વળાંક - ભાગ 1 Sheetal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શિવ શક્તિ

    શિવ શક્તિ શિવ શક્તિ. શિવ વગર શક્તિ અધૂરી છે અને શક્તિ વગર શિ...

  • ભાગવત રહસ્ય - 75

    ભાગવત રહસ્ય-૭૫   માયા એવી છે કે-સુખ-સંપત્તિમાં ભક્તિ કરવા દે...

  • એક ષડયંત્ર.... - ભાગ 94

    (કનિકા જજને ફોન કરી ત્યાં બોલાવે છે. જજ પણ ત્યાં આવી અને રેક...

  • હમસફર - 28

    અમન : રાહુલ અંહીયા થી ચાલ્યો જા હું ગુસ્સામાં આવીને કંઈ ખરાબ...

  • સંઘર્ષ - પ્રકરણ 5

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

વળાંક - ભાગ 1

કાળા વાદળો વિખરાવાનું નામ નહોતા લેતા. કાળા ડિબાંગ આકાશમાં એકેય તારો ટમટમતો નહોતો દેખાતો. વચ્ચે વચ્ચે ઝબુકતી વીજળીના અજવાળે અલપઝલપ આકૃતિઓ ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં પસાર થતી દેખાઈ રહી હતી. નંદિનીએ રિસ્ટવૉચમાં જોયું તો સાંજના 7:50નો સમય થયો હતો. હજી તો અજમેર જંકશનથી દસ મિનિટ પહેલા જ ટ્રેન આગળ વધી હતી. આબુ સ્ટેશન આવવાને હજી અઢીથી ત્રણ કલાકની વાર હતી. નંદિની ફરી નોવેલ વાંચવામાં લાગી ગઈ. એની સામેની સીટ પર બેસેલા આધેડ વયના દંપતી લાગતા કાકા અને કાકી પોતાની સાથે લાવેલ ટિફિન ખોલી જમવા બેઠા હતા. એમણે નંદિનીને વિવેક-આગ્રહ કર્યો પણ નંદિનીએ નમ્રતાપૂર્વક ના પાડી પાછી પુસ્તકમાં ખોવાઈ ગઈ.

*** *** ***

નંદિની અગ્રવાલ... ગુડગાંવના ઉચ્ચવર્ગીય સફળ બિઝનેસમેન નીરજ અગ્રવાલની ખુબસુરત પત્નીની સાથે-સાથે સમજદાર બિઝનેસ પાર્ટનર અને બે માળના ભવ્ય એસી હેન્ડલુમ શો-રૂમની માલિક અને દસ વર્ષના પરાણે વ્હાલો લાગે એવા દીકરા મિરાતની પ્યારી મોમ પણ. લગ્નના દોઢ દાયકા પછી પણ એ જ ખુમાર, આગવું સૌંદર્ય, આછી કરચલીઓવાળી લચકદાર કમર અને ભારોભાર બુદ્ધિમત્તા ધરાવતી ૩૭-૩૮ વર્ષની રૂપના રજવાડાની રાણી તો નીરજ અગ્રવાલ પણ પાંચ ફિટ દસ ઇંચની હાઈટ, ગૌર વર્ણ, મજબૂત બાંધો, આકર્ષક દેહયષ્ટિ ધરાવતો ચાલીસી પાર કરી ચુકેલો પુરુષ. રેગ્યુલર જીમમાં જવું અને સાંજે ટર્ફકલબમાં જઈ બેડમિન્ટન રમવું એ એનો રોજીંદો કાર્યક્રમ. નંદીનીના રૂપની ચાહતના ચોકીદારની સાથે-સાથે એના રજવાડાને માણનારો માણીગર. બંનેની જોડી જોઈને જોડીઓ સ્વર્ગમાં રચાતી હોય છે એ કહેવત સાચી ઠરે. એ બેયનો અંશ અને વંશ એટલે દસ વર્ષનો મિરાત.. રતુમડા ગાલ, વાંકળિયા વાળ અને આખો દિવસ એક જગ્યાએ ન બેસી રહેતા આખા ડુપ્લેક્સ ફ્લેટમાં ધમાચકડી મચાવતો નટખટ બાળક. મિરાત ગુડગાંવની ઇન્ટરનેશનલ સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણતો હતો અને દાદી અંજના અગ્રવાલનો અતિ લાડલો વારસ હતો. નીરજના પિતા વિમલનાથ અગ્રવાલનું બે વર્ષ પહેલાં જ ટૂંકી માંદગીથી અવસાન થયું હતું. એ સિવાય એમના પરિવારમાં ઘરના સદસ્ય જેવું રામકિશન અને લીલા નામનું દંપતી હતું જે ઘરની અને દાદી-પૌત્રની સાર-સંભાળ માટે ફ્લેટમાં અલાયદા સર્વન્ટ રૂમમાં રહેતું હતું. ટૂંકમાં અગ્રવાલ પરિવાર એટલે સુખમાં મહાલતું સુખી કુટુંબ.

