ગરિમાબેને ઈશારાથી એને આ બધું કહેતા રોકી.

"શું ? શું થયું તારી ફ્રેન્ડ ને ?" જીગરભાઈએ કહ્યું.

"અં...કંઈ નહીં. એ હું એમ પૂછતી હતી કે નાનીને કેમ છે હવે ?" શિખાએ પૂછ્યું.

"મેં એ જ કહેવા માટે તને ફોન કર્યો છે. મા તને ખુબ જ યાદ કરી રહી છે. કહે છે કે એ તને મળવા માંગે છે. તો તું જલ્દીથી જલ્દી અહીંયા આવી જા. એક કામ કર, તું કાલે જ આવી જા. હું બેન સાથે વાત કરી લઈશ." જીગરભાઈએ કહ્યું.

"પણ મામુ, આ વખતે આવવું થોડું મુશ્કેલ છે. હું નેક્સ્ટ વેકેશનમાં આવીશ." શિખાએ કહ્યું.

"પણ બેટા, તારી નાનીની તબિયત ખરાબ છે તો એ તને મળવા માંગે છે. શું તું તારી નાનીને મળવા પણ નહીં આવે ?" જીગરભાઈએ કહ્યું.

"ઓકે, એમ પણ હવે વેકેશન જ છે તો હું કાલે જ આવી જઈશ." શિખાએ કહ્યું અને પછી થોડી વાત કરી એણે ફોન કટ કર્યો.

વૈદેહી વિશે ગરિમાબેને કેમ કંઈ કહેવા ન દીધું એનાં જવાબમાં ગરિમાબેને એને કહ્યું,

"સાર્થક અને વૈદેહીનાં લગ્ન થયા છે એ વાત આપણે જ જાણીએ છે. હજી સુધી આ વાત બહાર ગઈ નથી. અને આ સમય ઠીક પણ નથી આ બધી વાતો બહાર પાડવાનો. યોગ્ય સમય આવ્યે આ વાત બહાર પડશે. ત્યાં સુધી ચૂપ રહેવું જ યોગ્ય છે." ગરિમાબેને કહ્યું.

શિખાએ એમની વાત માની લીધી પણ એણે જીદ કરી કે એ વૈદેહીને એની સાથે લઈ જશે. ત્યાં એ વૈદેહીને એની ફ્રેન્ડ તરીકે જ લઈ જશે. ગરિમાબેને આનાકાની કરી, ઘણા બહાના બનાવ્યા પણ પછી રજનીશભાઈએ પણ શિખાની વાત માની લીધી તેથી એમની પાસે હવે કોઈ બહાનું ન હતું. એમણે કમને વૈદેહીને પણ જવાની પરમિશન આપી.

એમણે વિચાર્યું હતું કે શિખા અને સાર્થકની ગેરહાજરીમાં એ વૈદેહીને આ ઘરમાંથી બહાર કાઢી શકશે પણ હવે એ શક્ય ન હતું. તેથી એમણે બીજો કોઈ પ્લાન બનાવવાનું નક્કી કર્યું.

વધુ આવતાં ભાગમાં....