૨. પ્રભાત
૩. બળતી બપોર
સૂર્ય થઇ ભૂરાયો ધમધોકાર તાપને રેડે
ધરતી થઇ શીયાંવીયાં રાગ વિષાદનો છેડે
તરસ્યાં માનવ પશુ પંખીડા ઊના આંસુ સારે
ધોમધખતા તડકાથી બચવા જાત ઘરમાં સંતાડે
સૂના મારગ સૂની શેરી સૂના બાગ બગીચા
સુકકાં સરવર સુકકાં ઝરણા પાણી પાણી પોકારે
ઊની વરાળો ચઢી આભમાં દિલ સૌના દઝાડે
અસવાર સાત ઘોડાનો આવી સહુ જીવને રંજાડે
સૂની સડકો કાજળઘેરી સાપણ સરતી જાણે
નીરવ આખું ગામ ને સૂનકાર સીમ સીમાડે
ભાન ભૂલેલો ભાનુ જોને દિપક રાગને છેડે
ઝંખે સઘળા તપ્ત જીવ કોઈ મલ્હારને તેડે
૪. સંધ્યા
સમી સાંજ સુંદર થઇતી
રંગોની બિછાત ઢળીતી
લાલિમા સૂર્યની ઝાંખી પડીતી
ચંદ્રની કળા આછી વિસ્તરીતી
કલરવ પંખીના મધુર સાંભળતી
આતુર નયને મુગ્ધ મનથી
વિરહિણી એક ગવાક્ષે ઉભીતી
વ્હાલમની વાટ અનિમેષ જોતીતી
રાતરાણી મદહોશ કરતીતી
તંદ્રામાં એ ધીમેથી સરીતી
ચિતારે ચીતરેલા ચિત્ર સમી
નખશિખ એ તો સ્થિર ઉભીતી
સાંજની તસ્વીરમાં જાણે મઢીતી
૫. રજની
કાજળઘેરી રાત્રી ને તારાનો ઝગમગાટ
ઉદય ચંદ્રનો થતા પહેલાં તારાની છે ભાત
રજનીગંધા ખીલી ઉઠીને મઘમઘતી છે રાત
રાતરાણીના ઉઘડ્યાં લોચન સુગંધની સોગાત
પોયણી પુષ્પો અધખીલ્યાં જુએ ચંદ્રની વાટ
પુરાયા મકરંદ ઝંખે મુક્ત થવાની વાટ
સૃષ્ટિ સારી શાંત થઈને ઉજમાળી છે રાત
શમ્યા સંતાપ દિવસભરના મનમાં છે નિરાંત
૬.વ્હાલમનું વ્હાલ
વ્હાલમનું વ્હાલ અઢળક ઢોળાતું જાય
ઝીલતાં એ મન મારું મબલખ મલકાય
સપનાંનો મ્હેલ રાતોરાત બંધાય
નાનકડું સ્વર્ગ ત્યાં સુંદર રચાય
ઝરણું ત્યાં હેતનું અવિરત વહેતું
મત્ત બની મનડું નાચે થનગનતું
લાગણીની લીલાશે લીલીછમ વાડી
મંદ મંદ વહેતી જ્યાં પ્રેમની સરવાણી
હર્યુંભર્યું આયખું આનંદે વિસ્તરતું
સપનું જાણે સાક્ષાત અવતરતું
૭. માતૃત્વ
સખી આજ મારે ઘેર સુખનો સૂરજ ઉગ્યો જો
પંડથી પારણે પનોતો પુત્ર આવી પૂગ્યો જો
હૈયું હૂલ્લાસે ભર્યું ને મનડું ઝાકમઝોળ
છાયો છે સર્વત્ર અહીં આનંદ મંગલ કિલ્લોલ
ચંદ્રબીમ્બશું વદન નયને તારાનું છે તેજ
નીરખી ન્યારૂ રૂપ અનોખું હૈયે છલકાયે હેત
અધર ગુલાબી મલકે ઉઘડે કમળ પાંખડી જાણે
રૂપરૂપનો અંબાર સાક્ષાત દેવ પધાર્યા દ્વારે
૮. કવોરંટાઈન
એકલતાનો મહેલ અડીખમ ઉભો છે ટટ્ટાર
ખુલી શકે ના બારી એની કે પછી કોઈ દ્વાર
તાળાં શબ્દો ને લાગ્યાં મન મુંઝાય અપરંપાર
ક્યારે ખરશે કોટ કાંગરા તાકું નિત સવાર
સૂનકારની સાપણ ડસે છે મનને પારાવાર
કોઈ તો ઉતારો ઝેર એના કર્યા વિના પળવાર
બંધન થાય ના હવે સહન મન તરસે મુક્ત જીવન
ઝંખે મન મીઠું આલિંગન ને હૂંફાળું હસ્તધૂનન
૯. સમર્પણ
એક અનોખી બીના બનીતી
મનમાં આજે હું પ્રભુને વરીતી
મુગ્ધ મને મલકાતી રહીતી
કોઈને કશુંના કહી શકીતી
કહેતાં જરા હું લાજી મરીતી
ચારે પ્રહર હરખાતી રહેતી
પ્રભુના ગુણ હું ગાતી રહેતી
ભક્તિનો રસ ના છાનો રહ્યોતો
અમૃતનો પ્રેમ પિયાલો પીધોતો
પાનો એવો અદ્ભૂત ચડયોતો
ભીતરે ઉજ્વલ ઉજાસ થયોતો
ફેરો આ સફરનો સફળ થયોતો