ઇકરાર - (ભાગ ૫) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇકરાર - (ભાગ ૫)

હજી તો માંડ બે મહિના જ વીત્યા હતા જીનાલીના રમખાણને એટલે કે અમારા બ્રેકઅપને ને હું સલોનીના પ્રેમમાં પડ્યો. એ મારા કરતાં એક વર્ષ મોટી હતી. અમે બંને એક જ ટ્યુશન ક્લાસમાં હતા છતાં મેં ને કોઈ દિવસ એ રીતે નહતી જોતી જે રીતે એક પ્રેમી પોતાની ભાવિ પ્રેમિકાને જુએ.


સલોનીને મેં ઘણીવાર ટયુશનમાંથી છૂટતા જોઈ હતી. એને મેં જયારે પણ જોઈ હતી ત્યારે પંજાબી ડ્રેસમાં જોઈ હતી. ન કોઈ લાલી લિપસ્ટિક કે ન તો કોઈ પાઉડર મેક અપ. અમારા ટ્યુશનમાં લગભગ ૨૦૦ જેટલી છોકરીઓ આવતી હતી, હવે એમાં જ્યાં આંખો સુંદરતા જોવા ટેવાયેલી હોય ત્યાં સલોની પર નજર ન જાય એ કંઈક નવાઈ જેવું ન હતું.


અમારો ટ્યુશન ક્લાસ બીજા માળે હતો. એ દિવસે હું ટ્યુશનના સમય કરતાં મોડો પડ્યો હતો એટલે હું ફટાફટ સીડી ચડીને ઉપર જઈ રહ્યો હતો. હજી તો હું સીડીની મધ્યમાં પહોંચ્યો હોઈશ ત્યાં જ મેં ડાર્ક ગુલાબી સ્કીન ટાઈટ લેગીન્સ ઉપર ગુલાબી રંગના નાના ટપકાંથી ભરેલા સફેદ ટોપમાં સજ્જ સલોનીને ઉપરથી નીચે ઉતરતી જોઈ અને મારી નજર એના પર ચોંટી ગઈ. મોં પર મેક પણ અને હોંઠ પર ગુલાબી લિપસ્ટિક તેના ગોળ ભરાવદાર ચેહરા પર શોભતા હતા. પહેલીવાર મને એની સુંદરતાના દર્શન થયા હતા. મારી તરફ એક ઊડતી નજર નાખીને તે મારી બાજુમાંથી પસાર થઈ સીડીઓ ઉતરી રહી હતી ત્યારે મેં એને પાછળથી નિહાળી. એની કમર આટલી પાતળી હશે એનો મને તદ્દન ખ્યાલ જ ન હતો આવ્યો. એના નિતંબ વારાફરથી લયબદ્ધ રીતે ઉપરનીચે થતા હતા. કપડાં સુંદરતામાં વધારો કરે છે તેનો વિશ્વાસ મને આજે થયો હતો.


મારા મોંમાંથી આપોઆપ ‘જાલિમ’ શબ્દ સરી પડયો, જેનો ગુંજ તેના કાન સુધી પહોંચ્યો ને તે મારી તરફ ફરીને બોલી, “શું?”


મેં ભૂલ સુધારતા કહ્યું, “કંઈ નહીં. સુંદર છે.” એના ચેહરા પર અચરજ હતું છતાં હોંઠ પર સ્મિત રમતું દેખાયું. જાણે એ સમજી ગઈ હોય કે હું શું કહેવા માંગું છું એમ મારી તરફ પૂંઠ ફેરવીને ચાલી ગઈ.


પછી તો દરરોજ અમે એકબીજાને જોતા ને હરખ પામતા. દસમાં દિવસે તો મેં એને પૂછી જ લીધું કે મને તમે ગમો છો, હું તમને ગમું છું? એ કંઈપણ બોલ્યા વગર શરમાઈને જતી રહી. મને સમજાયું નહિ કે એનો જવાબ હા છે કે ના, કેમ કે મારો કોઈ છોકરીને પ્રપોઝ કરવાનો આ પહેલો અનુભવ હતો.


