પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો બીજુ જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ચોમેર વીંટળાયો હોય, અને કાળું ડિબાંગ અંધારૂ ચારે કોર વ્યાપ્યુ હોય તેમ લાગતુ હતું, તેમાં પણ જો કોઈ તારો ચમકારો કરે તો એમ લાગે કે જાણે સ્મશાનમાં ચીતા ઉપર બેસીને કોઈ કાળપુરૂષ ચલમના ઘૂંટડા ભરતો હોય અને નશામાં ચકનાચૂર તેની બે લાલ-લાલ આંખો તે અંધકારમાં ચમકી ઉઠી હોય બસ એવો જ આભાસ થાય.
કોઈ અઘોરીની જટાની માફક ચારે કોર ફેલાયેલ વૃક્ષોથી આચ્છાદિત જંગલ, કાળીડીબાંગ રાત્રિના સાનિધ્યમાં ભયાનક ભાસતું હતું. આળસુ બનીને પડી રહેલા કાળોતરાની જેમ ડામરીયો રોડ જંગલને ચોમેર વીંટળાયેલો હતો, જાણે કે હમણાં જ જાગ્યો ન જાગ્યો કે કોઈને ભરખી જશે, રાત પડીને જાણે રજવાડું મળી ગયું હોય તેમ વરુ અને શિયાળ ભેગા મળીને આક્રંદ કરતા હતા, અંધકારની ઉજાણી કરતા હતા. આ જંગલ તેની સુંદરતા માટે ઓછું અને ભયાનકતા માટે વધારે જાણીતું હતું, તેમાં પ્રાણીઓ ઓછા અને પ્રેત ઝાઝાં હોવાના એંધાન લોકોને વારંવાર મળતા હતા, રાત થતી અને ત્યાંથી પસાર થવાની કોઈ હિંમત પણ નહોતું કરતું.
એવામાં જ એક જીપ ધીમીગતિએ ત્યાંથી પસાર થઈ રહી હતી, તેમાં બે માણસો બેઠેલા હતા, તેમાંથી એક જાલમસિંહ જે આ જંગલના ફોરેસ્ટ ઓફિસર હતા અને બીજો તેમનો સહાયક ફોરેસ્ટગાર્ડ બહાદુર, એકબીજા સાથે વાતો કરતા કરતા નાઈટ ડ્યુટી માટે જંગલમાં આવેલી પોતાની ચોકીએ જઈ રહ્યા હતા. બહાદુરે બાપુને ફુલાવવાનું ચાલુ કર્યું…
બાપુ તમે તો હાવજ છો હાવજ હો તમારા પહેલા કેટલાય ઓફિસરો આવ્યા બધાય બીકણના પેટના હતા, એક તમે છો કે કોઈનાથીએ ડરતા નથી તમારી ધાકથી તો જંગલના સાવજ જંગલ છોડીને ચાલ્યા જાય છે.
બહાદુર સારી રીતે જાણતો હતો કે બાપુના ગુસ્સાથી બચવા માટે વખાણ ના ડોઝ આપવા જરૂરી હતા.
અરે બાપુ લ્યો આ તાજી તાજી તાડીનો એક પેગ મારો લ્યો રાત્રે હારી ઊંઘ આવશે.
હાહરા તું જંગલમાં ઊંઘવા જાય છે કે ડ્યુટી કરવા જાય છે? જાલમસિંહ તાડુક્યા
ના ના બાપુ એમ નહીં આ તો તમને બસ પૂછતા પૂછતા પુછાય ગયું.
તમારી ઈચ્છા ના હોય તો પાછી મૂકી દઉં છું…..
લાવ હવે પાછી મુકવાવાળા.
બાપુ હવે થઈને જાલમસિંહ વાળી વાત.
અને જાલમસીહે પણ એક પેગ લગાવ્યો.
વાહ બાપુ વાહ તાડીની અસર તમારી આંખોમાં દેખાય છે હો.
