વળાંક - ભાગ 2 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

વળાંક - ભાગ 2

ગતાંકમાં વાંચ્યું......

ગુડગાંવમાં રહેતી નંદિની અગ્રવાલ મોડી રાતે આબુ પહોંચે છે ત્યારે વરસાદ વરસતાં એને ટેક્સી ન મળતા એની કામ્યા ત્રિપાઠી નામની યુવતી સાથે એની ટેક્સીમાં હોટેલ પહોંચે છે. કામ્યાનો ચહેરો એને જાણીતો લાગે છે.....

હવે આગળ....

કામ્યા ત્રિપાઠી, સુરતના જાણીતા ડાયમંડ મર્ચન્ટ સત્યવાન ત્રિપાઠીની બે દીકરા સાકેત અને શિખર પછી જન્મેલી લાડકી દીકરી. એના જન્મ પછી સત્યવાન ત્રિપાઠીનું નામ ડાયમંડ બિઝનેસમાં ટોચ પર પહોંચ્યું હતું. નામ પ્રમાણે જ ગુણ ધરાવતા સત્યવાન ત્રિપાઠી દીકરી કામ્યા માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હતા અને એમની પત્ની બેલા ત્રિપાઠી તદ્દન વિરુદ્ધ સ્વભાવ ધરાવતી અહંકારની પૂતળી પણ જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રી પણ મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે ભારોભાર તુચ્છતા ધરાવતી. સાકેત અને શિખર બંને સત્યવાન સાથે બિઝનેસમાં જોડાયેલા હતા. બંને પરણેલા હતા અને કામ્યા એટલે જિંદગીનું બીજું નામ. રૂપ અને યૌવનથી છલકાતી છતાંય આછકલાઈ વિનાની, સ્વતંત્ર પણ નિખાલસ અને ભારોભાર આત્મવિશ્વાસ ધરાવતી પણ પોતાના દાયરામાં રહીને ખળખળ વહેતી સરિતા જેવી બત્રીસ વર્ષની હજી સુધી કુંવારી તરુણી. એના જીવનનો એક જ ફંડા 'મન ભરીને જીવવું, મનમાં ભરીને નહીં'. પોતાના પગ પર ઉભી રહેલી કામ્યા એક એડ એજન્સી માટે મોડેલિંગ કરતી હતી અને સારું એવું કમાઈ લેતી હતી. મોડેલિંગ માટે એ જુદાજુદા શહેરોમાં જતી. પણ, માણસ માત્ર ભૂલને પાત્ર એ કહેવતાનુસાર કામ્યાથી પણ એક ભૂલ થઈ ગઈ હતી અને એની ભૂલ હતી કે એ એક પરિણીત પુરુષને પોતાનું દિલ આપી બેઠી હતી અને એ પુરુષ હતો નીરજ અગ્રવાલ. કામ્યાના આ પ્રેમ પ્રકરણથી સત્યવાન અને બેલા પણ અજાણ નહોતા. હજારોવાર સમજાવ્યા બાદ પણ કામ્યાએ પોતાની જીદ નહોતી છોડી અને આજીવન કુંવારી રહેવાના નિર્ણય પર અડગ અને અફર હતી અને બત્રીસ વરસેય કુંવારી હતી.

***. ***. ***

બીજા દિવસે કામ્યા સવારે વહેલી ઉઠી આબુની નવેમ્બર મહિનાની ખુશનુમા ગુલાબી ઠંડી માણવા હોટેલની બહાર આવી. ફૂલ સ્લીવનું પિંક ટોપ, ડાર્ક બ્લ્યુ જીન્સ, સ્પોર્ટ્સ શૂઝ અને ગળામાં સ્કાર્ફ ભેરવી આંટો મારતી, કુદરતે દોરેલા નયનરમ્ય નૈસર્ગિક ચિત્રોને માણતી હવાની લહેરખીઓથી ઊડતી અલકલટોને સંવારતી પોતાની સેલ્ફી ક્લિક કરતી અને સાથે મોસમની નજાકતને કેમેરામાં કેદ કરતી અલ્લડ સરિતાની માફક, એકદમ ટેન્શન ફ્રી થઈ મહાલી રહી હતી. ચાલતાં-ચાલતાં માર્કેટ સુધી આવી ગઈ પછી ત્યાંથી ઓટો કરી નખીલેક આવી અને તળાવની પાળે બેસી ગઈ.

તળાવની પાળે બેઠા પછી એણે પોકેટમાંથી મોબાઈલ કાઢી એક નંબર જોડ્યો, "ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ, ક્યાં છે તું? હું નખીલેકની પાળે બેઠી છું. તળાવના પાણીમાં ઝીલાતા પ્રતિબિંબમાં તારો ચહેરો શોધી રહી છું. જલ્દી આવી જા..."

"તું આંખ બંધ કર.... અને મને મહેસુસ કર...." કામ્યાને એક ચીરપરિચિત અવાજ સંભળાયો.

"મને મસ્ક પરફ્યુમની મસ્ત ખુશ્બૂ આવી રહી છે...અને... અને...." કોઈએ પાછળથી આવીને કામ્યાની આંખો પર પોતાની હથેળીઓ દાબી દીધી.

કામ્યાએ ધીરેથી આંખો પરથી હથેળીઓ હટાવી અને પાછળ જોયું તો ખુશીથી ઉભી થઈ ગઈ અને સામે ઉભેલા નીરજને જોરથી ભેટી પડી.

"ની.....રજ.... ક્યારે આવ્યો તું અને મને જણાવ્યું પણ નહીં...જા હું તારી સાથે વાત નહિ કરું." મોઢું ફુલાવી, આંખોમાં ખોટો રોષ ભરી તળાવની દિશામાં મોં ફેરવી પાળી પર બેસી ગઈ.

"જસ્ટ ચિલ કામ્યા....રિલેક્સ અરે!!! હું તો તારી સાથે સમય ગાળવા સમય કરતાં પણ સમયસર આવી ગયો. હવે નો નારાજગી, ચાલ એક મસ્ત સ્માઈલ સાથે સેલ્ફી લઈએ. તને તો ખબર છે હું તને ક્યારેય નારાજ ન કરી શકું. એરપોર્ટ પરથી સીધો અહીંયા જ આવ્યો છું કેમકે હું જાણતો હતો કે તું અહીંયા જ હોઈશ. ચાલ હોટેલ પર જઈએ પણ એ પહેલાં કઈક ખાતા જઈએ બહુ ભૂખ લાગી છે મને. તને મળવાની ઉતાવળમાં ઘરેથી ખાધા વગર જ વહેલી સવારે પહેલી ફ્લાઈટ પકડીને ઉડતો ઉડતો આવ્યો છું." કામ્યાનો હાથ પકડીને નીરજ એને સેલ્ફ ડ્રિવન કાર જે એણે પાંચ દિવસ માટે ભાડે લીધી હતી એ તરફ દોરી ગયો.

દસેક મિનિટની ડ્રાઇવ પછી બંને હોટેલ ગુલમહોર ઇનના ફેમિલી રૂમમાં બ્રેકફાસ્ટ માટે આવી પહોંચ્યા. કામ્યાની સામેની સીટ પર બેસી વેઇટરને બ્રેકફાસ્ટ ઓર્ડર કરી બેય વાતે વળગ્યા.

"તને ખબર છે, પુરા ત્રણ મહિના, બાર દિવસ, નવ કલાક અને આડત્રીસ સેકન્ડ પછી આપણે મળી રહ્યા છીએ," કામ્યાએ નીરજની આંખોમાં આંખો પરોવી એનો હાથ પોતાની હથેળીમાં લઇ પંપાળવા લાગી.

"જરાય નહિ....આડત્રીસ નહિ મેડમ ચાલીસ સેકન્ડ થઈ ગઈ" કામ્યાના હાથપર નીરજે પોતાનો બીજો હાથ મુકી ઉષ્માથી દબાવ્યો.

આડીઅવળી વાતો કર્યા પછી વેઇટરે સર્વ કરેલા ગુલમહોર ઇનના સ્પેશિયલ બ્રેકફાસ્ટને ન્યાય આપ્યા બાદ ક્રેડિટકાર્ડથી બિલ ચૂકવી નીરજ અને કામ્યા બહાર નીકળ્યા.

"નીરજ, આપણે અત્યારે હોટેલ પર નથી જવું, ચાલને અહીંથી કયાંક દૂર જઈએ, લોન્ગ ડ્રાઇવ. આજે મારો મૂડ તારી સાથે રખડવાનો છે. મોસમ મસ્તાના....રસ્તા અનજાના..."ગીત ગણગણતી કામ્યા કારમાં નીરજ જોડે આગળની સીટ પર ગોઠવાઈ.

"જો હુકમ સરકાર...., હો તુમકો જો પસંદ વહી બાત કરેંગે..." ગીતનો જવાબ ગીતથી આપતા નીરજે કાર સ્ટાર્ટ કરી, "તો કિસ ઓર ચલે?" પાર્કિંગમાંથી કાર બહાર કાઢી મેઈનરોડ પર આવી એણે સવાલ કર્યો.

"ગુરુશિખર તરફ જઈએ, રસ્તામાં લીલીછમ વનરાજી પણ જોવા મળશે અને પહાડોના વળાંકોમાં થઈને નીકળતો માર્ગ
કદાચ આપણા સંબંધમાં આવેલા વળાંકોનો પણ રસ્તો મળી જાય..." કામ્યાની આંખો ભરાઈ આવી જાણે કશુંક કહેવા માગતી હતી.

"કામ્યા...શું થયું? કેમ આટલી સિરિયસ બની ગઈ છે? એની પ્રોબ્લેમ?" એક હાથે સ્ટિયરિંગ સાંભળતા નીરજે બીજો હાથ કામ્યાના ખભે મુક્યો, પણ કામ્યાએ નજર ચૂકવી રૂમાલથી આંખો લૂછી લીધી પણ એની ભીની આંખોમાં કેટલાક કોરા રહી ગયેલા સપના સાફ નજર આવી રહ્યા હતા.

ગુરુશિખર બહુ દુર નહોતું એટલે થોડીક જ વારમાં બંને ત્યાં પહોંચી ગયા. તળેટી પાસે વિસ્તરેલા મેદાનમાં એક સાઈડમાં કાર પાર્ક કરી. તન અને મનને ઠંડકથી તરોતાજા કરી દેતું હવામાન અને આંખોને ઠંડકથી ભરી દેતી ચોતરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી.

"આપણે બહાર નથી નીકળવું," દરવાજો ખોલવા જઈ રહેલા નીરજને કામ્યાએ રોક્યો.

"ઓકે ડિયર, હવે મને કહીશ કે આખરે થયું છે શું?" કામ્યાની ચિબુક પકડી નીરજે એની સામે જોયું.

"નીરજ, અગિયારેક વર્ષથી ચાલતા આવેલા સંબંધોમાં મેં તારી પાસે કોઈ જ માંગણી નથી કરી, પણ આજે હું કઈક માંગુ તો પ્લીઝ, ના નહિ પાડતો." કામ્યાએ હાથ જોડ્યા.

"અરે, હેવ યુ ગોન મેડ?" કેવી વાત કરે છે તું? અત્યાર સુધી તેં બસ આપ્યા જ કર્યું છે અને આજે તું માંગે એ હું ન આપી શકું એટલો વામણો તો હું નથી ને? જેટલો પ્રેમ હું નંદિનીને કરું છું એટલો જ તને પણ કરું છું. નંદિની મારો ધબકાર છે તો તું મારો શ્વાસ. જો બેમાંથી એક પણ સ્ટોપ થઈ જાય તો હું... હું...તો... તમારા બંને વગર હું જીવી જ નહીં શકું. નંદિની શાંત સરોવર જેવી છે, એણે પણ મને બધું જ સુખ આપ્યું છે અને મેં પણ ક્યારેય તમારા બંને વચ્ચે કમ્પેરિઝન નથી કરી, પણ મિરાતના આવ્યા પછી એ જાણે થીજી ગઈ છે, એણે કયારેય કોઈ ફરિયાદ નથી કરી પણ હવે એની પાસે મારા માટે સમય જ નથી. ઘર, શો-રૂમ અને મિરાત, એની જિંદગી બસ આ ત્રિકોણના ત્રણ ખૂણે જ સમાપ્ત થઈ જાય છે અને હું એ ત્રિકોણનું મધ્યબિંદુ બનીને રહી ગયો છું. એક તું જ તો છે જે મને સમજી શકે છે અને હું એ પણ જાણું છું કે હું પરિણીત હોવાનું જાણીને પણ તેં મને ચાહ્યો છે, અનહદ, બેપનાહ....અને સૌથી મોટું સુખ તો તેં નંદિનીને આપ્યું છે....મિરાત આપી ને. એનો જીવ બચાવવા ખાતર તેં આપણી વચ્ચે થયેલી ભૂલનું ફૂલ કોઈ પણ વિચાર કર્યા વગર એની ઝોળીમાં નાખી દીધું. નંદિની પ્રેગનેન્સી વખતે દાદર ઉતરતા પડી ગઈ અને બાળકના મૃત્યુનો આધાત લાગતા કોમામાં જતી રહી હતી. છ-સાત મહિના એ જીવન-મરણના યુદ્ધમાં અફળાતી રહી અને એ જ અરસામાં તેં આપણા પ્રેમની નિશાની મિરાતને જન્મ આપ્યો. નંદિનીનો જીવ બચાવવા મેં તારી પાસેથી મિરાત માંગી લીધો અને તેં આનાકાની કર્યા વગર એ દસ જ દિવસના બાળકને મને સોંપી દીધો. એ બાળકનું રુદન અને એનો કોમળ સ્પર્શ નંદિની માટે ઔષધિ બની ગયો અને ધીમે ધીમે એ કોમામાંથી બહાર આવી અને એને જીવન આપનારો બાળક એનું જ જીવન બની ગયો." નીરજની આંખોમાંથી વહી રહેલા અશ્રુઓ એની છાતીપર માથું ઢાળીને બેઠેલી કામ્યાના ગાલ પરથી રેલાતા એના આંસુઓમાં ભળી જઈને વહી રહ્યા હતાં.

આમને આમ કેટલો સમય વીતી ગયો એની બંનેમાંથી કોઈનેય જાણ ન થઈ..

"ઠક....ઠક....ઠક...." કારના દરવાજે ટકોરા પડતા નીરજ અને કામ્યાએ પોતાની જાતને સંભાળી, સ્વસ્થતા ધારણ કરી અને નીરજ કારનો દરવાજો ખોલી બહાર નીકળી ને સામે જોયું તો નંદિની ઉભી હતી....

વધુ આવતા (અંતિમ) અંકે....


રેટ કરો અને રિવ્યુ આપો

Pradyumn

Pradyumn 3 માસ પહેલા

Divya Patel

Divya Patel 4 માસ પહેલા

GIRISH AHIR

GIRISH AHIR 4 માસ પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 4 માસ પહેલા

Chetna Bhatt

Chetna Bhatt 4 માસ પહેલા

શેયર કરો