NARI-SHAKTI - 30 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ- 30 (સતી -સાવિત્રી ભાગ 2)

નારી શક્તિ, પ્રકરણ- 30,
( "સતી- સાવિત્રી" ભાગ -2 )

[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 30,, "સતી- સાવિત્રી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં સતી-સાવિત્રી નો સત્યવાન સાથે વિવાહ એ વિશે ની કથા જાણી. જેમાં નારદજી સાવિત્રીને સમજાવે છે કે સત્યવાનનું આયુષ્ય હવે એક વર્ષ જ બાકી રહ્યું છે તે અલ્પાયું છે તે જાણવા છતાં સાવિત્રી સત્યવાનને જ પરણે છે અને જંગલમાં સત્યવાન ના માતા પિતાની સાથે સત્યવાન અને સાવિત્રી રહેવા લાગે છે.આ કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ હતી. જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને મોતના મુખમાંથી ઊગાર્યા છે. નારી ધર્મ બચાવ્યો છે અને બજાવ્યો છે.
આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી આ આ પ્રકરણમાં હું "સતી સાવિત્રી" ભાગ-2,ની કથા પ્રસ્તુત કરવા જઈ રહી છું. આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર !!! માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર!!! ધન્યવાદ!!! ]
હવે આગળ.......
જ્યારે ઘણા દિવસો વીતી ગયા તો અંતમાં તે સમય પણ આવી ગયો જે દિવસે સત્યવાનનું મૃત્યુ થવાનું હતું. સાવિત્રી એક એક દિવસ ગણતી રહી હતી. તેના હૃદય માં નારદજી નું વચન અંકિત થઈ રહ્યું હતું. જ્યારે સાવિત્રીને લાગ્યું કે હવે મૃત્યુ આડે ત્રણ દિવસ જ બચ્યા છે, ચોથા દિવસે સત્યવાનનું અવસાન થવાનું છે, ત્યારે સાવિત્રી વ્રત કરવા લાગી તે રાત દિવસ સ્થિર થઈને બેસી ગઈ. કાલે સવારે તેના પતિદેવના પ્રાણ પ્રયાણ કરવાના છે એ વિચારમાં જ ચિંતા કરીને બેઠા બેઠા જ રાત વિતાવી. બીજે દિવસે એ વિચારીને કે આજ તે દિવસ આવી ચૂક્યો છે .સૂર્ય ચારહાથ ઉપર ચડતા પ્રાતઃ કર્મ પતાવી અગ્નિમાં આહૂતિઓ આપી. પછી બ્રાહ્મણ, બુઝુર્ગ, સાસુ -સસરા ને પ્રણામ કર્યા. તે તપોવનમાં રહેવાવાળા બધાએ સાવિત્રીને સૌભાગ્યવતી થવાના આશીર્વાદ આપ્યા. સાવિત્રી આશીર્વાદને એમ જ હો એમ કહીને ધ્યાનસ્થ સ્થિતિમાં ગ્રહણ કર્યા.

આજ સમયે સત્યવાન ખભે કૂહાડી લઈને વનમાં સમિધ લેવા જવા માટે તૈયાર થયો.
ત્યારે સાવિત્રી એ સત્યવાન ને કહ્યું આપ એકલા ન જાવો હું પણ તમારી સાથે આવીશ. ત્યારે સત્યવાને કહ્યું હે પ્રિયે! તું આ પહેલા ક્યારેય વનમાં ગઈ નથી, વન નો રસ્તો ખૂબ જ કઠિન હોય છે અને વળી વ્રત ઉપવાસને કારણે તું દૂર્બલ થઈ ગઈ છે તો પછી આ વિકટ માર્ગમાં પગે કેવી રીતે ચાલી શકીશ. સાવિત્રી બોલી ઉપવાસને કારણે મને કોઈ થકાવટ કે નિર્બળતા નથી. ચાલવા માટે મને ખૂબ ઉત્સાહ છે. તેથી આપ મને રોકો નહીં. સત્યવાને કહ્યું જો તને ચાલવા માટે ઉત્સાહ હોય તો તને જે સારું લાગે તે કરવા હું તૈયાર છું. પરંતું તું માતા- પિતાની આજ્ઞા લઈ લે.