અલ્યા આટલી તાડી તો મારે ચણા મમરા બરાબર…
બંને જણા આમ એક બીજા સાથે વાતો કરતા કરતા પોતાનો સફર કાપતા જતા હતા. જાલમસિંહ હમણાં જ આ જંગલમાં ફોરેસ્ટ ઓફિસર તરીકે ડ્યૂટી પર આવ્યા હતા. લગભગ ત્રણેક મહિના થયા હતા. તેથી જ તેઓ આ જંગલની ભયાનક તસવીરથી અજાણ હતા. બહાદુર તો ઘણો જૂનો માણસ હતો જંગલના ખૂણે ખૂણેથી વાકેફ હતો.
આખરે તેમની મંઝિલ આવી જ ગઈ તેઓ પોતાની ચોકી પર પહોંચ્યા જાલમસિંહે ચોકીની બહાર પોતાની જીપ પાર્ક કરી બંનેએ પોતપોતાની બંદૂક લીધી, અને રૂમમાં ગયા તેઓ પોત પોતાના પલંગ પર બેઠા અને ગપ્પા મારવા લાગ્યા ગપાટા મારતા મારતા રાત્રીના લગભગ 12:30 વાગી ગયા, અને જાલમસિંહને બગાસા આવવા લાગ્યા.
બાપુ તમ તમારે નિરાંતે સુઈ જાવ હું આખી રાત ચોકી કરીશ. બહાદુરે કહ્યું.
અરે ના ગાંડા ના તુયે માણસ છે તારે એકલાએ ચોકી કરવાની કાંઈ જરૂર નથી, હું થોડીવાર નીંદર લઇ લઉ, મોબાઇલમાં બે કલાકનું અલાર્મ સેટ કરીને સુઈ જાવ છું,બે કલાક પછી તું સુઈ જજે આમ વારાફરતી આપણે આપણી ડ્યુટી નિભાવીશું જાલમસિંહે ઉદારતાથી કહ્યું.
બાપુ તમે તો ભારે દયાળું જીવ છો હો મેં તો ઘણા ઓફિસરો જોડે કામ કર્યું પણ કોઈએ ક્યારેય આ નાના માણહની કદર કરી જ નથી, આખી રાત મારે જ જાગવું પડતું, અને એ લોકો નિરાંતે સુતા.
એલા તું મને માખણ લગાવવાનું બંધ કર અને તું તારી ડ્યુટી કર નહિતર હું પણ તને આખી રાત ડ્યુટી કરાવીશ અને બંને ખડખડાટ હસી પડ્યા.
બાપુ આખરે સૂઈ ગયા
બહાદુર ચોકીની બહાર પોતાની ખુરશી પર બંદૂક લઈને બેઠો હતો,ઘડિયાળની ટકટક ચાલુ હતી, ખૂબ જ ઝડપથી વાયરો વાતો હતો, ઘુવડ,રીંછ,વરુ અને શિયાળવાના ભયાનક અવાજો સંભળાતા હતા, બહાદુરને ખુરશી પર જોકા આવવા લાગ્યા આમ તો, બહાદુર અને બાપુ બંને ગાઢ નિંદ્રામાં નહોતા સુતા બસ આછી પાતળી નીંદર માનતા હતા, તેવામાં જ જંગલમાં આમતેમ વિખરાયેલાં પાંદડા ઉપર કોઈના પગલાં પડતા હતા,તેનો પગરવ સંભળાતો હતો, કોઈ પ્રાણી વિચરણ કરતું હશે, એમ જાણી બહાદુરે કાંઇ ગણકાર્યુ નહીં, પણ થોડીવાર પછી કોઈના અટ્ટહાસ્યનો અવાજ સંભળાયો હા હા હા હા. બાપુ અને બહાદુર બંને ઝબક્યા બહાદુર ખુરશીમાંથી સફાળો ઉભો થયો અને બાપુ પણ જાગી ગયા, આ કોઈ માણસનો અવાજ હતો.
