Featured Books
શ્રેણી
શેયર કરો

નારી શક્તિ - 4 ( ઋષિ ઘોષા- બ્રહ્મવાદિની ઘોષા )

( હલ્લો, વાંચકમિત્રો, નમસ્કાર, નારી શક્તિ- પ્રકરણ-4, માં હું વેદકાલીન મહાન નારી, મહાન કવયિત્રી ઘોષાનું જીવન-દર્શન રજૂ કરવા માગું છું, આશા છે કે આપને પસંદ આવશે, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.............)

નારી શક્તિ- પ્રકરણ-4 ( ઋષિ ઘોષા-બ્રહ્મવાદિની ઘોષા... )

પ્રસ્તાવના:- ( સ્ત્રી-ઋષિ)

ઘોષા એક વિદ્વાન યા વિદ્વતી પ્રતિભા ધરાવતી સ્ત્રી ઋષિ છે. મહાન કવયિત્રી છે. એક બ્રહ્મવાદિની છે. તપ, પ્રતિભા, મેધા, અને આંતરદ્રષ્ટિ ધરાવનાર , આ દિવ્ય ગુણો શરીરનાં નહીં, પરંતુ આત્માના છે. આ દિવ્ય ગુણો સ્ત્રી અને પુરુષનો ભેદ નથી કરતાં. ભેદ સામાજિક વ્યવસ્થાઓમાં, પરિવેશ અને નિયમોમાં હોય છે. આ જ કારણથી મંત્રદ્રષ્ટા પુરુષોની જેમજ સ્ત્રી ઋષિઓ પણ થઈ. ભલે તેની સંખ્યા પુરુષ ઋષિની તુલનામાં અલ્પ છે.

શૌનક ઋષિની પરિભાષામાં સ્ત્રી એ મુનિ, બ્રહ્મવાદિની, ઋષિ છે. સાયણે પણ આને ઋષિ, દ્રષ્ટી અને બ્રહ્મવાદિની કહી છે. બ્રહ્મવાદિની એટલે બ્રહ્મ વિશે બોલનારી,વાતો કરનારી. સ્ત્રી ઋષિની વ્યાખ્યા એ જ છે, જે પુરુષ ઋષિની વ્યાખ્યા છે. અલગ નથી. આ સ્ત્રી ઋષિઓએ પોતાના તપોબળથી મંત્રોનો સાક્ષાત્કાર કરી ને ઋષિપદ પ્રાપ્ત કર્યું હતું. જેમાં અપાલા, લોપમુદ્રા, ઘોષા,ગાર્ગી,વિશ્વવારા,શ્રદ્ધા જેવી સ્ત્રી ઋષિઓનાં નામો સામેલ છે. જેનામાં ચિંતન અને દર્શનની પ્રૌઢતા જોવા મળે છે. જે અત્રિ, વિશ્વામિત્ર, વસિષ્ઠ જેવા ઋષિઓના સુક્તોમાં જોવા મળે છે.....

વાગ્દેવીની વિશિષ્ટ કૃપાથી સંપન્ન્ જે મનીષીઓને ગરિમા પ્રાપ્ત થઈ છે, એમાની એક છે, ઘોષા. ઋગ્વેદનાં દસમાં મંડળનાં સંકલિત 39, 40 માં મંડળની ઋષિ ઘોષા છે. ઘોષા તેનું નામ છે. કાક્ષીવાનની પુત્રી હોવાથી તેને કાક્ષીવતિ કહેવામાં આવે છે. પ્રમાણોને આધારે એમ કહેવાય છે કે કક્ષીવાન રાજા હતાં. અને ઘોષા રાજ-દુહિતા. સ્વયં ઘોષા પોતાનો પરિચય આ રીતે આપે છે. ”યુવાં હ ઘોષા....રાજ્ઞ ઉચે દુહિતા”.
ઘોષા દ્વારા રચિત સૂક્તોનાં દેવતા અશ્વિનીકુમારો છે. બંને સૂક્તનાં મંત્રોની સંખ્યા 14 છે, તેથી બન્ને સૂક્તનાં મળીને કુલ 28 મંત્રો ઘોષા નાં નામ ઉપર મળે છે.ઋષિનો પ્રિય છંદ જગતી છે. જે પોતાના અક્ષરોનાં વિસ્તારમાં જાણે કે જગતની સમગ્ર વિવિધતા ને સમેટી લે છે.ઘોષા એ રચેલાં મંત્રોમાં ભક્ત હ્ર્દયની વ્યાકુળતા, આત્મસમર્પણ, દીનભાવ,ની સાથે સાથે કવિ હ્રદયની કોમળ કલ્પના, સુખ-દુ:ખ અને હાસ્-અશ્રુ પણ વણાયેલાંછે...
ઘોષાનાં 39 માં સૂક્તનો ભાવાર્થ આ પ્રમાણે છે. આ સુક્તમાં ઘોષા એક નિર્દોષ બાળકની માફક અશ્વિનીકુમારો જે દેવોનાં વૈદ્ય છે. તેને પ્રાર્થના કરે છે.
ઘોષાની અશ્વિનીકુમારોને પ્રાર્થના :--- ( સૂક્ત-39 )
તેમને પ્રાર્થના કરતાં કહે છે ,કે, હે અશ્વિનીકુમારો ! હે દેવો ! તમારો જે સર્વત્ર સુખપૂર્વક ગમન કરવા વાળો જે રથ છે, તેને તમે આમંત્રિત કરો. હું પણ તેને આમંત્રિત કરું છું. આ મંત્રમાં અશ્વિનીકુમારોની સંકલ્પના સુંદર રથ પર વિરાજમાન દેવ-યુગલ નાં રૂપમાં કરવામાં આવી છે. એક શિશુ સહજ બાળ સ્વભાવથી અને નિર્ભયતાથી બાળક જેમ પિતાનું આહ્વાન કરે તેમ ઘોષા અશ્વિનીકુમારોનું આહ્વાન કરે છે. આગળ કહે છે કે હે અશ્વિનીકુમાર દેવો ! અમને ઉત્તમ મધુર વચન બોલવામાં પ્રવૃત કરો, અર્થાત મને મધુર વાણી પ્રાપ્ત થાઓ. અમને કાર્યોમાં સફળ બનાવો. અમારામાં ઉત્તમ બુદ્ધિને પ્રેરિત કરો....1.....
વળી પ્રાર્થના કરતાં કહે છે કે, અમે કામના કરીએ છીએ કે અમને ધનનાં ભાગી બનાવો,કલ્યાણકારક સોમની જેમ અમને ધનવાનોમાં મુખ્ય બનાવો.આગળનાં મંત્રોમાં ઘોષા અશ્વિનીકુમારોને લોકમંગલકારી કાર્યોનું વિવરણ પ્રસ્તુત કરે છે,કે હે નાસત્ય ! તમે જ પિતૃગૃહે રહીને વૃદ્ધ થતી સ્ત્રી એટલે કે મને સૌભાગ્યવર પ્રદાન કરો છો. શક્તિહીન અને પતિતનાં તમે આશ્રયદાતા છો. અંધ, દુર્બળ અને રોગપીડિતોનાં તમે જ ચિકિત્સક કહેવાઓ છો.( નાસત્યનો અર્થ:- અશ્વિનીકુમારો ન અસત્ય છે. એટલેકે ઘોષાની દ્રષ્ટીમાં અશ્વિનીકુમારો દીન-દુ:ખીઓના, રોગીઓનાં સાચા ઉદ્ધારક છે. તેથી ઘોષા તેમને નાસત્ય કહીને સંબોધેછે.
હે અશ્વિનીકુમારો ! જેવીરીતે કુશળ શિલ્પી તેનો સંસ્કાર કરીને જીર્ણ રથને ચાલવા યોગ્ય બનાવે છે , તેવીરીતે તમે જરાજીર્ણ ચ્યવન ઋષિને પુન: યૌવન આપીને ચાલવામાં સમર્થ બનાવ્યા હતાં, તમે જ ડૂબતાં તુગ્ર પુત્રને બચાવીને કિનારે લાવ્યાં હતાં.તેથી તમારું આ કાર્ય યજ્ઞમાં વિશેષ રૂપથી વર્ણવવા યોગ્ય છે. ( યૌવન પ્રાપ્ત કરાવનારી ઔષધિ ચ્યવન-પ્રાસ તરીકે જાણીતી છે, જેનાથી શરીરનાં કોષો પુન:જીવિત થતાં શરીર માં તાજગી અને ચામડીમાં એક પ્રકારની ચમક આવે છે. વ્યક્તિ તરોતાજા રહે છે... )
હે અશ્વિનીકુમારો ! દેવો ! હું તમારા વીરતાપૂર્ણ કાર્યોની પ્રશંસા કરું છું. તમે બંન્ને સુખદાયક ચિકિત્સક છો. તેથી અમારી રક્ષા કરવા માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, હે નાસત્ય ! લોકોને શ્રદ્ધાવાન બનાવવા માટે હું તમારી સ્તુતિ કરું છું.
હે અશ્વિનીદ્વય ! હું તમારું બંન્નેનું આહ્વાન કરું છું, સ્તુતિ કરું છું. મારી પ્રાર્થના સાંભળો !
જેવીરીતે પિતા પુત્રને શિક્ષા આપે તેવીરીતે તમે મને શિક્ષા આપો.
હું બંધુરહિત, અજ્ઞાની, કુટુંબરહિત, અને બુદ્ધિહીન છું. મારી દુર્ગતિ થાય તે પહેલાં મારો ઉદ્ધાર કરો.( આ મંત્રમાં વિદુષી ઘોષાની પોતાને અજ્ઞાની અને બુદ્ધિહીન કહે છે ત્યાં તેની વિનમ્રતા પ્રગટ થાય છે, વળી કુટુંબ પ્રત્યેની તેની ઉત્કટ ભાવનાનાં દર્શન થાય છે. વળી આગળ તે કહે છે કે ;
હે અશ્વિનદેવો ! તમે લોકોએ પુરુમિત્ર રાજાની શુંધ્યુવ નામની કન્યાને પોતનાં રથમાં સુરક્ષિત લઈ જઈને તેનો વિમદ નામની વ્યક્તિ સાથે વિવાહ કરાવ્યો હતો,તમે બંન્ને વધ્રિમતીના યુદ્ધમાં તેના આહવાનથી ઉપસ્થિત થઈને તેનાં કપાયેલ હાથની જગ્યાએ સુવર્ણનો હાથ પ્રદાન કરી,તેની પ્રસવપીડા દૂર કરી તેને સુખપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. ( પ્રાચીન સમયમાં પણ ચિકિત્સા કેટલી સમૃદ્ધ હતી તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે, અહીં ઘોષાની વિદ્વતાનાં દર્શન થાય છે. )...
હે અશ્વિની દેવો ! તમે અત્યંત વૃદ્ધ કલિ નામનાં વિપ્ર- ઋષિને ફરીથી યુવાન બનાવ્યા હતાં, પત્ની વિરહથી સંતપ્ત કૂવામાં પડેલાં વંદન નામનાં ઋષિને બહાર કાઢ્યાં હતાં. ખેલ નામનાં રાજાની પત્ની વિશ્પલાને યુદ્ધમાં જાંઘ કપાઈ ગઈ હતી તેને જાંઘનું પ્રત્યારોપણ કરીને ચાલતી કરી હતી... ( ઉપમન્યુને ચક્ષુંનું પ્રત્યારોપણ કર્યું હતું. ) [ અહીં ઘોષાની કવિત્વશક્તિ સોળે કળાએ ખીલી ઊઠે છે. ] આના ઉપરથી પ્રમાણિત થાય છે કે વેદકાળમાં પણ વેદકાલીન નારી કેટલી મહાન હતી ! ઘોષાએ પૂરવાર કર્યું છે , કે સ્ત્રી ક્યારેય અબલા નહોતી, આદિકાળથી સ્ત્રી પણ યુદ્ધો લડતીઆવી છે.....]
અશ્વિનીકુમારોની કરુણા ફક્ત મનુષ્ય માટે જ નથી, પરંતુ પશુ- પક્ષીઓ માટે પણ છે, તેનો ઉલ્લેખ કરતાં ઘોષા કહે છે કે,,
તમે બંન્ને તે જયશીલ રથ પર આરુઢ થઈ,પર્વતની તરફ ઉત્તમ માર્ગે ગમન કરો, અને શયુની બુડ્ઢી ગાયને ફરીથી દૂધવાળી બનાવો. તમે વરૂનાં મુખમાંથી પક્ષીને બચાવીને તેને પુનર્જન્મ આપ્યો છે.
હે અશ્વિનીદેવો ! જે રીતે ભૃગુ રથ બનાવે છે, તેવી રીતે મેં આ સ્તોત્ર રચ્યું છે, જેવી રીતે કન્યા અલંકૃત થઈને યુવા પુરુષને સમર્પિત થાય છે, તે રીતે નિષ્ઠાપૂર્વક હું આ સ્તોત્ર આપને સમર્પિત કરું છું. અમારા પુત્ર-પૌત્રો હંમેશા પ્રતિષ્ઠિત રહે........
ઘોષાનીપ્રાર્થના:- ( સુક્ત-40 )