ત્યારે સાવિત્રી એ પોતાના સાસુ-સસરાને પ્રણામ કરીને કહ્યું, મારા પતિ ફળો વગેરે લેવા માટે વનમાં જાય છે જુઓ આ પગ ના આપો તો હું તેમની સાથે જવા માગું છું. સસરા દ્યુમત્સેને કહ્યું સારું ,બેટા, તું સત્યવાનની સાથે જા માર્ગમાં તેની સંભાળ લેજે. આ પ્રમાણે સાસુ સસરા ની આજ્ઞા લઈને સાવિત્રી પોતાના પતિદેવ સાથે વનમાં જવા ચાલી નીકળી. તે ઉપરથી તો હસી રહી હતી પરંતુ હૃદયમાં જાણે કે દુઃખ રૂપી અગ્નિની જ્વાળા પ્રજ્વલિત થઈ રહી હતી.
સત્યવાને પહેલા તો પોતાની પત્ની સાથે ફળો વીણીને ટોકરી ભરી લીધી પછી તે લાકડી કાપવા લાગ્યો. લાકડી કાપતાં કાપતાં તે થાકી ગયો અને પરસેવો વળવા લાગ્યો તેમજ માથામાં દર્દ થવા લાગ્યું. શરીરના બધા અંગોમાં અને હૃદયમાં દાહ થવા લાગી. ત્યારે સત્યવાને સાવિત્રીને કહ્યું ,હે કલ્યાણી ! મને શરીર કંઈક અશ્વસ્થ લાગે છે, એવું લાગે છે કે માનો મારા માથામાં કોઈ બરફી છેદી રહ્યું છે હવે હું સૂવા ઈચ્છું છું, બેસવાની મારામાં શક્તિ નથી.
આ સાંભળી સાવિત્રી પતિની પાસે આવી અને એનું શિર ખોળામાં લઈને બેસી ગઈ. પછી તે નારદજીની વાત યાદ કરીને તે મૂહુર્ત , ઘડી અને દિવસનો વિચાર કરવા લાગી. એટલા માં તેને ત્યાં એક પુરુષ જોવા મળ્યો. તેણે લાલ વસ્ત્ર પહેર્યા હતા. માથા પર મુકુટ હતો અને અત્યંત તેજસ્વી હોવાને કારણે તે મૂર્તિમાન સૂર્ય સમાન લાગતો હતો. તેનું શરીર શ્યામ વર્ણ અને સુંદર હતું. નેત્રો લાલ લાલ હતાં ,હાથમાં પાશ હતો અને જોવામાં એ ભયાનક લાગતો હતો. તે સત્યવાન ની પાસે ઊભો હતો અને સત્યવાનને જોઈ રહ્યો હતો. એને જોઈને સાવિત્રી એ પતિનું માથું ધીરેથી જમીન ઉપર મૂક્યું અને એકાએક ઊભી થઈ ગઈ. તેનું હૃદય જોરથી ધડકવા લાગ્યું અને તે અત્યંત દુઃખી થઈને તેમને હાથ જોડીને કહેવા લાગી , હું સત્યવતી છું આપ કોઈ દેવતા હોય એમ લાગે છે કારણ કે આપનું શરીર મનુષ્યનું નથી લાગતું. જો આપ ઈચ્છો તો આપ કોણ છો? તે મને કહો.

યમરાજાએ કહ્યું: હે સાવિત્રી! તું પતિવ્રતા અને તપસ્વીની નારી છો એટલા માટે હું તારી સાથે સંવાદ કરું છું તું મને યમરાજા જાણ ,તારા પતિ આ રાજકુમાર સત્યવાનનું આયુષ્ય આજે સમાપ્ત થઈ ગયું છે ,હવે હું એને પાશમાં બાંધીને લઈ જવાં ઈચ્છું છું.
સાવિત્રી બોલી: હે ભગવાન ! મેં સાંભળ્યું છે કે મનુષ્યને લેવા માટે આપના દૂત આવે છે તો પછી આપ સ્વયં કેમ પધાર્યા?
યમરાજા બોલ્યા : ,સત્યવાન ,ધર્માત્મા ,રૂપવાન અને ગુણોનો સમુદ્ર છે આ મારા દૂતો દ્વારા લઈ જવા માટે યોગ્ય નથી તેથી હું સ્વયં આવ્યો છું.

ત્યાર પછી યમરાજાએ બળવાન સત્યવાનના શરીરમાંથી પાંશથી બાંધેલો અંગુઠા જેવડાં પરિમાણ વાળો જીવ કાઢ્યો અને તેને લઈને દક્ષિણ બાજુ ચાલવા લાગ્યાં. ત્યારે દુ:ખાતુર સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. આ જોઈને યમરાજા બોલ્યાં, સાવિત્રી! હવે તું પાછી ફરી જા અને સત્યવાનનો દૈહિક સંસ્કાર કર તું પતિ સેવાના ઋણથી મુક્ત થઈ ગઈ છે, પતિને પાછળ પણ તારે જ્યાં સુધી આવવું હતું ત્યાં સુધી આવી ચૂકી છો.

સાવિત્રી બોલી: મારા પતિદેવને તમે જ્યાં લઈ જશો અથવા જ્યાંથી તે સ્વયમ જાશે ત્યાં મારે પણ જવું જોઈએ આ સનાતન ધર્મ છે. તપસ્યા ગુરુભક્તિ, પતિ પ્રેમ ,વ્રતાચરણ અને આપની કૃપાથી મારી ગતિ ક્યાંય પણ રોકાશે નહીં.

