“સિસ્ટર, આટલા નવા એડ્મિટ થયેલા પેશન્ટની મેં ટ્રીટમેન્ટ લખી દીધી છે.” ડૉ. આવર્ત એ વોર્ડ ના પ્રવેશ તરફ નજર નાખતા સિસ્ટર ઇન ચાર્જ ને કહ્યું. ડૉ. આવર્ત ની ઘડિયાળ માં અત્યારે રાત્રિ ના 8 વાગી ચૂક્યા હતા. વોર્ડ માં બધાની ડ્યૂટિ ની શિફ્ટ બદલાઈ ગઈ હતી પણ ડૉ. આવર્ત ને ડ્યૂટિ પર થી મુક્ત કરવા હજુ રાત્રિ ની ડ્યૂટિ ના ડોક્ટર હજુ આવ્યાં નહોતાં એટલે ડૉ. આવર્ત નું ધ્યાન વારે વારે વોર્ડ ના પ્રવેશ તરફ જતું હતું.
“ સર, આ બીજા નવા એડ્મિટ થયેલા પેશન્ટ ના કેસ પેપર છે આના પર પણ જરા ટ્રીટમેન્ટ લખી આપો તો હું ટ્રીટમેન્ટ આપી દઉં.” સિસ્ટર ઇન ચાર્જ એ ડૉ. આવર્ત ને આજીજી કરી.
“સ્યોર, વ્હાય નોટ.” અને ડૉ. આવર્ત ટ્રીટમેન્ટ લખવામાં મશગુલ થઈ ગયા. થોડીવાર રહી ને પોતાની ઘડિયાળ માં જોયું તો રાત્રિ ના 9 વાગી ચૂક્યા હતા. બહાર ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો. એટલા માં જ રાત્રિ ના ડોક્ટર આવી ગયા. આવર્ત ઝડપ થી ડ્યૂટિ ઓવર આપી નીકળી ગયો.
છેલ્લા કેટલાક દિવસ થી કાળા ડિબાંગ વાદળો વડે ઘેરાઈ ને હાથતાળી આપી જતો રહેતો વરસાદ આજે મન મૂકી વર્ષી રહ્યો હતો. વરસતા આ વરસાદ માટે મુશળધાર અને અનરાધાર ઉપમા કદાચ ઓછી પડે, હા, સાંબેલાધાર ઉપમા આપી શકાય એવો વર્ષી રહ્યો હતો. પાર્કિંગ માં આવતાં આવતાં તો આવર્ત ભીંજાઇ ગયો. કાર સ્ટાર્ટ કરી પુરપાટ ઝડપે હંકારવા લાગ્યો. રસ્તા માં રોડ પર પુષ્કળ પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ને ચીરી ને આવર્ત ની કાર આગળ વધી રહી હતી. કાર ના વાઇપર પાણી ના પ્રવાહ ને હડસેલી આવર્ત માટે રસ્તા ને દ્રશ્યમાન કરી રહ્યા હતા.કાર ની હેડ લાઇટ દૂર સુધી રસ્તા ને પ્રકાશિત કરી દિશાનિર્દેશ આપી રહી હતી. વરસતા વરસાદ ના ફોરાં નો અવાજ કાર ના સ્ટેરીઓ ટેપ ના અવાજ માં દબાઈ જતો હતો. ઋતુ ના પ્રથમ વરસાદ ના આવા મનમોહક વાતાવરણ માં કાર ડ્રાઇવ કરી રહેલા આવર્ત આવર્ત ની નજર સમક્ષ આજ રસ્તા પર ઘટેલી દશ વર્ષ પૂર્વે ની ઘટના તરવરી ઉઠી. રસ્તો એ જ હતો, વરસાદ પણ આવો જ હતો ફર્ક બસ એટલો કે એની પાસે કાર ની જગ્યાએ બાઇક હતું.