નીરજ કામાર્થે મોટેભાગે શહેરની બહાર રહેતો. ભારતના વિવિધ નાના-મોટા ગામડા અને શહેરની મુલાકાત લઈ ત્યાંથી અવનવી ડિઝાઇન અને મટેરિયલની હેન્ડલુમની વસ્તુઓની ખરીદી કરતો. એનો શો-રૂમ હમેશા કસ્ટમરથી ભરેલો રહેતો. ગુડગાંવ અને એની આસપાસના વિસ્તારમાંથી ઉચ્ચવર્ગની સ્ત્રીઓ એના શો-રૂમમાંથી જ બેડશીટ, પરદા, સોફાકવર જેવી ચીજો ખરીદવાનો આગ્રહ રાખતી. શરૂઆતમાં તો નંદિની પણ નીરજ સાથે અવનવા સ્થળોની મુલાકાત લેતી પણ મિરાતના જન્મ પછી નીરજ એકલો જ જવા લાગ્યો.

આ મહિને નીરજ અને નંદિનીના લગ્નને પંદર વર્ષ પુરા થવા જઈ રહ્યા હતા અને એ જ અરસામાં આબુ ખાતે રાજસ્થાની હેન્ડલુમની વસ્તુઓનું એક્ઝિબિશન લાગવાનું હતું એટલે બંનેએ સાથે આબુ જઈ એક્ઝિબિશન સાથે સેકન્ડ હનીમૂન પણ ઉજવવાનો પ્લાન બનાવ્યો પણ અંતિમ ઘડીએ નીરજને અગત્યનું કામ આવી જતાં એ બે દિવસ પછી ફ્લાઇટથી આબુ જવાનો હતો અને નંદિની આજે સવારે જ ગુડગાંવથી ગરીબરથ ટ્રેનમાં જવા નીકળી ગઈ હતી. એને ટ્રેનની મુસાફરીનું ભારે આકર્ષણ હતું અને સાથે વાંચનનો ગજબનો શોખ પણ એટલે એણે રસ્તામાં વાંચવા માટે એક નોવેલ લીધી હતી અને એ વાંચવામાં જ રત થઈ ગઈ હતી અને ક્યારે અજમેર આવી ગયું એની ખબર જ ન પડી.

