વળાંક - ભાગ 3 - છેલ્લો ભાગ Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વળાંક - ભાગ 3 - છેલ્લો ભાગ

ગતાંકમાં વાંચ્યું....

કામ્યાને મળવા નીરજ આબુ આવે છે. બંને વચ્ચે વાર્તાલાપ થાય છે અને બંને પોતપોતાના હૃદયનો ભાર હળવો કરે છે. બંનેની વાતચીત પુરી થાય છે ત્યાં કારના દરવાજે કોઈ નોક કરે છે. નીરજ બહાર નીકળી જુએ છે તો સામે નંદિની ઉભી હોય છે....

હવે આગળ.....

શારીરિક સ્વસ્થતા સાથે માનસિક સ્વસ્થતાનો તાલમેળ મેળવતો નીરજ સામે ઉભેલી નંદીનીને જોઈ લાગેલા આંચકાને છુપાડવા મથતો ચહેરા પર પરાણે સ્મિત લાવી ઉભો રહ્યો.

"નીરજ... પૂછીશ નહિ હું અહીંયા ક્યાંથી, કેમ, કેવી રીતે??" નંદિનીની આંખોમાં ઉઠેલી રોષની લહેરખી નીરજથી છાની ન રહી.

કામ્યા પણ કારનો દરવાજો ખોલી બહાર આવી અને નીરજની અડોઅડ ઉભી રહી ગઈ.

"નંદિની...પ્લીઝ કૂલ ડાઉન, પહેલાં મારી પુરી વાત તો સાંભળ, ચાલ આપણે હોટેલ જઈએ અને શાંતિથી બેસીને વાત કરીએ."

"આણે પણ આપણી સાથે આવવું પડશે કેમકે એની હાજરીમાં જ હું સાચી વાત જાણવા માંગુ છું." અહીંયા નાહક તમાશો ઉભો કરવો અને સાથે સાથે ફજેતી પણ થશે એ જુદી, એમ વિચારી નંદિની નીરજની વાત સાથે સહમત થઈ અને કામ્યા સામે ઈર્ષ્યાથી જોતી કારનો આગળનો દરવાજો ખોલી બેસી ગઈ. કામ્યા પણ ચુપચાપ પાછલી સીટ પર બેસી ગઈ. નીરજે કાર હોટેલ તરફ હંકારી. હોટેલની રૂમે પહોંચ્યા સુધીમાં ત્રણેય નિઃશબ્દ હતા. ત્રણેય ફર્સ્ટ ફ્લોર પર નંદિનીના રૂમમાં આવ્યા. નંદિની નીરજનો હાથ પકડી બેડ પર બેસી ગઈ અને કામ્યા વિન્ડો પાસે મુકેલ સિંગલ સીટર સોફા પર બેઠી. નીરજે ઇન્ટરકોમ વડે પાણીની બોટલ મગાવી જે થોડીવારમાં જ એક વેઇટર આપી ગયો. નીરજે પાણીનો ગ્લાસ ભરી નંદીનીને આપ્યો. એક જ ઘૂંટડે આખો ગ્લાસ પાણી પીધા પછી એના ચહેરા પર અને આંખોમાં ઉઠેલી ક્રોધની જ્વાળા પણ લગભગ શાંત થઈ ગઈ.

"જે સમયે મેં અહીંયા પગ મૂક્યો ત્યારથી આ સ્ત્રી પણ અહીંયા છે, જ્યારે એનો ચહેરો મેં પ્રથમવાર જોયોને નીરજ ત્યારે જ મારી નજર સામે આપણા મિરાતનો ચહેરો તરવરી ઉઠ્યો. બીજા દિવસે એની સાથે વાત કરીશ એમ વિચાર્યું હતું પણ વહેલી સવારે હું બાલ્કનીમાં ઉભી હતી ત્યારે મેં એને બહાર જતા જોઈ એટલે મને આશ્ર્ચર્ય થયું એટલે હું પણ એની પાછળ પાછળ ગઈ. નખીલેકની પાળે એને બેસેલી જોઈ ત્યારે મનમાં હાશની આશ સાથે એની સાથે વાત કરવા જ જઈ રહી હતી ત્યાં મેં તને જોયો અને મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા અને તમને બેયને કારમાં બેસીને જતા જોયા તો મેં પણ ઓટો ઉભી રાખી અને તમારો પીછો કરતી હોટેલ ગુલમહોર ઇન સુધી પહોંચી. બહાર જ ઓટોમાં રાહ જોતી બેસી રહી કેમકે તમે બંને ખાલી હાથે જ અંદર ગયા એટલે પાછા ફરવાના જ હતા. પછી ત્યાંથી તમારો પીછો કરતી ગુરુશિખર સુધી આવી પણ તમે બંને કેટલીય વાર સુધી બહાર ન નીકળ્યા એટલે મેં આવીને નોક કર્યું અને પછી તો આપણે ત્રણેય સાથે જ છીએ..." એકીશ્વાસે બોલ્યા પછી નંદીનીનો શ્વાસ ફુલવા લાગ્યો હતો. એની છાતી ધમણની જેમ ઉપરનીચે થઈ રહી હતી. એનો ડ્રેસ પરસેવાથી રેબઝેબ થઈ ગયો હતો. એ ગભરામણ અનુભવી રહી હતી. એને લાગતું હતું કે ધીમે ધીમે એનો શ્વાસ ધીમો પડતો જતો હતો. એના પોપચાં ભારે થવા લાગ્યા હતા અને ધીમે ધીમે આંખો બંધ થઈ ગઈ અને બેડ પર જ ઢળી પડી.

"આપણો પ્લાન કામ કરી ગયો" કામ્યા નીરજને ભેટી પડી, "હવે આ મરશે પણ નહીં અને જીવશે પણ નહીં. પાણીમાં ભેળવીને આપેલી દવાથી એ કોમામાં જતી રહી છે."

"હવે આપણે અહીંથી નીકળી જઈએ અને ઉપર જઈ ફ્રેશ થઈ જઈએ. આમ પણ મેં તારી બાજુનો જ રૂમ નામ બદલી બુક કર્યો છે, જેમ હમેશા આપણે મળીએ છીએ અને કરતા આવ્યા છીએ." નીરજે રૂમના દરવાજે 'ડુ નોટ ડિસ્ટર્બ' નું સ્ટીકર લગાડ્યું અને કામ્યા સાથે ફોર્થ ફ્લોર પર જતો રહ્યો.

*** *** ***

બીજા દિવસે નીરજ અને કામ્યા નંદિનીના રૂમમાં આવ્યા ત્યારે પણ દરવાજે લગાડેલું 'ડુ નોટ ડિસ્ટર્બ' નું સ્ટીકર યથાવત હતું પણ અંદર નંદિની નહોતી. એમણે અંદર-બહાર બધે જોઈ લીધું પણ ક્યાંય એનો અતોપતો ન લાગ્યો એટલે કામ્યાએ રીસેપ્શન પર જઈ એના વિશે પૂછપરછ કરતા માલુમ પડ્યું કે નંદિની તો ગઈકાલે રાત્રે જ ચેકઆઉટ કરી નીકળી ગઈ હતી. આ વાત જાણી નીરજ અને કામ્યાના પગ તળેથી ધરતી સરકી ગઈ. બેય નીરજની રૂમ પર આવ્યા. નીરજે ચાર-પાંચ વખત નંદિનીનો ફોન ટ્રાય કર્યો પણ સ્વીચ ઓફ આવતો હતો એટલે એણે ઘરે એની મમ્મી અંજનાને ફોન જોડ્યો.

"મમ્મી, નંદિની ત્યાં આવી છે?" નીરજના અવાજમાં ગભરાટ હતો.

"શું થયું પાછું તમારા વચ્ચે? દર વખતે નાની-નાની વાતમાં મોટો ઝઘડો કરો છો અને પાછા એક પણ થઈ જાઓ છો. ક્યાં જશે એ, ઘરે જ પાછી આવશે, તું ચિંતા નહિ કર. એ આવશે તો તને ફોન કરું છું," અંજનાએ ફોન કટ કર્યો.

*** *** ***

એ જ દિવસે બપોરની ફ્લાઈટ પકડી નીરજ અને કામ્યા પોતપોતાના ઘરે પાછા ફર્યા. નંદિની હજી ઘરે પાછી ન ફરતા નીરજ ચિંતિત હતો. એણે એના પિયર અને એની સહેલીઓને પણ ફોન કરી પૂછપરછ કરી પણ નંદિની ક્યાંય નહોતી. એ આર્મચેર પર બેઠો બેઠો શું કરવું એ વિચારતો ચા પી રહ્યો હતો એટલામાં ડોરબેલ વાગી એટલે લીલાએ દરવાજો ખોલતા કુરિયરબોય એના હાથમાં એક કવર આપી જતો રહ્યો.

"સાહેબ, આ લેટર આવ્યો છે," લીલાએ નીરજના હાથમાં કવર આપ્યું.

કવરમાંથી લેટર કાઢી વાંચતા નીરજ ચેરમાંથી ઉભો થઇ ગયો. નંદિનીએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી. બેબાકળા બની એણે લેટરહેડ પર છપાયેલા એડવોકેટ તેજપાલના નંબર પર ફોન કર્યો.

"મિ. તેજપાલ, હું નીરજ, નંદિનીનો પતિ. આ બધું શું છે, નંદિની ક્યાં છે.?"

"મિ. નીરજ, નંદિની જ્યાં પણ છે સલામત છે અને આવતીકાલે જ તમારે કોર્ટમાં હાજર રહેવાનુ છે. જે પણ વાત થશે એ કોર્ટમાં થશે" એડવોકેટ તેજપાલે ફોન કટ કર્યો.

બીજા દિવસે સવારે વહેલો ઉઠી, તૈયાર થઈ નીરજ કોર્ટમાં પહોંચી ગયો અને તેજપાલની રાહ જોવા લાગ્યો.

"હેલ્લો મિ. નીરજ, હું તેજપાલ, નંદિનીનો વકીલ," નીરજની સામે પંચાવન જેટલી વયનો એક આધેડ પુરુષ ઉભો હતો જે ગુડગાંવનો પ્રખ્યાત વકીલ હતો.

"મિ. તેજપાલ, નંદિની ક્યાં છે?" નીરજે હસ્તધુનન માટે હાથ લંબાવ્યો.

"એ પણ આવી જશે, તમારા બંનેના ડિવોર્સની ફોર્મલિટી પુરી કરી લઈએ અને કોર્ટમાં એપ્લાય કરી લઈએ." તેજપાલે એની બેગમાંથી કેટલાક ડોક્યુમેન્ટ્સ કાઢ્યા અને નીરજને એના પર સહી કરવા જણાવ્યું. નીરજે તેજપાલને હાથ જોડી નંદીનીને સમજાવી ઘરે પાછી મોકલવા ઘણી વિનંતી કરી પણ તેજપાલે એની એક ન સાંભળી.

ઘરે આવીને નીરજે સોથી પહેલા કામ્યાને હકીકતથી વાકેફ કરી તો કામ્યા પણ નંદિનીને ડિવોર્સ આપી નીરજ અને મિરાત સાથે રહેવાની હઠ પકડી બેઠી પણ મિરાત નંદિનીનો હેવાયો હતો અને એ એની સાથે જ રહેવા માંગતો હતો એટલે એ મુજબ કોર્ટે મિરાતની કસ્ટડી નંદિનીને સોંપી અને છ મહિના પછી કાયદાકીય દ્રષ્ટિએ નીરજ અને નંદિની બેય છુટા પડ્યા પણ એ દરમ્યાન નંદિનીએ પોતાની માલિકીના શો-રૂમ સહિત એના નામે રહેલી બીજી બધી પ્રોપર્ટી પણ વેચી નાખી અને બધા રૂપિયા એના ઇન્ડિવીજયુલ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દીધા અને એનો અને મીરાંતના પાસપોર્ટ પણ તૈયાર કરાવી લીધા.

*** *** ***
છ મહિના પછી જ્યારે કોર્ટનો આખરી ચુકાદો આવ્યો અને ડિવોર્સપેપર પર જજની સહી થઈ ગઈ ત્યારે કોર્ટમાંથી નીકળ્યા બાદ નંદિની નીરજની સામે આવી ઉભી રહી ગઈ. નીરજની ઉદાસ અને કોરી આંખો હજી પણ નંદીનીને પરત ફરવા વિનવી રહી હતી.

"મિ. નીરજ અગ્રવાલ, હવે તમારે જેની સાથે રહેવું હોય એની સાથે રહી શકો છો. હવે તમે આઝાદ પંખી છો. તમને શું લાગ્યું કે તમે મને પાણીમાં દવા મિક્સ કરીને આપશો અને મને ખબર નહિ પડે. તમારા આ લગ્નેતર લફરાંની મને ક્યારનીય જાણ હતી પણ એ બીજી સ્ત્રી કોણ છે એ મને ખબર નહોતી. તમારા અને કામ્યાના પ્લાનની મને આગોતરી જાણ થઈ ગઈ હતી. તમને રંગે હાથ પકડવા માટે જ મેં અહીંથી આબુ જતા પહેલાં જ તમે લઈ રાખેલી દવા બદલાવી નાખી હતી અને એટલે જ એ દિવસે મેં ફક્ત બેશુદ્ધ થવાનું નાટક માત્ર ભજવ્યું હતું અને સાથે મારા મોબાઈલમાં બધું રેકોર્ડ પણ કરી લીધું હતું જે સબુતના આધારે મને આસાનીથી ડિવોર્સ મળી ગયા. સ્ત્રીની બુદ્ધિ ભલે પાનીએ હોય પણ પોતાના પર આવી જાય તો એ જ સ્ત્રી પાછી પાની પણ ન કરે. હવે તમે નિરાંતે કામ્યા સાથે રહી શકો છો. હવે તમે બંને મિરાત માટે ઝુરયા કરજો પણ ન તો હું પાછી આવીશ કે ન તો મિરાત... ગુડબાય મિ. નીરજ...." નંદિની એડવોકેટ તેજપાલની કારમાં બેસી ગઈ.

બે દિવસ પછી પોતાનો બધો સામાન અને મિરાતને લઈ નંદિની એરપોર્ટ પહોંચી અને લંડનની ફ્લાઈટમાં બેઠી.

बेवफा वक़्त था,तुम थे,या मुकद्दर था मेरा,
बात इतनी ही है की अंजाम जुदाई निकला.......

પાછળ રહી ગયા મિરાત માટે ઝુરતી અને ડિપ્રેશનમાં સરી ગયેલી કામ્યા અને એકલતા, ઉદાસી, આંસુઓ અને વિષાદમાં ઘેરાયેલો નીરજ અને પશ્ચાતાપ અને વહી ગયેલી યાદોના રહી ગયેલા વળાંકો.......

(સમાપ્ત)