જીવનસંગિની - 22 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 22

પ્રકરણ-૨૨
(પ્રેમનાં પારખાં)

અનામિકાના નિશ્ચયના ઘરમાં પાછાં ન ફરવાના નિર્ણયે એના ઘરમાં બધાંએ એને ચોંકાવી દીધા હતાં. એમાંય રાજવીર તો અનામિકાનો આ નિર્ણય સાંભળીને બરાબરનો ગુસ્સે થયો હતો. એ બોલી ઉઠ્યો, "અરે! કમ સે કમ આકાશનું તો વિચાર. તારા આવાં નિર્ણયને લીધે એની શું દશા થશે એ કોઈ દિવસ તે વિચાર્યું છે? એ નાનકડો છોકરો મા વિના કંઈ રીતે રહેતો હશે અત્યારે? એનો પણ કોઈ દિવસ તે વિચાર કર્યો છે કે નહીં!"

રાજવીરનું આવું વર્તન અનામિકા માટે અકલ્પનીય હતું. એ બોલી,"હું એમ નથી કહેતી કે, હું ત્યાં નહીં જ જઉં પરંતુ મારી અમુક શરતો છે જે એ માન્ય રાખશે તો અને તો જ હું સમાધાન કરવા તૈયાર છું." અનામિકા બોલી.

"લગ્નજીવન શરતો પર ન ચાલે દીકરી! એમાં તો આપણે એડજસ્ટમેન્ટ જ કરવું પડે છે. એમાંય આપણે સ્ત્રીઓને તો ખાસ. હું પણ તારા પપ્પા જોડે એડજસ્ટમેન્ટ કરું જ છું ને? અને આપણો સ્ત્રીઓનો તો જન્મ જ કદાચ એટલાં માટે જ થયો છે." માનસી બહેને દીકરીને સમજાવતાં કહ્યું.

"પણ મમ્મી! મારી શરત માત્ર એટલી જ છે કે, નિશ્ચય મને ઘરખર્ચ માટે ત્રણ હજાર રૂપિયા આપી દે અને શાંતિથી ઘરમાં રહે. કોઈ કારણ વિના ગુસ્સો ન કરે. હું માત્ર ત્રણ હજાર રૂપિયામાં પણ એનું ઘર સારી રીતે ચલાવી શકીશ. બસ! શરત માત્ર એટલી જ છે કે, એ મારાં પર વિશ્વાસ કરે. બસ એટલું જ હું ઈચ્છું છું. અને હવે આ બધી જ વાતો એમની તરફથી પાંચ જણ આવે અને આપણાં પરિવારના પાંચ જણની હાજરીમાં થાય. આ મારો આખરી નિર્ણય છે." અનામિકા બોલી. એ હવે જાણવાં માંગતી હતી કે, નિશ્ચય એનાં માટે પ્રેમ ધરાવે છે કે નહીં? એ હવે નિશ્ચયના પ્રેમનાં પારખાં કરવા માંગતી હતી.

અનામિકાની આ વાત મનોહરભાઈને અને પ્રીતિને પણ યોગ્ય લાગી. મનોહરભાઈ બોલ્યા, "હું મિહિરભાઈ જોડે કાલે જ વાત કરું છું. જોઈએ એ શું જવાબ આપે છે?"
"હા, પપ્પા! મને પણ તમારી વાત બિલકુલ બરાબર લાગે છે." પ્રીતિ બોલી. પ્રીતિ અનામિકાની દોસ્ત હોવાના કારણે અનામિકાને ખૂબ જ સારી રીતે ઓળખતી હતી એટલે એ જાણતી હતી કે, અનામિકાએ આવો નિર્ણય ત્યારે જ કર્યો હશે જ્યારે વાત એની સહનશક્તિની બહાર ગઈ હશે.

પણ રાજવીરને અનામિકાની આકાશને છોડીને આવવાની આ વાત બિલકુલ ગમી નહીં. એ જમીને તરત જ ઉભો થઈને ગુસ્સામાં ચાલ્યો ગયો. એને આવી રીતે જતો જોઈને માનસીબહેન પણ વિચારમાં પડી ગયાં કે, શું હશે હવે આ ઘરનું ભવિષ્ય? માનસીબહેનને રાજવીરના આવા વર્તન પરથી એટલું તો સમજાયું કે, રાજવીર હવે અનામિકા જોડે કોઈ વાત જ કરવા માંગતો નહોતો. કારણ કે, એ પોતાના બાળકો પ્રત્યે પણ ખૂબ જ પઝેસિવ હતો અને એની બહેન પોતાના જ બાળકને છોડીને આવતી રહી હતી એ વાતથી એ ખૂબ જ નારાજ હતો. પણ જે થવાનું હોય છે એ તો થઈને જ રહે છે. માનસીબહેન સામેના મંદિરમાં રહેલાં કૃષ્ણ ભગવાનના ફોટા સામે જોવાં લાગ્યાં અને મનમાં જ બોલ્યા, "હે કાના! મારી દીકરી માટે જે યોગ્ય હોય એ જ કરજે." ફોટોમાંના કાનુડાના એ ચેહરા પર સ્મિત ફરકી રહ્યું હતું.

બીજા દિવસે મનોહરભાઈએ મિહિરભાઈને ફોન લગાવ્યો અને અનામિકાએ જે કંઈ પણ જણાવ્યું હતું એ એમને કહ્યું. મનોહરભાઈ સામેથી મિહિરભાઈના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યાં હતાં.

*****
મેહુલ અને વીર ગુરુજીના આશીર્વાદ લઈને ઘરે પરત ફર્યા હતાં. વીર ફરી પાછો શાળાએ જવા લાગ્યો હતો. શાળામાં એ બધાં બાળકોને એની મમ્મી મૂકવા આવતી એ જોતો ત્યારે એને નિધિ બહુ જ યાદ આવતી અને એની આંખોના ખૂણાં ભીના થઈ જતાં. પણ એ પોતાની જાતે જ પોતાને હિંમત આપતો અને કહેતો, 'નહીં વીર! તારે આમ હિંમત હરવાની નથી. તું જ જો આમ હિંમત હારી જઈશ તો પપ્પાને કેવી રીતે સાચવીશ? તારે તો એમની તાકાત બનવાનું છે. તું રડીશ એ કંઈ રીતે ચાલશે?' અને પછી પોતાના આંસું જાતે જ રૂમાલથી લૂછી નાંખતો.

આજે વીરે ઘરે આવીને મેહુલને કહ્યું, "પપ્પા! તમે મને ગીત ગાતાં શીખવાડશો? મને ગાતાં શીખવું છે."
વીર સારી રીતે જાણતો હતો કે, પપ્પાને પણ દાદાનો કંઠ વારસમાં મળ્યો છે. અને આમ કરવાં પાછળનો એનો બીજો હેતુ એ પણ હતો કે, મેહુલનું ધ્યાન એ દિશામાં લાગેલું રહે તો એને નિધીને ભૂલવામાં થોડી મદદ પણ મળે.

"હા! હા! બેટા! જરૂર શીખવાડીશ." મેહુલ બોલ્યો અને એ પોતાના રૂમમાંથી હાર્મોનિયમ લઈને આવ્યો અને એણે એના પરની ધૂળ સાફ કરી. નિધિના ગયા પછી મેહુલે સાવ ગાવાનું છોડી જ દીધું હતું એ એણે પોતાના દીકરાના કહેવા પર ફરી શરૂ કર્યુ. એણે ગીત ગાયું.

અકેલે હમ અકેલે તુમ,
જો હમ તુમ સંગ હૈં
તોહ ફિર ક્યા ગમ?
તું મેરા દિલ તું મેરી જાન.

વીરે પણ સાથે સૂર પુરાવ્યો અને ગાયું,

ઓહ આઈ લવ યુ ડેડી.

બંને બાપ દીકરા હવે ગીત ગાવાનો આનંદ લઈ રહ્યાં હતાં.

તું માસૂમ, તું શૈતાન,
બટ યુ લવ મી ડેડી.
તું મેરા દિલ તું મેરી જાન,
ઓહ આઈ લવ યુ ડેડી.

બંને બાપ દીકરાને આ રીતે ગીત ગાતાં જોઈને દિગ્વિજય ભાઈ અને મંજુબહેનની આંતરડી ઠરી રહી હતી. અને સ્વર્ગમાં બેઠેલી નિધિની પણ કદાચ!

મેહુલના જીવનમાં હવે જો કોઈ એક માત્ર કમી હોય તો એ હતી એક જીવનસંગિનીની!

*****
અનામિકાનો નિર્ણય સાંભળીને શું પગલાં લેશે મિહિરભાઈ? શું રાજવીર અનામિકાની ભાવના ક્યારેય પણ સમજી શકશે? શું આકાર લેશે આ બંને ભાઈ બહેનનો સંબંધ? શું મેહુલના જીવનમાં ફરી કોઈ જીવનસંગિની આવશે? આવાં અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.