ઇકરાર - (ભાગ ૧૨) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇકરાર - (ભાગ ૧૨)

તમે થોડા દિવસ મોજ મજા કરો અને આરામ કરો એટલે પછી તમારા શરીરને આળસ ચડવા માંડે. શરીરને આરામ કરવાની આદત પડી જાય પછી કોઈ પણ કામ કરવામાં રસ જ ન જાગે. એક અઠવાડિયું હરવા ફરવામાં ગાળ્યા પછી મેં સંદીપને કહ્યું કે તારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો બતાવ. આમ નવરા બેઠા બેઠા કંટાળો આવવા લાગશે.


રીચાને પણ હવે કોલેજ શરૂ થવાની હતી. સંદીપે અમને ત્યાંના ટ્રાન્સપોર્ટની સીસ્ટમ કેવી રીતે કામ કરે છે એ સમજાવી દીધું હતું એટલે હવે અમને એકલા જવામાં વાંધો આવે તેમ ન હતો. હું બાયોડેટા લઈને ઈન્ટરવ્યું માટે નીકળતો હતો એજ વખતે રીચા પણ બેગ લઈને તેના રૂમમાંથી બહાર આવી.


મારાથી પુછાઈ ગયું, “ક્યાંય બહાર જવાનો પ્લાન છે?”


એણે કહ્યું, “હા. આજથી કોલેજ શરૂ થાય છે.”


મેં કહ્યું, “હું પણ જોબ માટે ઈન્ટરવ્યું આપવા જાઉં છું.” વિદેશની ધરતી પર પગ મુકતા જ આપણી બોલચાલમાં અમુક અમુક અંગ્રેજી શબ્દો આવી જાય છે.


હું અને રીચા વાતો કરતાં કરતાં સાથે જ ટ્રામમાં નીકળ્યા. મારે ઉતારવાનું સ્ટેન્ડ પહેલાં હતું અને તે આવ્યું એટલે સાંજે મળીએ કહીને હું ઉતરી ગયો. મેં ગુગલમાં લોકેશ નાંખીને ચેક કરી લીધું કે મારે ક્યાં જવાનું છે. હું જ્યાં ઉતર્યો હતો ત્યાંથી સાત મિનીટ દૂર મારે જ્યાં જવાનું હતું એ જગ્યા આવેલી હતી. આજુબાજુનો નજરો જોતા જોતા હું ચાલવા લાગ્યો.


આખો દિવસ રખડ્યા પછી સાંજે હું લગભગ સાડા છ વાગતાં ઘરે આવી ગયો. મારા રૂમમાં જઈને ફ્રેશ થઈને થોડો આરામ કરીને હું નીચે આવ્યો. રીચા સોફા પર બેઠી હતી. મેં મૈત્રીભાવે પૂછ્યું, “કેવો રહ્યો આજનો દિવસ?”


એણે કહ્યું, “બસ કંઈ ખાસ નહીં. ક્લાસના બીજા વિદ્યાર્થીઓ સાથે એકબીજાની ઓળખાણ અને આખું વર્ષ શું સ્ટડી કરીશું એનો પ્લાન ડિસ્કસ કર્યા.”


એટલી વારમાં સંદીપ પણ આવી ગયો. અમને બંનેને અમ સાથે બેસીને વાતો કરતા જોઈ જાણે નવાઈ લાગી હોય એમ બોલ્યો, “બંને સાથે જ આવ્યા કે શું?”


મેં કહ્યું, “ના હું તો હાલ જ આવ્યો. રીચા ક્યારે આવી એ મને ખબર નથી.” રીચાએ કહ્યું કે એ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે આવી ગઈ હતી.


સંદીપે કુતુહલતાવશ પૂછ્યું, “કેવો રહ્યો આજનો દિવસ?”


મેં આખા દિવસનો અહેવાલ આપતા કહ્યું, “ઈન્ટરવ્યું તો બધી જગ્યાએ સારા જ રહ્યા છે. બધાએ કહ્યું છે કે કોલ કરશે. મને તો એવું લાગે છે કે અહિયાં નોકરી મેળવવી બહુ અઘરી નથી.”


સંદીપે મારી વાતને સમર્થન આપતા કહ્યું, “હા અહિયાં નોકરી અને છોકરી બંને મેળવવા અઘરા નથી.”


પાછળથી દિવ્યાનો અવાજ આવ્યો, “એમ!”


સંદીપે વાત વાળી લેતા કહ્યું, “એટલે મારો કહેવાનો મતલબ હતો કે કુંવારા માટે..” અને બધા એક સાથે હસી પડ્યા. અમે ચારેય જણાએ સાથે મળીને ઘણી વાતો કરી અને મેં થોડો સમય શિખા સાથે પસાર કર્યો અને એમ કરતાં કરતાં જમવાનો સમય થઈ ગયો. બધા જમીને પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. લગભગ એકાદ કલાક પછી સંદીપ મને અને રીચાને પૂછવા આવ્યો કે અમારે તેમની સાથે વોક કરવા આવવું છે અને અમે ચારેય જણા બહાર ટહેલવા નીકળ્યા.


થોડીકવારમાં રીચાના ઘરેથી ફોન આવ્યો એટલે એ એના મામી પપ્પા સાથે વાતો કરવા લાગી અને અમારી બધાની ઓળખાણ કરાવી કે એ અમારી સાથે રહે છે. બધા પાછા ફરીને પોતપોતાના રૂમમાં ગયા એટલે મેં મારા ઘરે મમ્મી પપ્પા સાથે વાત કરવા એમને ફોન લગાવ્યો અને હું અહિયાં ખુબ ખુશ છું તથા મજા કરું છું એમ જણાવ્યું. ત્યાં જ મારી મમ્મીએ એની આગવી અદા પ્રમાણે કહ્યું કે મજા જ કરીશ કે કામ પણ કરીશ. થોડીવાર વાતો કરી હું પણ મારા રૂમમાં જઈને સુઈ ગયો.


બીજે દિવસે મેં આપેલા ઈન્ટરવ્યુંમાંથી બે જગ્યાએથી ફોન આવ્યો. મેં સબ વેની નોકરી એ ગણતરી કરીને પસંદ કરી કે એક ટાઈમનું જમવાનું ત્યાં જ થઈ જશે એટલે ટીફીન લઈ જવાની કે બહાર ખાવા જવાની ઝંઝટ નહીં રહે અને આમ પણ પગાર મોટેભાગે બધે સરખો જ મળે છે એટલે કામ જ કરવું છે તો અહિયાં કેમ નહિ. પંદર દિવસ પછી મને લાગ્યું કે મારે હજી બીજી ચાર કલાકની પાર્ટ ટાઇમ જોબ શોધી લેવી જોઈએ, જેથી મારી પાસે જે ફાજલ સમય બચે છે એમાં હું વ્યસ્ત રહી શકીશ. મેં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ડીલીવરી બોય તરીકે પાર્ટ ટાઈમ જવાનું શરૂ કરી દીધું.


મારે સબ વેમાં કામ શરૂ કર્યાને ચાર દિવસ થયા હતા એટલે હજી સુધી હું સ્ટાફ સાથે એટલો બધો હળીમળી શક્યો ન હતો, પણ કોશિશ કરી રહ્યો હતો કે બધાને મિત્રો બનાવી શકું. અનીકા, રોબર્ટ, મેથ્યુ અને હું અમે ચારેય જણા ધીમે ધીમે દોસ્ત બનવા લાગ્યા હતા અને એક અઠવાડિયા પછી તો મને એવું લાગવા માંડ્યું કે હું અહિયાં વર્ષોથી કામ કરતો હોઉં.


મને સબ વેમાં દસેક દિવસ થયા હશે ને મેથ્યુએ જણાવ્યું કે કાલથી રોબર્ટની જગ્યાએ નવી મેનેજર આવવાની છે. મને મનમાં થયું કે નવી હોય કે જૂની આપણે તો કામ કરવાથી મતલબ છે. બીજે દિવસે મારા નિયમિત સમયે સબ વેની બ્રાંચ પર પહોંચી ચેન્જીગ રૂમમાં કપડાં બદલવા માટે જેવું ચેન્જીગ રૂમનું બારણું ખોલ્યું કે અંદરનું દ્રશ્ય જોઇને મારી આંખો ચોંટી ગઈ. અંદર એક યુવતી લાલ રંગના આંતરવસ્ત્રોમાં મારી તરફ પીઠ કરીને ઉભી હતી. જેવી પીઠ ફેરવીને એણે મારી સામે જોયું કે મારા હોશ ગુમ થઈ ગયા. મેં મારી અત્યાર સુધીની જિંદગીમાં ફિલ્મો સિવાય સાક્ષાત આટલી સુંદર યુવતી જોઈ ન હતી અને એ પણ ફક્ત આંતરવસ્ત્રો પહેરેલી. મેં મારી નજર હટાવીને તરત ‘સોરી’ કહીને બારણું બંધ કરી દીધું.


