જીવનસંગિની - 9 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 9

પ્રકરણ-૯
(સંગિનીની ખોજમાં)

અનામિકા સીધી દોડીને સડસડાટ પોતાના રૂમમાં પેસી ગઈ અને દરવાજો બંધ કરી દીધો એ જોઈને રાજવીરને દાળમાં કંઈક કાળું હોવાની શંકા તો પડી. એ પોતાની બહેનને બહુ જ સારી રીતે ઓળખતો હતો એટલે એને અનામિકાના આવાં વર્તનથી આશ્ચર્ય તો થયું. એ જાણતો હતો કે, જરૂર કંઈક મોટી ઘટના બની હોવી જોઈએ અને માટે જ અનામિકા આવી રીતે રૂમમાં પેસી ગઈ છે. મારે અનામિકા જોડે વાત કરવી જોઈએ આમ વિચાર કરીને એણે અનામિકાના રૂમ તરફ ડગલાં માંડ્યા.
આ બાજુ અનામિકા રૂમમાં જઈને ઓશીકા નીચે મોં સંતાડીને ખૂબ જ રડી રહી હતી. એને સમજમાં નહોતું આવતું કે, જેને એ પોતાનો મોટો ભાઈ માનતી હતી એ એને આવી રીતે પ્રપોઝ કરશે. ત્યાં જ એના દરવાજે ટકોરા પડ્યા.
એણે ફટાફટ પોતાના આંસુ લૂછયાં અને દરવાજો ખોલ્યો. સામે રાજવીર ઉભો હતો. એ અંદર આવ્યો. અનામિકા પોતાના ભાઈને ભેટીને ખૂબ જ જોરજોરથી રડવા લાગી. એને આમ રડતી જોઈને રાજવીર બોલ્યો, "શું થયું છે બેન? તું જ્યારથી રોકીને ઘરેથી પાછી આવી છો ત્યારથી હું જોઉં છું કે, તારું વર્તન બદલાયેલું છે. ત્યાં કંઈ થયું છે?"
"હા" અનામિકા એ રોકીને ઘરમાં જે કંઈ પણ બન્યું હતું એ બધું જ એણે રાજવીરને કહી દીધું. આ સાંભળીને એ ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો હતો અને સીધો જ રોકીને ઘરે ઉપડ્યો અને એણે રોકીને એક સણસણતો તમાચો માર્યો અને ધમકીભર્યા સ્વરે એને કહ્યું, "આજ પછીથી મારી બહેન અનામિકાથી દૂર જ રહેજે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે એટલું સમજી લેજે. હવે જો વધુ કંઈ પણ કરવાની કોશિશ કરી છે ને તો હું તારા પપ્પાને બધું જ કહી દઈશ સમજ્યો." રાજવીર જ્યારે ત્યાં ગયો ત્યારે રોકી ઘરમાં એકલો જ હતો એટલે એના ઘરમાં જે કંઈ બન્યું એ વાતની કોઈને ખબર જ નહોતી. રાજવીર જાણતો હતો કે, રોકી એના પપ્પાથી ખૂબ ડરતો હતો અને એની સામે એની જીભ પણ ઉપડતી નહીં એટલે જ એણે એના પિતાને કહેવાની ધમકી આપી.
રાજવીરની આ ધમકી સાંભળીને રોકી ખૂબ જ ગભરાઈ ગયો. એણે રાજવીરની માફી માંગી અને આજીજીના સ્વરે બોલ્યો, "સોરી. રાજવીર. હવે હું અનામિકા જોડે વાત પણ નહીં કરું. પણ પ્લીઝ! તું મારા પપ્પાનેના કહેતો. પ્લીઝ યાર!"
"ઠીક છે. એક છેલ્લો મોકો આપું છું તને. પણ છેલ્લો મોકો હો. એટલું યાદ રાખજે." આટલું કહીને એ પોતાના ઘરે આવ્યો. અને ઘરે આવીને એણે અનામિકાને કહ્યું, "હવે એ ફરી તને હેરાન નહીં કરે. અને કરે તો મને કહી દેજે. અને તું પણ કંઈ ઓછી નથી. તારે શું એને ભાઈ ભાઈ કરવાની જરૂર હતી? શું હું તારો એક ભાઈ કાફી નથી? તે પણ સામે એવા રિસ્પોન્સ આપ્યા હશે ત્યારે જ એ આટલો આગળ વધ્યો હશે ને? આજે તો મેં તને બચાવી લીધી છે, પણ બીજી વાર ધ્યાન રાખજે હવે."
