વેલેન્ટાઇન ની સરપ્રાઇઝ ગિફ્ટ Dr. Nilesh Thakor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેલેન્ટાઇન ની સરપ્રાઇઝ ગિફ્ટ

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના કેમ્પસ માં આવેલી ડેન્ટલ ગર્લ્સ હોસ્ટેલ ના રૂમ નં. 70 માં મોબાઇલ ની રિંગ વાગી. મેઘા એ પપ્પા નો કોલ હોઈ ઝડપ થી ફોન ઉપાડ્યો અને કહ્યું

“ જય  શ્રી ક્રિશ્ન પપ્પા, હું અત્યારે જલ્દી માં છું તમને સાંજે આવીને કોલ કરું.”

“પણ બેટા સાંભળ તો ખરી”, સામે છેડે પપ્પા પણ કઇંક અગત્ય નું કહેવા માંગતા હોય એ રીતે આગળ કહ્યું

“ આ શનિવારે ઘરે આવીશ ને ? તારા ભાઈ ની પણ પરીક્ષા પૂરી થાય છે અને મેં અને તારી મમ્મી એ તારા માટે કઇંક સરપ્રાઇઝ ગિફ્ટ લીધી છે, તારે આવવું જ પડશે.” પપ્પા ના અવાજ માં હક અને પ્રેમ બંને વર્તા તા  જોઈ મેઘા પોતાની ઘરે જવાની નામરજી છતાં પપ્પા ને મના ના કરી શકી અને ફોન માં બસ આટલું કહ્યું “ હા પપ્પા, હું સ્યોર આવીશ.”

        ઝડપ થી તૈયાર થઈ મેઘા નીચે આવી, નીચે ઉત્પલ પોતાની બાઇક પર રાહ જોઈને જ બેઠો હતો અને જરા ગુસ્સા માં બોલ્યો

“કેટલી રાહ જોવડાવી ?” ચાલ હવે જલ્દી બેસ.”

“સોરી પપ્પા નો કોલ આવી ગયો હતો” આટલું બોલી મેઘા બાઇક પર બેસી ગઈ કે તરત બાઇક પુરપાટ ઝડપે સીજી રોડ પર ચાલ્યું ગયું.

        મેઘા ડેન્ટલ ના ફાઇનલ યર માં હતી અને ઉત્પલ એમબીબીએસ ના ફાઇનલ યર માં હતો, પોતાના પ્રજાપતિ સમાજ નું મોટું ફંકશન હોવાથી સિનિયરો એ બંને ની હમણાં જ એકબીજા સાથે ઓળખાણ કરાવી ને બંને ને એક જવાબદારી સોંપી હતી, ડેન્ટલ પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ને આમંત્રણ આપવાનું કામ મેઘાને અને મેડિકલ ના વિવિધ શાખાઓ ના પ્રતિષ્ઠિત ડોક્ટર્સ ને આમંત્રણ આપવાનું કામ ઉત્પલ ને સોંપવામાં આવ્યું હતું અને બંને પોતાની જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા હતા. બંને સીજી રોડ પર થોડું કામ પતાવી ને એક રેસ્ટોરન્ટ માં બેઠા ત્યાંજ મેઘા કટાક્ષ માં બોલી “ ઉત્પલ તને જલ્દી ભૂખ લાગી જાય છે આપણે બંને સવારે જ હોસ્ટેલ માં નાસ્તો કરીને તો આવ્યા”

“મેઘા જો, હું તો નાસ્તા નો અને વિવિધ વાનગી ઓ નો શોખીન છું, હું તો એવી જ પત્ની ને પસંદ કરીશ કે જે વિવિધ રસોઈ બનાવતા જાણતી હોય.” ઉત્પલ પણ કટાક્ષ નો જવાબ આપતા બોલ્યો. મેઘા ને પણ જાણે ના ગમ્યું હોય એમ કટાક્ષ ના સ્વર માં ફરી બોલી “હા તો એવી જ લાવજે અને એના હાથ નું ખાઈ ખાઈ ને જાડો થઈ જજે.” મેઘા ને રસોઈ બનાવતા નહોતું આવડતું અને એ વાત ઉત્પલ ને ખબર હતી.

        હમણાં જ તાજેતર માં થયેલી પોતાની મુલાકાત માં તો બંને એકબીજા ને સારી રીતે ઓળખી ગયા હતા. બંને તદ્દન વિરુધ્ધ સ્વભાવ ના હતા. મેઘા ને શાંત સંગીત પસંદ હતું તો ઉત્પલ ને ડીજે મ્યુઝિક. સમી સાંજે મેઘાને સાબરમતી રિવરફ્રંટ પર બેસવું ગમતું તો ઉત્પલ ને ઘર માં જ ટીવી જોવાનું. મેઘા ને સાઉથ ઇંડિયન ,પંજાબી અને ગુજરાતી જમવાનું ગમતું તો ઉત્પલ ને પિઝા અને બર્ગર. આટ આટલી વિરુધ્ધ બાબતો છતાં મેઘા ના મન માં ઉત્પલ માટે ભીની લાગણી જન્મી હતી. શું હતું આ પ્રેમ કે બીજું કઇંક? મેઘા નું મન ઉત્પલ સાથે ઉત્કટ સ્નેહ બંધન બાંધી ચૂક્યું હતું પરંતુ ઉત્પલ માટે પોતે એના પસંદગી ની પત્ની નથી એ એની વાતો પરથી જણાઈ આવતું હતું અને એનું મન વ્યગ્ર થઈ જતું.

        આ શનિવારે વેલેન્ટાઇન દિવસ હતો, અને કદાચ ઉત્પલ પોતાને પ્રપોઝ કરશે જ એવી મન માં ને મન માં ક્યાંક ઊંડે છુપાયેલી આશા સાથે એને ઘરે નહોતું જવું. શુક્રવાર ની રાત થી જ એ પોતાના મોબાઇલ માં જોવા લાગી કે ઉત્પલ નો મેસેજ આવશે,પરંતુ એની આશા ઠગારી નીવડી. એ વહેલા ઉઠી ને બારી બહાર જોવા લાગી કે ઉત્પલ હમણાં બાઇક લઈને આવશે અને પોતાને બહાર લઈ જશે, પરંતુ આ આશા પણ ઠગારી નીવડી.એ ઉદાશ થઈ ઘરે જવા તૈયાર થવા લાગી.ઘર ની મુસાફરી દરમ્યાન બસ માં ઉત્પલ ના જ વિચારો માં ખોવાયેલી મેઘા ક્યારે પોતાના શહેર માં આવી ગઈ એની એને ખબર જ ના રહી.

        મેઘા રિક્ષામાં બેસી પોતાના ઘરે આવી. ઘરે આવતા જ જોયું કે પપ્પા પોતાની સાથે નોકરી કરતાં હસમુખકાકા અને શારદા માસી જોડે બેઠા હતા, પપ્પા એ બંને ની ઓળખાણ મેઘા સાથે કરાવી. મેઘા એ પણ બંને ને નમસ્તે કહ્યું અને રસોડા માં મમ્મી જોડે આવી.

મમ્મી એ જરા હસતા મોંએ  કહ્યું, “ બેટા ફ્રેશ થઈ જા, અને ઉપર તારી સરપ્રાઇઝ ગિફ્ટ લઈ આવ.”

“મમ્મી, મારો અત્યારે મૂડ નથી, પછી જોઈ લઇશ.” ઉદાશ ચહેરે મેઘાએ કહ્યું.

“બેટા મમ્મી ની વાત પણ નહીં માને ?” મમ્મી એ જરા પ્રેમ થી કહ્યું એટલે મૂડ ના હોવા છતાં મેઘા ઉપર ગઈ.

