“ જેવી હું કાર માં બેઠી કે એ મારા ગાલ ની બિલકુલ નજીક આવી ગયો, એક પળ માટે તો મારો શ્વાશ જ થંભી ગયો, હું સહેજ ગભરાઈ ગઈ, મને એમ કે હજુ પહેલી જ મુલાકાત માં આટલું નજીક આવવાનો પ્રયત્ન? પરંતુ તરત જ એને કાર નો સીટ બેલ્ટ હાથ માં લીધો અને બાંધી દીધો. હું જે વિચારતી હતી એવું નહોતું, પછી કારમાં એકદમ રોમાંટિક ગીત વાગ્યું,
તેરે હાથો કી તરફ મેરે હાથો કા સફર રોઝાના......, રોઝાના......,
કાર નો કાચ ખોલીને બહાર વર્ષી રહેલા ધીમા વરસાદના છાંટા મારા હાથ પર હું ઝીલતી જતી હતી, ગાલ મારા ખુશી ના લીધે લાલ થઈ ગયા હતા. સહેજ શરમાતાં મારી નજર આનવ પર પડી, મારી અને આનવ ની નજર જેવી એક થઈ કે મારી નજરો ઝૂકી ગઈ.
પછી અમે એક કોફી શોપ માં ગયા, આનવ ની આંખો માં ગજબ નું આકર્ષણ હતું, એ મને જોતો રહ્યો અને અને હું એને.....એની વાતો માં બસ અમારા ભવિષ્ય ના પ્લાન હતા ...એકવાર પણ એણે મારા ચહેરા પરથી નજર ના હટાવી.......”
આટલું કહેતા કહેતાં કહેતાં આર્જવી ની આંખો માં ખુશીઓ ની રેખાઓ ચિતરાઇ ગઈ ને આનવ ના વિચારો માં બસ ખોવા જ જતી હતી કે ત્યાં જ એની નાની બહેન અપૂર્વી એ એક ચુંટલો ખણ્યો,
“ તો છોકરી ને છોકરો પસંદ છે, એમને ! હું હાલ જ જઈ ને પપ્પા ને કહું છું, કે તમે જે છોકરા ની વાત લાવ્યા હતા, એની જોડે દીદી ની મુલાકાત થઈ ગઈ છે, ને દીદી ને જીજુ પસંદ છે.” અપૂર્વી પણ હર્ષ થી છલકાઈ રહી હતી.
“અરે પણ હજુ એ કાલે બધા આવશે, ત્યારે જ વાત કરીશ , હજુ આનવ મારા વિષે શું વિચારે છે ? એ ક્યાં ખબર છે? ” આર્જવી દ્વિધા માં હતી.
“ મારી આટલી પરી જેવી દીદી પર જીજુ મોહી ના પડે એવું બને જ નહીં ” અપૂર્વી પોતાની મોટી બહેન આર્જવી ને ચીડવી રહી હતી.
“ બસ હો..જીજુ જીજુ ...આ શું લગાવી રાખ્યું છે?” આર્જવી પણ હસતાં હસતાં અપૂર્વી ની વાતો ને માણી રહી હતી.
*********************************
“ દીકરી આપો છો, તો આટલું તો અમારાથી થાય જ, જેટલું ઋણ અદા કરીએ એટલું ઓછું.” આનવ ની મમ્મી આર્જવી ના ઘર ના બધા સભ્યો માટે હીરાજડિત સોના ની કઇંક ને કઇંક વસ્તુ આપી રહી હતી.
આર્જવી ના પપ્પા અખિલેશ ભાઈ મન માં મૂંઝાઇ રહ્યા હતા એમને કદાચ એમ કે દીકરો ડોક્ટર છે, આટલું સારું ઘર છે, તો દહેજ પણ કદાચ વધારે માંગશે.
ત્યાં જ આનવ ના પપ્પા એ કહી દીધું, “ અખિલેશભાઈ, હીરા જેવી દીકરી આપો છો, તો અમારે દહેજ માં કઈંજ નહીં જોઈએ.”
ત્યાં જ અખિલેશ ભાઈ ના કપાળ પર જરા તાણ ની રેખાઓ વિલીન થઈ ગઈ ને હર્ષ થી એ જેવી મીઠાઇ લેવા ઊભા થયા કે એમનો પગ સહેજ મચકોડાઇ ગયો અને સ્થિરતા ગુમાવી ને જેવા એ ફર્શ પર પડતાં હતા કે આનવ થી “પપ્પા....જરા સંભાળી ને ....” એવું બોલાઈ ગયું અને એમને ફર્શ પર પડતાં બચાવી લીધાં.
પણ આર્જવ ના પપ્પા ના સંબોધન થી બધા એકસાથે હસી પડ્યા, આર્જવી ના ગાલ શરમ થી લાલ થઈ ગયા, આર્જવી ને અપૂર્વી ની આંખો એક થઈ, અપૂર્વી હસી ને જરા ધીમે થી “જીજુ...” એવું કહી ને હજુય આર્જવી ને ચીડવી રહી હતી, આર્જવી ને આનવ નો જવાબ બસ એના આ પપ્પા ના સંબોધન થી મળી ગયો.
એટલા માં આર્જવી ના ફોન ની રીંગ રણકી, સાથે જ આર્જવી ની આનવ સાથે ની પહેલી મુલાકાતો ની 4 વર્ષ પહેલાં ની યાદો ની શૃંખલા તૂટી. પોતાના અને આનવ ના પ્રેમ ના સેતુ બનીને જન્મેલી અને નર્સરી માં અભ્યાસ કરતી પોતાની નાની દીકરી ઝીવા ને સ્કૂલ માં લેવા જવાનું હતું. આજે સ્કૂલ માં વાર્ષિકોત્સવની ચાલી રહેલી તૈયારીઓના લીધે થોડું મોડુ થઈ ગયું હતું.
“ આનવ, 7 વાગી ગયા છે, ઝીવા ને લેવા જવાનું છે, કેટલી વાર ? સ્કૂલ માં થી 2 વાર ફોન આવી ગયા.”
આર્જવી ના ચહેરા પર પોતાની દીકરી ની ચિંતા સ્પષ્ટ વર્તાઇ રહી હતી.
“આર્જવી, આજે મારે થોડું લેટ થશે, તું કાર લઈ ને લઈ આવ, મારે હજુ બહાર દર્દીઓ ઓ ની ભીડ છે. ઓપીડી જલ્દી પૂરી કરી ને જલ્દી ઘરે આવી જઈશ.” આનવ ના સૂર માં કામ ની વ્યસ્તતા ટપકતી હતી.
“પણ.., આનવ તને ખબર છે ને મને કાર હજુ એટલી બધી નથી આવડતી.” આર્જવી કાર ડ્રાઇવિંગ ની વાત લઈ ને અચકાઈ રહી હતી.
“ ધીમે, ધીમે ચલાવજે, આર્જવી....બસ કઈ નહીં થાય, એટલી કાર તો આવડે જ છે, જેટલી કાર ચલાવીશ એટલો જ આત્મવિશ્વાસ આવશે.” આનવ આર્જવી ની મૂંઝવણ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
“ પણ..તમે આવ્યા હોત...સારું હું જાઉં છું, પણ જલ્દી ઘરે આવજો....ને હા..સાંભળો આઇ લવ યૂ.” આર્જવી સામેથી આ જ શબ્દો ની ઝીલવા ફોન ને કાને હજુય માંડી રહી હતી.
“આઇ લવ યૂ..ટૂ માય સ્વીટું.” એવા આનવ ના શબ્દો ને ઝીલવા માટે આર્જવી ના કાન સરવા થઈ ગયા હતા પણ આનવની કામ ની વ્યસ્તતાં ના લીધે આનવથી પ્રત્યુતર વગર જ કોલ મુકાઇ ગયો.
ચહેરા પર એક આછા સ્મિત સાથે આર્જવી કાર ની ચાવી લઈ ને નીકળી પડી.
*****************************
આનવ ચિંતામાં હતો, આર્જવી ને કૉલ લગાવતો હતો, પણ આર્જવી એક પણ કૉલ નો જવાબ નહોતી આપી રહી, હાંફળો ફાંફળો થતો આનવ કાર લઈ ને ઝીવા ના સ્કૂલ તરફ પુરપાટ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો કે અજાણ્યા નંબર પર થી એક કોલ આવ્યો.
“ હેલ્લો મિસ્ટર આનવ, એક અકસ્માત થયો છે, અને જે લેડી નો અકસ્માત થયો છે, એના ફોન માં લાસ્ટ ડાયલ કૉલ માં તમારું નામ છે, જલ્દી થી અપોલો હોસ્પિટલ આવી જાઓ.” ને કોઈ અજાણ્યો માણસ ફોનના સામે છેડે આનવ ને હોસ્પિટલ જલ્દી આવવા કહી રહ્યો હતો.
“ પણ કોણ, ક્યારે, શું ??” આનવ ના મન માં હજારો સવાલો હતા, છાતી માં ભાર વર્તાઇ રહ્યો હતો, કશુક અમંગળ થયું હોય એવો ભાસ થતો હતો.
જેવો આનવ હોસ્પિટલ પહોંચ્યો કે ખબર પડી કે હવે આર્જવી નહોતી રહી, અને ઝીવા ગંભીર રીતે ઘવાયેલી હતી. એક ભારે ટ્રક સાથે આર્જવી ની કાર નો અકસ્માત થયો હતો જેમાં આર્જવી નું પ્રાણ પખેરું ત્યાં જ ઊડી ગયું હતું.
આનવ ફસડાઈ પડ્યો, ચોંધાર અશ્રુઓ સાથે એ આર્જવી ના શવ ને લપેટાઇ રહ્યો, શું કહેવું શું ના કહેવું એ સમજાઈ નહોતું રહ્યું. એકપળ માં આનવ ની દુનિયા છીનવાઇ ગઈ.
************************
આર્જવી ની વસ્મી વિદાય ના ચાર સપ્તાહ બાદ પણ આનવ નોર્મલ નહોતો, આનવ ના મમ્મી પપ્પા અને આર્જવી ના મમ્મી પપ્પા બધા જ આનવ ને લઈ ને ચિંતાતુર હતા. આનવ અચાનક જાગી જતો અચાનક પાછો આર્જવી ના વિચારો માં મગ્ન થઈ જતો, કોઈવાર સૂનમૂન બેસી રહેતો. ઘર માં અપૂર્વી એ ઝીવા ની જવાબદારી ઉપાડી લીધી હતી.
આર્જવી ના મમ્મી પપ્પા ઘર માં જ હોવા છતાં તેમને જોઈ ને બોલી ઊઠતો,
“ મમ્મી પપ્પા તમે ક્યારે આવ્યાં ? મને કહ્યું હોત, હું તમને લેવા આવી જાત, આર્જવી એ મને કશું કહ્યું જ નહીં. આર્જવી ! આર્જવી ! જો મમ્મી પપ્પા આવ્યાં છે.”
ને આનવ આર્જવી ને આખા ઘર માં શોધતો,
“ પપ્પા જુઓ ને આર્જવી નથી ઘર માં, સાંજે એનો ફોન આવે તો કહેજો કે ઝીવા ને લેવા સ્કૂલ માં એકલી ના જાય, હું પણ સાથે આવીશ.” ને અચાનક આનવ સૂનમૂન થઈ જતો.
આનવ ની મમ્મી આનવ માટે જમવાનું લઈ ને જતી તો ય આનવ એમને પણ એ જ પૂછતો, “આર્જવી જમી કે નહીં ? હા કદાચ ઝીવા ને લેવા જવાનું કહેતી હતી, મમ્મી એને કહેજે કે એકલી ના જાય, હું પણ સાથે આવું છું. આર્જવી ! આર્જવી !” ને આનવ ફરી પાછો ઘર ની બહાર દોડી જતો.
શહેર ના પ્રતિષ્ઠિત માનસિક રોગ ના નિષ્ણાત ડૉ. પારેખ ની દવાઓ પણ અસર નહોતી કરી રહી. મૂડ સ્ટેબીલાઇઝર, એન્ટિ ડિપ્રેસન્ટ બધુ જ અજમાવી જોયું પણ આનવ ની સ્થિતિ માં કોઈ સુધાર નહોતો.
અપૂર્વી થી પોતાની દીદી નો આમ વિખરાયેલો માળો જોવાતો નહોતો. આ વિખરાયેલા માળા માં પોતે આવીને ઝીવા અને પોતાના જીજુ ને સાચવી લેવા તૈયાર હતી, પણ એને ખ્યાલ હતો કે પોતાના જીજુ આર્જવી સિવાય કોઈ ને પણ સ્વીકારવા તૈયાર નહોતાં.
“ શું સાહેબ હવે આનવ ને ઠીક નહીં થાય ? ક્યાં સુધી આમ ને આમ !” ચિંતાથી ઘેરાયેલા સ્વર સાથે આનવ ના પપ્પા ડૉ. પારેખ ને પૂછી રહ્યાં હતાં.
“ જુઓ, આનવ ને બહુ ઘેરો અને કારમો આઘાત લાગ્યો છે, એ હજુ એ માનવા જ તૈયાર નથી કે આર્જવી આ દુનિયા માં નથી, એ આર્જવી ને બચાવી ના શક્યો એનો બહુ ઊંડો અફસોસ હ્રદય માં લઈ ને ફરી રહ્યો છે, સમય લાગશે, હું મારા બનતાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છું. કદાચ આનવ ને કોઈ સાચવવાં વાળું મળી જાય તો એ આઘાત માંથી બહાર આવી શકે.”
ને આ સાંભળતા જ અપૂર્વી ની આંખો માં ચમક આવી ગઈ.
“ હા ડોક્ટર સાહેબ, હું તૈયાર છું, પણ જીજુ મને સ્વીકારશે?”
આ સાંભળતા જ આનવ ના મમ્મી પપ્પા ને આશા ની એક કિરણ દેખાઈ રહી હતી. અપૂર્વી ના મમ્મી પપ્પા એ પણ પોતાની દીકરો નો આ નિર્ણય બિરદાવ્યો.
“ હા, સ્વીકારશે દીકરી પણ હું કહું એમ તારે કરવું પડશે, આ બાબત માં ડૉ. શર્મા ની આપણે મદદ લઈશું.”
*******************
પ્લાન પ્રમાણે બધુ જ ગોઠવાઈ ગયું હતું, આનવ પોતાના ક્લિનિક માં અર્ધબેભાન હતો, ત્યાં આનવ નો મોબાઇલ રણક્યો.
“આનવ, 7 વાગી ગયા છે, ઝીવા ને લેવા જવાનું છે, કેટલી વાર ? સ્કૂલ માં થી 2 વાર ફોન આવી ગયા.”
સામે છેડે અપૂર્વી પ્લાન પ્રમાણે ઘર ની બહાર આવી ને આનવ ને ફોન કરી રહી હતી. આનવ ના મમ્મી પપ્પા ને અપૂર્વી ના મમ્મી પપ્પા ઝીવા ને લઈ સ્કૂલ પહોંચી ગયાં હતાં અને દૂર થી આખી ઘટના ને નિહાળવા આતુર હતાં.
“આર્જવી, આર્જવી, હા આર્જવી, તું એકલી ના જતી, હું આવ્યો. તું બહાર જ ઊભી રહે.” ને આટલું બોલતાં બોલતાં તો એ કાર લઈ ને અપૂર્વી પાસે પહોંચી ગયો.
“ આર્જવી! આર્જવી ! આઇ લવ યૂ, આઇ લવ યૂ ! અપૂર્વી ના કપાળ ને ને હાથ ને વારે વારે ચૂમી રહ્યો હતો, પોતાની આર્જવી ને પાછી મેળવી ને જાણે ખુશ ખુશ થઈ ગયો હતો.”
“ આઇ લવ યૂ ટૂ, ડિયર હબી, ચાલો હવે ઝીવા ને લેવા નું મોડુ થાય છે.” અપૂર્વી મન માં ને મન માં બહુ જ ખુશ હતી, ડૉ. પારેખ નો પ્લાન કામ રહી રહ્યો હતો. ડૉ. શર્મા ની નાની સરખી પ્લાસ્ટિક સર્જરી ની મદદથી અપૂર્વી આજે આર્જવી બની ગઈ હતી ને આનવને આર્જવી ના ચહેરા પાછળ અપૂર્વી છે એવો સહેજ પણ ભાસ ના થયો.
“ મમ્મી, મમ્મી, તું આવી ગઈ ? મમ્મી મે તારી કેટલી રાહ જોઈ ? હું હવે તને ક્યાય જવા નહીં દઉં” ઝીવા પણ પોતાની મમ્મી ને જોઈ ને ખુશી થી ઝૂમી ઉઠી.
“ બેટા, હવે આપણે પણ મમ્મી ને ક્યાય નહીં જવા દઈએ.” એમ કહેતા જ ઝીવા ને ઊંચકી ને અપૂર્વી નો હાથ પકડી ને આનવ કાર માં ગોઠવાઈ ગયો, ને જેવી કાર ધીમા વેગે ઘર તરફ જઈ રહી હતી. ચહેરા પર હર્ષ સાથે આંખો ના અશ્રુ લૂછતાં લૂછતાં આનવ ના મમ્મી પપ્પા ને અપૂર્વી ના મમ્મી પપ્પા કાર ને બાય બાય કહી રહ્યાં હતાં.
સમય વિત્યો, હવે આનવ સ્વસ્થ હતો, આનવ ને આખીય ઘટના ની જાણ થઈ, પણ ત્યાં સુધી અપૂર્વી એ સ્નેહ ના વાવેતર જ એટલા કરી નાખ્યા હતાં કે હવે એ આનવ અને ઝીવા ની દુનિયા નું અભિન્ન અંગ હતી.
“નીલ”
ડૉ. નિલેશ ઠાકોર