હવે અહં અશ્વત્થામા ઉવાચ: એવો ભયાનક અવાજ સંભળાયો, અહં દ્રોણ પુત્ર અશ્વત્થામા ઉવાચ: ફરીથી આવો અવાજ સંભળાવો બહાદુર ગભરાયો, તેના હાથમાં રહેલી બંદૂકનું ટ્રીગર દબાઈ ગયું અને ગોળી છૂટી ગઈ, ગોળી છૂટવાના અવાજ સાથે જ કોઈના ભાગવાનો અવાજ ત્યાંથી સંભળાયો કોઈ માણસ ભાગ્યો, એ જ દિશામાં બહાદુર અને બાપુ બંને પોતાની બંદૂક અને ટોર્ચ લઈને એક સાથે ભાગ્યા અડધો કિલોમીટર સુધી જુદી જુદી દિશામાં નિરીક્ષણ કર્યું પણ બંને જણાને કાંઈજ મળ્યું નહીં.
આખરે થાકીને બંને ચોકીએ પાછા ફરે છે, બંને જણા ઉંડા વિચારોમાં ડૂબી ગયા કે જંગલમાં પ્રાણીઓની બીકથી કોઈ માણસ દિવસે પણ ભટકતો નથી તો આવી બિહામણી રાત્રીમાં ઘનઘોર જંગલમાં વળી આવા ભયાનક અવાજમાં કોણ બોલાતું હશે?
બાપુ એક વાત કહું મને તો આ કોઈ પ્રેતાત્માં લાગે છે, ધીમા અવાજે બહાદૂરે કહ્યું.
અરે! બકવાસ બંધ કર કોઈ પ્રેત બેત નથી સમજ્યો આતો કોઈ તસ્કરી ખોર ગેંગનો માણસ લાગે છે અને આપણને ડરાવીને જંગલમાંથી દૂર કરવા માગે છે અને જંગલમાંથી કીમતી વસ્તુઓ ચોરવા માંગે છે પણ હું તેમના આ ઇરાદાઓ પાર નહીં પડવા દઉં. જાલમસિંહ ગુસ્સાભર્યા અવાજે બોલ્યા.
ના બાપુ આ તમારી ગેરસમજ છે. આ જંગલ વર્ષોથી તસ્કરોના ત્રાસથી મુક્ત છે, અહીં વર્ષોથી કોઈ તસ્કરી કે ચોરી થઈ નથી, પ્રાણીઓ કરતાં પ્રેતોનો ડર વધારે છે લોકોને કોઈ જંગલની આસપાસ પણ ફરકતું નથી. આ નક્કી કોઈ પ્રેત જ છે, બહાદૂરે કહ્યું.
હ….અ…અરે તારા એ પ્રેતને આવવાતો દે મારા હાથે લાગવાતો દે તેને સાત જનમ જો યાદ ના દેવડાવી દઉં તો મારુ નામ જાલમસિંહ નહીં. બાપુ મુછોને તાવ દેતા બોલ્યા. હવે સાભળ મારી પાસે એક યોજના છે, કાલે રાત્રે આપણે બંને જંગલનુ નિરીક્ષણ કરવા જઈશું બધો સામાન પેક કરી દે જે. અને હા દબાતા પગલે આપણે જવાનું છે યાદ રાખજે.
એ સારુ બાપુ. બહાદૂરે જવાબ વાળ્યો.
જોત જોતામાં સવાર પડી અને બંને પોતના ઘરે ગયા.
******* ******** ******** ******* *********
આજે પણ ફરીથી બિહામણી રાત આવી, હંમેશની જેમ આજે પણ જાલમસિંહ અને બહાદૂર ડ્યૂટી પર આવ્યા.
