Lakiro Gujarati Film Review books and stories free download online pdf in Gujarati

લકીરો ફિલ્મ રિવ્યૂ

લકીરો ફિલ્મ રિવ્યૂ


તકરાર 
તફાવત
અને 
તકલીફ

 


લાગણી 
 લગ્ન
 અને 
 લકીરો 


આ બધા શબ્દોને એક શ્રેણીમાં મૂકી શકાય, સંબંધમાં શું કરવું એ તો આખું ગામ અને ગલીએ ગલીએ બધા જ શીખવાડશે પરંતુ સંબંધ કે લગ્નમાં શું ન કરવું એ જો જાણવું હોય ને તો ફિલ્મ લકીરો જોવી પડે. 
વાર્તાની વાત કરું ને તો એક બહાદુર પગલું છે આજકાલની ટોક્સિસિટીને દર્શાવવાનું, અને વાત કે વાર્તા માત્ર ટોક્સિસિટી એ અટકી નથી જતી એ ટોક્સિટી માંથી બહાર આવે અને કઈ રીતે સંબંધ બચાવોને એની પણ આખી વાત છે, આજકાલ બધા જ મોર્ડનાઈઝેશનની દોડમાં ભાગી રહ્યા છે અને જરૂર પણ છે એ વસ્તુની. પરંતુ એટલી હદે નહીં કે તે સંબંધોમાં પણ અંતર, શંકા, હરીફાઈ આવી જાય. ક્યાંક જુનવાણી અને જૂના, મોર્ડન અને વિકસિત વિચારો વચ્ચે નો તફાવત છે લકીરોમાં. મતભેદ મનભેદ બની સંબંધને હરાવી શકે છે પણ લકીરો માં સાથ લખ્યો હોય તો અંતે પાછો ફરે જ એ ખાતરી!
બીજી એક વાત જે ગમી જાય એવી હોઈ તો એ માતા પિતા નો સપોર્ટ, સારા કે નરસા કોઈ પણ ડિસિઝનમાં બાળકોને એટલું જ પૂછવાનું કે તું ખુશ છે ને? આ અભિગમ ભલભલા વ્યક્તિને નવી હામ ભરી દે! 

 


એકટર્સની વાત કરું તો પાત્રો એ સંપૂર્ણપણે પોતાની પાત્રતા સિદ્ધ કરી છે એ દેખાય આવે! સતત પોતાને રિચાની જગ્યાએ મૂકી વિચારવા મજબૂર કરી દે અને ક્યાંક રિશીની માનસિકતાને પણ જસ્ટિસ મળે સાથે મુખ્ય વાત કે સૌમ્યા જેવા મિત્ર મળે એ માત્ર કિસ્મત જ હોઈ શકે! અને એક જીણવટથી કંડારાયેલું પાત્ર ‘નિખિલ‘, મર્યાદા, મિત્રતા અને બોસનો સુગમ સંગમ દર્શાવે છે! દીક્ષા જોશી અને રોનક કામદાર પાત્રમાં સાવ આરપાર નીકળી ગયા હોઈ એમ લાગે! જાણે આમને આપડે જાણીએ જ છીએ! 
નેત્રી ને નવા દેખાવ અને એ જ બિન્દાસ છટામાં જોવું ખૂબ ગમે એ રીતે પાત્ર ઉભુ કર્યું છે! નિસર્ગ ત્રિવેદી, વિશાલ અને અન્ય પાત્રો જાણે લકીરો ને પૂરું કરતું હોય એમ રંગ પુરે છે! 


વાર્તા સિવાયની વાતમાં ગીતો ગમી જાય એવા અને તરત નવી પરિસ્થિતિમાં દર્શકને ઢાળી દે. "હાથની લકીરોમાં લાગણીને વહેવા દે" કેટલું બધું આ એક માત્ર લીટી માં વર્ણવી દીધું! ગીતો ઘરેણાં સમાન બની આખી લકીરો ને જગમગાવી દે છે! ખૂબ જ જાણીતા નામો અને અવાજ જેમ કે પાર્થ ઠક્કર, અમિત ત્રિવેદી , વિશાલ દદલાની અને બીજા ઘણા થીજેલી લાગણીઓ ને વહેણ આપે છે પાત્રોની સાથે સાથે સહજતાથી તમે વાર્તાનો ભાગ બની જાવ એમાં બેક ગ્રાઉન્ડ મ્યુઝિક નો પણ ખૂબ મોટો હાથ ખરો. વાર્તામાં સમયની ભાગદોડ દર્શાવવી અને પૂરતો ન્યાય આપી ચોક્કસ લાગણી પહોંચાડવા પાછળ જેટલા પણ ટેકનિકલ આસ્પેક્ટસ છે એ ખૂબ સરાહનીય છે!


જેમ જેમ સમય વહેતો જાય અને સમયે સમયે એની અંદરથી નવી નવી વાતો અને તબક્કાઓ આવતા જાય અને એને મણકાની જેમ લકીરોમાં પરોવવાનું ડો. દર્શન ત્રિવેદી નું કૌટિલ્ય સ્ક્રીન પર વાર્તાને ખીલવી દે! 


ફિલ્મનો મૂળ વિચાર વાર્તાની દૃષ્ટિએ નવીન અને હકીકતની દૃષ્ટિએ ખૂબ જાણીતો લાગે! જાણે ક્યાંક ક્યાંક આપની જ કોઈ વાત કહેવાઈ હોઈ! ગેરસમજ માણસને તો ખાઈ જાય છે પરંતુ સાથે સાથે સંબંધનું પણ પતન કરી દે છે! એવામાં જો ક્યાંક નાની ખુશી જન્મે તો એ સંબંધને પણ ફરી જીવંત કરવાનો એક મોકો મળી જાય છે, ફરી એ સંબંધને વિચારવાનો મોકો મળી જાય છે! આપણે, ‘હું ‘ માં જ એટલા બધા પડી જઈએ છીએ કે આપણે તરફ ધ્યાન જ નથી જતું! તરત ઓપ્શન તરફ નજર જતી રહે પણ લાગણી અને લકીરોનું મૂળ જો મળી જાય તો બધી ભૂલો ભૂલાય જાય! 


મારા મતે વાર્તામાં કનેક્શન ની ઉણપ જરાક વર્તાય પણ એમ માની શકાય કે બિનજરૂરી અને સમજી શકાય એવી વાતોમાં વધુ સમય ન આપી મુદ્દાને વળગી રહે વાર્તા. હવે હું જ બધું કહી દઈશ તો તમે શું જોશો!? 


બાકી વિવેચકો અને પ્રશંશકો તો ગમે તે કહે, દરેક ફિલ્મ મહેનત સાથે સાથે પોતાની લકીરો લઈને આવે છે! એમ લકીરો પણ જાહોજલાલી લઈને જરૂરથી આવી હશે! 

- Kishan Kalyani (Editor and Inteviewer)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED