અતૂટ બંધન - 2 Snehal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ બંધન - 2


વૈદેહી આંખમાં આંસુ સાથે રસોડાનાં કામમાં લાગી ગઈ. કંઇક કરવા માટે એ પાછળ ફરી ત્યાં એણે જોયું કે હાર્દિક ઊભો ઊભો એને જ જોઈ રહ્યો છે. એણે તરત એની નજર હાર્દિક પરથી હટાવી દીધી એને રોટલી વણવા માંડી.

"ત...તમારે કંઈ જોઈએ છે ?" વૈદેહી માંડ પૂછી શકી.

"હા, જોઈએ તો છે. પણ શું તમે મને એ આપી શકશો ?" હાર્દિકે વૈદેહીની એકદમ નજીક આવી એનો હાથ પર આંગળી ફેરવી પૂછ્યું.

વૈદેહીનાં હાથમાંથી વેલણ છટકી ગયું અને એ હાર્દિકથી દૂર ખસી ગઈ. વેલણનો અવાજ સાંભળી દયાબેન તરત જ બૂમ પાડતાં રસોડામાં ધસી આવ્યા.

"શું થયું ?" દયાબેને પૂછ્યું.

"હું...હું..."

"રિલેક્ષ વૈદેહીજી ! કેટલા ગભરાવ છો તમે ? મમ્મીજી વૈદેહીજીએ અહીંયા કોક્રોચ જોયું તો એમનાં હાથમાંથી વેલણ છૂટી ગયું." હાર્દિકે કહ્યું અને રસોડામાંથી બહાર જતો રહ્યો.

"હાથમાંથી વેલણ છૂટી ગયું એનો તો વાંધો નથી પણ જો બીજું કંઈ છૂટ્યું ને તો...."

"મામી હું...તો..."

"મારી અંજલીની ખુશી હાર્દિકકુમારમાં છે અને જો તેં એની ખુશીઓને નજર લગાડી તો મારાથી ભૂંડું કોઈ નહીં હોય. સમજી ?" દયાબેન વૈદેહીની હડપચી પકડી દબાવીને બોલ્યાં અને વૈદેહીને ઝાટકી કાઢી.

વૈદેહી ત્યાં જ ઢગલો થઈને પડી અને ચોધાર આંસુએ રડવા લાગી.

"શા માટે સાર્થક ? શા માટે મને એકલી મૂકીને ચાલ્યાં ગયા તમે ? મને પણ તમારી સાથે કેમ નહીં લઈ ગયા ? કેવી રીતે જીવીશ તમારાં વિના હું ?" વૈદેહી બોલી ઉઠી. પણ એની વેદના, એનું દર્દ જોવાવાળું ત્યાં કોઈ નહતું.

બાઈક જવાનો અવાજ આવ્યો અને એ સાથે જ દયાબેન રસોડામાં પ્રવેશ્યા.

"તારા આ મગરમચ્છનાં આંસુથી અહીંયા કોઈ પીગળવાનું નથી. કંઈ કહીએ એટલે રડવાના નાટક ચાલુ થઈ જાય. લોકોને તો એમ જ લાગે ને કે મામા મામી દુઃખ આપે છે. અરે કેમ કરી તને મોટી કરી એ તો મારું મન જ જાણે છે. એક અપશુકનિયાળને ઘરમાં રાખવી કંઈ ખાવાનાં ખેલ નથી." દયાબેન કડવા વેણ ઓકતાં રહ્યાં અને વૈદેહી નીચું માથું રાખી બસ સાંભળતી જ રહી. થોડીવાર રહી એ ઉઠીને એનાં રૂમ તરફ દોડી ગઈ.

