અતૂટ બંધન - 14 Snehal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ બંધન - 14







(એક્ઝામ ની ચિંતામાં વૈદેહી લંચ કે ડિનર કરતી નથી. સાર્થક એનું માઈન્ડ ફ્રેશ કરવા એને લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. ત્યાં એ તળાવ પાસે જઈ ગાડી ઊભી રાખે છે. વૈદેહી ત્યાં જઈ ખુશ થઈ જાય છે. એ સાર્થક સાથે દિલ ખોલીને બધી વાત કરે છે. શિખા સાથે એ એક્ઝામ આપવા નીકળે છે તો બીજી તરફ વિક્રમ બંનેને સબક શીખવાડવા માટે તૈયાર બેઠો છે. હવે આગળ)

સાર્થક શિખા અને વૈદેહીને કોલેજ ડ્રોપ કરવા ગયો. રસ્તામાં એણે વૈદેહીને ટેન્શન વગર પેપર લખવા કહ્યું.

"ભાઈ, એક્ઝામ ફક્ત તમારી વાઈફની નહીં પણ તમારી બહેનની પણ છે. તો થોડું જ્ઞાન મને પણ આપો કદાચ કામ આવી જાય." શિખાએ મજાક કરતાં કહ્યું.

"હા તો જ્ઞાન આપવા માટે સામેનું પાત્ર યોગ્યતા પણ તો ધરાવતું હોવું જોઈએ." સાર્થકે પણ વાતાવરણ હળવું કરવા શિખાની ટાંગ ખેંચતાં કહ્યું.

"હા હા હવે તો બધી પાત્રતા ફક્ત તમારાં પાર્ટનરમાં જ રહેલી છે. અમે તો કોઈ લાયકાત જ ક્યાં ધરાવીએ છીએ." શિખએ કહ્યું.

"એ તો હવે મને થોડી ખબર હોય કે તું લાયક છે કે નહીં !"

સાર્થક અને શિખા વાતને ખેંચી ખેંચીને લડી રહ્યાં હતાં અને એમની આ લડાઈ જોઈ વૈદેહી હસી રહી હતી. આમ જ લડતાં ઝઘડતાં ત્રણેય કોલેજ પહોંચ્યા.

"All the best !" સાર્થકે બંનેને કહ્યું અને ત્યાંથી નીકળી ગયો.

શિખા અને વૈદેહી વાત કરતાં કરતાં એમનાં બ્લોક નજીક પહોંચ્યા. બંને બાજુ બાજુનાં બ્લોકમાં હતાં. બંને બહાર ઉભા હતાં. હજી ક્લાસ ખુલ્યો નહતો. બંને વાતોમાં મશગુલ હતી ત્યાં જ વૈદેહીની નજર પોતાની તરફ આવી રહેલા વિક્રમ પર પડી. એનાં ચહેરા પર એક રહસ્યમયી સ્મિત હતું અને આંખોમાં ક્રૂરતા. વૈદેહીએ શિખા તરફ જોયું જેનું ધ્યાન હજી સુધી વિક્રમ પર નહતું ગયું. વૈદેહીએ શિખાને કહ્યું,

"શિખુ, મને તરસ લાગી છે. ચાલને નીચે જઈને પાણી પી આવીએ."

"પાણી પીવા માટે નીચે જવાની શું જરૂર છે ? મારી પાસે છે જ. લે." શિખાએ પાણીની બોટલ વૈદેહી તરફ ધરતાં કહ્યું.

વૈદેહીએ બોટલ લીધી અને જે તરફથી વિક્રમ આવી રહ્યો હતો એ તરફ જોયું. વિક્રમ એમની એકદમ નજીક આવી ગયો હતો. એ કંઈ હરકત કરે એ પહેલાં જ ક્લાસ ખુલ્યો અને બધાં જ ક્લાસમાં જવા લાગ્યાં. આ દરમિયાન વૈદેહી પણ શિખાને ખેંચી એનાં બ્લોકમાં લઈ ગઈ.

"વૈદુ, તારો બ્લોક બાજુમાં છે !" શિખાએ વૈદેહી પોતાના બ્લોકમાં આવી હોવાથી કહ્યું.

"I know. પણ મારે જોવું હતું કે તારો નંબર કઈ બેન્ચ પર આવ્યો છે એટલે આવી." વૈદેહીનાં મનમાં જે આવ્યું એ બોલી દીધું.

