જીવનસંગિની - 32 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 32

પ્રકરણ-૩૨
(પશ્ચાતાપ)

અનામિકા, મેહુલ અને વીરનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. મેહુલના પરિવારે પણ અનામિકાને હવે સંપૂર્ણ રીતે સ્વીકારી લીધી હતી. પરંતુ હજુ પણ એક ઘટના એવી બની ગઈ હતી કે, જેના કારણે અનામિકાનો પોતાના પરિવાર પ્રત્યેનો સંબંધ વધુ પડતો ગાઢ થઈ ગયો. અને મેહુલના પરિવારના લોકો માટે અનામિકા એક મહત્વની વ્યક્તિ બની ગઈ.

થોડા સમય પહેલા જ મંજુબહેનની તબિયત લથડી હતી. એમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. એવા સમયે અનામિકાએ એમની ખૂબ જ ખડે પગે સેવા કરી હતી. અનામિકાની આ સેવાસુશ્રુષા એના ઘરમાં બધા જોઈ રહ્યા હતા. અને બધાંને હવે એ પણ સમજાઈ ચૂક્યું હતું કે, અનામિકાએ આ પરિવારને હવે મનથી અપનાવી લીધો છે. બધાએ અનામિકાને ખરા મનથી સ્વીકારી લીધી હતી.

મેહુલના ઘરમાં અનામિકાની સેવાની બધાએ કદર કરી ત્યારે અનામિકાને ભૂતકાળની એ વાત યાદ આવી કે, જ્યારે નિશ્ચયની મમ્મીને ફેક્ચર થયું હતું અને ત્યારે અનામિકાએ એમની પણ ખૂબ સેવા કરી હતી. પરંતુ કોઈએ ત્યારે એને બે મીઠા બોલ પણ કહ્યા નહોતા. એને એવું જ સાંભળવા મળતું કે, એ તો વહુ છે. એની તો ફરજ જ છે તો એ તો સાસુની સેવા કરે જ ને! એમાં શું નવાઈ!!

*****

સમય વીતતો ગયો. વીર અને આકાશ બંને હવે કોલેજમાં આવી ગયાં હતાં. વીરે સંગીતના વિષય સાથે બી.એ. કરવાનું પસંદ કર્યું હતું. સંગીત તો આમ પણ એના જનીનોમાં હતું એટલે એને હંમેશા સંગીત પ્રત્યે વિશેષ રૂચિ રહી હતી. એટલે એણે સંગીતને જ પોતાનું કેરિયર બનાવવાનું પસંદ કર્યું હતું. ભવિષ્યમાં એ શાસ્ત્રીય સંગીતકાર બનવા માંગતો હતો.

જ્યારે આકાશ ભણવામાં ખૂબ હોશિયાર હતો. એ મેડીકલ ફિલ્ડમાં જઈને લોકોની સેવા કરવા માંગતો હતો એટલે એણે એમ.બી.બી.એસ. કરવાનું પસંદ કર્યું હતું.
*****
વીરનો કોર્ષ ત્રણ વર્ષમાં પૂરો થઈ ગયો હતો અને એણે સ્ટેજ શો કરવાનું ચાલુ કર્યું હતું. આકાશનું ભણવાનું હજી બાકી હતું. કારણ કે, એનો અભ્યાસક્રમ ઘણો લાંબો હતો. પરંતુ મેડીકલનો અભ્યાસ કરતાં કરતાં એને હવે એવું સમજાવવા લાગ્યું કે, દરેક માણસની સાયકોલોજી અલગ-અલગ હોય છે. અને દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે જુદું-જુદું વર્તન કરતી હોય છે. ધીમે ધીમે એને એ પણ સમજમાં આવવા લાગ્યું કે, એના મમ્મી પપ્પા વચ્ચેના સ્વભાવમાં પણ ઘણું બધું અંતર હતું. એ પોતાના બાળપણના પ્રસંગોને યાદ કરીને મનોમંથન કરતો અને પોતાની આસપાસના પોતાના મિત્રનાં માતાપિતાને જોતો તો એને વિચાર આવતો કે, મારા પપ્પાએ મારી મમ્મી જોડે જે વર્તન કર્યું એ સમયે એ કદાચ બરાબર ન હતું. એ બંનેના અલગ થવાનું કારણ ભલે કંઈ પણ હોય પરંતુ આજે હ્યુમન સાયકોલોજીનો અભ્યાસ કરતાં કરતાં મને એટલું તો સમજાવવા જ લાગ્યું છે કે, પત્નીને જે સમ્માન એક પતિએ આપવું જોઈએ એવું કદાચ મારા પિતાએ મારી મમ્મીને નહોતું આપ્યું.

એ પોતાના મનમાં વિચારી ઉઠતો અને પોતાને કહી ઊઠતો કે, હું મારી પત્ની જોડે મારા પિતાએ જેવું વર્તન મારી માતા જોડે કર્યું એવું તો ક્યારેય નહીં જ કરું. પોતાની પત્નીનો વિચાર કરતાં જ એની આંખ સામે એની સાથે ભણતી આકાંક્ષાનો ચેહરો તરવરી ઉઠ્યો.

આકાશ અને આકાંક્ષા બંને કોલેજમાં સાથે જ અભ્યાસ કરતાં હતાં અને એકબીજાને પસંદ પણ કરતાં હતાં. અત્યારે બંને જણા ભણવામાં જ પોતાનું ધ્યાન લગાવવા માંગતા હતાં. અને આમ પણ બંનેના પરિવારમાં બધી છૂટ જ હતી. એટલે બંનેના પરિવાર લગ્ન માટેની ના પાડવાના જ નહોતા. આકાંક્ષા આકાશના પરિવાર વિશે બધું જ જાણતી હતી. એ એની મમ્મી પપ્પાના ડિવોર્સ વિશે પણ બધું જ જાણતી હતી. અને એના મમ્મી પપ્પા પણ આકાશ વિષે બધું જ જાણતાં હતાં. અને આકાશે પણ નિશ્ચયને આકાંક્ષા વિશે બધું જ જણાવી દીધું હતું. ટૂંકમાં આકાશ અને આકાંક્ષા બંનેનો પરિવાર એમના બંનેના આ સંબંધથી ખુશ હતો. પરંતુ જ્યાં સુધી ભણવાનું પતે નહીં ત્યાં સુધી એ બંને લગ્ન માટે વિચારવા માંગતા નહોતા.

*****
આકાશનું એમ.બી.બી.એસ. પૂર્ણ થઈ ગયાં પછી એણે એમ.ડી. માટે સાઈકીયાટ્રી વિષય પસંદ કર્યો હતો. અને આકાંક્ષાને બાળકો ખૂબ પસંદ હતાં એટલે એણે પીડિયાટ્રિક વિષય પસંદ કર્યો હતો. આકાશનું એમ.ડી. ચાલુ હતું એટલે એ ભણવામાં ખૂબ વ્યસ્ત રહેવા લાગ્યો હતો અને એટલે એ નિશ્ચયથી ધીમે ધીમે દૂર થવા લાગ્યો હતો. ક્યારેક ક્યારેક આકાશને લાગતું કે, એના પિતાએ એની મા જોડે સારું વર્તન કર્યું હોત અને એને સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આજે એની મા એની સાથે હોત.

આકાશની વ્યસ્તતાને કારણે નિશ્ચય પણ હવે એકલો પાડવા લાગ્યો હતો. એને ક્યારેક ક્યારેક અનામિકા યાદ આવી જતી. એ ભૂતકાળમાં ડોકિયું કરતો તો એને પોતે ભૂતકાળમાં અનામિકા જોડે જે વર્તન કર્યું હતું એ વિશે વિચારીને એને ખૂબ પસ્તાવો થતો. એને થતું કે, એકવાર અનામિકાની માફી માંગી લઉં? એકવાર એની જોડે વાત કરી લઉં? પણ પછી તરત જ એનું બીજું મન એને રોકી લેતું. એ કહી ઉઠતું કે, 'એ હવે એના જીવનમાં બહુ આગળ વધી ગઈ છે. હવે મારો એના પર કોઈ હક નથી. પણ હું એકવાર એની માફી માંગવા ઈચ્છું છું. એકવાર એ મને માફ કરી દે તો હું ચેનથી જીવી શકીશ.' નિશ્ચય હવે પસ્તાવાની આગમાં જલી રહ્યો હતો. એને પોતે અનામિકા જોડે અત્યાર સુધી જે કંઈપણ વર્તન કર્યું હતું એ બધાં જ વર્તન માટે હવે એને પારાવાર પસ્તાવો થવા લાગ્યો હતો.

પશ્ચાતાપની આગમાં સળગી રહ્યો હું.
હંમેશા મારી જ જીદને વળગી રહ્યો હું.
સમજી ન શક્યો હું કદીયે તને દિલથી.
તારી જ યાદમાં ફરી સળગી રહ્યો હું.

*****

શું નિશ્ચય અનામિકાની માફી માંગશે? શું અનામિકા નિશ્ચયને માફ કરી શકશે? શું અનામિકા આકાશ અને આકાંક્ષાના લગ્નમાં સામેલ થઈ શકશે? આવાં અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.