*** *** ***

અજમેર સુધી તો વાતાવરણ એકદમ સરસ હતું, ચમકતો તડકો, લાલ-લીલા પાંદડા ધરાવતા વૃક્ષો અને ખળખળ વહેતી નદીઓ પાર કરતી ટ્રેનમાં વિન્ડોસીટ પર બેસેલી નંદિની વચ્ચે વચ્ચે પુસ્તકમાંથી માથું ઊંચું કરી બહારનો નજારો પણ જોઈ લેતી, પણ અજમેર છોડ્યા પછી વાતાવરણ સાવ બદલાઈ ગયું હતું. નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો હતો અને ચોખ્ખુંચટ ભૂરું આકાશ વાતાવરણે અચાનક પલટો ખાતા કાળા વાદળઘેરું બન્યું હતું. સૂર્ય અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત જામી હતી અને એમાં વાદળો દાવ જીતી ગયા હોય એમ ચારેકોર છવાઈ ગયા હતા. નિર્ધારિત સમય કરતાં ટ્રેન અડધો કલાક મોડી હતી. નંદિનીએ નીરજ સાથે મોબાઈલ પર વાત કરી, ટિફિન ખોલી થોડું ખાઈને ચિંતિત થઈ આબુ આવવાની રાહ જોતી બારી બહાર નજરો ટેકવી બેઠી હતી. એની આતુરતાનો અંત આવ્યો હોય એમ ત્રણ કલાકના ઇંતેજાર પછી આબુ સ્ટેશન આવતાં જ ટ્રેન ધીમી પડી અને ઉભી રહેતાં જ નંદિની પોતાની હેન્ડબેગ અને ટ્રોલીબેગ લઈ સ્ટેશન પર ઉતરી ત્યારે ગાઢ અંધારું હતું અને અધૂરામાં પૂરું એમ મુશળધાર વરસાદ પણ શરૂ થઇ ગયો હતો. આબુ સ્ટેશન પર ગણીને ચાર-પાંચ પ્રવાસીઓ જ ઉતર્યા હતા. ટ્રોલીબેગ ખેંચતી નંદિની મેઇન એન્ટ્રન્સ ક્રોસ કરી બહાર નીકળી અને હોટેલ પહોંચવા માટે ટેક્સી શોધવા આમતેમ નજર દોડાવ્યા બાદ એને સામી બાજુએ એક ટેક્સી દેખાઈ એટલે વરસાદથી જેમતેમ બચતી એ સામી બાજુએ દોડી.

"ભાઈસાબ, પ્રેસિડેન્ટ હોટેલ જાના હૈ," નંદિનીએ ટેક્સીનો દરવાજો નોક કર્યો.

"મેડમ, ટેક્સી તો બુક હૈ, આપ દુસરી ટેક્સી ઢુંઢ લિજીયે," ટેક્સીચાલકે બગાસું ખાતાં જવાબ આપ્યો.

"આટલી રાતે હું બીજી ટેક્સી ક્યાં શોધું હવે?" મનોમન વિચારતી નંદિનીને નજર દોડાવી પણ રસ્તો સાવ સુમસામ હતો. એક ઝાપટું વરસાવીને વરસાદ પણ થંભી ગયો હતો.

"એક્સકયુઝ મી," અડધી રાતે મધુર સ્વર સાંભળતા જ નંદિનીએ પાછળ ફરી જોયું તો ત્રીસેક વર્ષની, જીન્સ અને શોર્ટ ટોપ અને હાઈ હિલ્સ સેન્ડલ પહેરેલી યુવતી ઉભી હતી પણ અંધારાને લીધે અને મોઢે સ્કાર્ફ બાંધેલો હોવાથી નંદિની એનો ચહેરો નહોતી જોઈ શકતી.

"મે આઈ હેલ્પ યુ?" ફરી અવાજ આવતાં નંદિનીએ એની સામે જોયું અને પોતાની વ્યથા કહી સંભળાવી.

"ધેટ્સ ગ્રેટ, હું પણ એ જ હોટેલમાં જઈ રહી છું એન્ડ ઇફ યુ ડોન્ટ માઈન્ડ તમે મારી સાથે આવી શકો છો...." યુવતીએ ટેક્સીનો દરવાજો ખોલી નંદિનીને બેસવા ઈશારો કર્યો.

નંદિની જવું કે નહીં એની અવઢવમાં હતી પણ આ સમયે બીજી ટેક્સી મળશે કે નહીં એ પણ નક્કી નહોતું એટલે એણે એ યુવતી સાથે જવાનું નક્કી કર્યું. ડ્રાઈવરે ડીકી ખોલી એટલે બંને સ્ત્રીઓએ પોતાની બેગ એમાં ગોઠવી અને બેય ટેક્સીમાં બેઠી એટલે ડ્રાઈવરે ટેક્સી સ્ટાર્ટ કરી અને હોટેલ પ્રેસિડેન્ટ તરફ દોડાવી.