યમરાજા બોલ્યા : સાવિત્રી તારો સ્વર ,અક્ષર વ્યંજન, તેમજ યુક્તિઓથી યુક્ત વાતો સાંભળીને હું પ્રસન્ન થયો છું તું સત્યવાનના જીવન સિવાય કોઈપણ વરદાન માગી લે. હું તને બધા જ પ્રકારના વરદાન દેવા તૈયાર છું.
સાવિત્રી એ કહ્યું: મારા સસરા રાજયભ્રષ્ટ થઈને વનમાં રહે છે અને એમની આંખો પણ જતી રહી છે તો આપની કૃપાથી તેઓ નેત્ર પ્રાપ્ત કરે અને શક્તિશાળી બની જાય તથા અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી બની જાય.

યમરાજા બોલ્યા: હે સાધ્વી સાવિત્રી! હું તને વરદાન આપું છું તે જેમ કહ્યું તેમ જ થશે. તું માર્ગમાં ચાલવામાં હવે શિથિલ થઈ ગઈ લાગે છે તેથી તું પાછી ફરી જા તેથી તને વિશેષ થાક ન લાગે.

સાવિત્રી એ કહ્યું: જ્યાં સુધી હું મારા પતિદેવની સમીપે રહું છું ત્યાં સુધી મને થાક કેવી રીતે લાગે? જ્યાં મારા પ્રાણનાથ રહેશે ત્યાં મારો નિશ્ચલ આશ્રમ હશે .હે દેવેશ્વર! જ્યાં આપ મારાં પતિદેવને લઈ જઈ રહ્યો છું ત્યાં મારી પણ ગતિ હોવી જોઈએ.એ સિવાય મારી એક વાત સાંભળો સત્પુરુષોનો તો એક વખત જ સમાગમ પણ અત્યંત અભીષ્ટ હોય છે , કલ્યાણકારી હોય છે, તેથી વધીને એની સાથે પ્રેમ થઈ જાય છે, સંત સમાગમ નિષ્ફળ ક્યારેય જતો નથી તેથી સર્વદા સત્પુરુષોનો જ સંગાથ કરવો જોઈએ સાથે રહેવું જોઈએ.

ત્યારે યમરાજા બોલ્યા: હે સાવિત્રી! તે જે હિતની વાત કહી છે એ મારા મનને ખૂબ જ પ્રિય લાગી છે. તેનાથી વિદ્વાનોની બુદ્ધિનો પણ વિકાસ થશે તેથી આ સત્યવાનના જીવન સિવાય તું કોઈ પણ બીજું વરદાન મારી પાસે માગી લે.

સાવિત્રી એ કહ્યું: પહેલાં મારા સસુરજી જેનું રાજ્ય છીનવાઈ ગયું છે તે તેમને સ્વયં પ્રાપ્ત થઈ જાય અને તેઓ ધર્મનો ત્યાગ ન કરે બીજા વરદાન રૂપે હું આ માગું છું.

યમરાજા બોલ્યાં: રાજા દ્યુમત્સેન જલ્દીથી પોતાનું રાજ્ય પ્રાપ્ત કરશે અને હવેથી તે પોતાના ધર્મનો ત્યાગ નહીં કરે. હવે તારી ઈચ્છા પૂરી થઈ ગઈ .તેથી તું પાછી ફરી જા જેથી તને વ્યર્થ શ્રમ ન પડે.

સાવિત્રી એ કહ્યું : હે દેવ ! આ સમગ્ર પ્રજાને આપ નિયમથી સંયમ કરવાવાળા છો, નિયંત્રિત કરવાવાળા છો એને નિયમન કરીને એ અભિષ્ઠફળ પણ આપો છો તેથી તો આપ યમ નામથી પ્રખ્યાત છો તેથી હું જે વાત કરું છું તે સાંભળો, મન, વચન અને કર્મથી સમસ્ત પ્રાણીઓ પ્રત્યે અદ્રોહ, બધા જ પર કૃપા કરવી અને દાન દેવું. આ સત્પુરુષોનો સનાતન ધર્મ છે તો આ પ્રકારના તો ઘણા બધા લોકો છે, બધા મનુષ્ય પોતાની શક્તિ અનુસાર કોમળતા પૂર્ણ વર્તાવ કરે છે, પરંતુ જે સત્પુરુષ છે તે તો પોતાની પાસે આવેલા શત્રુ પર પણ દયા કરે છે.

યમરાજા બોલ્યા: હે કલ્યાણી ! જેવી રીતે તરસ્યા માણસને જળ મેળવીને જે આનંદ થાય છે તેવો આનંદ તારી પ્રિય લાગવાવાળી વાણી સાંભળીને મને થાય છે માટે સત્યવાનના જીવન સિવાય તું ત્રીજું કોઈ વરદાન માગી લે.

વધુ આવતા અંકે...............
[ © & Written by Dr Damyanti Harilal Bhatt. ]



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED