Menstruation Periods-(માસિક ધર્મ) Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Menstruation Periods-(માસિક ધર્મ)

હું ૧૩ વર્ષની છું અને હવે મને માસિક ધર્મ(menstruation cycle/Period- ટાઈમમાં હોવું/અને અહીંયા વપરાતી સાદી ભાષામાં કહીએ તો અડવાનું નથી.) શરૂ થઈ ગયો છે.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

જેનું નામ લેતા જ આપણા ફેમિલી મેમ્બર્સ અને આ સમાજને શરમ આવે છે એને હવેથી હું દર મહિને અનુભવીશ.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

હજી મારી ઉંમર થોડી કાચી છે મારામાં થતા બદલાવ સમજવા માટે.કદાચ મારા કપડાં પર લાલ રંગનો ડાઘ દેખાઈ જાય તો મારી મજાક ના બનાવતા.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

૫-૭ દિવસ મારા કપડામાંથી અજીબ સ્મેલ આવે અને મારા મોઢા પર પીમ્પલ્સ થઈ જાય તો મારી સામે અજીબ નજરે ના જોતા.
કારણ કે હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

હોર્મોન્સના ઇમબેલેન્સને કારણે મને મૂડસ્વીગ્સ આવે છે. કદાચ મારો સ્વભાવ ચિડચિડો થઈ જાય,ગુસ્સો આવી જાય અને વાતવાતમાં ઈમોશનલ થઈ જાઉં અને કારણ વગર રડવાનું મન થઇ જાય તો મારી સામે ગુસ્સો કરવા કરતાં મારી ભાવનાઓને સમજજો.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

મારમાંથી દર મહિને ૩૦-૮૦મિલી જેટલું બ્લડ લોસ થાય છે. મને બ્લીડીંગ થવાના કારણે કદાચ ચક્કર આવે અને વિકનેસના કારણે હું થોડો વધારે આરામ કરી લઉં તો મને આળસુ ના સમજતા.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

યુટરસના(ગર્ભાશય) સંકોચાવાથી મને મસલ્સ પેઈન થાય છે.(કમરમાં દુઃખાવો,પગ દુઃખવા કે પેઢામાં દુઃખાવો,માથું દુખાવું,બેચેની લાગવી જેવી તકલીફો થાય છે.)
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

સાત દિવસ મને અપવિત્ર માનીને ભગવાનના મંદિરે અડકવાની મનાઈ હોય છે.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની જ મહેરબાની છે.

આ બધું જ હું મોઢા પર સ્માઈલ રાખીને સહન કરી લઈશ.તમારે કઈ જ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાની પણ જરૂર નથી.બસ ફક્ત એ સમયે મને સમજવાનો પ્રયત્ન કરજો.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.

જ્યારે હું એક બાળકને જન્મ આપી શકું છું તો પીરિયડ્સ તો મારા માટે બહુ જ નોર્મલ છે.બસ એને નોર્મલ જ રહેવા દઈને મારો સાથ આપજો.
કારણ કે,હું પીરિયડ્સમાં છું.એમાં મારી કોઈ ભૂલ નથી.
બસ ભગવાનની મહેરબાની છે.



જય શ્રી કૃષ્ણ મિત્રો,

કહેવું ઘણાને ઘણું છે પણ બોલી શકાય એમ નહીં.
બોલ્યા વિના કોઈ સમજે એવું આ સમાજમાં થાય જ નહીં.


Menstruation/Periods-આ વિશે વાત કરતા શરમ આવે છે.અને સૌથી શરમની વાત તો એ છે કે ફિમેલ્સને(સ્ત્રીઓ) આ વિશે વાત કરતા શરમ આવે છે.પણ એ શરમ નામની ઘુંટણી પીવડાવનાર આપણા ઘરના અને આપણા સમાજના લોકો છે.


ઘરમાં બહેન જેને પીરિયડ્સના શરૂઆતના ૩-૪ મહિના હોય,એ છોકરીને પોતે જ ખબર ના પડતી હોય કે એને શું થઈ રહ્યું છે.એ સમયે એનો નાનો કે મોટો ભાઈ એને હેરાન કરતો હોય તો મમ્મી કહેશે કે એનાથી દૂર રે,એ ટાઈમમાં છે એને અડવાનું નથી.


