અતીતરાગ-૩૮
હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ કલાકાર.
રાજ કપૂર અને દિલીપકુમાર.
બોલીવૂડમાં પગપેસારો કરવા અથવા સિક્કો જમાવવા રાજ કપૂર પાસે તેમના પિતા પૃથ્વીરાજ કપૂરનું સોલીડ બેક ગ્રાઉન્ડ જ પુરતું હતું. એટલે તેમનો સંઘર્ષ આસાન રહ્યો.
પણ દિલીપકુમાર તો બોલીવૂડમાં દાખલ થવાની પગદંડીથી પણ અજાણ હતાં.
છતાં દિલીપકુમારની હિન્દી ફિલ્મ જગતમાં એન્ટ્રી થતાં પહેલાં જ રાજ કપૂર કરતાં દિલીપકુમારને દસ ગણા મહેનતાણાની ઓફર થઇ.
એ કઈ રીતે શક્ય બન્યું ?
કેમ અને કેવી રીતે દિલીપકુમારનું બોલીવૂડમાં આગમન થયું. ?
એ રસપ્રદ કિસ્સો જાણીશું આજના એપિસોડમાં.
આ ઘટના છે વર્ષ ૧૯૪૨ની. બીજા વિશ્વ યુદ્ધનો સમયગાળો હતો.
રાજ કપૂર જોબ કરતાં હતાં બોમ્બે ટોકીઝ સ્ટુડીઓમાં.તેઓ આસિસ્ટ કરી રહ્યાં હતાં ડીરેક્ટર અમીયા ચક્રવર્તીને.
રાજકપૂરને બોમ્બે ટોકીઝ સ્ટુડીઓમાં જોબ મળવાનું કારણ હતું. પિતા પૃથ્વીરાજ કપૂરનું પીઠબળ, એ સમયે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને થીએટરના ક્ષેત્રમાં પૃથ્વીરાજ કપૂરનો ખાસ્સો એવો દબદબો હતો.
પણ દિલીપકુમારનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે દૂર દૂરનો પણ કોઈ નાતો નહતો.
અને દિલીપકુમારના અબ્બાજાનને તો ફિલ્મના નામથી જ ચીડ હતી. ફિલ્મી દુનિયાના લોકોને તેઓ ‘નૌટંકી બાજ’ અને ‘નાચને ગાને વાલે લોગ’ કહેતા.
એટલે દિલીપકુમારનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવવું એ તો એક બીગ મિરેકલ છે.
અને દિલીપકુમારે ફિલ્મમાં આવવાનું એટલા માટે વિચારવું પડ્યું કે, તેમનો જે ફળોનો ખાનદાની વ્યવસાય હતો તે વિશ્વ યુદ્ધના કારણે ઠપ્પ થઇ ગયો.
તેમના પિતા આર્થિક સંકટમાં ફસાઈ ગયાં એટલે દિલીપકુમારે એવું વિચાર્યું કે મુંબઈ જઈ કોઈ આમદાનીનો માર્ગ શોધી પિતાને આર્થિક સહાય કરવી.
એ રીતે પેશાવરથી તેઓ આવ્યાં બોમ્બે.
એક દિવસ કામની તલાશમાં તેઓ દાદર જઈ રહ્યાં હતાં. તેઓ ચર્ચગેટ સ્ટેશન પર ઊભાં હતાં, ત્યાં તેમનો ભેટો થયો ડોક્ટર મસાની જોડે.તે સમયમાં તેઓ સાયકોલોજીસ્ટ હતાં.ચર્ચગેટ સ્ટેશનની નજદીકમાં જ તેમનું નિવાસ સ્થાન હતું.
અને દિલીપકુમારને એટલા માટે ઓળખતાં હતાં કારણ કે, દિલીપકુમારે એક વર્ષ વિલ્સન કોલેજમાં અભ્યાસ કર્યો હતો.
અને ડોકટર મસાની વિલ્સન કોલેજમાં લેક્ચર આપવાં માટે જતાં.
ભૂતપૂર્વ વિદ્યાર્થી દિલીપકુમાર પર નજર પડતાં ડો. મસાનીએ પૂછ્યું..
‘કેમ છો યુસુફ ? શું કરી રહ્યો છે આજકાલ ?
જવાબ આપતાં દિલીપકુમારે કહ્યું..
‘ઠીક છું, અને કામની તલાશમાં છું.’
ડો.મસાનીએ કહ્યું કે, ‘હું મલાડ જઈ રહ્યો છું, ત્યાંના બે-ચાર નામી વ્યક્તિઓને હું ઓળખું છું. તેની પાસે તારા માટે કોઈને કોઈ કામ જરૂર મળી આવશે.’
તે દિવસે ડો.મસાની બોમ્બે ટોકીઝ સ્ટુડીઓ જઈ રહ્યાં હતાં, દેવિકા રાણીને મળવા માટે.
દિલીપકુમારને જવાનું હતું દાદર પણ, ડો, મસાનીના આગ્રહને માન આપી તેઓ જોડાયા ડો.મસાની સાથે.
બન્ને આવ્યાં બોમ્બે ટોકીઝ. ત્યાં આવીને ઓફિસમાં દાખલ થતાં દિલીપકુમારની મુલાકાત થઇ દેવિકા રાણી સાથે.
