“એક્સક્યુસ મી, મે આઇ નો માય સીટ નંબર?” ન્યુ દિલ્લી થી સુરત જતાં વિમાન માં જરા ઝડપ થી પ્રવેશેલા સહજ એ વિમાન ના એન્ટ્રી ગેટ પાસે ઊભેલી પરિચારિકા ને પૂછ્યું.
“ યસ સર, ઇન થર્ડ રો, ધેટ વિન્ડો સીટ, નંબર 21 એફ” પરિચારિકા એ એક મન મોહક હાસ્ય સાથે અભિવાદન આપી સહજ ના સીટ તરફ સ્થાન નિર્દેશ કર્યો.
“થેન્ક યૂ” પરિચારિકા નો આભાર માની સહેજ સ્મિત સાથે સહજે પોતાની જગ્યા તરફ પ્રયાણ શરૂ કર્યું
“ વેલકમ સર.” કહી એટલા જ સ્મિત સાથે પરિચારિકા એ ફરીથી અભિવાદન કર્યું.
સહજ જેવો પોતાના સ્થાને ગોઠવાયો કે તુરંત જ સ્પીકર માં વિમાન ના કેપ્ટન નું હર્ષ સભર અભિવાદન સંભળાયું.
“ હેલ્લો એવરી વન, માય સેલ્ફ કેપ્ટન કે.એમ શર્મા, આઇ વેલકમ યૂ ઓન ફ્લાઇટ નંબર 92785. વી વિલ રીચ સુરત વીધિન 2 અવર્સ. કાઇંડલી ફાસ્ટન યોર સીટ બેલ્ટ્સ એંડ કો ઓપરેટ એર હોસ્ટેસ્સ. થેન્ક યૂ”
થોડી જ ક્ષણો માં વિમાન વાદળો માં જેવુ ઓઝલ થયું કે તુરંત જ વિમાન ની બારી બહાર જોઈ રહેલા સહજ ની નજર પણ જ્યાં ની ત્યાં જ સ્થિર થઈ ગઈ અને એ પણ ભૂતકાળ ના વાદળો ના આકાશ માં ઓઝલ થઈ ગયો.
અત્યાર સુધી ક્લાસ માં દરેક પ્રવૃતિ અને અભ્યાસ માં પ્રથમ આવતો સહજ ધોરણ 11 સાઇન્સ ના ક્લાસ માં નવું એડ્મિશન લઈ ને આવેલી સ્વરાના ચુંબકીય સ્મિત, આકર્ષક વ્યક્તિવ, મરોડદાર અંગો સાથે નું તન અને શીતળ ચાંદની જેવા રૂપ થી અંજાઈ ગયો. ક્લાસ માં પૂછાતા કોઈ પણ સવાલો ના જવાબ માટે આજ સુધી ફક્ત એક જ આંગળી ઊંચી થતી અને એ સહજ ની હતી, પરંતુ હવે બે આંગળી ઊંચી થવા લાગી. બીજી આંગળી સ્વરા ની હતી. સ્વરા અભ્યાસ માં સહજ જેટલી જ અવ્વલ હતી. સ્કૂલ ની દરેક પરીક્ષામાં સહજ તો ક્યારેક સ્વરા ની પ્રથમ નંબર માટે હરીફાઈ થવા લાગી. ઘણા વર્ષો પછી સહજ ને ક્લાસ માં કોઈ ટક્કર આપે એવું મળ્યું. સહજ માટે એ બહુ જ સુખદ અનુભવ હતો. ટ્યુસન માં અને ક્લાસ માં સાથે જ રહેતાં સ્વરા અને સહજ ની નજરો મળવા લાગી. સહજ ની અને સ્વરા ની નજર એક થતી અને ત્યાંજ બંને ના ચહેરા પર એક આછેરું સ્મિત રેલાઈ જતું. થોડા સમય પછી હોમવર્ક પૂર્ણ કરેલ હોય છતાં નોટબૂક ની આપ લે થવા લાગી. સહજ અને સ્વરા અતૂટ સ્નેહ ગાંઠ માં ક્યારે ગૂંથાઈ ગયાં એવી એમને ખબર જ ના રહી. ટ્યુસન પછી બંને હાથ પકડી ને સૌથી છેલ્લે સાઇકલ લઈ બહાર નીકળતાં તો ક્યારેક સ્કૂલ છૂટયા પછી કલાકો અભ્યાસ ની વાતો માં કે પછી ભવિષ્ય ની કારકિર્દી ની વાતો માં મશગુલ થઈ જતાં. સહજ અને સ્વરા એ આમ જ જીવન ભર સાથે રહેવાનો નિર્ધાર કરી લીધો.
સમય ના વહાણ માં બેસી બંને જણા એ ધોરણ 12 સાઇન્સ ની પરીક્ષા આપી. બધાના આશ્ચર્ય વચ્ચે સ્વરા સ્કૂલ માં જ નહીં પરંતુ જિલ્લા માં પ્રથમ ક્રમાંકે આવી. સહજ થોડા માર્કસ માટે પાછળ રહી ગયો પરંતુ સ્વરા ની જીત થી સૌથી વધારે ખુશી થઈ હોય તો એ સહજ હતો. સહજ હારવા છતાં ખુશ હતો કેમ કે જીતનાર કોઈ બીજું નહીં પણ પોતાનું અંગત હતું.
એટલામાં વિમાન ના કેપ્ટન નું ફરીથી સ્પીકર પર અભિવાદન થયું. “ હેલ્લો એવરીવન, વી વિલ શોર્ટલી રીચ ટુ સુરત, થેન્ક્સ ફોર ચૂસિંગ ગો એર. આઇ હોપ યુઓ ઓલ હેવ એંજોયેડ યોર જર્ની. થેન્ક યૂ અગેન”.
કેપ્ટન ના અભિવાદન સાથે જ ભૂતકાળ માં સ્વરા ની યાદો માં વિરહતું સહજ નું મન વર્તમાન માં વિમાન ની સાથે જ લેન્ડ થયું. વિમાન લેન્ડ થતાંજ ઝડપ થી એરપોર્ટ ની બહાર નીકળી સહજ ટેક્સીમાં ગોઠવાઈ ગયો. બારી બહાર મુશળધાર વરસાદ વર્ષી રહ્યો હતો. એવો જ વરસાદ જ્યારે એ સ્વરા ને છેલ્લી વાર મળ્યો હતો ત્યારે વર્ષ્યો હતો. બારી બહાર જોઈ રહેલા સહજ ના માનસપટ પર આગળ ની ઘટના ઓ ની હારમાળા એ પુનઃ જન્મ લીધો.
સ્વરા નું મેડિકલ માં એડ્મિશન થઈ ગયું. સહજ થોડા માર્કસ માટે મેડિકલ માં એડ્મિશન થી વંચિત રહી ગયો. બંને નો હવે છૂટા પાડવાનો સમય હતો કેમ કે સ્વરા હવે હોસ્ટેલ માં જવાની હતી અને સહજ નું પણ કોઈ બીજી શાખા માં એડ્મિશન પછી એ પણ હોસ્ટેલ માં જવાનો હતો. એ દિવસે બંને સાંજે એક બગીચા માં મળ્યા. સહજ સ્વરા ને એડ્મિશન થી ખૂબ જ ખુશ હતો પરંતુ સ્વરા આજે ખુશ નહોતી લાગતી. સ્વરા આવતાંજ સહજ ને ભેટી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. સહજ ને પણ નવાઈ લાગી.
“પગલી, તું રડીશ નહીં, આપણે હવે રજા ઓ માં તો મળીશું જ ને ?”
