Jivansangini - 30 books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 30

પ્રકરણ-૩૦
(પુનઃલગ્ન)

અનામિકાના દરવાજે ટકોરા પડતાં જ એણે પોતાના આંસુ લૂછયાં અને ઉભી થઈને એણે દરવાજો ખોલ્યો. સામે પ્રીતિ ઉભી હતી. પ્રીતિને જોઈને અનામિકા એને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. પ્રીતિએ એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. એ બોલી, "ચૂપ થઈ જા અનામિકા. રાજવીરની વાતનું ખોટું ના લગાડીશ. તને તો ખબર છે કે, એનો સ્વભાવ જ એવો છે."
"હા, હું જાણું છું પણ મને રડવું તો એટલા માટે આવે છે કે, મેહુલે મને પ્રપોઝ કર્યું. હું તો એની જોડે એમ જ મૈત્રીભાવથી વાતો કરતી હતી. મને શું ખબર કે, એ એનો આવો અર્થ કરશે? મને જો પહેલા જ ખબર હોત કે એના મનમાં આવું કંઈક ચાલી રહ્યું હશે, તો હું એને પહેલા જ ટાળી દેત. તને તો ખબર જ છે કે, હું બીજા લગ્ન જ કરવા માગતી નથી." અનામિકાએ પોતાના દિલની વાત પોતાની ભાભી કમ સખીને જણાવી.

"અનામિકા! તને ખોટું ન લાગે તો હું એક વાત કહું? આમ જોઈએ તો મેહુલની વાત પર વિચાર કરી પણ શકાય. આખી જિંદગી ક્યાં સુધી તું આમને આમ જ રહીશ. એકલા જીવન જીવવું સહેલું નથી. મને લાગે છે કે, બીજા લગ્ન કરવા એમાં પણ કંઈ ખોટું નથી. બની શકે કે, તારા ભાગ્યમાં કદાચ આ જ લખાયેલું હોય." પ્રીતિએ એની રીતે અનામિકાને સમજાવવાના પ્રયત્નો કર્યા.

પ્રીતિએ કહ્યું, "તું શાંતિથી વિચારી લે. થોડું મનોમંથન કરી લે અને પછી યોગ્ય નિર્ણય લેજે. શું ખબર કદાચ મા વિનાના એ બાળકને તારા રૂપે મા મળી જાય!" આટલું કહી અને પ્રીતિ ત્યાંથી ચાલી ગઈ.

અનામિકા વિચારે ચડી. એ મનોમંથન કરવા લાગી. એની આંખો સામે ક્યારેક વીરનો ચેહરો તો ક્યારેક આકાશનો ચેહરો તરવરી ઉઠતો. એ સમજી નહોતી શકતી કે એને આ શું થઈ રહ્યું છે!

*****
વીર અને મેહુલ ઘરે આવ્યા. વીર ઘરે આવીને ખૂબ ઉત્સાહી હતો. એ આવીને એની દાદીને કહેવા લાગ્યો, "તમને ખબર છે દાદી! આજે અમે એક આંટીને મળવા ગયા હતા. એ આંટી બહુ સુંદર હતા. એ આંટી મારી મમ્મી જેવાં જ લાગતાં હતા. હે દાદી! એ આંટીને જ આપણે મારી મમ્મી બનાવીને લઈ આવીએ તો?"

મંજુબહેન પ્રશ્નાર્થ નજરે મેહુલ સામે જોવા લાગ્યા. એટલે મેહુલે અત્યાર સુધીની બધી જ હકીકત કહી દીધી. દિગ્વિજયભાઈ અને મંજુબહેન આ સાંભળીને ખૂબ જ ખુશ થયાં. મંજુબહેન બોલ્યા, "સારું! મારા દીકરાને કોઈ છોકરી તો પસંદ આવી. હવે આપણે જલ્દીથી તારા અને અનામિકાના લગ્નની વાત અનામિકાના પરિવાર જોડે કરવી જોઈએ.

"પણ મમ્મી! હજુ સુધી અનામિકાએ મને હા નથી પાડી." મેહુલે સત્ય જણાવ્યું.
"પણ મને વિશ્વાસ છે દીકરા કે અમે લોકો વાત કરીશું એટલે એ તને ના નહીં જ પાડે. દિગ્વિજય! તમે અનામિકાના પિતા જોડે વાત કરો અને આપણે બંને પરિવારોની રૂબરૂ મુલાકાત ગોઠવીએ.
"હા, મંજુ! તું ઠીક કહે છે. હું હમણાં જ એ લોકો જોડે વાત કરું છું. આવા કામમાં બહુ મોડું કરવું પોસાય નહીં.

*****
એ પછી વિજયભાઈ અને મનોહરભાઈનો પરિવાર મળ્યા. બધાએ પ્રેમથી વાતો કરી. અનામિકા અને મેહુલની કુંડળી પણ મેળવવા આપી અને બંનેની કુંડળી પણ મળી ગઈ. પણ અનામિકા હજુ પણ લગ્ન માટે તૈયાર નહોતી. પણ એક દિવસ રાજવીરે અનામિકાને ખૂબ જ ગુસ્સામાં ન કહેવાના વેણ કહી દીધા. એ બોલી ઉઠ્યો હતો કે, "જોઈ લો! આ મારી બેન! પોતાના છોકરાને તો સાચવી નથી શકી અને હવે પારકાંના છોકરાની મા બનવા બેઠી છે!" રાજવીરની આ કાળવાણી અનામિકાથી સહન ન થઈ.

તે હવે સમજી ગઈ હતી કે, મારો ભાઈ જ મને આ ઘરમાં શાંતિથી જીવવા નહીં દે. એના કરતાં તો મેહુલ મને પ્રેમ તો કરે છે. મારી જોડે સારી રીતે રહેશે તો ખરા ને! અને આમ પણ કહેવાય છે ને કે, લગ્ન એની જોડે જ કરવા જોઈએ કે જે આપણને પ્રેમ કરતું હોય. અને મેહુલ તો મને પ્રેમ કરે છે." આમ વિચારી એણે મેહુલને લગ્ન માટે હા પાડી દીધી.

અનામિકાના આ નિર્ણયથી મેહુલ અને અનામિકા બંનેના ઘરમાં બધાં ખૂબ ખુશ થયાં અને સાદાઈથી બંનેના લગ્ન લેવાયા. પરણીને અનામિકા હવે મેહુલના ઘરમાં આવી ગઈ હતી. વીર પણ પોતાની નવી મા ના આવવાથી ખૂબ જ ખુશ હતો.

એક નવું અજવાળું પથરાયું છે જીવનમાં મારા;
લાગણીભીના સપનાંઓની મહેક મઘમઘતી આ!

*****
નિશ્ચયના ઘરમાંથી જ્યારથી અનામિકાએ કદમ હટાવી લીધાં હતાં એ જ દિવસથી એની પડતીની શરૂઆત તો નિશ્ચિત થઈ જ ચૂકી હતી. એ હવે અમદાવાદ જેવું શહેર છોડીને એના માતાપિતા જ્યાં રહેતા હતા ત્યાં એમની જોડે રહેવા ચાલ્યો ગયો હતો. અમદાવાદ જેવાં મોટા શહેરમાંથી નાના શહેરમાં આવીને વસવું આકાશ માટે તો અઘરું જ હતું. એમાંય એના મિત્રો પણ હવે છૂટી ગયા હતા. એ હવે બિલકુલ એકલો થઈ ગયો હતો. પણ એ કંઈ બોલતો નહીં. એ ખૂબ જ શાંત થઈ ગયો હતો.

એ ઘણી વખત ચૂપકીદીથી પોતાની પાસે રહેલો એનો અને અનામિકાનો ફોટો કલાકો સુધી જોઈ રહેતો અને એ ફોટા સામે જોઈને એને પૂછતો, "મમ્મી! તું કેમ મને છોડીને ચાલી ગઈ? શું તને હું યાદ નથી આવતો? મને નથી ખબર તું મને યાદ કરતી હોઈશ કે નહીં? પણ મને તું બહુ યાદ આવે છે! મમ્મી!"

એના મનમાં અનેક પ્રશ્નો તો ઉઠતાં પણ એને એનાં કોઈ જ જવાબ મળતાં નહોતા. અને નિશ્ચયને તો ક્યારેય એ આ બાબતે પૂછવાની હિંમત કરતો જ નહીં.

*****
કેવું હશે અનામિકા અને મેહુલનું લગ્નજીવન? શું મેહુલનો પરિવાર નિધિ જેટલો જ પ્રેમ અનામિકાને પણ કરી શકશે? શું વીર અનામિકાને નિધિનું સ્થાન આપી શકશે? શું એક સાવકી મા સગી મા ની જગ્યા લઈ શકશે? શું આકાશને એના પ્રશ્નોના જવાબ મળશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED