જીવનસંગિની - 21 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 21

પ્રકરણ-૨૧
(અફર નિર્ણય)

બેલ વાગતાં જ પ્રીતિએ ઘરનો દરવાજો ઉઘાડયો ત્યાં જ એની સામે આંખમાં આંસુ સાથે અને હાથમાં બેગ સાથે અનામિકા ઉભી હતી. અનામિકાને આમ આવેલી જોઈને પ્રીતિએ તેને અંદર આવવા કહ્યું, "અરે! અનામિકા? તું આમ અચાનક આવી રીતે? કંઈ વાંધો નહીં. અંદર આવ." પ્રીતિએ એને આવકાર આપ્યો.

અનામિકા અંદર આવી. ત્યાં જ માનસીબહેન રસોડામાંથી બોલતાં બોલતાં બહાર આવ્યા, "પ્રીતિ! કોણ આવ્યું છે? પેલાં દૂધવાળા ભાઈ પૈસા લેવા આવ્યા હોય તો એને પૈસા આપી દેજે અને એને કહેજે કે, દૂધમાં પાણી થોડું ઓછું નાખે. હમણાંથી બહુ જ પાણી ના..." એમનું વાક્ય ત્યાં જ અધૂરું રહી ગયું જ્યારે એમની નજર હાથમાં બેગ સાથે ઉભેલી અનામિકા પર પડી. એ પણ વિચારમાં પડી ગયાં કે, 'કોઈ દિવસ નહીં ને આજે આમ અચાનક કેમ અનામિકા પિયર આવી છે! આવી રીતે એ એકલી તો ક્યારેય અહીં નથી આવી! જ્યારે પણ એ આવી છે ત્યારે હંમેશા પ્રસંગોપાત આવી છે. અને પરિવાર સાથે જ આવી છે. તો આમ અહીં આવવાનું શું કારણ હશે?'

પણ અત્યારે માનસીબહેનને એને વધુ કંઈ પણ પૂછવું યોગ્ય ન જણાયું. એમણે માની લીધું કે, જે કંઈ પણ હશે એ અનામિકા સામેથી જ જણાવશે. ત્યાં સુધી આપણે તો રાહ જ જોવી રહી. એમણે અનામિકાને આવકાર આપતાં કહ્યું, "અરે! દીકરી! આવ. આવ. અમને બધાંને આજે તને જોઈને ખૂબ ખુશી થઈ. જમાઈ અને આકાશ કેમ છે? બધાં મજામાં ને?"

"હા, મમ્મી. હું પણ મજામાં છું. અને એ બંને પણ મજામાં છે." અનામિકા પોતાની વાત કેવી રીતે ઘરમાં કહેવી એ માટે હજુ પોતાની જાતને તૈયાર કરી રહી હતી. પણ હજુ એનામાં એટલી હિંમત ભેગી થઈ નહોતી. એટલે હાલ પૂરતી તો એણે વાતને ટાળવાની કોશિશ કરતા કહ્યું, "મમ્મી! પપ્પા અને રાજવીર ક્યાં છે? એ લોકો ક્યારે આવશે?"

"અરે! તારા પપ્પા તો રીટાયર થયા પછી સામાજિક સેવામાં જ લાગી ગયા છે. હું એને બહુ કહું છું કે, ઘરમાં આરામ કરો. હવે શું દોડાદોડી કરવાની છે આ ઉંમરે? એક મિનિટ પણ શાંતિથી ઘરમાં રહી નથી શકતાં બોલ! અને પાછા એ કંઈ મારું માને તો થાય ને! અને રાજવીર તો નોકરીએ ગયો છે. હમણાં એક વાગશે એટલે એ જમવા આવશે. અને તારા પપ્પા પણ એમની સેવામાંથી નવરા થઈ જશે એટલે એ પણ આવી જશે. બંને આવી જાય એટલે પછી બધાં સાથે જ જમવા બેસી જશું. પહેલાં ખબર હોત કે, તું આવવાની છો તો તારા માટે તારી ભાવતી વાનગી બનાવત ને!"

"હવે મને બધું જ ભાવે છે. મમ્મી! હવે તો હું રોટલી પણ ઘી વાળી જ ખાઉં છું." અનામિકાની આ વાત સાંભળીને પ્રીતિ અને માનસી બંને આશ્ચર્યચકિત થઈને એની સામે જોવા લાગ્યાં અને મનમાં જ બોલી ઉઠ્યા, "એક લગ્ન કોઈ સ્ત્રીનું જીવન કેટલું બધું બદલી નાખે છે નહીં! જે અનામિકા ઘી ની સુગંધ પણ ક્યારેક લઈ શકતી નહોતી એ આજે ઘી વાળી રોટલી પણ ખાવા લાગી છે! ખરેખર! સ્ત્રીને એક રૂપમાંથી બીજા રૂપમાં ઢળી જવાની કુદરતે કેવી અજબ શક્તિ આપી છે નહીં!"

આ બાજુ અનામિકા વિચારી રહી હતી કે, જમતી વખતે જ્યારે આખો પરિવાર સાથે હશે ત્યારે જ એ પોતે જે નિર્ણય કર્યો છે એ બધાંને જણાવશે. એને પોતાની વાત કહેવા માટે જે મોકો જોઈતો હતો તે આ જ હતો.

થોડીવારમાં રાજવીર પણ ઘરે આવી ગયો અને પોતાના બંને બાળકો ધાની અને ધર્મને પણ શાળાએથી લઈને આવ્યો. ધાની અને ધર્મ બંને ફઈને જોઈને ખુશ થઈ ગયા. એ બંને આકાશને શોધવા લાગ્યાં પણ આકાશ કયાંય દેખાયો નહીં. એટલે ધાનીએ પૂછ્યું, "ફઈ! આકાશ ક્યાં છે?"

"એ તો એના ઘરે છે બેટા! એને સ્કૂલ ચાલુ હતી ને એટલે હું એકલી જ આવી છું બેટા!" આ સાંભળીને બંને ભાઈબહેન થોડાં દુઃખી થઈ ગયાં પણ પછી પાછાં થોડીવારમાં રમવા પણ લાગ્યાં. એ બંને રમી રહ્યાં હતાં ત્યાં જ મનોહરભાઈ પણ ઘરે આવી ગયાં. એ પણ અનામિકાને આવેલી જોઈને ખૂબ ખુશ થયા.

પ્રીતિએ પહેલાં બાળકોને જમાડી દીધાં અને પછી બંનેને હોમવર્ક કરવા માટે રૂમમાં મોકલી દીધાં. બાળકોએ જમી લીધાં પછી મનોહરભાઈ, માનસીબહેન, રાજવીર અને પ્રીતિ એ બધાં હવે ડાઈનીંગ ટેબલ પર જમવા બેઠાં.

અનામિકા અત્યાર સુધી જે વાત કરવા માટે રાહ જોઈ રહી હતી એ સમય હવે આવી ચૂક્યો હતો. એણે પોતાની વાત કહેવા માટે શબ્દો ગોઠવવા માંડ્યા.

અનામિકા બોલી, "પપ્પા! મમ્મી! રાજવીર, પ્રીતિ! હું નિશ્ચયનું ઘર છોડીને અહીં આવી છું. હવે હું એ ઘરમાં નહીં રહી શકું. મને માફ કરો. પ્લીઝ! મારાથી હવે સહન નથી થતું. હું હવે એ ઘરમાં ફરી પગ નહીં મૂકું. આ મારાથી નહીં થાય."

"પણ થયું શું છે કે, તારે આમ અચાનક આવો નિર્ણય લેવો પડ્યો છે?" મનોહરભાઈએ પૂછયું. જવાબમાં અનામિકાએ અત્યાર સુધી જે કંઈ પણ બન્યું હતું એ બધું જ એણે જણાવી દીધું અને નિશ્ચયે જ્યારે એના પર હાથ ઉપાડ્યો ત્યારે જ એણે એ ઘર છોડવાનો નિર્ણય લીધો એમ કહ્યું.

*****
મીરાંની ઘટના પછી મેહુલના માતા પિતાએ પણ હવે મેહુલને બીજાં લગ્ન કરવા માટે દબાણ કરવાનું બંધ કરી દીધું હતું એટલે ઘરમાં શાંતિ રહેતી હતી.

મેહુલ અને વીર બંને બાપદીકરા વચ્ચે જે પ્રેમનો સેતુ હતો એ વધુ ને વધુ પ્રગાઢ બનતો જતો. બંને જાણે હવે એકમેક માટે જ જીવી રહ્યાં હતા. અને આ જોઈને કદાચ નિધિની આત્મા પણ ઠરતી હશે!
*****
મેહુલ આજે વીરને લઈને પોતાના ગુરુજીના આશીર્વાદ લેવા આવ્યો હતો. મેહુલ એના ગુરુજીને ખૂબ માનતો હતો. એમના પર એને ખૂબ અતૂટ વિશ્વાસ હતો. આજે એ વીરને લઈને આવ્યો હતો. વીર ગુરુજીને જોઈને એમને પગે લાગ્યો. ગુરુજીએ એને આશીર્વાદ આપ્યા, "તારા જીવનમાં તને પ્રેમ કરનારી મા મળે એવા મારાં તને આશીર્વાદ છે."
આ સાંભળીને મેહુલ વિચારમાં પડી ગયો કે, ગુરુજીએ આવા આશીર્વાદ કેમ આપ્યાં?

એનાં મનની વાત ગુરુજી સમજી ગયાં એટલે એણે ખુલાસો કર્યો, "બહુ જ જલ્દીથી તારા જીવનમાં કોઈ સ્ત્રી આવશે. અને એ તારા આ બાળકની ખરા અર્થમાં મા બનશે. તારાં વીરને મા નો પ્રેમ જરૂર મળશે. પણ! એ સ્ત્રીના જીવનમાં બાળક હોવાં છતાં બાળકની કમી હશે. બસ! માત્ર તું એને ઓળખી લેજે એ જ મારાં તને આશીર્વાદ છે." આટલું કહીને ગુરુજી ત્યાંથી જતાં રહ્યાં.

ગુરુજીની આ વાતે મેહુલને વિચારતો કરી મૂક્યો હતો.

*****
અનામિકાની આ વાત સાંભળીને શું કરશે મનોહરભાઈનો પરિવાર? શું એ નિશ્ચયને માફ કરશે કે પછી એને સજા આપશે? શું હશે આકાશનું ભવિષ્ય? આકાશ જ્યારે અનામિકાનો નિર્ણય જાણશે ત્યારે એના મન પર શું અસર થશે? કેવું હશે આકાશનું વર્તન? શું મેહુલના જીવનમાં કોઈ સ્ત્રીનું ફરી આગમન થશે? શું ગુરુજીની વાત સત્ય સાબિત થશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.
*****
વાંચકમિત્રો! બધાં જ પ્રકરણ એકસાથે અનલોક કરવા આજે જ સુપરફેન બની જાઓ.