જો બહાદૂર આજે તારે બિલકુલ સજાગ રહેવાનુ છે, એકદમ સજાગ સમજ્યો અને તાડીનો પેગ લગાવ્યો તો તારી ખેર નથી
તારી બંદૂક પણ ફુલ્લી લોડેડ રાખજે, આજે ખૂની ખેલ પણ ખેલાઇ શકે છે સમજ્યો..
એ હા બાપુ તમે જરાય ચિંતા ન કરો.. બહાદૂર એકદમ રેડી છે. પેલો કહેવાતો અશ્વત્થામા મારી સામે તો આવે આજે તેની ખેર નથી…..
આમ બંન્ને જણા પૂરી તૈયારી સાથે જંગલમાં પ્રવેશ્યા, રાત્રી તેની મસ્તીમાં વહેતી જાય છે, ધીમી ગતીએ પવન ફૂંકાયછે, પ્રાણીઓ અને જીવજંતુઓનાં અજીબોગરીબ અવાજો સંભાળાય છે, ક્યાંક શિયાળવાનો આક્રંદ અને ક્યાંક સર્પોના સરકવાનો અવાજ વાતાવરણને ઔર બિહામણું બનાવે છે.
આવી ભયાનક રાત્રિમાં જાલમસિંહ અને બહાદૂર આગળ વધતાં જાય છે, ત્યાં અચાનક જ કોઈનો પગરવ સંભળાયો, બહાદૂરે અવાજની દિશામાં ટોર્ચનો પ્રકાશ ફેક્યો ત્યાતો…..કોઈ ત્યાંથી તેઓ બન્નેને જોઈને ભાગ્યુ. તે બંનેએ તેનો પીછો કર્યો…. આખરે પેલો અજાણ્યો પુરુષ ત્યાં ઊભો રહ્યો. અને અટ્ટહાસ્ય કરવા લાગ્યો, જાલમસિંહે તેના પર ટોર્ચનો પ્રકાશ ફેક્યો. હવે જાલમસિંહ, બહાદૂર અને પેલા અજાણ્યા માણસની નજર એક થઈ.
અને બસ જાલમસિંહના મોં માંથી અવાજ નીકળી ગયો… આઈ કાન્ટ બિલીવ ધીસ બહાદૂર…..
પેલા અજાણ્યા માણસનુ રૂપ જોઈને જાણે તેમના પગ નિચેથી ધરતી ખસી ગઈ. આવો તે માણસ હોય? કોણ હશે આ ક્યાંથી આવ્યો હશે? કોઈ માણસ જ છે કે પછી પ્રેત કે રાક્ષસ? કે પછી બીજા યુગનો કોઈ અલૌકીક પુરુષ? વગેરે સવાલો તેમને ઘેરી વળ્યાં કારણકે પેલા કદાવર માણસનો દેખાવ જ એવો હતો, અઘોરીની જટા જેવા લાબા વાળ, બિહામણો ચહેરો, મોટી ભુખરી લાલ ચોડ આખો, ચિથરેહાલ છતાં કદાવર દેહ, મોટા મોટા હાથ પગના નખ, અને અજીબ હરકતો. તેને જોઈને જ કાળજુ કંપી ઉઠે….
હિંમત કરીને જાલમસિંહ બોલ્યા એ કોણ છે તું ત્યાં જ ઊભો રહે નહીંતર ગોળી મારી દઈશ.
અહં અશ્વત્થામા અટ્ટહાસ્ય કરતાં કરતા પેલો અજાણ્યો માણસ બોલ્યો અને ત્યાથી પૂર ઝડપે ભાગી છૂટ્યો…
જાલમસિંહ અને બહાદૂર્ પણ તેની પાછળ ભાગ્યા પણ તે હાથમાં આવે ખરો.
આખા જંગલમાં બસ એક જ અવાજ ગુજી ઉઠયો અહં અશ્વત્થામા ઉવાચ: .........અહં અશ્વત્થામા ઉવાચ: ......
– ક્રમશઃ