સ્વરા એ રડતાં રડતાં પ્રત્યુત્તર આપ્યો “ સહજ હવે મને ભૂલી જા, હવે આપણું મળવાનું શક્ય નથી. આપણી સઘળી વાત મે મારા પપ્પા ને જણાવી. પપ્પા લાગણી સભર એક કારણ આપી મને તારાથી અલગ થવાનું કહ્યું. બહુ વર્ષો પછી પપ્પા એ મારા જોડે કઇંક માંગ્યું છે, હું એમને મના નહીં કરી શકું.”
“હું એ કારણ જાણી શકું ?” સહજ એ ગળગળા સ્વરે સ્વરા ને પૂછ્યું.
“ હું તને એ કારણ કહી દુખી કરવા નથી ઇચ્છતી અને જો તું મને સાચો પ્રેમ કરતો હોય તો કારણ પૂછીશ પણ નહીં”
ધોધમાર વરસતા વરસાદ માં સહજ ની આંખો પણ ભીંજાઇ ગઈ અને વરસતા વરસાદ પાછળ સહજ ની આંખ માંથી નીકળેલી અશ્રુ ધારા છુપાઈ ગઈ. સ્વરા ને કદાચ એ અશ્રુધારા નો અને સહજ ના અનહદ પ્રેમ નો અહેસાસ પણ ના થયો. સ્વરા ના ગયાં પછી એ બાગ માં સહજ કલાકો સુધી જેમ ની તેમ સ્થિતિ માં ઊભો રહ્યો કદાચ હવે હિમ્મત નહોતી આગળ ડગ માંડવાની.
“ સાહેબ, સ્મીમેર હોસ્પિટલ આવી ગઈ.”
ટૅક્સી ચાલક ના ઘોઘરાં અવાજે સહજ નું ધ્યાન ભંગ કરી નાખ્યું. સહજ ની આંખો ના બંને ખૂણા હર્ષાશ્રુ સાથે ભીના થઈ ગયાં. સહજ ના મન માં સ્વરા ને મળવાનો હર્ષ સમાતો નહોતો. અને હર્ષ કેમ ના હોય? પોતે સ્વરા ને 7-7 વર્ષ ના અંતરાલ પછી આજે મળવા જઈ રહ્યો હતો.
ટૅક્સીમાંથી ઉતરતા જ સહજ સ્મીમેર હોસ્પિટલ સામે આશાભરી મીટ માંડી ને ઊભો રહ્યો. મેડિકલ માં એડ્મિશન તો ના થયું પરંતુ પોતાની પસંદ કરેલ બ્રાન્ચ માં સહજે આજે ઘણી સફળતા પ્રાપ્ત કરી હતી. હવે સહજ જિંદગીનું એક નવું પ્રકરણ, એક નવો અધ્યાય લખવા જઈ રહ્યો હતો અને એમાં કોઈ ની કમી વર્તાઇ રહી હોય તો એ હતી સ્વરા. સ્વરા ને પોતાની જિંદગી માં ફરી વણવા માટે એક છેલ્લા પ્રયાસ ના ભાગરૂપે આજે સ્વરા ને મળવા આવ્યો હતો. કેમ કે સ્વરા સાથે ના પ્રેમ વિરહે સહજ ની સ્વરા સાથે ની સ્નેહગાંઠ ને વધુ મજબૂત બનાવી દીધી હતી. સ્વરા વગર હવે સહજ ને રહેવાતું નહોતું અને સહેવાતું ય નહોતું. પોતે સ્વરા થી આટલા સમય દરમ્યાન દૂર રહ્યો પણ પોતાના મિત્રો ની મદદ થી સ્વરા વિષે ની રજે રજ ની માહિતી રાખી હતી.
સ્વરા ના વિચારો માં ખોવાયેલો સહજ ક્યારે પીડિયાટ્રીક વોર્ડ આગળ આવી ગયો એની ખબર જ ના રહી. બહાર થી એને જોયું તો સ્વરા કેસ પેપર ઉપર કશુક લખી રહી હતી. થોડીવાર તો સહજ ત્યાં જ સ્થિર રહી સ્વરા ને નીરખી રહ્યો. એ જ રૂપ, એજ અદા કશું જ નહોતું બદલાયું, ઊલટાનું આટલા વર્ષો માં સ્વરા નું રૂપ વધુ નિખર્યુ હતું અને રૂપ જો ના પણ નિખર્યુ હોય તો સ્વરા માટે ના સહજ ના પ્રેમ માં જરા પણ ઓટ નહોતી અવાની કેમ કે સહજે સ્વરા ને ખરા હ્રદયે અને મન થી ચાહી હતી. સહજ ને દોડી ને સ્વરા ને ભેટવાનુ મન થઈ ગયું કેમ કે વર્ષો પછી આજે એના મન ને સ્વરા ને જોઈ ટાઢક વળી હતી.
સ્વરા એ થોડીવાર માટે વોર્ડ ની બહાર જોયું તો સહજ દેખાયો. એને ફરી ચશ્માં સરખા કરી ને જોયું તો એ સહજ જ હતો. સ્વરા તો માની જ ના શકી એ સહજ છે. કેમ કે જ્યાર થી એ સહજ થી અલગ થઈ ત્યાર થી એને પોતાની આસપાસ સહજ હોવાનો જ ભાસ થતો. રોજ સ્વરા નું ધ્યાન વોર્ડ ની બહાર જતું એ આશયે કે સહજ એક દિવસ આવશે અને આજે સાચે જ સહજ ત્યાં હતો. સ્વરા નો આનંદ અને આશ્ચર્ય નો પાર ના રહ્યો.
સ્વરા દોડતી સહજ પાસે પહોંચી ગઈ અને એનો હાથ પકડી પોતાના રેસિડેન્ટ રૂમ માં લઈ ગઈ. જેવા બંને રૂમ માં પ્રવેશ્યા કે તરત જ સ્વરા સહજ ને એક ચાતક ને વર્ષા ની બુંદ મળે એમ અને એક નદી એક સાગર ને મળે એમ ભેટી પડી. થોડીવાર બંને જણા કશું બોલ્યા વગર એકબીજા નો સાથે હોવાનો અહેસાસ કરતાં હોય એમ ભેટી રહ્યા. વર્ષો ની રાહ અને ધીરજ નો અંત આજે આવ્યો અને સ્વરા ના આંખ માંથી અશ્રુ વહી પડ્યા. સહજ તો માની જ શક્યો કે આજ એ જ સ્વરા છે જે મને એને ભૂલી જવાનું કહેતી હતી. પરંતુ સહજ ને પોતાના સ્નેહ અને પ્રેમ પર પૂરો વિશ્વાશ હતો કે સ્વરા મન માં પણ આજે પોતાના માટે એજ પ્રેમ હશે જે પોતાના મન માં સ્વરા માટે છે.
સ્વરા એ થોડીવાર પછી ગળગળા સ્વરે સહજ ને કહ્યું “ આવું કરાય? એક દિવસ પણ મારો વિચાર ના આવ્યો કે મારૂ શું થયું હશે? તને શું લાગે છે કે તે દિવસે બાગ માંથી છૂટા પડતી વખતે વર્ષા ની પાછળ રહેલી તારી અશ્રુધારા મને નહોતી દેખાઈ ? તું મને કેટલો પ્રેમ કરે છે એની મને જાણ નહોતી? પણ શું કરું સહજ, આપણી સઘળી વાત મે મારા પપ્પા ને જણાવી ત્યારે એમને મને બહુ લાગણી સભર મને આટલું કહ્યું
“બેટા તું જ્યારે જન્મી અને આ હથેળી માં પહેલી વાર લીધી ત્યાર થી મારી આ બે આંખો માં મે બે શમણાં જોયાં, એક બેટા તને ડોક્ટર બનાવવાનું અને બીજું તારા લગ્ન કોઈ ડોક્ટર સાથે કરાવી તને સુખી કરવાનું. બેટા વર્ષો ની મારી આ તપર્ષ્યા આજે ફળી છે અને મારૂ એક શમણું પૂરું થયું. વર્ષો સુધી બેટા તારા જોડે કઇ નથી માંગ્યું પણ મારા બીજા શમણાં માટે બેટા તારા આ પપ્પા હાથ જોડી તારી પાસે ભીખ માગે છે.”
“સહજ, પપ્પા ની આ વાત સાંભળી હું પણ ભાવનાત્મક બની ગઈ અને રડી પડી. હું અવઢવ માં મુકાઇ ગઈ. એક બાજુ તારો પ્રેમ અને બીજી બાજુ પપ્પા નો આજ દિન સુધી નો મારા પ્રત્યેનો અપાર સ્નેહ અને લાગણી. વર્ષો બાદ પપ્પા એ મારા જોડે કઇંક માંગ્યું. હું પપ્પા ને દુખી કરી તારી સાથે કેમ ની આવું? તારું મેડિકલ માં એડ્મિશન ના થયું એવું તુચ્છ કારણ આપી હું તારા થી અલગ થઈ આપણાં પ્રેમ નું અપમાન કરવા નહોતી માંગતી એટલે મેં તને કારણ પૂછવાની ના પડી હતી.”
“ તારાથી અલગ થઈ એ દિવસે રૂમ બંધ કરી આખી રાત રડી. પછી દિવસે ને દિવસે ઉદાસ રહેવા લાગી. એકાદ બે ડોક્ટર ની મારા સાથે ના લગ્ન ની વાત પણ આવી પરંતુ કોઈ ના માં તારું પ્રતિબિંબ ના દેખાયું અને મેં પપ્પા ને લગ્ન કરવાની જ ના પાડી દીધી. છેવટે પપ્પા ને પણ મારા વર્તન માં આવેલો ફેરફાર કળાયો. એમને પણ એ વાત ની જાણ થઈ ગઈ કે હું ફક્ત તારા સાથે જ ખુશ રહી શકીશ અને પપ્પા એ છેવટે આપણાં સંબંધ ને મંજૂરી ની મહોર મારી દીધી. હું ઉછળી પડી અને પપ્પા ને ભેટી પડી. તરત જ તને શોધવા તને ફોન લગાવ્યો પણ વ્યર્થ. આપણાં મિત્રો ને પણ પૂછી જોયું બધાને તે ના પડી હતી એ કહેવાની કે તું ક્યાં છે. તું ક્યાંય ના મળ્યો. કદાચ મેં તારું દિલ તોડ્યું હતું અને આ મારી સજા છે એમ માની ફરી ઉદાસ થઈ ગઈ.”
“બસ ત્યાર થી રોજ એવું લાગે કે સહજ તું અહી મારી આસપાસ જ છે. એટલે જ્યારે તને વોર્ડ ની બહાર જોયો ત્યારે મને એમ જ થયું કે મારો રોજિંદો જ ભ્રમ છે. પણ સહજ સાચું કહું મને પૂરો વિશ્વાશ હતો કે એક દિવસ તું જરૂર તારી સ્વરા ને મળવા આવીશ. તારી બહુ જ યાદ સતાવી. જ્યારે જ્યારે તારી યાદ આવતી ત્યારે ત્યારે તારી યાદ ને એક પત્ર માં કંડારી લેતી.” એમ કહી પોતાના પર્સ માં રહેલા પ્રેમ પત્રો સ્વરા એ સહજ સમક્ષ ધર્યા.
પ્રેમ પત્રો જોઈ સહજ પણ લાગણી ના આવેશ માં આવી ગયો. સ્વરા ના આંસુ લૂછતાં લૂછતાં સ્વરા ને ફરીથી ભેટી પડ્યો. ત્યાં જ સ્વરા એ લાગણી સભર કહ્યું. “ભલે સહજ આટલા વર્ષો તારા થી દૂર રહી પણ તારા માટે મારી લાગણી ની ભીનાશ સહેજ પણ ઓછી નથી થઈ. તારી સાથે ના પ્રેમ વિરહે આપણાં આ પ્રેમ ને વધુ પ્રગાઢ બનાવી દીધો છે. હવે તું આવી ગયો છે તો હું તને એક પળ માટે પણ અલગ નહીં કરું. એક વાત કહેશો મિસ્ટર સહજ આટલા વર્ષો તમે હતા ક્યાં ?”