"થેન્ક યુ સો મચ, હું નંદિની, નંદિની અગ્રવાલ....ફ્રોમ ગુડગાંવ." નંદિનીએ હેન્ડશેક માટે જમણો હાથ આગળ ધર્યો.

"માયસેલ્ફ કામ્યા ત્રિપાઠી, ફ્રોમ સુરત..."

"થેન્ક યુ મિસ કામ્યા, એક્ચ્યુઅલી મેં ટેક્સી તો બુક કરાવી હતી પણ બીજે પેસેન્જર લઈને ગયેલો ડ્રાઈવર વરસાદને કારણે ક્યાંક અટકી ગયો એટલે એ આવી ન શક્યો. આ તો તમે મળી ગયા એટલે સારું થયું."

"ઇટ્સ ઓકે, જસ્ટ રિલેક્સ, અને હોટેલ પણ આવી ગઈ... નાઇસ ટુ મીટ યુ... એક જ હોટેલમાં રોકાયા છીએ તો બહુ જલ્દી મળવાનું પણ થશે જ... " ડીકીમાંથી લગેજ ઉતારી ભાડું ચૂકવી કામ્યા અંદર ગઈ એની પાછળ નંદિની પણ ગઈ..

રીસેપ્શન પરથી ચાવીઓ કલેક્ટ કરી કામ્યાએ પોતાની બેગ કાઉચ પર મૂકી અને મોઢા પરથી સ્કાર્ફ હટાવી પોતાના શોલ્ડર લેન્થ વાંકડિયા વાળમાં હાથ ફેરવ્યો અને નંદિની સામે સ્મિત વેરી ગુડનાઈટ વિશ કરી પોતાની બેગ ઢસડતી લિફ્ટ પાસે ગઈ. નંદિની કામ્યાનો ચહેરો જોઈ હેબત ખાઈ ગઈ. એ જ મોટી આંખો, વાંકડિયા વાળ, એ જ સ્મિત, એક ચહેરો એની આંખો સમક્ષ તરવરી ઉઠ્યો. એણે પણ પોતાની ટ્રોલી ખેંચી અને કામ્યા સાથે લિફ્ટમાં દાખલ થઈ. એની રૂમ ફર્સ્ટ ફ્લોર પર અને કામ્યાની ફોર્થ ફ્લોર પર હતી. રૂમમાં આવી ફ્રેશ થઈ બેડ પર આડી પડી અને નીરજને કોલ જોડ્યો પણ નેટવર્ક બરાબર ન હોવાથી પોતે બરાબર પહોંચી ગઈ હોવાનો મેસેજ સેન્ડ કર્યો અને ફોન સ્વીચ ઓફ કરી આંખો બંધ કરી બેડ પર પડતાં જ ફરી કામ્યાનો ચહેરો એની સામે આવ્યો. 'આ સ્ત્રી આટલી પોતીકી કેમ લાગે છે. એની આંખો, સ્મિત, વાળ બધું જ અદ્દલ છે.. કોણ છે આ સ્ત્રી...? નંદિની કરવટ બદલતી નિદ્રાધીન થવાની કોશિશ કરતી રહી..અધૂરી ઓળખનું પૂર્ણ અનુસંધાન તો મેળવવું જ પડશે. આમ પણ કામ્યા આ જ હોટેલમાં રોકાઈ છે તો કાલે જ એને મળીશ અને નીરજને પણ જણાવીશ એના વિશે,' પણ આ ઓળખનું અનુસંધાન મેળવવા જતાં નંદિની પોતાની જ ઓળખ ખોઈ બેસશે એનો તો એને અણસાર પણ નહોતો....

વધુ આવતા અંકે.....