ભાઈની આ વાત સાંભળીને અનામિકા ગભરાઈ ગઈ અને વધુ રડવા લાગી.
"ચાલ હવે મસ્તી કરું છું. આવી નાની નાની વાતમાં રોવા શું લાગે છે? રોતલ! એ હસ હવે રોતલી!" આ સાંભળીને અનામિકા ખડખડાટ હસી પડી અને એને જોઈને રાજવીરને પણ હસવું આવી ગયું.
*****
મિહિરભાઈની નજર એક બાયોડેટા પર પડી. એમણે એનો ફોટો જોયો. ખૂબ જ ખૂબસૂરત હતી એ. નામ હતું હસીના! એના નામની જેમ જ હસીના હતી. એમણે એની કુંડળી નિશ્ચયની કુંડળી સાથે મેળવી પણ એમાં એક પણ ગુણ મળતો નહોતો. એટલે એ કેન્સલ થઈ ગઈ. મિહિરભાઈ અને નિશ્ચય બંને કુંડળીમાં ખૂબ જ માનતા હતા. એટલે એ એક પછી એક જેની કુંડળી મળતી એ બધી જ છોકરીઓ નિશ્ચયને બતાવતાં પણ નિશ્ચય હંમેશા કોઈને કોઈ બહાનું કરીને ટાળી જ દેતો હતો. એને કોઈ છોકરી પસંદ જ નહોતી આવતી. અને નિશ્ચયનો તો સ્વભાવ જ એવો જીદ્દી હતો કે, જ્યાં સુધી એનું મન હા ન પાડે ત્યાં સુધી એ લગ્ન માટે તૈયાર થતો નહોતો. લગભગ પચાસેક જેટલી છોકરીઓ નિશ્ચયને એના પિતાએ બતાવી હશે પણ એને કોઈ જ છોકરી પસંદ જ નહોતી આવતી. એવામાં એક દિવસ નિશ્ચયને એના પિતાએ એક છોકરીનો બાયોડેટા બતાવ્યો. અને એ છોકરી પર નિશ્ચયની નજર પડી. એ બાયોડેટા અનામિકાનો હતો. એ એની ખૂબસૂરતી પર મોહિત થઈ ઉઠ્યો હતો અને એણે મનોમન નક્કી કર્યું કે, આ જ છોકરી બનશે મારી જીવનસંગિની. એણે પોતાના પિતાને કહ્યું, "મને આ છોકરી પસંદ છે."
આ સાંભળીને મિહિરભાઈ ખુશ થઈ ગયા કે, અંતે એના દીકરાને કોઈક તો પસંદ આવી. એણે એ છોકરીની જન્મ તારીખ અને જન્મ સમય જોઈને એની કુંડળી કઢાવી. તેઓ નિશ્ચય અને અનામિકાની કુંડળી લઈને એમના શહેરના સારામાં સારા જ્યોતિષ પાસે ગયા.
*****
આ બાજુ નિધિ પણ હવે જીદે ભરાઈ હતી કે, લગ્ન કરીશ તો મેહુલ સાથે જ કરીશ. નહીં તો આજીવન હું કુંવારી જ રહીશ. મેહુલ સિવાય હું બીજા કોઈને નહીં જ પરણું." આખરે નિધિની આ જીદ સામે બધાંએ નમતું જોખ્યું અને નિધીનાં પિતાએ મેહુલ અને નિધિના લગ્ન માટે મંજૂરીની મહોર મારી. મેહુલ અને નિધિના લગ્ન રંગેચંગે લેવાયા. નિધિએ હવે મેહુલની પત્ની બનીને એના ગૃહમાં પ્રવેશ કર્યો. એની આંખોમાં અનેક સપનાઓ હતા. પોતાના લગ્નજીવનને લઈને એના મનમાં એની અનેક કલ્પનાઓ હતી પણ એને ક્યાં ખબર હતી કે, એની આ કલ્પનાઓમાં ટૂંક સમયમાં જ તિરાડ પડવાની છે!
*****
શું અનામિકા નિશ્ચય સાથે લગ્નની હા પાડશે? શું અનામિકા અને નિશ્ચયની કુંડળી મળશે? શું અનામિકા બનશે નિશ્ચયની જીવનસંગિની? શું નિધિ અને મેહુલ એકબીજા સાથે ખુશ રહી શકશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.