'અપશુકનિયાળ ! હા કદાચ મામી સાચું જ કહે છે. હું સાચે જ અપશુકનિયાળ છું. જન્મ થતાં જ જન્મદાત્રીનું મૃત્યુ અને થોડી મોટી થઈ ત્યાં પિતાનું મોત. લગ્ન કર્યા તો પતિ ખોઈ બેઠી. મને અપશુકનિયાળ નહીં તો બીજું શું કહી શકાય ?' વૈદેહી વિચારી રહી અને એનાં ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

વૈદેહીએ ક્યારેય એની મા ને નહતી જોઈ. એનાં જન્મ સમયે ડિલિવરીમાં કોમ્પ્લીકેશન્સનાં કારણે એનો જન્મ થતાં જ એની મા મૃત્યુ પામી હતી. વૈદેહીનાં પપ્પા કેશવભાઈ એક સરકારી શાળામાં શિક્ષક હતાં. એમને વૈદેહી ખૂબ વ્હાલી હતી. વૈદેહી ભણવામાં પણ ખૂબ હોંશિયાર હતી. કેશવભાઈ ઈચ્છતા હતા કે એ ખૂબ ભણે અને પગભર થાય જેથી ભવિષ્યમાં એને કોઈ સામે હાથ ન ફેલાવો પડે.

બધું જ બરાબર ચાલતું હતું. કેશવભાઈ મા અને બાપ બંનેની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યાં હતાં. વૈદેહીને એનાં પિતા તરફથી મળતાં પ્રેમમાં જ આખું વિશ્વ મળી રહેતું. એ હંમેશા કહેતી કે એનાં પપ્પા એની સાથે છે તો એને બીજા કોઈની જરૂર નથી.

પણ કહેવાય છે ને ભવિષ્યનાં ગર્ભમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી નથી શકતું. વૈદેહીનાં જીવનમાં પણ શું થવાનું હતું એનાથી એ એકદમ અજાણ હતી.

એક દિવસ શાળાએથી પાછા ફરતાં કેશવભાઈની બાઈક સામે એક નાનો છોકરો રમતો રમતો આવી પડ્યો. એ છોકરાને બચાવવા એમણે ગાડી બીજી તરફ વાળી અને સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ ગઈ. ઘટનાસ્થળે જ એમનું મૃત્યુ નિપજ્યું. વૈદેહી એ સમયે માત્ર બાર વર્ષની હતી. કેશવભાઈનાં મૃત્યુ પછી એ સાવ અનાથ થઈ ગઈ હતી.

કેશવભાઈનું બીજું કોઈ સગુવહાલું તો હતું નહીં તેથી મને કમને દયાબેન અને ગોવિંદભાઈ એમની એકની એક ભાણેજને એમની સાથે લઈ આવ્યાં. કેશવભાઈએ કરાવેલ ઇન્સ્યોરન્સનાં રૂપિયા, એમનું પીએફ, એમની પોતાની દસેક વિંઘા જમીન બધું જ એમની મૃત્યુ પછી વૈદેહીને મળ્યું હતું. વૈદેહીને પોતાની સાથે લઈ જવા પાછળ દયાબેન અને ગોવિંદભાઈનો સ્વાર્થ પણ હતો કે વૈદેહીને જે કંઈ મળે એ બધું તેઓ પોતે પચાવી શકે અને થયું પણ એવું જ. વૈદેહીને લઈ ગયા પછી એમણે એને એક નોકરાણી બનાવી દીધી. ઘરનું બધું જ કામ દયાબેન એની પાસે કરાવતાં હતાં. કામ પૂરું કરી વૈદેહી સ્કૂલ જતી. સ્કૂલથી આવ્યા પછી પણ એનાં માટે કામ તૈયાર જ રહેતું. પણ વૈદેહી કોઈપણ પ્રકારનાં વિરોધ વિના હસતાં મોંઢે બધું કામ કરતી. કારણ કે ઘરનું કામ કરવાની એને પહેલાથી આદત હતી. કેશવભાઈ અને વૈદેહી એકલા રહેતા હોવાથી એ ઘરનું ઘણું ખરું કામ કરી લેતી હતી.

