પ્રતીક્ષા Varsha Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

પ્રતીક્ષા

વર્ષો વીત્યા. હવે તો મારી નજર પણ ધુંધળી થઈ ગઈ હતી. પણ તો ય મનમાં એક આશા હતી કે ક્યારેક તો તારો પત્ર આવશે.
વાળમાં સફેદી મને જરાય ગમતી નહોતી પણ ઉંમર ઉંમરનું કામ તો કરે જ ને!
હવે તો ગામના ટપાલી બારણે આવે તો ઝટ ઊભાં ય થવાતું નહોતું. જમીન પર હાથ ખોડીને ઊભી થાતી ને તો ય બેલેન્સ રાખવામાં મુશ્કેલી પડતી.
નવો જમાનો, નવી વાતું પણ હું તો હજીય જૂની જ હતી. તારા બાપા હારે મારા લગન થ્યા તૈ હું હતી ચૌદની ને ઈ હતાં વીસનાં. સાસરે ગઈ ત્યારે ઈમનું મોં ભાળ્યું. આમ નાની ખરી પણ હાડેતી બહુ તે લાગું હું અઢારની.
હાય હાય.. એમની શરમ બહુ આવ હોં. ઈવડા ઈ ઓરડામાં આવ ને હું ભાગું. બોલાય જ નહીં. પણ ઈમ પાછા ધ્યાન બહુ રાખ હોં. ને વરહ વ્યું ગ્યું પણ દી નો રયે. સાસુમા ય વાટ જુવે કે કંયે વહુ પેટ માંડે.. પણ ઈ કંઈ મારા હાથમાં થોડું હતું. તે લગનને બે વરહ થ્યા ને દી રયા. ઈવડા ઈ તો એવાં હરખાણા. મારા લાજનો ઘુમટો ઉઠાવીને એવું જોઈ રયા કે હું તો ક્યાં જાઉં?
તારો જનમ.. બાપ રે! ધોળે દીએ તારા દેખાઈ ગ્યા હોં. પણ તું આયવો ને બધુંય ભુલાઈ ગ્યું. ને ઈમાં ય તને દૂધ પાવા ખોળામાં લીધો ને છાતીએ વળગાડ્યો ત્યાં તો હૈયામાં આનંદનાં ઓઘ ઉછળવા માંડ્યા. તને કોઈની નજર નો લાગે એટલે સાડલાનો પાલવ ઓઢાડી દીધો. માથે હાથ ફેરવતી જાઉં ને બોલતી જાઉં.." પી લે મારા લાલ.. તારા હાટુ તો ઉપરવાળો દયે છે."
પણ તારા બાપાનું સુખ ઝાઝા દી નો ટક્યું હોં. એક દી મને રોતી મેલી ઈ ગામતરે હાલી નીકળ્યાં. ઘણું ય દોડી પાછળ પણ ઊભાં જ નો રયા.. મને ભેળી ય નો લઈ ગ્યા.
ક્યાંથી લઈ જાય? ત્યાં તો એકલા જ જાવું પડે.
ઘરમાં ખાવાનું નો મળે. કમાવાવાળા ઈ એકલા જ હતાં. સાસુ ય ઘરડા થઈ ગ્યા તા.. ને હું ઘર બાર નીકળી. વિધવા બાઈ.. બધા ય ની કુડી નજર.. મજૂરી કરવા જાઉં ત્યાં શેઠ હાથ ઝાલે.. પણ હું બઉ કાઠી હોં. બધા ય ને પોંચી વળતી. જુવાની ય બે કાંઠે વહેતી નદી જેવી હતી. એને સંતાડવી ક્યાં?
ને એમાં એક જુવાનિયો દિલના દરવાજે થઈ અંદર આવી ગયો.. ઘણું ય મન માર્યું પણ જુવાની નાથવી કેમ?
દિલનો દરવાજો કરી દીધો બંધ. તારા બાપા વના કોઈ હારે મન મેળવવું નોતું.
ભર જુવાનીમાં અસ્ત્રી જાત.. બહુ કાઠું છે ભાઈ.. તો ય દી ધકેલતી ગઈ. તું મોટો થતો ગ્યો. હવે કંઈ ભો નોતો. જુવાની ય ઓસરી ગઈ હતી.
એક દી તેં શહેરમાં કમાવા જવાની રઢ લીધી. મન નોતું માનતું પણ જાવા દીધો. ઈ દાડે હું બઉ રોઈ હોં. તારા બાપા બઉ યાદ આયા. તેં મને કીધું, " મા, જાવા દે.. કમાઈને તને ત્યાં તેડી જઈશ. "
ઈ વાતને આજકાલ કરતાં દસ વરસ વીતી ગ્યા. શહેરમાંથી જુદા જુદા સમાચાર મલે.કોઈ ક્યે..તેં લગન કરી લીધાં છે.. કોઈ ક્યે તારે ઘેર દીકરો આયો.. પણ મને તો એક જ વિચાર આવ કે મારો કાનો મને ભેળો થવા આવતો કાં નથી? ઈ બધુંય ભૂલી ગ્યો? મારી એકલતા, મારી વ્યથા, મારી ગરીબી..!
હવે તો કામ ય નોતું થાતું એટલે ઓટલે થોડાક બોરા ને જામફળ લઈ બેસતી. બે ય કામ થાય. બે પૈસા આવ તો રોટલો ખાઉં.
મને ઈ જ નોતું સમજાતું કે હું વાટ કોની જોતીતી? મોતની કે પનોતા પુત્રની!!
સમાપ્ત
વર્ષા જોષી.