કેમ દૂર રે??......એની જગ્યાએ તમે એને એવું ના શીખવાડી શકો કે બેટા હવે બેન મોટી થઈ રહી છે.એને પીરિયડ્સ શરૂ થઈ ગયા છે.એ સમયે એને અમુક તકલીફ થાય છે.(જે કવિતામાં દર્શાવેલ છે)તો હવે આપણે એની થોડી વધારે કેર કરવાની જરૂર છે.


જ્યારે કોઈ છોકરી ભૂલથી જાહેરમાં કે જ્યાં એના ભાઈઓ કે પપ્પા કે જેન્ટ્સ બેસ્યા હોય ત્યાં પીરિયડ્સ શબ્દનો ઉપયોગ કરી લે તો તરત જ એની મમ્મી કે એના દાદી એને વઢશે,"આવું ના બોલાય બધાની વચ્ચે"
કેમ ના બોલાય???.


આ તો સ્ત્રીને ભગવાને આપેલ ભેટ છે.જેના કારણે એનો પ્રોપર ગ્રોથ થઈ શકે અને ભવિષ્યમાં "માઁ" બનવાનું સુખ ભોગવી શકે.આ દરેક ફિમેલ્સને બાર વર્ષ પછી થતી નોર્મલ પ્રક્રિયા છે.એને આમ શરમજનક બાબત બનાવીને કે એ વિશે વાત કરવા માટે શરમ અનુભવવી એ જ મોટી ભૂલ છે.એટલે જ મેં કવિતામાં વારે વારે લખ્યું છે કે આમાં મારી કોઈ ભૂલ નથી.બસ ભગવાનની મહેરબાની છે.


આ લખવા માટે મેં ઘણું રિસર્ચ કર્યું અને મને એ જાણવા મળ્યું છે કે એવું નથી કે ફક્ત છોકરાઓ જ આ વાતથી અજાણ છે.આશ્ચર્યની વાત એ છે કે જે છોકરીઓ સાતમા ધોરણથી પીરિયડ્સનો અનુભવ કરે છે ખરેખર એમને પણ ખબર નથી.એ છોકરી જ્યારે પહેલી વાર પીરિયડ્સમાં થાય ત્યારે એને જ આ વિશે પુરી ખબર નથી હોતી.કારણ કે એમને કોઈએ ખુલીને આ ટોપિક પર વાત જ નથી કરી.સ્ટડીમાં પણ આ ટોપિક સ્કીપ કરવામાં આવે છે.


પણ દોસ્તો તમે એવું ના કરતા.આપણી પાસે સ્માર્ટ ફોન છે જે ફક્ત ક્રિકેટ મેચ,નેટફ્લિક્સની સિરિઝો અને ઇન્સ્ટાગ્રામના રિલ્સ જોવા માટે નથી.ક્યારેક આવી અગત્યના ટોપિક પર પણ રિસર્ચ કરી લેજો.જેથી આવનારી પેઢી સાથે તમે આ ટોપિક પર ખુલીને કોઈ પણ જીજક વગર વાત કરી શકો.

આ લખવા પાછળનો મારો હેતુ બસ એટલો જ છે કે જ્યારે બારથી-પંદર વર્ષની છોકરી બાળબુદ્ધિમાં પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હોય તો એ જ ઉંમરના છોકરાને એ ચોક્કસ જાણવું જરૂરી છે કે એની બહેન,એની ફિમેલ ફ્રેન્ડ,એની ગર્લફ્રેન્ડ,એની પત્ની અને એની મમ્મી પીરિયડ્સ સમયે શું મહેસુસ કરી રહી છે અને મારે એમની થોડી વધારે સંભાળ લેવાની છે.

મને વાંચી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

જો તમને પણ લાગતું હોય કે પીરિયડ્સમાં હોવું અને એ વિશે વાત કરવી એ શરમની વાત નથી અને બધાએ આ ટોપિક પર જાણવાની જરૂર છે તો પ્લીઝ તમે તમારા ફ્રેન્ડસર્કલમાં અને તમારા ફેમિલી મેમ્બર્સને શેર કરો.