બારણું બંધ કરીને બહાર ઉભા ઉભા પણ મારા હોશ ઠેકાણે આવ્યા ન હતા. ત્યાં જ અનીકાના ગુડ મોર્નિંગે મને હોશમાં લાવતા પૂછ્યું ક્યાં ખોવાયેલો હતો. મેં ફક્ત નકારમાં માથું જ હલાવ્યું. અંદર રહેલી યુવતી ડ્રેસ બદલીને બહાર આવી અને અનીકા અંદર ગઈ, પણ હજી મારી હિંમત ન હતી થતી કે પેલી બહાર આવેલી યુવતીની સામે જોઉં.


એણે મને હલો કહી મારી સામે હાથ લંબાવ્યો. મને થયું કે જો હું હાથ નહીં લંબાવું તો એ એનું અપમાન સમજશે, પણ એને ક્યાં ખબર હતી કે મારામાં એના હાથને અડવાની તાકાત નહતી. મેં શરીરમાં રહેલી તમામ તાકાત મારા હાથને આપીને મારા હાથને તેના હાથ સાથે મેળાપ કરાવ્યો. મને એવું લાગ્યું જાણે કે, મેં કોઈ મખમલ હાથમાં પકડ્યું હોય, એ હદે એના હાથ મુલાયમ હતા. હવે બધી તાકાત આંખોમાં લાવી આંખો ઉપર કરી મોંમાંથી તુટક તુટક હલો શબ્દો વહેતા કર્યા.


એણે એનું નામ એલીસ વિલિયમ કહ્યું ને મને એના શબ્દોમાં મધ ઝરતું અનુભવાયું. મારાથી મહાપરાણે મહર્ષિ બોલાયું. એજ અમારી નવી મેનેજર હતી અને મારી પહેલી મુલાકાત જ અદભુત બની. મને ડર હતો કે એ ગુસ્સામાં કંઈ ન બોલવાનું બોલી નાખશે પણ બન્યું તેનાથી તદ્દન વિરુદ્ધ.


એ મારી બાજુમાંથી પસાર થઈ ત્યારે તેનામાંથી એક સાથે હજારો ફૂલોની સુગંધ વાતાવરણમાં ભળી હોય એવી સુગંધ પ્રસરી રહી. મેં એને જતા જોવા એની પીઠ તરફ નજર કરી. ઉન્નત ખભાથી નીચે જોતા મારી નજર એની કમર પર પડી. રેમ્પ વોક કરતી મોડેલની માફક તેની કમર અને તેના નિતંબ તાલબદ્ધ રીતે વારાફરથી એક બીજા સાથે તાલમાં તાલ મિલાવી રહ્યા હતા. મારા મોંમાંથી શબ્દો સરી પડ્યા, “જાલિમ.” એ દરવાજો ખોલી અંદર પ્રવેશી અને હું બંધ થતા દરવાજામાંથી દરવાજો પુરેપુરો બંધ ન થયો ત્યાં સુધી એને નિહારતો રહ્યો. મારા શરીરમાં અનેરી તાજગી ફરી વળી હતી. એની સુંદરતા મારા મન ને મગજ પર કાબુ મેળવી ચુકી હતી ને મને પણ હૃદય કહી રહ્યું હતું કે ઓસ્ટ્રેલીયાનો આંટો સફળ થઈ ગયો. બસ અમારા બંનેના નાના નાના ત્રણ ચાર બાળકોને રમાડું એટલે પૃથ્વી પરનો ફેરો પણ સફળ થઈ જાય. મેં મનોમન નક્કી કરી નાખ્યું કે જિંદગી આની સાથે જ જીવવી છે.