અતીતરાગ-૨૮
૧૯૭૦નો દાયકો.
તે સમય હતો રોમાન્ટિક ફિલ્મી દૌરનો.
અને ત્યારે રોમાન્ટિક કિંગ હતાં સુપરસ્ટાર રાજેશ ખન્ના.
દરેક મોટા ગજાના પ્રોડ્યુસર્સની પહેલી પસંદ હતી રાજેશ ખન્ના.
પણ જે પ્રોડ્યુસરનું બજેટ મર્યાદિત રહેતું, તે બીજા કલાકારો તરફ નજર દોડાવતાં.
અને એ બીજા કલાકારોમાં તાજો અને તરવરતો એક ચહેરો એવો હતો જેને સૌ
‘ગરીબોનો રાજેશ ખન્ના’ કહેતાં.
અને તે નવજુવાન કલાકારની પહેલી જ ફિલ્મે બોક્સ ઓફીસ પર ધમાલ કરતાં રજત જયંતિ મનાવી.
વર્ષ ૧૯૭૦.
ફિલ્મ હતી ‘સાવન ભાદોં’
અને જેને જોઇને પરાણે વ્હાલ ઉપજે એવાં હેન્ડસમ હીરોનું નામ હતું
નવીન નિશ્ચલ.
આજની કડીમાં વાત કરીશું એ ડાબા હાથે મુકાયેલા નામ વિષે.
નવીન નિશ્ચલનો જન્મ થયો હતો લાહોરમાં. પણ તેની ફિલ્મી કેરિયરના કુંપળ ત્યારે ફૂટ્યાં જયારે તેમણે તેમના પિતા સામે ઈચ્છા વ્યક્ત કરી કે, તેઓ એક્ટર બનવા વિચારે છે, વર્ષ ૧૯૬૭. નવીન નિશ્ચલની તે સમયે ઉમ્ર હતી ૨૧ વર્ષ.
બોલીવૂડમાં નવીન નિશ્ચલના પિતાના મિત્ર હતાં પ્રોડ્યુસર, ડીરેક્ટર મોહન સહગલ. જેમણે કિશોરકુમારને લઈને ‘ન્યુ દિલ્હી’ ફિલ્મ બનાવી હતી અને મનોજકુમારની સાથે ‘સાજન’નું નિર્માણ કર્યું હતું.
તેમના પિતાએ મોહન સહગલની મદદ માંગી. અને પ્રત્યુતરમાં મોહન સહગલે કહ્યું કે, આપ નિશ્ચિંત થઈ, નવીનને અહીં મોકલી આપો.
તેઓ મુંબઈ આવ્યાં ત્યારે ‘નવીન પ્રતિભા શોધ’ માટે એક ટેલેન્ટ હન્ટની પ્રતિયોગીતા ચાલી રહી હતી અને તેનું ફોર્મ ભરવાનું હતું. પણ નવીન નિશ્ચલે તેમાં હિસ્સો લેવાનું પસંદ ન કર્યું.
એ પછી તેઓ મોહન સહગલને મળ્યાં. અને તેમણે નવીન નિશ્ચલને ફિલ્મ એન્ડ ટેલીવીઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા.(FTII) જોઈન કરવાની સલાહ આપી, એક્ટિંગના પ્રશિક્ષણ માટે.
અને મોહન સહલગ એટલાં ઉદાર દિલ ઇન્સાન હતાં કે, તેમણે નવીન નિશ્ચલના અભ્યાસ માટેની ફી પણ ભરી આપી.
FTIIમાં નવીન નિશ્ચલે તેમની અભિનય ટેલેન્ટેથી સૌને આશ્ચર્યચકિત કરી દીધાં,
ગોલ્ડ મેડલ મેળવીને ઇન્સ્ટીટયુટના એકઝામીનર્સને અચંભિત કરી મૂક્યાં.
એ એક્ઝામીનર્સની પેનલમાં એક વિરલ વ્યક્તિવ ધરાવતી વ્યક્તિ પણ હતી..
ધ ગ્રેટ શો મેન... રાજકપૂર.
ગોલ્ડ મેડલ જેવાં ગર્વ અને ગૌરવ સાથે નવીન નિશ્ચલ પુનાથી મુંબઈ આવીને મળ્યા મોહન સહગલને.