હે અશ્વિદ્વય ! હું રાજદુહિતા ઘોષા ફરી ફરીને પ્રાર્થના કરું છું કે, તમારા જ વિષયમાં બોલું છું, તમારી જ જીજ્ઞાસા કરું છું, તમે બંન્ને સદા મારું કલ્યાણ કરો. રથયુક્ત, અશ્વયુક્ત, શત્રુદમન માટે મને સમર્થ બનાવો. તમારા જ આશ્રયે હું ઘોષા સુખની કામના કરું છું.
તમારી જ કૃપાથી આ ઘોષા સ્ત્રીજનોચિત સૌભાગ્યને પ્રાપ્ત થઈ છે,તેને ઈચ્છા પ્રમાણેનો વર પ્રાપ્ત થાઓ.તમારી કૃપાથી જ વર્ષા અને ધન-ધાન્ય થાય છે. જેવીરીતે નદીઓ નિમ્નાભિમુખ થઈને વહે છે , તેરીતે કન્યા કામીપુરુષને પ્રાપ્ત થાઓ. [ અહીં ઘોષાની સ્ત્રી સહજ ભાવના , તેની હિંમત, ક્રાંતદર્શી કવિત્વ શક્તિ પ્રગટ થાય છે, સાથે તેની વાક કલાનાં પણ દર્શન થાય છે.............. ]
આગળનાં મંત્રોમાં ઘોષા અશ્વિનીદેવો પાસે પોતાનાં માટે સૌભાગ્ય, પતિગૃહની શ્રી,સંપતિ,સમૃદ્ધિ, પતિને માટે બળ, આરોગ્ય, કલ્યાણ અને મંગલકામના માટે પ્રાર્થના કરે છે.
પતિનો સાચો પ્રેમ, અને પત્નીની ગરિમા પ્રાપ્ત કરવા માટે ઈચ્છુક ઘોષા કહે છે કે, જે પુરુષ પત્નીની રક્ષા કરે છે, પત્ની ને યજ્ઞકાર્યમાં નિયુક્ત કરે છે, પોતાની સશક્ત ભુજાઓ વડે આલિંગન આપે છે,તેને તેમની સ્ત્રીઓ સંતાન ઉત્પન્ન કરીને પિતૃયજ્ઞમાં નિયુક્ત કરે છે.
પતિસુખની અભિલાષિણી ઘોષા કહે છે કે,
હે અશ્વિદેવો ! પતિસુખને હું જાણતી નથી, યુવા પુરુષ અને યુવતી ના સુખને મને સમજાવો. હે અશ્વિદેવો ! મારી એક્માત્ર અભિલાષા છે કે , હું પત્ની પ્રત્યે અનુરાગી હોય, અને બળવાન વીર્યવાન હોય તેવા પતિને પ્રાપ્ત કરું. હું પતિગૃહ સ્વામીની બનું અને પતિને પ્રિય બનું હે અશ્વિદેવો મને એવું વર પ્રાપ્ત થાઓ.
હે અશ્વિદ્વય ! હું તમારી સ્તુતિ કરું છું ,તમે મને સંતુષ્ટ થઈને મારા પતિનાં ઘરમાં ધન અને સંતતિ પ્રદાન કરો .હે જળનાં સ્વામી હું જે તીર્થ નું જળ પીઉં છું તે જળને સુખથી પીવા યોગ્ય બનાવો. વિઘ્નોને દૂર કરો.
દસમાં મંડળનાં 40માં સૂક્તમાં ઘોષાએ એક એવી કન્યાનું હ્રદય ખોલી નેવર્ણવ્યું છે કે,જે પોતાની આંખોમાં વિવાહિત જીવનનાં અનેક સ્વપનો સજાવીને પતિગૃહે જવાની ઉત્કંઠા ધરાવતી હોય.રાજદુહિતા હોવા છતાં પણ ઘોષા ઋષિ છે.પોતાના તપોબળથી તેણે મંત્રાત્મક અભિવ્યક્તિનું સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે. નારી હ્ર્દયની સહજ સંવેદનશીલતા તેને ઈંદ્રજેવા પરાક્રમી યોદ્ધાની નહીં પરંતું કરુણાહ્ર્દય, પરોપકારી, દીન-દુ:ખીઓનાં ઉદ્ધારક દેવયુગલની સ્તુતિ કરવા માટે પ્રેરિત કરે છે.
બ્રહ્મવાદિની ઘોષાનું આ સૂક્ત વૈદિક ચિંતનશીલતાનાં હ્ર્દય સમાન છે. ભારતીય સંસ્કૃતિ, ધર્મ, દર્શન, સમાજ, શિક્ષા, નીતિ, આચાર, કલા, શિલ્પ વગેરે તમામ વિકાસનું દર્પણ છે. લોકમંગલકારી કાર્યો માટે આનાથી વધારે સારો સંદર્ભ ઋગવેદનાં બીજા કોઈ પણ સૂક્તમાં જોવા મળતો નથી.પ્રાચીન ઋષિમુનિઓ અને રાજાઓનાં જીવનની ઘટનાઓ નું વર્ણન ઐતિહાસિક- પૌરાણિક સંદર્ભ સાથે માત્ર અહીં જોવા મળે છે. ઘોષાની આ ઋચાઓ તેને સંસ્કૃત વાડ્મયમાં આદ્ય પ્રવર્તક અને કાલજયી કવિ,સત્યદ્રષ્ટા ઋષિનાં રૂપમાં પ્રસ્થાપિત કરેછે.........જયતુ જયતુ નારી...................
[ ( C ) & BY : DR.BHATT DAMYANTI H. .....]