જીવનસંગિની - 31 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 31

પ્રકરણ-૩૧
(સ્વીકાર-અસ્વીકાર)

અનામિકા મેહુલના ઘરમાં સેટ થવાના પ્રયત્નો કરી રહી હતી. એ વીરની પણ મા બનવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ સ્ત્રી જેટલું ઝડપથી સાસરી પક્ષને અપનાવી લે છે એટલું જ ઝડપથી પતિનો પરિવાર એને અપનાવી શકતો નથી. એમાંય જ્યારે પુનઃ લગ્ન હોય ત્યારે તો ખાસ. મેહુલનો પરિવાર પણ એમાંથી બાકાત નહોતો. મેહુલના મમ્મી અને પપ્પા બંને વારંવાર અનામિકાની સરખામણી નિધિ જોડે કરી બેસતાં.

નિધિ તો હંમેશા શાંત જ રહેતી અને ઘરના બધાં જેમ કહે એમ કર્યા કરતી. જ્યારે અનામિકા તો પહેલેથી જ શાંત સ્વભાવ ધરાવતી ન હતી. ખોટું એનાથી ક્યારેય સહન થતું નહીં. એને જે વાત પસંદ ન પડે કે કોઈ વાત ખોટી લાગે તો એ તરત જ એના ઘરમાં જણાવી દેતી. એને જો કોઈ બાબતે એનો અભિપ્રાય પૂછવામાં ન આવે તો એ પોતાની જાતે જ પોતાનો અભિપ્રાય જણાવી દેતી. પણ મેહુલના પરિવાર માટે આ અકલ્પનીય હતું. એ લોકોને લાગતું હતું કે, ઘરની વહુએ તો માત્ર કામ જ કરવું જોઈએ અને કોઈ બાબતે દખલ ન દેવી જોઈએ. પણ અનામિકા તો એ લોકોના વિચારથી વિરુદ્ધ જ વર્તન કરતી એટલે એ લોકોને નિધિ વારંવાર યાદ આવી જતી અને જાણે-અજાણે પણ નિધિ જોડે અનામિકાની સરખામણી કરી દેતા.

આ બાજુ અનામિકા પણ વીરના ઉછેરમાં પોતાનું ધ્યાન પરોવવા લાગી હતી. પરંતુ વીરને તૈયાર કરતા કરતા એને વારંવાર આકાશ પણ યાદ આવી જતો. પણ પછી વિચારતી કે, હવે મારે આકાશને યાદ ન કરવો જોઈએ. મારું જીવન વીર માટે જ હોવું જોઈએ. જેને મેં છોડી જ દીધું છે એના માટે તો મારે હવે મુવ ઓન કરવું જોઈએ. એ વારંવાર પોતાની જાતને સમજાવવાની કોશિશ કરતી. પણ એમ કંઈ લોહીના સંબંધો મનથી થોડાં વિખૂટા પડે છે! પણ છતાં પણ એ પ્રયત્ન કરતી આકાશની યાદમાંથી બહાર આવવા માટે. અને એમાં મેહુલ પણ એને મદદ કરતો. મેહુલ જોડે લગ્ન કરીને અનામિકા ખુશ હતી.

વીર પણ અનામિકાને મા ના રૂપમાં અપનાવવાનો પ્રયત્ન તો કરતો પણ ઘરના લોકો એવું વર્તન કરતાં કે, એને વારંવાર નિધિની યાદ આવી જતી. એના બાળસહજ મનમાં પોતાની આ નવી મા ને લઈને ઘણી દુવિધા હતી. એ પોતે તો અનામિકાને અપનાવવા માંગતો હતો પણ ઘરના લોકો એની સરખામણી નિધિ જોડે કરી કરીને એને અનામિકાને અપનાવવા દેતાં જ નહીં. એમાંય જ્યારે પણ વીરનું પરિણામ ખરાબ આવે ત્યારે ઘરના લોકો અનામિકાને જ જવાબદાર ઠેરવતાં અને કહેતાં કે, તું જ એના ભણવા પર બરાબર ધ્યાન નથી આપતી એટલે જ એનું પરિણામ નબળું આવે છે.

એને સમજમાં નહોતું આવતું કે, એવું એ શું કરે કે, જેથી ઘરના લોકોને એના પર વિશ્વાસ બેસે! પણ પછી એણે બધું જ સમય પર છોડી દીધું. પણ એને એક વાતનો ગર્વ હતો કે, મેહુલ એને સમજે છે. એ એને પૂરો સપોર્ટ કરતો. એ એ ઘરમાં માત્ર મેહુલના સાથને લીધે જ જીવી શકતી હતી.

નિશ્ચયને છોડીને એણે મેહુલ જોડે લગ્ન કર્યા એનો એ નિર્ણય યોગ્ય જ નીવડ્યો હતો. થોડાં પૈસા માટે રકઝક કરતો નિશ્ચય અને અહીં બેફામ પૈસા વાપરતો મેહુલ! અનામિકા ક્યારેક નિશ્ચય અને મેહુલની સરખામણી કરી ઉઠતી. અને એને એ બંનેમાં ઘણો તફાવત દેખાતો. એ વિચારતી કે, મેહુલ ભલે મને ખૂબ જ સારી રીતે રાખે છે પણ એને મારું નોકરી કરવું પસંદ નથી. અને નિશ્ચય મને બધી છૂટ તો આપતો પણ એને મારા માટે લાગણી નહોતી. એણે મને ક્યારેય પતિ તરીકે જે સાથ આપવો જોઈતો હતો એ સાથ ક્યારેય ન આપ્યો. જ્યારે મેહુલે મને હંમેશા પતિ તરીકે એ સાથ આપ્યો છે જે સાથની હું હંમેશા નિશ્ચય પાસેથી અપેક્ષા રાખતી હતી. આખા પરિવારની વિરુદ્ધ જઈને પણ મેહુલે મને આ ઘરમાં સ્થાન બનાવવામાં મદદ કરી છે. જ્યારે બધાં મને કહેતાં હતા કે, તું વીરની સાવકી મા છે ત્યારે મેહુલ જ હતો જેણે મને વીરની સગી મા બનવામાં મદદ કરી હતી. કોઈ એક વ્યક્તિને બધું જ એકસાથે ક્યારેય મળતું નથી. દરેકે શું ચલાવવું અને શું ન ચલાવવું એ જાતે જ નક્કી કરવું પડે છે.

અનામિકાને વારંવાર આકાશ યાદ આવી જતો હતો. એનાથી આકાશની આ જુદાઈ સહન થઈ રહી ન હતી.

એની આવી હાલત જોઈને એક દિવસ મેહુલે જ એને કહ્યું, "દીકરાની આટલી બધી યાદ આવે છે તો એની જોડે એકવાર વાત કેમ નથી કરી લેતી?"

"તને ખબર છે ને કે, મારે આકાશની જોડે વાત કરવી હોય તો નિશ્ચય જોડે વાત કરવી પડે. અને એ માણસને હું બોલાવવા જ નથી માંગતી." અનામિકાએ કહ્યું.

પણ એના ઘરમાં કોઈ તો એવું હશે ને કે, જે તને આકાશ જોડે વાત કરાવી શકે. એની જોડે કેમ વાત નથી કરતી?"

મેહુલના કહેવાથી તેણે આકાશના કાકાને ફોન કર્યો. સામેના છેડેથી આકાશના કાકાએ ફોન તો ઉપાડયો અને એણે કહ્યું, "કેમ છે બહેન!" અનામિકા હવે એની ભાભી તો રહી નહોતી એટલે એણે એને બહેન તરીકે સંબોધી.

"મારે આકાશ જોડે વાત કરવી છે. એક વાર હું એને કહેવા માગું છું કે, મેં બીજા લગ્ન કરી લીધા છે."

"હા, બહેન. આકાશ એ બાબતે જાણે છે. કારણ કે, તમે જ્યારે લગ્ન કર્યા ત્યારે ફેસબુકમાં એની પોસ્ટ મૂકી હતી એ તેણે જોઈ લીધી હતી. એટલે એને એ વાતની ખબર છે અને એટલે જ કહું છું કે, એ હવે તમારી જોડે વાત કરવા માગતો નથી."

"પણ ભાઈ! તમે એક વાર એને ફોન આપો ને પ્લીઝ! એકવાર જો એ એના મોઢેથી મને કહી દેશે તો પછી હું ક્યારેય એની જોડે વાત નહીં કરું. પણ પ્લીઝ એકવાર એને ફોન આપો."

"સારું હું આપું છું." આટલું કહી એણે આકાશને ફોન આપ્યો.

હજુ તો અનામિકા કંઈ પણ બોલવા જાય એ પહેલાં જ આકાશે એને કહી દીધું કે, "મારે તમારી જોડે કોઈ વાત કરવી નથી." એટલું કહી અને એણે ફોન મૂકી દીધો.

આકાશનું આવું વર્તન જોઈને અનામિકા ખૂબ જ દુઃખી થઈ ગઈ. એ જોરજોરથી રડવા લાગી. એના આંસુ હવે સુકાવાનું નામ નહોતા લેતા.

મેહુલે એને શાંત પાડવાનો પ્રયત્ન કરતા કહ્યું, "ચૂપ થઈ જા અનામિકા! તારા ભાગ્યમાં હશે તો એક દિવસ જરૂર તું તારા દીકરાને મળી શકીશ.પણ અત્યારે તું ચૂપ થઈ જા."

"મેહુલ! હવે હું ક્યારેય મારા દીકરાને નહીં મળી શકું. મારો દીકરો જ મારી જોડે વાત કરવા નથી માગતો. અને આજે મેં એને હવે ખરેખર ગુમાવી દીધો. આજથી હવે મારો એક જ દીકરો છે વીર!" આટલું કહી અને અનામિકાએ પોતાના આંસુ લૂછયાં અને એણે ખરા અર્થમાં પોતાના નવા જીવનની શરૂઆત કરી.

*****
ધીમેધીમે સમય વીતતો ગયો. એમ કરતાં મેહુલ અને અનામિકાના લગ્નને પાંચ વર્ષ જેટલો સમય વીતી ગયો. મેહુલના પરિવારને હવે અનામિકા પર વિશ્વાસ આવી ગયો હતો અને હવે એ લોકોએ અનામિકાને પૂરાં મનથી અપનાવી લીધી હતી. વીર પણ હવે અનામિકાને પોતાની મમ્મી તરીકે સાચા મનથી સ્વીકારી ચૂક્યો હતો.

એવામાં એક દિવસ એવી ઘટના બની કે, અનામિકા અને મેહુલના પરિવારમાં સંબંધોના સમીકરણો જ બદલાઈ ગયાં.

*****
શું અનામિકા ક્યારેય પણ આકાશને મળી શકશે. મેહુલના પરિવારમાં એવી કઈ ઘટના બની કે, એમના પરિવારમાં સંબંધોના સમીકરણો જ બદલાઈ ગયા? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.