"હેં ! મારો નંબર ક્યાં આવ્યો છે એ તારે જાણવું હતું ?" શિખાએ એનું માથું ખંજવાળતા પૂછ્યું.

"કંઈ નહીં. બેસ્ટ ઓફ લક." વૈદેહીએ શિખાને ગળે લગાડી કહ્યું.

"હમમ, સેમ ટુ યુ." શિખાએ હસીને કહ્યું અને વૈદેહી એનાં ક્લાસમાં જઈને બેસી ગઈ.

'વિક્રમ જે રીતે અમારી તરફ આવી રહ્યો હતો અને જે રીતે એનાં ચહેરા પર હાસ્ય હતું એ કંઈ એમ ને એમ તો નહતું. એ કંઇક તો કરવાનું વિચારીને જ આવ્યો હતો પણ શું ?'

સુપરવાઈઝરનાં આવવાથી વૈદેહી એનાં વિચારોમાંથી બહાર આવી. એણે એના બધા વિચારો મનમાંથી કાઢ્યા અને પેપર પર ધ્યાન આપ્યું.

બીજી તરફ વિક્રમ કેમ્પસમાં આંટા મારી રહ્યો હતો. એનો ચહેરો જોઈ જ સમજાઈ રહ્યું હતું કે એ કેટલો ગુસ્સામાં છે. એનો ફ્રેન્ડ એને શાંત રહેવા જણાવી રહ્યો હતો.

"એની એકદમ નજીક પહોંચી ગયો હતો. પણ એનું નસીબ કે એ આજે બચી ગઈ. પણ ક્યાં સુધી ? ક્યાં સુધી બચશે ? એને હવે મારાથી કોઈ નહીં બચાવી શકે." વિક્રમ આગબબુલા થઈ બોલ્યો.

"વિકી, હમણાં એક્ઝામ ચાલે છે તો તારો પ્લાન હમણાં થોડા દિવસ...."

"વિકી ક્યારેય પીછેહઠ નથી કરતો." વિક્રમે લાલ આંખ કરી કહ્યું.

********

સાર્થક એની ઓફિસ પહોંચ્યો. રજનીશભાઈ પહેલાથી જ ત્યાં પહોંચી ચૂક્યા હતા. એટલો મોટો તો ન કહી શકાય પણ એમનો બિઝનેસ સારો એવો પ્રગતિનાં પંથે ચાલી રહ્યો હતો. રજનીશભાઈએ એક નાનકડી જગ્યા ભાડે લઈ ત્યાં એમની ઓફિસ બનાવી સ્ટાર્ટ અપ કર્યું હતું અને આજે એમની પોતાની સો એકરમાં ફેલાયેલી કંપની હતી

સાર્થક જઈને સીધો રજનીશભાઈની કેબિનમાં ગયો.

"પપ્પા, શું થયું ? તમે મને જલ્દીથી જલ્દી કેમ આવવા કહ્યું ?" સાર્થકે કેબિનનો દરવાજો ખોલતા જ પૂછ્યું.

"સાર્થક, અત્યાર સુધી આપણો બિઝનેસ ફક્ત આપણાં દેશ સુધી જ સીમિત હતો પણ હવે આ બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લઈ જવાનું હું વિચારી રહ્યો છું." રજનીશભાઈએ ઊભા થઈ કોફીનો મગ સાર્થકને આપતા કહ્યું.

"હું કંઈ સમજ્યો નહીં પપ્પા."

"પીટર્સ એન્ડ બ્રધર્સ નામની એક કંપની જે હાલ ઓસ્ટ્રેલિયા સ્થિત છે એ આપણી કંપની સાથે ડીલ કરવા માંગે છે. જો કે મેં એમની પાસેથી થોડો સમય માંગી લીધો છે." રજનીશભાઈએ કહ્યું જે સાંભળી સાર્થક એકદમ ખુશ થઈ ગયો અને બોલ્યો,

"વાઉ પપ્પા, આ તો ખરેખર ખૂબ જ ખુશીની વાત છે."

"હા પણ આ ડીલ કરતાં પહેલાં આપણે એમના વિશે બધી માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. અને એનાં માટે ચારેક મહિના ઓસ્ટ્રેલિયા જવાનું છે. પહેલાં તો મેં વિચાર્યું કે હું જઈ આવીશ પણ થોડા દિવસ પછી એક સાથે ત્રણ મિટિંગ છે અને તું તો જાણે જ છે કે એ ત્રણેય મિટિંગ કેટલી મહત્વની છે."

