એન એક્શન હીરો - ફિલ્મ સમીક્ષા Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એન એક્શન હીરો - ફિલ્મ સમીક્ષા

એન એક્શન હીરો

-રાકેશ ઠક્કર

આયુષ્માન ખુરાનાની 'એન એક્શન હીરો' ને થિયેટરમાં રજૂ કરવામાં આવી છે. ફિલ્મ જોયા પછી એને OTT માટેની કહી શકાય એમ છે. ફિલ્મ વાસ્તવિક્તાથી થોડી દૂર ભાગે છે. 'એન એક્શન હીરો' માં વિલન પહેલી વખત વિદેશ જાય છે છતાં આરામથી પિસ્તોલ લઇ જઇ શકે છે, જેવા કેટલાક દ્રશ્યો હજમ થાય એવા નથી. આયુષ્માનના ખતરનાક એક્શન દ્રશ્યોમાં મોટાભાગે ડુપ્લીકેટનો ઉપયોગ થયાનું જણાય છે. કેટલાક દ્રશ્યો વધુ પડતા નાટકીય લાગે છે. ફિલ્મને લંડનમાં લઇ જવામાં આવી છે તેનું કારણ કોરોના કાળમાં શુટિંગ કરવાનું હતું. એ બાબતે નિર્દેશકની ભૂલ કાઢી શકાય એમ નથી. એમણે લંડનની સુંદરતા બતાવી છે.

આયુષ્માન જેવા અભિનેતાને બદલે મલાઇકા અરોરા અને નોરા ફતેહીના આઇટમ ગીતોથી નિર્માતાએ ફિલ્મને વેચવાનો ઇરાદો કેમ રાખ્યો એ સમજાતું નથી. ફિલ્મના વિષયને આકર્ષણ બનાવીને દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં જોખમ દેખાયું હશે? એવો પ્રશ્ન થાય છે. કેમકે હવે લોકો માત્ર આઇટમ ગીતો માટે અઢી કલાકની ફિલ્મ જોવા આવતા નથી. પહેલો ભાગ એડિટિંગમાં હજુ વધુ કસાવટ સાથે હોવો જોઇતો હતો. જોકે, ક્લાઇમેક્સ બધી ફરિયાદો જરૂર દૂર કરે છે. આયુષ્માન બરાબર કહે છે કે,'એકશન હીરો હૂં, તાકત કા ઇસ્તેમાલ લાસ્ટ મેં કરતા હૂં.'

ફિલ્મમાં આયુષ્માન એક અભિનેતાની ભૂમિકામાં છે. એક દિવસ સેટ પર દુર્ઘટના બને છે. એક વ્યક્તિ મરી જાય છે જે નેતા જયદીપનો ભાઇ હોય છે. તે ભાઇના મોતનો બદલો લેવા લંડન પહોંચી જાય છે. તે આયુષ્માનને પોતાના હાથે મારવા માગે છે. જે દેશના લોકોનો તે હીરો હતો એમનો જ ગુનેગાર બની જાય છે. મિડિયા ટ્રાયલ શરૂ થઇ જાય છે. પ્રશ્નો અનેક છે. તે બચી જશે? તેનું સ્ટારડમ પાછું મળશે? હત્યાનું રહસ્ય શું હશે?

રીમેકના સમયમાં આવી અસલ વાર્તા પરથી ફિલ્મ બનાવવા માટે નિર્દેશક અનિરુધ્ધ ઐયરની પીઠ જરૂર થાબડી શકાય એમ છે. એમણે એક્શનના નામ પર હીરોની બોડી બતાવવાનું જ કામ કર્યું નથી. અને બદલાની વાર્તા હોવા છતાં ઘીસીપીટી વાર્તા નથી. ફિલ્મમાં મિડિયા અને ફિલ્મી હસ્તીઓના સ્ટારડમ પર કટાક્ષ છે. ફિલ્મોના બૉયકોટ ટ્રેન્ડની પણ વાત છે. ફિલ્મની અંદર જ એક ફિલ્મ ચાલે છે. હીરો એક એવા મુકામ પર આવી જાય છે કે એ આગળ શું કરશે એની કલ્પના કરવાનું મુશ્કેલ બને છે.

અલગ પ્રકારની ફિલ્મ માટે આયુષ્માનનું નામ જ કાફી છે. એણે જ્યારે જરા હટકે ફિલ્મો કરી છે ત્યારે એને પ્રશંસા મળી છે. પણ 'ગુલાબો સિતાબો' જેવી પોતાને જ રજૂ કરતી ફિલ્મો કરી ત્યારે એ પસંદ થઇ ન હતી. અલગ કરવાના નામ પર પહેલી વખત મસાલા ફિલ્મ કરી છે અને એની વાર્તાને કારણે આયુષ્માન ખુરાનાનો અભિનય ક્યાંક લાઉડ કે ઓવર એક્ટિંગ જેવો લાગતો હોવા છતાં માનવું પડશે કે મહેનત કાબિલેતારીફ છે. તેની સાથે જયદીપ અહલાવતે હરિયાણવી ભાષા બોલીને એવો માહોલ બનાવ્યો છે કે પ્રભાવિત કરી જાય છે. સંવાદ વગર એણે ઘણા દ્રશ્યોને દમદાર બનાવ્યા છે. જો આયુષ્માન અને જયદીપ વચ્ચે જબરદસ્ત ટક્કરના વધુ દ્રશ્યો હોત તો મજા આવી ગઇ હોત. આયુષ્માન જેટલી જ જયદીપની આ ફિલ્મ છે. ક્યારેક તો 'ભૂરા' તરીકે ફિલ્મનો અસલી હીરો એ લાગે છે.

ફિલ્મમાં હીરોઇન નથી એ અજીબ વાત લાગે છે. પરંતુ એ તેની ખામી નહીં ખૂબી બને છે. 'એન એક્શન હીરો' નામ હોય ત્યારે અક્ષયકુમારને બે દ્રશ્યમાં લેવાનું યોગ્ય છે પણ આયુષ્માન અક્ષયકુમારના વધુ ફિલ્મો કરવાના રવાડે ચઢી ના જાય તો સારું છે. ફિલ્મનું સંગીત ખાસ નથી. રિમિક્સ ગીતોમાં દમ નથી. ગીતો વગર જ એક સારી ફિલ્મ બની શકતી હતી. કદાચ નિર્માતાઓની માંગ સામે નિર્દેશક લાચાર બન્યા હશે. બીજી ઘણી બાબતોમાં પણ આયુષ્માનની 'એન એક્શન હીરો' ને એક મનોરંજક ફિલ્મ બનાવવાનો આશય સ્પષ્ટ દેખાય છે.