બન્નેને પરસ્પર પરિચિત કરાવ્યાં ડો.મસાનીએ.
દિલીપકુમારનું બેક ગ્રાઉન્ડ જાણ્યા પછી દેવિકા રાણીએ તેમને બે-ચાર સવાલો પૂછ્યા.
તેમાં પહેલો સવાલ એ હતો કે, ‘શું તમે સિગરેટ પીવો છો ?’
‘ના’ એવો ટૂંકો જવાબ આપ્યો દિલીપકુમારે
બીજો સવાલ.. ‘તમને ઉર્દુ આવડે છે ?’
‘જી હાં, ખુબ સારી રીતે’ એવું દિલીપકુમાર બોલ્યાં.
અંતે દેવિકા રાણીએ મહત્વનો સવાલ પૂછ્યો..
‘એકટર બનશો ?’
અહીં આપ જરા વિચાર કરો કે ઉર્દુમાં પૂછેલા બે-ચાર સવાલો અને દિલીપકુમારને માથાથી પગ સુધી એકવાર નિહાળ્યા બાદ, કોઇપણ જાતના ઓડીશન અથવા કોઇપણ જાતના સ્ક્રીન ટેસ્ટ વગર દેવિકા રાણીએ બોમ્બે ટોકીઝમાં દિલીપકુમારને એક્ટરના જોબની ઓફર કરી દીધી.
હવે દિલીપકુમાર એ અસમંજસમાં હતાં કે શું જવાબ આપવો ?
દિલીપકુમાર, પહેલાં ડો. મસાની તરફ અને પછી દેવિકા રાણી તરફ જોઇને બોલ્યાં
‘હું વિચારીને કહીશ’
ઘરે પહોચ્યાં પછી દિલીપકુમારનું દિમાગ ચડ્યું વિચારોના ચકડોળે.
તેઓ એ વિચારે ચડ્યા કે, અમીયા ચક્રવર્તીને આસિસ્ટ કરવા માટે રાજ કપૂરને રૂપિયા ૧૭૦નું માસિક ભથ્થુ આપવામાં આવતું હતું. અને દેવિકા રાણીએ દિલીપકુમારને ઓફર કર્યા હતાં રૂપિયા ૧૨૫૦. આટલી મોટી રકમ મને શા માટે ઓફર કરે ?
પછી દિલીપકુમારને ખ્યાલ આવ્યો કે રૂપિયા ૧૨૫૦ એ વાર્ષિક મહેનતાણું હશે.
તો તે હિસાબે તો મહીને ૧૦૦ રૂપિયા પણ નથી થતાં. ૧૦૦ રૂપિયા માસિક મહેનતાણામાં તો હું કઈ રીતે નિર્વાહ કરુ અને કઈ રીતે પિતાજીને આર્થીક મદદ કરું ?
બીજા દિવસે દિલીપકુમાર આવી પહોચ્યાં ચર્ચગેટ સ્ટેશન નજીક ડો.મસાનીના ઘરે.
દિલીપકુમારની વાત સાંભળીને ડો.મસાનીએ કહ્યું કે, રૂપિયા ૧૨૫૦ એ માસિક મહેનતાણું હશે વાર્ષિક નહીં.
છતાં ખાત્રી કરવાં ડો.મસાનીએ કોલ જોડ્યો દેવિકા રાણીને.
એક સ્મિત સાથે ડો.મસાનીનો ટેલીફોનીક વાર્તાલાપ પૂરો થતાં તેઓ બોલ્યાં
‘યુસફ...રૂપિયા ૧૨૫૦ વર્ષિક નહીં પણ માસિક પગાર ધોરણ છે.અને હવે વધુ વિચાર્યા વગર આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લે.’
દિલીપકુમાર બેહદ ખુશ થઇ ગયાં.
બીજા દિવસે શુક્રવાર હતો. ફરી બન્ને બોમ્બે ટોકીઝ આવી,દેવિકા રાણીને મળ્યા અને દિલીપકુમારે ઓફરનો સહર્ષ સ્વીકાર કરતાં કહ્યું.
‘આઈ વિલ વર્ક ફોર યુ.’
બોમ્બે ટોકીઝમાં જોબ મળી એ પહેલાં દિલીપકુમારે કોઈ સ્ટુડીઓનો ફોટો પણ હતો જોયો.
તો આ રીતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મળ્યાં દિલીપકુમાર.
અહીં જે ડો,મસાનીના નામનો ઉલ્લેખ થયો, એ ડો.મસાનીએ એકવાર ઝીન્નત અમાનની સારવાર કરી હતી, જયારે ઝીન્નત અમાનના પતિએ તેના પર સરાજાહેર જીવલેણ હુમલો કર્યો હતો.. એ ચર્ચાસ્પદ ઘટના વિશે ક્યારેક વિસ્તારથી વાત કરીશું અતીતરાગની કડીમાં.
આગામી કડી...
ખ્યાતનામ અભિનેત્રી આશા પારેખને થોડા દિવસના શૂટિંગ પછી તેમની પહેલી ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યાં હતાં.
કેમ ? અને કઈ હતી એ ફિલ્મ ?
જાણીશું આગામી કડીમાં..
વિજય રાવલ
૦૪/૦૯/૨૦૨૨