અને તેમણે જ નવીન નિશ્ચલને પહેલો બ્રેક આપ્યો બોલીવૂડમાં.
તે ફિલ્મમાં નવીન નિશ્ચલની સાથે હતી એક્ટ્રેસ રેખા. જોગનુગોગ રેખાની પણ આ પહેલી ફિલ્મ હતી.
ફિલ્મ ‘સાવન ભાદોં’ વર્ષ ૧૯૭૦.
હવે તમે અહીં જરા તકદીરનો તમાશો જુઓ..
એક તરફ...
નવીન નિશ્ચલ અને રેખા બંને નવોદિતોની ફિલ્મ ‘સાવન ભાદોં’ એ ટીકીટબારી પર તરખાટ મચાવતા સિલ્વર જ્યુબીલીની ઉજવણી કરી અને..
બીજી તરફ..
જે વ્યક્તિએ નવીન નિશ્ચલને ગોલ્ડ મેડલ આપ્યો હતો, એ એક્ઝામીનર્સ પેનલના જજ રાજ કપૂરની મેગા ડ્રીમ પ્રોજેક્ટ જેવી ફિલ્મ ‘મેરા નામ જોકર’ ૧૯૭૦માં સુપર ફ્લોપ સાબિત થઇ.
બીજા એક અભિનેતા, તે સમયે બોલીવૂડ પર રાજ કરતાં હતાં તેમની પણ ફિલ્મ ૧૯૭૦માં પીટાઈ ગઈ. દેવ આનંદની ‘પ્રેમ પુજારી’.
‘સાવન ભાદોં’ ની અપાર સફળતાએ નવીન નિશ્ચલ માટે બોલીવૂડનો સંઘર્ષ આસન કરી નાખ્યો.
વર્ષ ૧૯૭૦થી લઈને ૧૯૭૩ સુધીનો સમયગાળો નવીન નિશ્ચલ માટે યાદગાર અને સુવર્ણકાળ રહ્યો.
‘પરવાના’, ‘બુઢા મિલ ગયા’, ‘વિક્ટોરિયા નંબર ૨૦૩’, ‘ધૂંધ.’ અને હંસતે ઝખમ.’
આ સફળ ફિલ્મોની યાદી રહી નવીન નિશ્ચલના નામે.
વર્ષ ૧૯૭૪થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અચનાક પરિવર્તનનો પવન ફૂંકાયો. એક્શન ફિલ્મોની શરૂઆત અને એન્ગ્રી યંગમેનની એન્ટ્રી થઇ. અને પૂરપાટ દોડતી નવીન નિશ્ચલની ગાડીમાં પંચર પડી ગયું.
તેના માટે આંશિક રીતે નવીન નિશ્ચલ ખુદ પણ જવાબદાર હતાં, એવી ઇન્ડસ્ટ્રીઝમાં વાતો થતી.
વિનાશ કાળે વિપરીત બુદ્ધિના શિકાર થયાં નવીન નિશ્ચલ.
નવીન નિશ્ચલની લાઈફના બે સૌથી મોટા અપસેટ.
હિન્દી ફિલ્મ જગતના બે મહાન ફિલ્મકારોની ફિલ્મો નવીન નિશ્ચલે ઠુકરાવી, આવું મહા મુર્ખામી ભર્યું પગલું ભરી તેમણે જાતે જ કુહાડી પર પગ માર્યો હતો.
પહેલાં ફિલ્મ મેકર હતાં મનોજકુમાર..
જેમણે તેમની સુપર હીટ ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ માટે શશીકપૂરના રોલની ઓફર કરી હતી, જે તેમણે ઠુકરાવી દીધી.
અને બીજા ફિલ્મકાર... યશ ચોપરા.
જેમણે સુપર ડુપર ફિલ્મ ‘દીવાર’ માટે શશી કપૂરના રોલનો પ્રસ્તાવ નવિન નિશ્ચલ સામે મુક્યો. નવીન નિશ્ચલે યશ ચોપરાને પણ ના કહી દીધી.
ઓફર ઠુકરાવવા માટે નવીન નિશ્ચલે એવું કારણ આપ્યું કે, તેઓ મલ્ટી સ્ટારર ફિલ્મનો હિસ્સો નહતા બનવાં માગતા. તેમને લીડ રોલમાં વધુ રુચિ હતી.
યશ ચોપરાની ‘દીવાર’ રીજેક્ટ કરવાં માટે તેમણે એવું કહ્યું કે, તે અમિતાભ સામે સેકન્ડ લીડ હીરોની ભૂમિકા સ્વીકારવા રાજી નહતા,
કારણ ?
કારણ કે..
૧૯૭૦માં એક ફિલ્મ આવી હતી ‘પરવાના’. આ એ સમય હતો જયારે નવીન નિશ્ચલના સિતારા બુલંદ હતાં, અને અમિતાભ બચ્ચન જાણીતું નામ નહતું.
‘પરવાના’માં મુખ્ય ભૂમિકામાં હતાં નવીન નિશ્ચલ અને એક નેગેટીવ ભૂમિકામાં હતાં અમિતાભ.
હવે ‘દીવાર’માં અમિતાભ સામે સેકન્ડ લીડનો રોલ કઈ રીતે ભજવવો ? એ મિથ્યાભિમાનનો કોળીયો કેમ કરી ગળેથી ઉતારવો ? એ વાત નવીન નિશ્ચલ પચાવી નહતા શકતાં.
નવીન નિશ્ચલના આ અહંકારી એટીટ્યુડની વાત જંગલના આગની માફક ઇન્ડસ્ટ્રીઝમાં ફેલાઈ ગઈ.
ધીમે ધીમે સૌ ફિલ્મકારો નવીન નિશ્ચલથી અંતર રાખવા લાગ્યાં.
એ પછી ‘મોન્ટુ’. ‘વોહ મેં નહીં’, અથવા ‘ઝોરો’ જેવી સુપર ફ્લોપ ફિલ્મો પણ તેમણે કરી, તેમનો સોલો હીરોનો એકડો સાચો ઠેરવવા.
જે ઝડપે તેની કારકિર્દી ઉંચે ચડી હતી તેની બમણી ઝડપે તેની કારકિર્દી ખતમ પણ થઇ ગઈ.
તમામ તરફથી સરિયામ નિષ્ફળતાથી ઘેરાયેલાં નવીન નિશ્ચલ, યશ ચોપરાના ભાઈ બી.આર.ચોપરાના પુત્ર રવિ ચોપરાની મેગા મલ્ટી સ્ટારર ફિલ્મ “ ધ બર્નિગ ટ્રેન’ માં નાનકડી ભૂમિકા ભજવવા પણ રાજી થઇ ગયાં.
૧૯૮૨માં બીજી એક મલ્ટી સ્ટારર ફિલ્મ આવી હતી. ‘દેશ પ્રેમી’
જે અમિતાભની સાથે તેઓ સેકન્ડ લીડમાં પણ કામ કરવાં રાજી નહતાં તે અમિતાભની ‘દેશ પ્રેમી’માં નાનકડી ભૂમિકા ભજવવા પણ ઉતાવળા હતાં.
ઘોર નિષ્ફળતાથી તેઓ એટલા તનાવમાં આવી ગયાં હતાં કે, રામસે બ્રધર્સની સી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરવાં તેઓ કાલાવાલા કરવાં લાગ્યાં.
‘હદેશત’, ‘હોટેલ’ જેવી ઘણી સી ગ્રેડ ફિલ્મો તેમને કરવી પડી.
૧૯૯૦નો દસકો આવતાં આવતાં સુધીમાં તો લોકો તેનું નામ પણ વિસરી ગયાં હતાં.
પણ તે સમયે તેમની લાઈફમાં એક ટર્નિગ પોઈન્ટ આવ્યો.
‘દેખ ભાઈ દેખ’ ટેલિવિઝન રીરીયલ દ્વારા.
અહીં પણ જોગાનુજોગ જુઓ... ‘દેખ ભાઈ દેખ’ ના જે પ્રોડ્યુસર હતાં તેમના પતિ જોડે નવીન નિશ્ચલે એક જમાનામાં કામ કરવાની ના પાડી દીધી હતી.
અમિતાભ બચ્ચનના પત્ની જયા બચ્ચન ‘દેખ ભાઈ દેખ’ ના નિર્માતા હતાં.
એ પછી અમિતાભ સાથે તેઓ દેખાયાં હતાં ‘મેજર સાબ’માં, પણ કોઈ ચમકારો ન થયો.
અંતે વર્ષ ૨૦૦૬માં એક સ્મોલ બજેટ ફિલ્મ આવી. જેમાં ભૂલાયેલા નવીન નિશ્ચલ સૌને યાદ આવ્યાં. ફિલ્મ હતી ‘ખોસલા કા ઘોસલા.’
નવીન નિશ્ચલની અંગત જિંદગી પણ અત્યંત ડામાડોળ હતી.
તેમની પ્રથમ પત્ની નીલુ કપૂર સાથે તેમણે ડિવોર્સ લીધેલાં અને બીજી પત્ની ગીતાંજલિએ આત્મહત્યા કરી. અને સુસાઇડ નોટમાં નવીન નિશ્ચલના નામનો ઉલ્લેખ હતો.
નવીન નિશ્ચલ તેમના ભાઈ પ્રવીણ નિશ્ચલ સાથે રહેતાં હતાં. તેમની જોડે પણ તેમનો ઝગડો થયો અને ભાઈએ પણ તેમને ઘરમાંથી હાંકી કાઢ્યા હતાં.
૧૯ માર્ચ ૨૦૧૧ના દિવસે નવીન નિશ્ચલ બાય રોડ તેમના મિત્રો જોડે પુના જઈ રહ્યાં હતાં, હોળીના તહેવારની ઉજવણી માટે.
ઓન ધ વે તેઓ હ્રદયરોગ હુમલાનો શિકાર થતાં દેવલોક પામ્યાં.
અંતે... રોમાન્ટિક નવીન નિશ્ચલને યાદ કરતાં સ્મરણ થાય તેમના સદાબહાર યાદગાર ગીતો..
‘તુમ જો મિલ ગયે હો.. તો યે લગતા હૈ...’ (હંસતે ઝખમ)
‘રાત કલી એક ખ્વાબ મેં આઈ.. ઔર ગલે કા હાર હુઈ..( બુઢા મિલ ગયા )
‘સીમટી સી શરમાઈ સી.. ઇસ દુનિયા સે તુમ આઈ હો..(પરવાના )
‘હમ દોનો મિલ કે.. કાગઝ પે દિલ કે..( તુમ્હારી કસમ )
આગામી કડી...
‘દિલીપકુમાર’
હિન્દી ફિલ્મ જગતનું એક એવું નામ જે લાખો લોકોના આદર્શ હતાં
જેમને જોઇ જોઇને કંઇક કલાકારો અભિનયની એ બી સી ડી શીખ્યા.
તેમની અભિનયની બુલંદીથી અનેક નામી કલાકરો પણ પ્રભાવિત હતાં.
આજે હું એક એવા દિલીપકુમાર દીવાનાનો ઉલ્લેખ કરવાં જઈ રહ્યો છું,
જેમણે માત્ર દસ વર્ષની ઉંમરમાં દિલીપકુમારની ફિલ્મો જોઇને એક્ટર બનવાનો ભેખ લીધો.. અને સમગ્ર જીવન ફિલ્મ જગતને અપર્ણ કરી દીધું.
અને દસ વર્ષની વયે દિલીપકુમારને પરદા પર જોઇને જેણે બાળ સહજ પણ કઠોર પ્રણ લીધું. સમય જતાં એ બાળકના ડીરેક્શનમાં દિલીપકુમારે કામ પણ કર્યું અને ઢગલાં બંધ સુપરહિટ ફિલ્મો પણ આપી.
બાલ્યાવસ્થામાં દિલીપકુમારની ફિલ્મથી અંજાઈને તેમણે તેમનું નામ પણ એ ફિલ્મમાં દિલીપકુમારના પાત્રનું જે નામ હતું તે નામ આજીવન તેમણે અપનાવી લીધું.
આપણે વાત કરીશું.. હરિકૃષ્ણ ગીરી ગોસ્વામીની.. આગામી કડીમાં.
વિજય રાવલ
૩૧/૦૮/૨૦૨૨