આવો જ સાંબેલાધાર વરસાદ એ દિવસે વર્ષી રહ્યો હતો. બી જે મેડિકલ કોલેજ ની લાઇબ્રેરિ માં વાંચી રહેલો આવર્ત વરસાદ ના થોભવાની રાહ જોઈ રહ્યો હતો પણ વરસાદ આજે વિરામ લેવાનું નામ નહોતો લેતો. અને છેવટે વરસતા જ વરસાદ માં જ આવર્ત બાઇક લઈ નીકળી પડ્યો. રાત્રિ ના આશરે 9 વાગ્યા હતાં. પૂરેપૂરો ભીંજાયેલો આવર્ત વરસતા વરસાદ ના ફોરાં ને જાણે પડકાર આપી રહ્યો એમ એ ફોરાં ને ચીરી ઝડપ થી બાઇક ચલાવી ગાંધીનગર ની દિશા માં આગળ વધી રહ્યો હતો. થોડીવાર માં ચ-0 સર્કલ આગળ પહોંચેલા આવર્તે જોયું તો એક એક્ટિવા રોડ ની સાઇડ પર નીચે પડી ગયું હતું અને એની બિલકુલ બાજુ માં એક છોકરી દર્દ થી કણસતી રોડ પર ફસડાયેલી હાલત માં પડી હતી. રસ્તો સૂમસામ ભાસતો હતો. આજુ બાજુ નજર કરી કોઈ જ નહોતું. ગુજરાત સરકાર ની 108 સર્વિસ શરૂ થવાને આડે હજી 3 વર્ષ બાકી હતાં. આવર્તે બાઇક નજીક લઈને જોયું તો એક અઢારેક વર્ષ ની સુંદર છોકરી હતી, જેના મીન જેવા અક્ષ, ફૂલ ની પાંદડી જેવા ઓષ્ઠ હતાં. ગાલ પર પડેલા વર્ષા બિંદુઓ જાણે ફૂલ પર બાઝેલા ઝાકળ બિંદુઓ જેવા લાગતાં હતાં. મરોડદાર અંગ સાથે ના આ શરીર માં પગ લોહી થી ખરડાયેલો હતો. આવર્ત ને ચિંતા થઈ ગઈ કે આવી સૂમસામ રાત્રિ એ જો આ છોકરી ને એકલી મૂકી જતો રહે તો એની જોડે કઈ પણ અઘટિત ઘટના બની શકે એમ હતી.
એ નજીક ગયો ત્યાં જ એ છોકરી એ અર્ધ બેભાન અવસ્થા માં કહ્યું. “ મારી મદદ કરશો પ્લીઝ, મને સેક્ટર 12 માં આવેલી ગર્લ્સ હોસ્ટેલ માં મૂકી જશો.”
“ તમને હાલ સારવાર ની જરૂર છે હું તમને પહેલા સિવિલ હોસ્પિટલ લઈ જાઉં છું. ધીમે રહી મારા બાઇક માં બેસી જાઓ.” મદદ ના ઉદગાર સાથે આવર્તે કહ્યું. એ છોકરી પણ જાણે આવર્ત પર પૂરો ભરોશો મૂકતી હોય એમ બાઇક પર બેસી ગઈ.
પહેલીવાર આમ આવર્ત ના બાઇક ની બૅક સીટ પર આટલી સુંદર છોકરી બેસી હતી. કહેવાય છે કે એક છોકરા ના જીવન માં એના બાઇક પાછળ કોઈ છોકરી પહેલીવાર બેસે એ યાદગાર ઘટના હોય છે. આવર્ત ના જીવન માં આજે એ સુખદ યાદગાર ઘટના એ આકાર લીધો હતો. આવર્ત ના શરીર માં એક ઉતેજના ની વીજળી નું લખલખું પસાર થઈ ગયું. સિવિલ હોસ્પિટલ આવી ગઈ, આવર્તે ધીમે રહી એને સ્ટ્રેચર પર ઉતારી ઇમર્જન્સિ વોર્ડ માં લઈ ગયો. સ્થળ પર હાજર ડોક્ટર ને સઘળી હકીકત જણાવી. એને નોંધ્યું કે એ છોકરી એ હજુ સુધી એનો હાથ પકડી રાખ્યો હતો. આવર્ત બસ પ્રેમ ભરી નજરો એ એને નીરખી રહ્યો હતો. છોકરી એ હાલત માં નહોતી કે એ એનું નામ-ઠામ પૂછી શકે. વોર્ડ માં દાખલ કરી એ નીકળી ગયો. બહાર નીકળતાં જ ફક્ત તન થી ભીંજાયેલો આવર્ત મન અને દિલ થી પણ ભીંજાઇ ગયો. એના હૈયા માં એ છોકરી માટે પ્રેમ નું બીજ રોપાઈ ગયું. આ હતો આવર્ત નો પ્રથમ પ્રેમ. સવારે આવી ને એ છોકરી ને ફરીથી મળવાનો નિર્ધાર કરી આવર્તે ઘર તરફ પ્રયાણ શરૂ કર્યું.
પોતાના ઘર નજીક આવેલા રસ્તા પર ના તીવ્ર વળાંકે આવર્ત નું ધ્યાન ભંગ કરી નાખ્યું. દૂર થી એને જોયું તો પોતાના ઘર નો ઝાંપો નિરીક્ષા એ ખુલ્લો જ રાખ્યો હતો. એને ઝડપ થી કાર ઘર ની બહાર પાર્ક કરી દીધી. જેવો કાર માંથી બહાર નીકળ્યો કે નિરીક્ષા ટુવાલ લઈ બહાર જ ઊભી હતી અને પ્રેમ ભર્યો ઠપકો આપતી હોય એવા સ્વરે બોલી “કેટલી રાહ જોવડાવી ?આવા વરસાદ માં મને તમારી ચિંતા થઈ ગઈ. કેટલા કોલ લગાવ્યા, તમારો એક કોલ ના લાગ્યો. અને મને ખબર જ હતી કે તમે ભીંજાઇ ગયા હશો. લો આ ટુવાલ અને જલ્દી થી ફ્રેશ થઈ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ જાઓ.”
આવર્તે પોતાનો મોબાઇલ ખીસામાંથી બહાર કાઢી જોયું તો એનો મોબાઇલ ક્યારે ડિસ્ચાર્જ થઈ ગયો એની એને ખબર જ ના રહી.
આવર્ત ફ્રેશ થઈ જેવો ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો કે તુરંત જ નિરીક્ષા આવર્ત ના ફેવરિટ આલૂ પરોઠા સાથે હાજર.
“વાઉ, આલૂ પરોઠા” આવર્ત ખુશી સાથે ઉછળી પડ્યો.
“હા, તમારો કોલ લાગ્યો નહીં અને તમને આવતાં મોડુ થયું એટ્લે મને થયું કે તમને પ્રથમ વરસાદ માં આમ આલૂ પરોઠા ની સરપ્રાઇઝ આપું.” નિરીક્ષા એ ખુશી ભર્યા સ્વરે આવર્ત ને કહ્યું.
આવર્તે ખુશી ખુશી ડિનર ફિનિશ પૂરું કર્યું અને બેડરૂમ તરફ પ્રયાણ શરૂ કર્યું. ત્યાંજ નિરીક્ષા એ આવર્તનો હાથ પકડી ને અટકાવ્યો. “ શું આવર્ત તમે પણ, બિલકૂલ અનરોમાંટીક છો. બાહર જુઓ ઋતુ નો પ્રથમ વરસાદ વર્ષી રહ્યો છે, ચાલો ને થોડીવાર આમ ગૅલૅરી માં બેસી વરસાદ ની સાથે મજા માણીએ.” નિરીક્ષા એ રોમાંટિક મૂડ માં કહ્યું.
“સારું ચાલ ગૅલૅરી માં બેસીએ.” આવર્ત આજે થકી ગયો હોવા છતાં નિરીક્ષા ની વાત નું માન રાખી રાજી થઈ ગયો.