વૈદેહીનો મળતાવડો સ્વભાવ અને કામમાં ચપળતા એને બધાથી અલગ તારવી દેતાં હતાં. પડોશીઓ એને પસંદ કરતાં હતાં અને એનાં વખાણ પણ કરતાં હતાં. એક સામાન્ય શાળામાં ભણતી હોવા છતાં ઘરનું કામ કરતાં કરતાં વગર ટ્યુશને વૈદેહીએ બારમાં ધોરણમાં જિલ્લામાં ટોપ કર્યું. જ્યારે અંજલી ઘરનું કોઈ કામકાજ નહતી કરતી અને ટ્યુશન ક્લાસમાં જવા છતાંપણ દસમાં ધોરણમાં માંડ સત્તાવન ટકા લાવી શકી હતી અને એ પણ વૈદેહીએ એને છેલ્લી ઘડીએ શીખવાડ્યું હતું તેથી.

વૈદેહી કોઈ સારી કોલેજમાં એડમિશન લેવા માંગતી હતી પણ દયાબેને એને નજીકની એક કોલેજમાં એડમિશન લેવડાવ્યું. જો કે તેઓ તો એને આગળ ભણાવવા જ નહતાં માંગતા કારણ કે વૈદેહી બધી જ રીતે અંજલીથી ચડિયાતી હતી. કામમાં ચપળતા, મળતાવડો સ્વભાવ, અભ્યાસમાં હોંશિયાર અને દેખાવમાં સુંદર. જેમ જેમ એ યુવાનીમાં ડગ માંડી રહી હતી તેમ તેમ એની સુંદરતા પણ ખીલી રહી હતી. દયાબેનને લાગતું કે વૈદેહીનાં હોવાથી લોકો અંજલીને અવગણે છે.

દયાબેન જેમ બને એમ એને પરણાવી પોતાની ફરજ પૂરી કરવા માંગતા હતાં પરંતુ લોકલાજે એમણે વૈદેહીને સામાન્ય કોલેજ મોકલી. એ પણ વૈદેહીએ સહર્ષ સ્વીકારી લીધું. ગોવિંદભાઈ, દયાબેન અને અંજલી વૈદેહી સાથે ભલે ઓરમાયું વર્તન કરતા પણ વૈદેહી માટે તો એ જ એનો પરિવાર હતો અને તેથી એ કોઈપણ પ્રકારની ફરિયાદ વિના ચહેરા પર સ્મિત રાખી બધું જતું કરતી હતી. એને વિશ્વાસ હતો કે એક દિવસ તો એનાં મામા મામી એને દીકરી તરીકે સ્વીકારશે અને એને ગળે લગાડશે. પણ કદાચ એ દિવસ મૃગજળ સમાન હતો.

દિવસો પસાર થવા લાગ્યાં અને વૈદેહી કોલેજમાં પણ બધાં પ્રોફેસરોની ફેવરિટ બની ગઈ. ઘરેથી બધું કામ આટોપી વૈદેહી કોલેજ જતી અને બધાં જ ક્લાસ અટેન્ડ કરતી. એનો બધાં જ વિષયમાં રસ અને નવું નવું જાણવાની ઉત્કંઠા પ્રોફેસરોને ગમતી. તેઓ બધા જ વૈદેહીને એમની પાસે રહેલું જ્ઞાન પીરસતાં હતાં. આ દિવસોમાં વૈદેહીને શિખા નામની એક મિત્ર મળી.

શિખા સ્વભાવે એકદમ શાંત અને થોડી ડરપોક હતી. અભ્યાસમાં હોંશિયાર એવી શિખા વૈદેહી સિવાય બીજા કોઈ સાથે વાત નહતી કરતી. એક દિવસ શિખા ખૂબ ડરેલી હતી. વૈદેહીએ એને એનાં ડરનું કારણ પૂછ્યું તો એ રડવા લાગી.

વૈદેહીએ એને પાણી આપ્યું અને શાંત કરી પછી શું થયું એ પૂછ્યું. સામે શિખાએ જે કહ્યું એ સાંભળી વૈદેહી ચોંકી ગઈ.

વધુ આવતાં ભાગમાં.....