“મિસ્ટર નહીં ડોક્ટર સહજ” સહજે સહેજ સ્મિત સાથે સ્વરા ની આંખો માં આંખો નાખી કહ્યું.
“ડોક્ટર?” સ્વરા ના ચહેરા પર આશ્ચર્ય અને આનંદ સાથે કુતૂહલતા ની રેખાઓ એ આકાર લીધો.
“હા ડોક્ટર સહજ, જે તારા પપ્પા એ તારા માટે જે શમણું જોયું એ જ શમણું મારા પપ્પા એ મારા માટે જોયું. મને ડોક્ટર બનાવવાનું. આમ તો હું શહેર ના પ્રતિષ્ઠિત વેપારી નો પુત્ર એટલે મેડિકલ માં મારૂ એડ્મિશન ના થયું એટ્લે મારા પપ્પા એ સહેજ પણ નાસીપાસ થયા વગર રશિયા માં મોસ્કો થી 200 કિમી દૂર આવેલા ટ્વેર રાજ્ય ની ટ્વેર સ્ટેટ મેડિકલ એકૈડમી માં એડ્મિશન કરાવી દીધું. બસ 6 માસ પૂર્વે જ મારૂ એમબીબીએસ પૂર્ણ થયું અને અહી આવ્યો. તને લક્ષ માં રાખી બહુ ખંત પૂર્વક અભ્યાસ કરેલો એટલે અહી આવી મેડિકલ કાઉન્સીલ ની પરીક્ષા માં ઉતીર્ણ થવા બહુ પ્રયત્ન ના કરવા પડ્યા. તુરંત જ પોસ્ટ ગ્રેજયુએટ ના અભ્યાસ માટે તૈયારી માં લાગી ગયો અને ડીએનબી ની પરીક્ષા પણ પાસ કરી લીધી. આજે સવારે જ દિલ્લી ખાતે ડીએનબી નું કાઉન્સેલિંગ હતું જેમાં મને દિલ્લી ની જ બત્રા હોસ્પિટલ માં પીડિયાટ્રીક ની પોસ્ટ ગ્રેજયુએટ ની શાખામાં એડ્મિશન મળી ગયું. જેવુ મારૂ એડ્મિશન થઈ ગયું કે તુરંત જ જિંદગી માં રહેલી તારી ખોટ ની પુર્તતા કરવા સાંજ ની ફ્લાઇટ બુક કરી તને મળવા આવી ગયો. મને એમ કે મારે તને મનાવવા બહુ પ્રયાસ કરવા પડશે પણ અહી તો જાણે તું જ મને માનવી રહી છે. મારૂ અને તારું પીડિયાટ્રીક પૂર્ણ થાય ત્યાં સુધી ફરીથી પ્રેમ વિરહ તો સહન કરવો જ પડશે.” આટલું કહેતાં જ બંને ના મુખ પર હાસ્ય નું મોજું ફરી વળ્યું.
આજે સહજ ના પપ્પાના અને સ્વરા ના પપ્પાના શમણાં એ સુરત ના વરાછા વિસ્તાર માં ખીલખિલાટ નામ ની હોસ્પિટલ રૂપે આકાર લઈ લીધો છે અને સહજ અને સ્વરા બંને સાથે મળી બીમારી ના લીધે ખોવાયેલા નાના ભૂલકાં ઓ ના સ્મિત ને ખીલખિલાટ કરી પાછાં લાવી રહ્યા છે.
“ નીલ “
ડૉ. નિલેષ ઠાકોર