પ્રકરણ-૧૦
(વિશ્વાસના વહાણ)
મિહિરભાઈ અને નિશ્ચય બંને અનામિકા અને નિશ્ચયની કુંડળી લઈને જ્યોતિષને બતાવવા ગયા. જ્યોતિષીએ બંનેની કુંડળી જોઈ અને એમણે કંઈક ગણતરી માંડી. પછી એમણે મિહિરભાઈને કહ્યું, "કુંડળી તો બંનેની સારી છે. ૩૬ માંથી ૨૬ ગુણ મળે છે. છોકરીની કુંડળીમાં લક્ષ્મીનો સારો યોગ બને છે. એટલે કે, આ કન્યા જે પણ ઘરમાં જશે ત્યાં લક્ષ્મીની કોઈ કમી નહીં રહે. રંકને પણ રાજા બનાવી દે એવી આ કન્યાની કુંડળી છે. છતાં પણ મારે તમને એ કહેવું જરૂરી છે કે, આ કુંડળીમાં સંબંધ તૂટવાનો પણ યોગ છે.
જ્યોતિષીની આ વાત સાંભળીને નિશ્ચય તરત જ બોલી ઉઠ્યો, "મેં પણ આ કુંડળીનો અભ્યાસ કર્યો છે અને હું પણ એ જોઈ ચૂક્યો છું જે તમે કહ્યું એ. પણ મારું મન કહે છે કે, જો આ સંબંધ તૂટવાનો જ હશે તો લગ્ન પહેલાં જ તૂટી જશે નહીં તો વાંધો નહીં આવે." નિશ્ચય પણ જ્યોતિષ શાસ્ત્રમાં જ્ઞાન ધરાવતો હતો એટલે એણે પણ પોતાના મનની વાત જણાવી.
"ઠીક છે. જેવી તમારી મરજી. તમને ચેતવવા મારી ફરજ હતી એટલે મારા અભ્યાસમાં મને જે જણાયું એ મેં તમને જણાવી દીધું. બાકી તમારી જિંદગીના નિર્ણયો તો તમારે જાતે જ લેવાના છે.આપણી જિંદગીના નિર્ણયો તો આપણે જાતે જ લેવા પડે છે. કોઈ બીજી વ્યક્તિ એમાં ક્યારેય મદદ કરી શકતી નથી." જ્યોતિષીએ કહ્યું.
નિશ્ચય અને મિહિરભાઈ હવે પોતાના ઘરે આવ્યા. મિહિરભાઈએ અનામિકાનો બાયોડેટા ફરી ધ્યાનથી જોયો. એણે અનામિકાના માતાપિતાનું નામ વાંચ્યું. મનોહરભાઈ અને માનસીબહેન. અને એના મનમાં ભૂતકાળ જીવંત થઈ ઉઠ્યો. એમને યાદ આવ્યું કે, થોડા વર્ષો પહેલાં જ્યાં એ બેંક મેનેજર તરીકે ગયા હતાં ત્યાં જ તો મનોહરભાઈ કેશિયર હતાં. જૂની ઓળખ નીકળી આવતાં એમને થોડી રાહત થઈ. અને એમની આંખ સામે મનોહરભાઈનો અને નાનકડી માસૂમ અનામિકાનો ચેહરો તરવરી ઉઠ્યો. એમને થયું કે, હું જેટલો સમય હું એ ગામમાં રહ્યો અને જેટલો સમય મેં એમની સાથે નોકરી કરી એ દરમિયાનનો એમના પરિવાર સાથેનો મારો અનુભવ તો સારો જ રહ્યો છે. આવો સરસ પરિવાર અને અનામિકા જેવી છોકરી! આથી વિશેષ મારે બીજું શું જોઈએ? હવે એમણે વધુ વિચારવાની જરૂર નહોતી અને એમણે ટેલીફોનનું રીસીવર ઊંચકીને એક નંબર ડાયલ કર્યો.
****
રોકીના અનુભવ પછી અનામિકાનું બોલવાનું સાવ ઓછું થઈ ગયું. એ બહુ કોઈ સાથે ભળતી પણ નહીં. પડોશમાં પણ એણે કોઈના પણ ઘરે જવાનું બિલકુલ બંધ જ કરી દીધું હતું. એને મનમાં એક પ્રકારનો ભય પેસી ગયો હતો. એ ડરતી હતી. એને સમજાતું નહોતું કે, મારૂં મન તો બિલકુલ સાફ હતું તો પણ કેમ રોકીએ એની જોડે આવું વર્તન કર્યું હશે? એ હવે ઘરમાં પણ ચૂપચાપ રહેવા લાગી. બધાં સાથે માત્ર જરૂર હોય એટલી જ વાત કરતી. મનોહરભાઈ અને માનસી બહેનને પણ અનામિકાનું આવું વર્તન સમજાતું નહોતું. માનસીબહેને તો એને પૂછવાની કોશિશ પણ કરી કે, શું થયું છે પણ અનામિકા કંઈ નથી થયું એટલો જ જવાબ આપતી.
સમય વહેતો ચાલ્યો. અનામિકા પણ હવે રોકીવાળી ઘટનાને ભૂલવા આવી હતી. એ હવે પહેલાંની જેમ જ નોર્મલ થવા લાગી હતી. એને ફરીથી મૂળ સ્વભાવમાં આવેલી જોઈને એના માતા પિતાને રાહત થઈ.
એક દિવસ ઘરમાં બધાં વાતો કરી રહ્યાં હતાં. ત્યાં જ એમના ઘરે ફોનની રીંગ વાગી. મનોહરભાઈએ ફોન ઉપાડ્યો, "હેલ્લો!"
સામે છેડેથી અવાજ આવ્યો, "હેલ્લો, હું મિહિર બોલું છું. ઓળખાણ પડી? બહુ વર્ષો પહેલાં હું તમારી બેંકમાં મેનેજર તરીકે હતો એ."
મનોહરભાઈ એ પોતાની યાદશક્તિને કામે લગાડી અને એમને યાદ આવ્યું. એ બોલ્યા, "અરે હા, હા, મિહિરભાઈ! બિલકુલ યાદ આવ્યું. કેમ છો? મજામાં? કહો, મને કેમ યાદ કર્યો આજે?"
"હા, બિલકુલ મજામાં. તમને યાદ કરવાનું કારણ મારો દીકરો નિશ્ચય છે. યાદ છે તમને?" મિહિરભાઈએ કહ્યું.
"હા, હા, યાદ છે. શું કરે છે એ?" મનોહરભાઈએ પૂછ્યું.
"એ કોમ્પ્યુટર એન્જીનીયર છે અને અત્યારે અમદાવાદ નોકરી કરે છે. અને તમારી બંને દીકરીઓ શું કરે છે?" મિહિરભાઈએ શબ્દો ગોઠવતાં કહ્યું.
"અરે વાહ! આ તો ખૂબ સારું કહેવાય. મોટી કલગીના લગ્ન થઈ ગયા અને અનામિકાનું ભણવાનું પણ પુરું થઈ ગયું. હવે એના માટે કોઈ સારા છોકરાની શોધમાં છીએ." મનોહરભાઈ બોલ્યા.
"તો તો તમારી શોધ પૂરી થઈ ગઈ એમ સમજો. અમને બંનેને નિશ્ચય માટે તમારી દીકરી અનામિકા પસંદ પડી છે." મિહિરભાઈએ કહ્યું.
*****
નિધિ અને મેહુલના લગ્ન પછી શરૂઆતમાં નિધિ ખૂબ જ આનંદિત રહેતી. પણ જેમ સમય જવા લાગ્યો એમ નિધિની બધી જ ઈચ્છાઓ એક તરફ રહી ગઈ અને ઘરની જવાબદારીમાં એવી ગૂંચવાઈ ગઈ કે, જિંદગીનું સાચું સુખ માણવાનું જ ભૂલવા લાગી.
સમય જતાં એને ધીમે ધીમે સમજાવા લાગ્યું હતું કે, મેહુલમાં બિલકુલ એના નામ પ્રમાણે જ ગુણો છે. કયારે વરસી પડે એ કહેવાય નહીં! એકવાર એ પ્રેમ વરસાવવાનું શરૂ કરે તો એ ખૂબ જ મૂશળધાર વરસી પડે. અને જો એનો ગુસ્સો વરસવાનું ચાલુ થાય તો પછી જલ્દીથી બંધ થવાનું નામ ન લે.
મેહુલ નિધિને ખૂબ જ અંકુશમાં રાખતો. એનો સ્વભાવ બહુ જ શંકાશીલ હતો. પડોશની સ્ત્રીઓ જ્યારે ટોળે વાળીને ગપગોળા કરતી હોય ત્યારે નિધિને પણ ત્યાં જવાનું અને વાતો કરવાનું મન ખૂબ થતું. પણ મેહુલને આ ગમતું નહીં. એને નિધિ ક્યાંય એકલી ઘરની બહાર જાય એ પણ ગમતું નહીં. એ ફોન પણ વાપરતી નહીં. એને ઘરનો ઉંબરો પણ વટવાની છૂટ નહોતી.
મેહુલનું ઘર એના માટે સોનાનું પીંજરું બની ચૂક્યું હતું. મેહુલ એને પ્રેમ ખૂબ કરતો, પણ આઝાદી ન આપતો. પ્રેમ તો તાકાત આપે પણ નિધિના પગમાં તો મેહુલના પ્રેમની બેડીઓ બંધાઈ ગઈ હતી.
*****
શું અનામિકા અને નિશ્ચયના લગ્ન થશે? વિશ્વાસ વિનાનો મેહુલ અને નિધિનો સંબંધ ક્યાં સુધી ટકશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો આ વાર્તા જીવનસંગિની.