“ તમે ઉપર જાઓ, હું આપણાં બંને માટે કોફી બનાવી ને આવું.” નિરીક્ષા રસોડા માં ગઈ અને આવર્ત ગૅલૅરી માં આવી વરસતા વરસાદ ને નિરખવા લાગ્યો.
નિરીક્ષા જીવન માં આવતાંજ આવર્ત નું જીવન માં નિરીક્ષા ની પ્રેમ રૂપી વર્ષા વરસવા લાગી. હજુ બંને ના લગ્ન ને એક જ વર્ષ પૂર્ણ થયું હતું. નિરીક્ષા આવર્ત ની બધી વાતો નું એટલું ધ્યાન રાખતી કે આવર્ત ને પૂર્ણતા નો અહેસાસ થતો. પણ કહેવાય છે ને કે પ્રથમ પ્રેમ જીવન માં ક્યારેય નથી ભૂલાતો. એમ વરસતા વરસાદ ને નીરખી રહેલા આવર્ત ની નજર સમક્ષ દસ વર્ષ પૂર્વે ની આવી જ રાત્રિ ની આગળ ની ઘટના પુનઃ જન્મી.
એ છોકરી સાથે ની આમ નાની સરખી મુલાકાતે આવર્ત ના હૈયા માં પ્રેમ નું બીજ રોપી દીધું. બાઇક પર ઘરે પાછા ફરી રહેલા આવર્ત ના નજર સમક્ષ બસ એનો જ ચહેરો હતો. એ છોકરી નું નામ કે સરનામું કશું જ ખબર નહોતી એટ્લે આખી રાત એને નીંદર ના આવી. વહેલી સવારે એ તૈયાર થઈ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને એ છોકરી વિષે એ સિસ્ટર ઇન ચાર્જ ને પૂછ પરછ કરી તો જાણવા મળ્યું કે વહેલી સવારે જ એ છોકરી ના માતા પિતા આવી એને લઈ ગયા હતાં. આવર્તે નામ વિષે પૂછ્યું તો ખબર પડી કે રાત્રિ ના સિસ્ટર ની ડ્યૂટિ સવારે બદલાઈ ગઈ હતી અને આ નવા સિસ્ટર ને કઇં જ ખબર નહોતી. કેસ પેપર પણ મેડિકલ રેકોર્ડ સેક્શન માં જમા થઈ ગયા હતા. આવર્ત નિરાશ થઈ ગયો. ફરીથી મળવા એ કેટલીય વાર ચ-0 સર્કલ આગળ થી નીકળ્યો, કેટલીય વાર સેક્ટર -12 ની ગર્લ્સ હોસ્ટેલ આગળ થી પસાર થયો પણ એ છોકરી ક્યાંય ના મળી પરંતુ હમેંશ માટે આવર્ત ના હ્રદય માં પોતાની જગ્યા બનાવતી ગઈ. એટલા માં તો નિરીક્ષા કૉફી લઈ ને ગૅલૅરી માં આવી ગઈ. બંને જણા હાથ માં હાથ પકડી એક ગાઢ પ્રેમી ની જેમ કલાકો સુધી ગૅલૅરી માં બેસી રહ્યાં.
બીજા દિવસે સવારે પ્રેમપૂર્વક નિરીક્ષા એ આવર્ત ને ઉઠાડતા કહ્યું” આવર્ત જલ્દી ઉઠો અને તૈયાર થાઓ, ભૂલી ગયા મેં તમને 2 દિવસ પૂર્વે જ કહ્યું હતું કે આજે મારા મામા ના દીકરા ની સગાઈ છે અને આપણે બંને એ આ શુભ પ્રસંગે વહેલા જ અમદાવાદ પહોંચી જવાનું છે.” અને બંને કાર લઈ નીકળી પડ્યાં.
કાર ડ્રાઇવ કરી રહેલા આવર્ત ના માનસપટ પર રાત્રિ ની ઘટના હજુ તાજી હતી. જેવી એમની કાર ચ-0 સર્કલ આગળ થી પસાર થઈ કે તુરંત જ આવર્ત ના મુખ પર નિરીક્ષા ને જોઈ એક આછું સ્મિત આવી ગયું.
ત્યાં જ નિરીક્ષા હર્ષભર બોલી “ ખબર છે આવર્ત, એક વર્ષ પૂર્વે જ્યારે તમે મને જોવા મારા ઘરે આવ્યાં ત્યારે આપણને બંને ને એવું લાગ્યું કે આપણે ક્યાંક મળ્યા છીએ. અને જ્યારે આપણે બંને એ યાદ કર્યું તો ખબર પડી કે આવર્ત તમે એ જ વ્યક્તિ હતાં જેમને મને દશ વર્ષ પૂર્વે આવી વરસાદ ની રાત્રિ માં મારા એક્ટિવા સાથે થયેલા અકસ્માત પછી હોસ્પિટલ સારવાર માટે પહોંચાડી હતી. ખરું કહું આવર્ત મને કોણ જાણે એ દિવસે તમારી આંખો માં જોઈ એક ગજબ નો વિશ્વાશ બંધાઈ ગયો હતો કે તમે મારા જોડે કઈંજ ખરાબ નહીં કરો અને મેં તમારો હાથ છેક સુધી પકડી રાખ્યો હતો. ગઈ કાલે રાત્રે હું ગૅલૅરી માં ઊભી ઊભી આપણી પ્રથમ મુલાકાત યાદ કરતી હતી.”
ત્યાંજ આવર્ત ના ચહેરા પર ખુશી ફરી વળી અને પ્રેમપૂર્વક નિરીક્ષા ને કહ્યું” નિરીક્ષા બસ એ રાત્રિ થી જ હું તને પ્રેમ કરી બેસ્યો છું. તને મળવા બીજે દિવસે હું હોસ્પિટલ આવ્યો હતો પરંતુ તું નીકળી ગઈ હતી. કેટલીય વાર આ ચ-0 સર્કલ આગળ થી અને તારી ગર્લ્સ હોસ્ટેલ થી પસાર થયો, પણ તું ના મળી. અને હું નિરાશ થઈ ગયો, પણ કુદરત ની કરામત તો જો, જે છોકરી ને મેં પ્રથમ પ્રેમ કર્યો એ જ છોકરી આજે મારી અર્ધાંગિની છે. આઈ લવ યૂ નિરીક્ષા”
“આઇ લવ યૂ ટૂ માય ડિયર હસબન્ડ” કહી નિરીક્ષા એ આવર્ત ના ખભા પર માથું ઢાળી દીધું. કાર ડ્રાઇવ કરી રહેલા આવર્ત ની કાર માં ટ્યુન કરેલા એફએમ પર કઈક આવું સંભળાઇ રહ્યું હતું. “ ગૂડ મોર્નિંગ ટુ એવરી વન, તમે સાંભળી રહ્યાં છો 98.3 FM રેડિયોમિર્ચી અને હું છું ધ્વનિત. તમને બધાને સીઝન નો પ્રથમ વરસાદ મુબારક અને આવા વરસાદી રોમાંટિક માહોલ માં પ્રસ્તુત છે મારા ફેવરિટ મૂવી નો ફેવરિટ ટ્રેક.
“કિતને દૂર દૂર હો, ઉન દોનો કે રાસ્તે, મિલ જાતે હૈ જો બને, એક દુજે કે વાસ્તે”
પોતાના મામા ના દીકરા ની સગાઈ માં હાજરી આપવા જઈ રહેલા આવર્ત અને નિરીક્ષા ની સગાઈ અને લગ્ન ભલે એક વર્ષ પૂર્વે થયાં હોય પણ દિલથી દિલ ની સગાઈ તો દશ વર્ષ પૂર્વે જ થઈ ગઈ હતી.