"ડોન્ટ વરી પપ્પા, હું કાલ સવારની ફ્લાઈટથી ઓસ્ટ્રેલિયા જવા નીકળી જઈશ." સાર્થકે કહ્યું.

"મને ખબર જ હતી કે તું મારી વાત ક્યારેય નહીં ટાળે તેથી મેં પીટર્સ એન્ડ બ્રધર્સનાં સીઈઓ મિસ્ટર વિલ્સન સાથે વાત કરી લીધી છે. તેઓ તને પિક કરવા ગાડી મોકલશે અને તારા રહેવાની વ્યવસ્થા પણ એ જ કરી દેશે." રજનીશભાઈએ કહ્યું.

ત્યાર પછી કલાક જેવી થોડું ચર્ચા કર્યા પછી સાર્થક એની કેબિનમાં ગયો. એણે ડ્રાઈવરને ફોન કરી શિખા અને વૈદેહીને પિક કરવાનું કહી દીધું અને હવે એ ચાર પાંચ મહિના સુધી ઓફિસ નહીં આવે એનાં કારણે એનાં બધા જ પેન્ડિંગ કામ એણે આજે જ કરવાનું વિચાર્યું અને મંડી પડ્યો કામ કરવા.

એ એનાં કામમાં એટલો તો મશગુલ થઈ ગયો કે એને સમયનું પણ ભાન નહીં રહ્યું. રજનીશભાઈ એની પાસે ગયા ત્યારે એણે ઘડિયાળમાં જોયું. રાતનાં સાડા અગિયાર થયા હતા. સાર્થકે એનું બધું કામ આટોપી લીધું અને જે થોડુંઘણું બાકી હતું એની ફાઈલ એણે સાથે લઈ લીધી અને રજનીશભાઈ સાથે ઘરે જવા નીકળ્યો.

*****

સાર્થક હજી સુધી આવ્યો નહતો તેથી વૈદેહી ખૂબ જ પરેશાન હતી. જો કે રજનીશભાઈએ ફોન કરી એમનાં મોડા આવવાની વાત કરી જ હતી છતાં પણ વૈદેહી વારંવાર ઘડિયાળમાં જોયા કરતી હતી. એ સાર્થકને વિક્રમ વિશે વાત કરવા માંગતી હતી.

લગભગ સાડા બાર વાગ્યે રજનીશભાઈ અને સાર્થક આવ્યા. એમને જોઈ વૈદેહી ખુશ થઈ ગઈ. એ તરત જ ઉભી થઈ કિચનમાં ગઈ અને રજનીશભાઈ અને સાર્થક માટે પાણી લઈ આવી.

"અરે બેટા, હજી સુધી તું ઊંઘી નથી ?" રજનીશભાઈએ પાણીનું ગ્લાસ લઈ પૂછ્યું.

"હા અંકલ, થોડું વાંચવાનું બાકી હતું તેથી....પણ આજે તમને બહુ લેટ થઈ ગયું ?" સાર્થક તરફ જોઈ વૈદેહીએ પૂછ્યું.

"હા રજનીશ, આજે તમે કેમ બહુ મોડા આવ્યા અને પાછું તમે મને એવું કેમ કહ્યું કે ઘરે આવીને બધું જણાવીશ ?" ગરિમાબેન પણ હોલમાં જ બેઠેલા હતાં એમણે પૂછ્યું.

"વાત જ એવી છે. વૈદેહીનાં શુભ પગલાં આપણાં ઘરમાં પડ્યાં અને આપણી કંપની ઇન્ટરનેશનલ લેવલ પર હવે હાથ અજમાવવા જઈ રહી છે. આપણી કંપની સાથે ઓસ્ટ્રેલિયાની એક જાણીતી કંપની ડીલ કરવા માંગે છે." રજનીભાઈએ કહ્યું.

"શું ?" વૈદેહી, શિખા અને ગરિમાબેન ઉત્સાહમાં આવી ગયા.

"અને એનાં માટે મારે કાલે જ ઓસ્ટ્રેલિયા જવું પડશે." સાર્થકે કહ્યું.

આ સાંભળી વૈદેહીની હસી ગાયબ થઈ ગઈ. પણ ઘરમાં બધાનાં ચહેરા પર રહેલી ખુશી જોઈ એ પણ હોઠો પર બનાવતી સ્માઈલ લાવી બધાં સાથે વાતોએ વળગી. વૈદેહીએ રજનીશભાઈ અને સાર્થકને જમવાનું પીરસ્યું. જમતાં જમતાં સાર્થક અને રજનીશભાઈ જો આ ડીલ સક્સેસફૂલી ફાઇનલ થઈ ગઈ તો એમની કંપનીને કેટલો ફાયદો થશે એ વિશે ગરિમાબેનને કહી રહ્યાં હતાં. ગરિમાબેન તો આ ડીલ વિશે સાંભળી તરત જ ઘરનાં મંદિરમાં જઈ દીવો પ્રગટાવી આવ્યાં. તો શિખા તો એટલી ખુશ થઈ ગઈ કે એણે તો એની બુક બાજુમાં મૂકી દીધી અને સાર્થકને શોપિંગનું લીસ્ટ બનાવીને આપી દીધું અને બધી જ વસ્તુઓ એ કુરિયર કરી દે એવું પણ કહ્યું.

આ બધામાં જો કોઈ ઉદાસ હોય તો એ વૈદેહી હતી. એવું નહતું કે વૈદેહી ખુશ નહતી. એને પણ આ સાંભળી ઘણી ખુશી થઈ કે એમની કંપની ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી જશે પણ સાર્થક આમ સતત ચાર પાંચ મહિના જતો રહેશે એ વાતે એને દુઃખી કરી દીધી હતી.

થોડીવાર આમ જ વાતો કર્યા પછી બધા પોતપોતાના રૂમમાં ગયા. વૈદેહી અગાશીમાં જઈને ઉભી રહી.

"તું ખુશ નથી ?" સાર્થકે એની બાજુમાં ઊભા રહી પૂછ્યું.

"કોણે કહ્યું કે હું ખુશ નથી ? હું તો ખૂબ જ ખુશ છું." વૈદેહીએ આંખમાં આવેલા આંસુને રોકી કહ્યું.

"આંસુઓને રોકવાનો વ્યર્થ પ્રયત્ન શું કરવા કરે છે ? વહી જવા દે એને." સાર્થકે વૈદેહી તરફ જોઈ સહેજ હસીને કહ્યું.

"આંસુ ! ક્યાં છે ? હું કંઈ રડતી નથી. આ તો...." બોલતાં વૈદેહીએ સાર્થક તરફ જોયું અને પછી નીચું જોઈ ગઈ.

"શું થયું વૈદુ ?" સાર્થકે વૈદેહીનાં ગાલ પર હાથ મૂકીને પૂછ્યું.

વૈદેહી જાણે સાર્થકનાં આ સ્પર્શની જ રાહ જોતી હોય એમ સાર્થકને વળગી પડી અને રડવા લાગી. સાર્થકે આવું કંઈ એક્સપેકટ નહતું કર્યું. એક પળ માટે તો એ ચોંકી ગયો પણ પછી વૈદેહીની પીઠ પસરાવતાં જઈ પૂછવા લાગ્યો,

"વૈદુ, શું થયું ? તું કેમ રડે છે ? કંઈ થયું છે ? કોઈએ તને કંઈ કહ્યું ? તને કંઈ થાય છે ?"

સાર્થકનાં દરેક પ્રશ્ન પર વૈદેહી ફક્ત માથું હલાવી ના કહેતી હતી. સાર્થક વૈદેહીથી દુર થયો અને એનો ચહેરો હાથમાં લઈ એનાં કપાળને ચુમ્યું અને ફરીથી એને ગળે લગાડી દીધી. આ વખતે સાર્થકની પકડ મજબૂત હતી. થોડીવાર આમ જ રહ્યાં પછી અચાનક પરિસ્થિતિનું ભાન થતાં વૈદેહી સાર્થકથી દૂર થઈ ગઈ અને નીચું જોઈ ગઈ.

"આ....આઈ...આઈ એમ સોરી." વૈદેહી માંડ બોલી શકી અને જઈને સુઈ ગઈ.

સાર્થક એને જોઈ રહ્યો અને વૈદેહીનું વર્તન સમજવાનો પ્રયાસ કરવા લાગ્યો. એણે એનો ફોન અનલૉક કર્યો અને પોતે ચાર પાંચ મહિના આઉટ ઓફ સ્ટેશન છે તો બધું સાંભળી લે એવો મેસેજ કર્યો.

વધુ આવતાં ભાગમાં.....