Scene 2 books and stories free download online pdf in Gujarati

દ્રશ્યમ 2

દ્રશ્યમ 2

-રાકેશ ઠક્કર

દક્ષિણની રીમેક બનાવનારા માટે શીખવા જેવી વાત એ છે કે મૂળ ફિલ્મ કરતાં હિન્દી 'દ્રશ્યમ 2' ની અવધિ 13 મિનિટ ઓછી છે. નિર્દેશકે ફિલ્મમાં થોડા ફેરફાર કર્યા છે છતાં અસલને બરાબર ન્યાય આપી શક્યા છે. પહેલી 'દ્રશ્યમ' રજૂ થયા પછી લોકોને ખબર પડી હતી કે એ મોહનલાલની મલયાલમ ફિલ્મની હિન્દી રીમેક છે. અને મોહનલાલની જ મલયાલમ 'દ્રશ્યમ 2' ગયા વર્ષે સીધી OTT પર રજૂ થઇ હતી. પરિણામે હિન્દી 'દ્રશ્યમ 2' રીમેક હોવાની વાત અગાઉથી જ ખબર હતી અને ઘણાને ક્લાઇમેક્સની પણ જાણ હોવા છતાં એટલી સારી બની છે કે અસલ ફિલ્મ જેવી જ લાગે છે. એ માનવું પડશે કે આજકાલની હિન્દી ફિલ્મો કરતાં તો સારી જ છે. મોહનલાલની મૂળ મલયાલમ ફિલ્મ યુટ્યુબ પર ઉપલબ્ધ છે પરંતુ થિયેટરમાં અજયની ફિલ્મ હિન્દીમાં જોવાનો જે સંતોષ મળે છે એવો મળતો નથી.

ફિલ્મમાં એવા અનેક દ્રશ્યો છે જે ચોંકાવી દે છે અને તાળીઓ- સીટીઓ માટે મજબૂર કરે છે. 'દ્રશ્યમ 2' સાત વર્ષ પછી બની હોવા છતાં તેની હાઇપ 'બાહુબલી 2' જેવી જ હતી. છેલ્લા સાત વર્ષથી બીજી ઓક્ટોબરની તારીખને 'દ્રશ્યમ' ને કારણે પણ યાદ રાખવામાં આવતી હતી. બધાંને જ ખબર હતી કે અજય દેવગને લાશ ક્યાં છુપાવી છે. અજય પકડાઇ જાય છે પણ પછી શું થાય છે એ મહત્વનું છે. પોલીસને અજય વિરુધ્ધ કેટલાક પુરાવા મળે છે. પછી અજયને સજા મળશે કે પોલીસના લાંબા હાથ બંધાયેલા રહેશે એ જાણવાનું રસપ્રદ બનાવ્યું છે.

'દ્રશ્યમ' ના નિર્દેશક નિશિકાંત કામતના અવસાન પછી અભિષેક પાઠકે નિર્માતામાંથી નિર્દેશક બનવાનો નિર્ણય કર્યો ત્યારે ઘણાને શંકા ઊભી થઇ હતી. પરંતુ ઇન્ટરવલ પહેલાંની વાર્તાની ધીમી ગતિ વખતે ધીરજ રાખવાથી પૈસા વસૂલ થાય એવી ફિલ્મ બનાવી છે. પાત્રોને સ્થાપિત કરવા માટે સમય લીધો છે એ જરૂરી હોવાનો અહેસાસ પાછળથી રહસ્યો ખૂલે ત્યારે થાય છે. મૂળ જીતૂ જોસેફની વાર્તાને અભિષેક પાઠક અને આમિલે હિન્દીમાં રૂપાંતરિત કરી 'સચ પેડ કે બીજ કી તરહ હોતા હૈ, જિતના દફના લો એક એક ન એક દિન બાહર આ હી જાતા હૈ' જેવા સંવાદ આપ્યા છે. જે વાર્તાને રસપ્રદ બનાવે છે. ઇન્ટરવલ પછી વાર્તા એટલી ઝડપથી ભાગે છે કે દર્શક ખુરશી પરથી હલી શકતો નથી. નિર્દેશકે અગાઉની 'દ્રશ્યમ' ના જ કલાકારોને ફરીથી લઇને દર્શકોને એ માહોલમાં લઇ જવામાં સફળતા મેળવી છે.

દરેક કલાકારે પોતાના પાત્રમાં તન્મય થઇને કામ કર્યું છે. ફિલ્મનો અસલી હીરો વાર્તા હોવા છતાં અજય દેવગનની આંખોનો અભિનય 'દ્રશ્યમ 2' ને વધુ જોવાલાયક બનાવે છે. તેની ચાલવાની રીત પણ પાત્રને ખાસ બનાવે છે. મોહનલાલ સાથે અજયની સરખામણી કરી શકાય એમ નથી પરંતુ તે એક સામાન્ય માણસ 'વિજય સલગાંવકર' તરીકે દરેક દ્રશ્યમાં ખરો ઉતરે છે. તેનો અભિનય ફિલ્મને અલગ જ સ્તર પર લઇ જાય છે. અજય દેવગને આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મનું શુટિંગ 'દ્રશ્યમ' ના સાત વર્ષ પછી કર્યું હોવા છતાં એ જ પાત્રને કોઇ ખામી વગર એવું જ જીવંત કરવામાં સફળ થયો છે. એમ કહેવાયું છે કે ફિલ્મને જોવાના સૌથી સબળ પાસા અજય અને ક્લાઇમેક્સ જ છે. અજય વગર 'દ્રશ્યમ' નું કોઇપણ હિન્દી વર્ઝન બનાવવું મુશ્કેલ જ નહીં અશક્ય લાગે છે. આ વખતે તબ્બૂને ઓછી તક મળી છે. અલબત્ત એ 'વો ફંસેગા ક્યુંકિ ઉસને એક માંકો અંડરએસ્ટીમેટ કરને કી ગલતી કી હૈ' અને 'વો ચાલાક હૈ ઉસે સોચને કા ટાઇમ બિલકુલ ન દેના' જેવા સંવાદ સાથે પોતાના દમદાર અંદાજમાં જ છે. અજય – તબ્બુની જોડી હવે તમિલની હિટ ફિલ્મ 'કૈથી' ની હિન્દી રીમેક 'ભોલા' માં ફરી જોવા મળશે. જે અજય નિર્દેશિત ચોથી ફિલ્મ હશે.

તબ્બૂના બદલે અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં આવ્યો છે. તે પોલીસ અધિકારીની ભૂમિકામાં એકદમ યોગ્ય સાબિત થયો છે. અજયને 'સ્માર્ટ મેન' માનતા અક્ષયને તબ્બૂથી વધુ તેજ દિમાગનો બતાવાયો છે. ફિલ્મમાં તેના પ્રવેશ પછી વધારે મજા આવે છે. રજત કપૂર સ્વાભાવિક અભિનય કરે છે. ઇન્સ્પેક્ટર ગાયતોંડે તરીકે કમલેશ સાવંત હળવાશ પૂરી પાડે છે. સામાન્ય રીતે આ પ્રકારના સહાયક કલાકારોને બહુ મહત્વ મળતું નથી. અજયની પુત્રીઓ તરીકે ઇશિતા દત્તા અને મૃણાલ જાધવની ઉંમર સાત વર્ષ વધી છે છતાં ભૂમિકામાં બંધબેસતી છે. ત્યારે પોતાની યુવાન પુત્રી ન્યાસા ફિલ્મોમાં આવશે કે નહીં એની હજુ અજયને જ ખબર નથી. અજયની પત્ની તરીકે શ્રિયા સરન પ્રભાવિત કરે છે. સૌરભ શુક્લા એક ફિલ્મ પટકથા લેખક તરીકે વાર્તાને રોમાંચક બનાવવામાં મદદરૂપ બને છે.

સમીક્ષકોએ પાંચમાંથી ચાર કે તેથી સ્ટાર આપીને લગભગ બધી જ બાબતોના વખાણ કર્યા છે. સસ્પેન્સ- થ્રીલરના શોખીનોએ તો 'દ્રશ્યમ 2' છોડવા જેવી જ નથી. હિંસા અને રોમાન્સવાળી ફિલ્મોથી કંટાળેલા દર્શકોને આ થ્રીલર વધારે ગમશે. ગીતોનું વાર્તામાં બહુ મહત્વ નથી છતાં 'સાથ રહેં હમ' સારું બન્યું છે. છેલ્લે રેપ ગીત મનોરંજક છે. બેકગ્રાઉન્ડ સંગીત ફિલ્મને વધારે રોમાંચક બનાવે છે. કેસ રી-ઓપન થયા પછી દર્શકોને બેગણી મજા આવે છે. જેમણે હિન્દી 'દ્રશ્યમ' જોઇ છે એમણે એની સીક્વલ ખાસ જોવા જેવી છે. જેમણે મોહનલાલની મલયાલમ 'દ્રશ્યમ 2' ને જોઇ છે એ નિરાશ થવાના નથી. એમની ઉત્સુક્તા પણ બની રહે છે. એક સમીક્ષકે કહ્યું છે કે વેનીલા આઇસ્ક્રીમના સ્વાદની ખબર હોવા છતાં એના માટે મન લલચાય એવું આ ફિલ્મનું છે.

બીજા રસપ્રદ વિકલ્પો