જોડી Jyoti Mevada દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોડી

"એ ક્યાં સુધી આપણા બંન્નેની વચ્ચે રહેશે? હવે તમે એને સમજાવશો, કે હું મારી ભાષામાં એની સાથે વાત કરું?" સંધ્યાએ અકળામણ સાથે કેવલને કહ્યું.

"હા.. મારી જાન, હું તારી લાગણીને સમજુ છું. પણ, આ વિષય પર એણે ક્યારેય ખુલાસાથી વાત નથી કરી, તો કેવી રીતે એને જઈને કહી દઉં કે તું મારાથી દૂર રહેજે..! પણ, હું એનાથી દૂર રહીશ એ વાતની ખાતરી આપું છું તને.. બસ?" કેવલે વાતને હળવાશથી પતાવી.

"જુઓ કેવલ, એણે ખુલાસાથી કંઈ કહ્યું હોય કે નહીં; પણ આપણે તો એ વાત જાણીએ છીએ ને? હું તમારા પર શંકા નથી કરતી, પણ મને એનું વર્તન બહુ જ અજીબ લાગે છે. એ તમારી બાળપણની દોસ્ત છે, અને આપણા એરેન્જ મેરેજ થવાના છે. મને ડર લાગે છે કે બાળપણની દોસ્તી આગળ એરેન્જ મેરેજ હારી ન જાય."

"સંધ્યા, પ્લીઝ યાર..! એ મારી દોસ્ત પણ નથી, ઓકે..? એના મનમાં મારા માટે જે ફિલિંગ્સ છે, એ તો હું કન્ટ્રોલ ન કરી શકું ને? એ કંઈ પણ ફીલ કરે એનાથી તને કે મને શું ફર્ક પડે છે? તું મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું, એટલું કાફી નથી તારા માટે? પ્લીઝ, આવી ફાલતું વાતો કરીને દર વખતે મારું મૂડ ખરાબ ન કર.. પ્લીઝ..!" કેવલ રોષે ભરાયો.

"મૂડ તો મારું પણ ખરાબ થાય છે ને, કેવલ? એને સમજવું પડશે કે કાયમ માટે એ આપણી વચ્ચે નહીં રહી શકે. આપણે કોઈને કેટલો પણ પ્રેમ કરીએ પણ જોડી તો એની સાથે જ બને છે, જેની સાથે ભગવાને બનાવી હોય. તમારી જોડી ભગવાને મારી સાથે બનાવી છે, એની જોડી કોઈ બીજા સાથે બનાવી હશે. પણ, બે જણની વચ્ચે રહીને શું મળી જશે એને.., આપણી વચ્ચે ઝગડા થાય છે, એને પોતાને પણ તકલીફ જ થાય છે ને?" સંધ્યા પણ આજે ફેસલો કરવાના જ મૂડમાં હોય એમ બોલી.

"ઠીક છે, જો તારી સામે જ હું એને બધાં જ એકાઉન્ટ્સમાં બ્લોક કરું છું. હું રુબરુમાં પણ એની સાથે વાત નહીં કરું, બસ..! પણ, ભલાઈ કરીને હવે મારી સામે આ વિષય પર વાત નહીં કરતી; પ્લીઝ..!" કેવલે સંધ્યાની સામે જ એને દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી બ્લોક કરી દીધી.

એ એટલે કરિશ્મા, કરિશ્મા અને કેવલ બાળપણથી સાથે જ ભણતાં. એક જ શહેરમાં રહેતા એટલે બંન્ને વચ્ચે સારી મિત્રતા હતી. આમ જુઓ તો મિત્રતા એક તરફી જ હતી, કરિશ્મા તરફથી. કેવલની તો જે એને બોલાવે એની સાથે બોલવાની અને જે ન બોલાવે એની સામે પણ ન જોવાની ટેવ જ હતી. એના માટે કરિશ્મા એટલી પણ ખાસ દોસ્ત ન્હોતી કે જેને એ દોસ્તોની સૂચિમાં મૂકવી જરુરી સમજે. બસ, બાળપણથી સાથે હતાં એટલે સારી એવી ઓળખાણ હતી. કરિશ્મા તરફથી આ ઓળખાણ ક્યારે દોસ્તી, અને દોસ્તીમાંથી ક્યારે એકતરફી પ્રેમમાં ફરવાઈ ગઈ; એ તો એને જ ખબર હશે.

ભણતર પૂરુ થયું એટલે મુલાકાત થવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ. પછી, સોશિયલ મીડિયાની બધી જ સાઈટ્સ પર ફોલો કરીને કરિશ્મા કેવલના ટચમાં રહેવા લાગી. એ કેવલને પસંદ કરે છે, એ વિશે કેવલને કંઈ જણાવે એ પહેલા જ કેવલના પરિવારે એની સગાઈ પોતાની પસંદગીની કન્યા- સંધ્યા સાથે કરાવી દીધી. આ વાત કરિશ્માને ખબર પડી એટલે એણે કેવલ પાસેથી સંધ્યાની વિગતો જાણવા માંડી, ધીમે-ધીમે એ સંધ્યાને પણ ફોલો કરીને એના ટચમાં રહેવા લાગી. સંધ્યાએ પણ કેવલની જેમ પહેલા તો એના આ વર્તનને સામાન્ય સમજી લીધું. પરંતુ, જ્યારે એ સંધ્યા સામે કેવલ પર હક્ક જતાવવા લાગી ત્યારે સંધ્યાને એના પર શંકા થઈ. કરિશ્મા કાયમ કોશિશ કરતી કે એ કેવલ અને સંધ્યાની વચ્ચે એક દિવાલ બનીને રહે. પોતે કેવલને સંધ્યા કરતા વધુ ઓળખે છે, કેવલ સંધ્યાનો મંગેતર હોવા પહેલા પોતાનો દોસ્ત છે, એવી વાતોનો અહેસાસ એ સંધ્યાને નિયમિતપણે કરાવતી રહેતી. એ બંન્ને ક્યાં જાય છે, શું કરે છે, એમની વચ્ચે શું ચાલે છે, એ બધું જાણી લેવાનો એ પૂરો પ્રયત્ન કરતી. આવામાં, સંધ્યાને એના મનની મુંઝવણ સમજી લેવામાં વાર ન લાગી. એ તો એને સીધું જ કહી દેવા માંગતી હતી કે તું અમારા બંન્નેની વચ્ચે ન આવ. પણ, કેવલ કહેતો કે જ્યાં સુધી એ સ્પષ્ટપણે કંઈ નથી કહેતી ત્યાં સુધી આપણે પણ આપણા વિચારોનો ફોડ ન પાડવો જોઈએ. સંધ્યાને ડર હતો કે કરિશ્મા કંઈ એવું ન કરી બેસે કે જેનાથી પોતાના અને કેવલના જીવનમાં કોઈ તકલીફ ઊભી થઈ જાય, અને કેવલનું માનવું હતું કે જ્યાં સુધી આપણે બંન્ને ન ઈચ્છીએ ત્યાં સુધી કોઈ ત્રીજુ આપણી વચ્ચે આવી જ ન શકે. બંન્ને વચ્ચે અપાર પ્રેમ અને વિશ્વાસ હોવા છત્તા આ મતભેદ અવારનવાર એ બંન્નેના ઝગડાનું કારણ બની જતો.

આમને આમ વખત વિતતો ગયો. સંધ્યા અને કેવલના લગ્ન લેવાયા, પણ કરિશ્મા નામનો કાંટો એ બંન્ને વચ્ચેથી હજુ પૂર્ણ રીતે દૂર ન્હોતો થયો. કેવલે બ્લોક કર્યા પછી એ વધુ તો કંઈ ન કરી શકતી, પણ ફેક પ્રોફાઈલ બનાવીને બંન્ને પર નજર જરુર રાખતી, અને કોઈને કોઈ બહાને રુબરુ મળીને પણ કેવલના ખબર અંતર તો જાણી જ લેતી. સંધ્યાને એની આ હરકતો વિશે પણ ખબર જ હતી, પણ એને કેવલ પર વિશ્વાસ હતો એટલે હવે એણે કરિશ્માનું નામ લેવાનું જ બંધ કરી દીધું હતું.

પણ કહેવાય છે ને, કિસ્મતનું ચક્ર ફરતા વાર નથી લાગતી. બાજી ક્યારે આપણા હાથમાંથી નીકળીને અન્યના હાથમાં ચાલી જાય, એ કોઈ જાણી શકતું નથી. દાતા ક્યારે યાચક બની જાય અને યાચક ક્યારે દાતા બની જાય, એની કોઈ ખાતરી નથી. કર્મોનો હિસાબ કહો કે કિસ્મતની કમાલ, પણ હકીકત એ જ છે કે સમય બદલાતા વાર નથી લાગતી. સંધ્યાનો પણ સમય બદલાયો, એના જીવનમાં પણ સમયનું ચક્ર એવું તો ફર્યું કે એની ખુશીઓથી છલોછલ ભરેલી ઝોળી એક ક્ષણમાં ખાલી થઈ ગઈ..! સંધ્યાની ઝોળીમાંની એ ખુશીઓ ગઈ તો પણ ક્યાં..? કરિશ્મા પાસે..! હા, એ જ કરિશ્મા પાસે જેણે હંમેશા સંધ્યા અને કેવલ વચ્ચે એક દિવાલ બનવાનો પ્રયત્ન કર્યો હતો.

બન્યું એમ કે, લગ્નના એક મહિના પહેલા જ સંધ્યાનો અકસ્માત થયો. સદ્નસીબે એનો જીવ તો બચી ગયો, પણ બદ્નસીબે એના જીવ સિવાયનું બધું છિનવાઈ ગયું..! અકસ્માતમાં સંધ્યાના ગર્ભાશયને એવી તો આંતરિક ચોટ પહોંચી કે એના નસીબમાંથી માતૃત્વ છિનવાઈ ગયું, આ ચોટ ગર્ભાશયથી પણ ઊંડી એના હૈયે જઈને વાગી. જ્યારે એના સાસરિયાને આ વાતની જાણ થઈ ત્યારે જે સાસરિયા સંધ્યાને પોતાના ઘરની લક્ષ્મી, તુલસી અને દિકરી કહીને ખોબે ખોબે હેત વરસાવતાં હતાં, એમણે જ એને સ્ત્રીના નામ પર બોજ કહીને તરછોડી દીધી. જે કેવલે પરિવારની ઈચ્છાને માન આપીને સંધ્યા સાથે સગાઈ કરી હતી, એની સાથે પ્રેમના બંધનમાં બંધાયો હતો- એ પણ ભીની આંખે જ ભલે, પણ પરિવારની ઈચ્છાને માન આપીને સંધ્યાને છોડવા તૈયાર તો થઈ જ ગયો.

સંધ્યાની ઝોળી અને જીંદગી બંન્ને સાવ ખાલી થઈ ગઈ, પણ એનું હૈયું હજુ ખાલી ન્હોતું થયું. એના મનમાં હજુ પણ કેવલ માટે એટલો જ પ્રેમ હતો, જેટલો પહેલા હતો. હવે પોતે કેવલના જીવનનો હિસ્સો નથી રહી, એ જાણવા છત્તા એ ક્યારેક કેવલને મેસેજ કરીને એના હાલચાલ પૂછી લેતી. એ સમજતી હતી, કે જે થયું એમાં કેવલનો પણ કોઈ જ વાંક નથી. આખરે, એક માણસ પરિવાર આગળ વધારવા માટે જ તો લગ્ન કરતો હોય છે, બાકી બધું તો આજ-કાલ વગર લગ્ને પણ મળી જ રહે છે..! પોતાના જેટલી જ પીડા કેવલને પણ થતી હશે, એમ વિચારી એ બે-ચાર દિવસે એકાદ મેસેજ કેવલને કરી જ દેતી. કેવલ પણ એની પીડાને સારી પેઠે સમજતો હતો, તેથી જ તો એ ક્યારેય સંધ્યાના કોઈ મેસેજને નજરઅંદાજ ન કરી શકતો.

એક દિવસ સામેથી કેવલનો મેસેજ આવ્યો, નોટિફિકેશન જોઈને સંધ્યા ખુશખુશાલ થઈ ગઈ, અને મેસેજ વાંચતા જ એના ચહેરાનો રંગ ઉડી ગયો. કેવલે પોતાની સગાઈમાં આવવા માટે એને આમંત્રણ પાઠવ્યું હતું, અને વિનંતી પણ કરી હતી કે ચોક્કસ આવજે. સંધ્યાએ પણ મન મક્કમ કરીને સગાઈમાં હાજરી આપવાનું નક્કી કર્યું. એ કેવલ માટે ખુબ ખુશ હતી, આખરે પોતાના વ્હાલા કેવલને જીવનભરનો સાથ આપનારી મળવાની હતી. ખુશીની સાથે એના મનમાં એ છોકરીને જોવા-જાણવાની ખુબ ઉત્સુકતા પણ હતી.

કેવલના મનપસંદ રંગનો ડ્રેસ પહેરીને એ કેવલની ખુશીમાં શામેલ થવા પહોંચી તો ગઈ, પણ જ્યારે સ્ટેજ પર કેવલના હાથમાં હાથ નાખીને પોતાની વર્ષોની તપસ્યાનું શુભફળ મેળવી લીધું હોય એવું હાસ્ય છલકાવતી કરિશ્માને જોઈ ત્યારે સંધ્યાના પગ તળેથી જમીન ખસી ગઈ, એનું હ્રદય ધબકાર ચૂકી ગયું. એ તરત જ પાછી વળી જવા માંગતી હતી, પણ કેવલે એને જોઈ લીધી અને તરત એની પાસે દોડી આવીને એને રોકી લીધી.

"મને વિશ્વાસ હતો કે તું આવીશ." કેવલે હળવું સ્મિત આપ્યું.

"હું તો બસ એ નસીબદારને જોવા આવી હતી. જોઈ લીધી, હવે મારું અહીંયા કંઈ કામ નથી."

"કામ કેમ નથી? રીંગ સેરેમની હજુ બાકી છે. હું કહું છું, એટલે તારે રહેવું જ પડશે." કેવલે હક્ક જતાવ્યો.

"આટલા મહિના તો રહી, તમારા બંન્નેની વચ્ચે..!" સંધ્યાએ કટાક્ષ કર્યો. કેવલ પાસે એના આ કટાક્ષનો કોઈ જવાબ ન્હોતો.

એક ક્ષણ થોભીને સંધ્યા પોતાના મનનો ભાર ઠાલવતાં બોલી, "હું તમને હંમેશા કહેતી હતી ને, કે કરિશ્મા આપણા બંન્નેની વચ્ચે આવે છે? ત્યારે હું એમ સમજતી હતી કે ભગવાને તમારી જોડી મારી સાથે બનાવી છે, પણ હકીકત તો એ હતી કે ભગવાને તમારી જોડી કરિશ્મા સાથે જ બનાવી હતી. હું જ તમારા બંન્નેની વચ્ચે આવી હતી. જુઓ, ભગવાને મને મારી ભૂલની સજા આપીને પોતે બનાવેલી જોડી ભેગી કરી જ દીધી..!" આંખમાં આંસુ અને ચહેરા પર ખોટું સ્મિત દેખાડીને સંધ્યા ત્યાંથી ચાલી ગઈ. એના શબ્દોનો મર્મ સારી રીતે સમજતો કેવલ ઈચ્છવા છત્તા એને રોકી ન શક્યો.