વાત સૌમ્યાની..! M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાત સૌમ્યાની..!

હું સૌમ્યા. મારે આજે તમને મારી વાત કરવી છે.


એક સમય હતો કે જ્યારે એક બાળક તરીકે મને મારા પિતા પ્રત્યે શરમ આવતી હતી. મારા પપ્પા રસ્તાની સાઈડમાં એક નાની પતરાંની બનેલી દુકાનમાં પાન વેચતા અને સાથે જૂના ગેસ સ્ટવ અને કુકર રીપેરીંગ કરવાનું કામ કરતા.

અમે બિહારના એક નાના શહેર સુપૌલમાં રહેતા હતા. અમારુ કાચુ ઘર ગાર માટીનું બનેલુ હતું, ઘરની બહાર ધુળીયું આંગણુ હતું.


એ દિવસોમાં લગભગ રોજ અમારા જમવામાં રોટલી, ડુંગળી અને અથાણું બસ એટલું જ રહેતું.

મારી મમ્મી નાનુ મોટું સીવણ કામ કરીને અમારા પરિવારને ટકાવી રાખવાની જહેમતમાં પપ્પાને મદદ કરતી.


હું જૂના કપડા પહેરીને શાળાએ જતી.

ગયા વર્ષની જૂની નોટબુકના વધેલા કોરા પન્ના કાઢીને એમાંથી બનાવેલી નોટબુક હું વાપરતી, જ્યારે મારા સહાધ્યાયીઓ નવનીતના નવા પુસ્તકો અને ફેન્સી બુક્સ વાપરતા. એ જોઇને હું દુઃખી થતી.

દસ વર્ષની હતી ત્યારે એકવાર મારે સ્કૂલમાં 'કુટુંબ' પર નિબંધ લખવાનું આવ્યું,

નિબંધમાં મેં લખ્યું : ‘મારા પિતા એક બિઝનેસમેન છે, અને મમ્મી ટેઈલર છે.’ સ્કૂલમાં પણ હું બધાને એ જ કહેતી. એક દિવસ એક છોકરા સાથે ઝઘડો થયો ત્યારે એણે બધાની વચ્ચે કહ્યુ: ‘તેરે બાપ કી પાન કી દુકાન હૈ, જ્યાદા ઉડ મત.' તે દિવસે હું રડતી રડતી ઘરે ગઇ અને પપ્પાને પૂછ્યું ‘તમે પાનની દુકાનને બદલે કોઈ ઓફિસમાં કામ કેમ નથી કરી શકતા?’

તેણે મારા આંસુ લૂછ્યા અને કહ્યું, ‘બેટા, જીવનમાં પૈસા જ બધું નથી.’ પણ ત્યારે મને તેના શબ્દનો મતલબ ખબર નહોતી, એ વાતની વેલ્યુનો ખ્યાલ નહોતો.

મને ભણવામાં રસ હતો. મારામાં જ્ઞાન મેળવવાની ની ભૂખ હતી, અને એ ભૂખ જ મને આગળ ભણવાની પ્રેરણા આપ્યા કરતી. મારા પપ્પા મને ભણવા દેતા એની અમારા સગા સંબંધીઓને ખૂબ નવાઈ લાગતી. વખત જતા મને ખબર પડી કે જે લોકો મને ભણતી ઉઠાડીને લગ્ન કરાવી દેવાની સલાહો આપતાં એ લોકો સાથે મારા પપ્પા વાત કરવાનું બંધ કરી દેતા. ત્યારે મને સમજાયું કે પપ્પા મારી ઢાલ હતા. મારી સાથે ભણતી સારા ઘરની છોકરીઓના પણ દસમાં પછી લગ્ન થઈ ગયા હતા, ત્યારે મારા પપ્પા મારા ઉચ્ચ અભ્યાસ માટે બચત કરવામાં વ્યસ્ત હતા.


જ્યારે અમારા એરિયાની છોકરીઓ રસોઈના વર્ગમાં જતી ત્યારે મારા પપ્પા મને કહેતા 'બેટા તું ભણ' અને એ પોતે અમારા માટે રસોઈ બનાવતા. ત્યારે મને સમજાયું કે મારી પાસે એવું કંઈક હતું જે તેમાથી કોઈ છોકરી પાસે નહોતું- મારી પાસે એક પિતા હતા જે મારા સપનાની કાળજી રાખતા હતા. એ રીતે મારા પપ્પાએ શીખવ્યું કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદ નથી. ત્યારથી પપ્પા પ્રત્યેનો મારો અગાઉનો અભિપ્રાય બદલાઇ ગયો. મને તેની દીકરી હોવાનુ અભિમાન થતું હતું. પછી તો મેં ગર્વ સાથે મારો જૂનો યુનિફોર્મ પહેરવાનું શરૂ કર્યું. હું ખુશીથી મારા ફાટેલા પુસ્તકોનો ઉપયોગ કરવા લાગી.


જ્યારે મેં પોંડિચેરીમાં મારુ માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું, ત્યારે ઘણાંએ કહ્યું કે છોકરીને પરણાવવાની ઉંમર છે ને ભણાવવા પાછળ પૈસાનો બગાડ શું કામ કરો છો? અત્યારે પૈસા વાપરી નાખશો તો દહેજમાં શું આપશો? પણ હું પોંડિચેરી ગઈ, પાછળથી મારા ગામના લોકોએ મારા વિશે અફવા ફેલાવી કે તેને કોલેજના કોઈ પ્રોફેસર જોડે લફરું હતું, ગર્ભવતી થઈ ગઈ છે, પ્રોફેસર ફરી ગયો છે એટલે એ ઘરથી ભાગી ગઈ છે. આવા સમયમાં પણ પપ્પા મારી પાછળ એક પહાડની જેમ અડીખમ ઉભા રહ્યાં. ત્યારે એ લોકો પર નારાજ થવાને બદલે અમે બંને હસ્યા હતા. તેના પરથી તેણે મને શીખવ્યું કે આત્મવિશ્વાસ કેવી રીતે ટકાવી રાખવો.


મને હજુ પણ યાદ છે, જ્યારે મારે પહેલી વાર મારા બાજુના શહેરમાં કોઈ કાર્યક્રમનું સંચાલન કરવાનુ હતું. હું ખૂબ જ નર્વસ હતી. મેં પપ્પાને કહ્યું હું સંચાલન નહીં કરી શકું. એ દિવસે પપ્પાએ મને એક મંત્ર આપ્યો: 'તુ એમ સમજ કે ઓડિયન્સમાં માણસો નથી પણ બટાકાની બોરીઓ રાખેલી છે.' હું હસી પડી, એ દિવસે મેં જોરદાર એન્કરીંગ કર્યું.


પછી તો યુનિવર્સિટીઓમાં ગેસ્ટ લેક્ચર આપવાથી લઈને TEDx ના પ્લેટફોર્મ પર મારી જીવની શેર કરવા સુધી "એ બટાકાની બોરી" મને ખૂબ કામમાં આવી!

જો કે TEDx પ્લેટફોર્મ પર મારી સ્પીચ વખતે મારા પપ્પા હાજર રહી શકતા નથી પણ મને સ્પીચ આપતી જોવા માટે એમણે એક ટીવી ખરીદ્યું છે!


આજે હું મારી પીએચડી કમ્પ્લીટ કરી રહી છું. અને ડાઈવર્સિટિ ટ્રેઈનર એન્ડ રીસર્ચર તરીકે પ્રખ્યાત યુનિવર્સિટીમાં કામ કરું છું.


ક્યારેક હું પપ્પાને નવો શર્ટ કે ઘડિયાળ ગિફ્ટ આપું ત્યારે અચૂક એ પૂછે 'બેટા, આવા ખોટા ખર્ચા કરવામાં શું કામ તારા પૈસા વાપરે છે?'

પણ મારી પાસે એના આ સવાલનો કયારેય જવાબ નથી હોતો.


**

Saumya is a PhD student, a Diversity trainer & researcher and a well known TEDx speaker.