        મેઘાએ ઉપર જઈ ને જોયું તો એનો આશ્ચર્ય અને આનંદ નો પાર ના રહ્યો. ઉપર ઉત્પલ હાથ માં રોઝ અને બોક્સ માં કઈક લઈ ને ઊભો હતો. જેવી મેઘા નજીક ગઈ કે તરત જ ઉત્પલ એક દમ ફિલ્મી અંદાજ માં સહેજ નીચે ઘૂંટણીયે બેસી મેઘા નો હાથ પકડી બોલ્યો

“ વિલ યૂ બી માય વેલેન્ટાઇન?”

અને પછી તરત જ બોક્સ માંથી વીંટી કાઢી એને પહેરાવતા બોલ્યો

“ તને રસોઈ બનાવતા નથી આવડતું તો આપણે બંને શિખીશું, હું તારી જોડે શાંત સંગીત નો આહલાદક લ્હાવો લેવા તૈયાર છું, સાબરમતી નદી ના કિનારે સમી સાંજે બેસવા તૈયાર છું, તારી સાથે સાઉથ ઇંડિયન ,પંજાબી અને ગુજરાતી જમવાની લિજ્જત માણવા જીવનભર સજ્જ છું. મને સમજાઈ ગયું છે કે મારૂ જીવન બસ તારી સાથે જ વણાયેલું છે. મારી જીવન સંગિની બનીશ ?”

 

        મેઘા તો હર્ષાશ્રુ સાથે શું બોલવું એની સમજ જ ના પડી અને એ ઉત્પલ ને ભેટી પડી. ભેટતાં  ભેટતાં જાણે અત્યારથી જ ઉત્પલ પર હક કરતી હોય એમ રિસાયેલા સ્વરે મેઘા એ કહ્યું “આવું કરાય ? કેટલી રાહ જોઈ રાત્રે મેસેજ ની? સવાર ની બારી બહાર રાહ જાઉં છું તારા આવવાની. હું તારા જોડે હવે નહીં બોલું ”

        ઉત્પલ પણ જાણે હવે મેઘાને મનાવવાની જવાબદારી એની હોય એમ બોલ્યો “ જો રાત્રે જ મેસેજ કર્યો હોત અને સવારે બાઇક લઈ ને આવ્યો હોત, આ મારી સરપ્રાઇઝ નું શું થાત ? બોલ કેવી લાગી મારી સરપ્રાઇઝ ગિફ્ટ? હું આપણી આ ક્ષણો ને યાદગાર બનાવવા માંગતો હતો.” મેઘા નો ગુસ્સો તરત ઉતરી ગયો.

        મેઘા અને ઉત્પલ બંને નીચે આવ્યા. જ્યારે પોતે ઘર માં પ્રવેશી ત્યારે એને નહોંતી ખબર કે હસમુખકાકા અને શારદા માસી પોતાના ભાવિ સાસુ સસરા છે અને ઉત્પલ એમનો દીકરો છે.

બંને ને મેઘા પગે લાગીને બંને ના બાજુ માં બેસી ત્યાં જ મેઘાના પપ્પા એ મેઘા ને પૂછ્યું  “ કેવી લાગી બેટા સરપ્રાઇઝ ગિફ્ટ? ઉત્પલ એ અમને સઘળી હકીકત કહી દીધી હતી એટ્લે મેં અને તારી  મમ્મી એ તારા માટે સરપ્રાઇઝ ગિફ્ટ નું પ્લાનિંગ કર્યું હતું.”

        મેઘા ને વેલેન્ટાઇન ના દિવસે એક નહીં પરતું 3 સરપ્રાઇઝ ગિફ્ટ મળી. ઉત્પલ એ આપેલી રોઝ અને વીંટી ની ભેંટ અને પપ્પા એ આપેલી જીવન સાથી રૂપી ઉત્પલ ની ભેંટ !