બીજે દિવસે મારા પૂછવાથી કે તમે કોઈ જવાબ ના આપ્યોના જવાબમાં હકારમાં માથું હલાવી નીકળી ગઈ. એ રાતે એ મારા સપનામાં આવી. એ જ સફેદ ડ્રેસ અને ગુલાબી લેગીગ્સમાં એક ગુલાબી પ્રકાશ પથરાયેલા ઓરડામાં સફેદ ચાદર પર બિછાવેલા લાલ ગુલાબની પાંદડીઓના ઢગલામાં અમે હોંઠોથી શરૂ કરેલા પ્રેમમાં આખરે એકમેકમાં સમાઈ ગયા.


પણ સ્વપ્ન અને હકીકત જુદા હોય છે એનો પરચો મને ત્યારે થયો જયારે અમે અમારા પ્રેમસંબંધના બેએક મહિના વીત્યા પછી એક દિવસ તળાવ કિનારે બેઠા હતા ને મેં એના ગાલ પર કરેલા ચુંબનના બદલામાં ચુંબનને બદલે એણે મારા ગાલ પર તમાચો ઝીંકી દીધો. અને ગુસ્સામાં બોલી, “તું મને એવી છોકરી સમજે છે.” આટલું બોલી તે ત્યાંથી નીકળી ગઈ. એ જઈ રહી હતી ત્યારે મારા મનમાં તો થયું, ‘જઈને મેલું પાટું જાય ગડથોલું ખાતી.’ પણ મને પેલો અવાજ સંભળાયો, ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ.’ હું એ વિચારીને ગભરાઈ રહ્યો હતો કે સારું થયું એના ગાલ પર કિસ કરી, જો ભૂલથી એના હોંઠ પર કરી હોત તો... મારા તૂટેલા હોંઠ કેવા લાગત.


ત્રીજીવાર હું જેના પ્રેમમાં પડ્યો એ પૂજા બ્લેક બ્યુટી હતી. ‘કાળી પણ કામણગારી’ એ કહેવત એની બિરાદરી માટે જ બની હશે એ એના પરિચય પરથી ખબર પડે. અમારી પહેલી મુલાકાત આનંદમેળામાં થઈ હતી. મારી નજર એની સાથે બે ત્રણ વાર મળી. હું મારા ભાઈબંધો સાથે આનંદમેળામાં ફરતો હતો ત્યારે એક નાનકડી છોકરી મને આવીને ચિઠ્ઠી આપી ગઈ. મેં ચિઠ્ઠી ખોલીને જોઈ તો જોતો જ રહી ગયો. ચિઠ્ઠીમાં મોબાઈલ નંબર લખ્યો હતો. મને સમજાતું ન હતું કે આ નંબરનું શું કરવું? એવું નહતું કે મને મોબાઈલ નંબર મળ્યો એ ગમ્યું નહતું, પણ તકલીફ એ હતી કે મારી પાસે મોબાઈલ જ ન હતો અને ભાઈબંધના મોબાઈલથી ફોન કરાય નહીં. કેમ? અરે હું સાઇડમાં રહી જાઉં અને લશ્કર બીજે લડવા માંડે.


બીજે દિવસે એક રૂપિયાના સિક્કા લઈને હું STDની બહાર મુકેલા લાલ ડબલાંમાં એક સિક્કો નાંખીને ફોન લગાવવા મથી રહ્યો હતો. બે વાર ટ્રાય કરવા છતાં કોઈએ ફોન ન ઉઠાવ્યો તો પણ હિંમત હાર્યા વગર મેં ત્રીજીવાર ફોન ડાયલ કર્યો અને સામેથી મીઠો અવાજ આવ્યો, “હલો, કોણ?”


મેં ગભરાતાં ગભરાતાં હલો કહ્યું. સામેથી ફરી મીઠો અવાજ સંભળાયો, “કોણ બોલો છો, ભાઈ?” ભાઈ શબ્દ કોઈએ કાનમાં ગરમ પાણી રેડ્યું હોય એવો મને લાય જેવો લાગ્યો, છતાં મેં કહ્યું, “મહર્ષિ?”


“કોણ મહર્ષિ?” એને બિચારીને ક્યાંથી ઓળખાણ પડે.


મેં ચોખવટ કરતાં કહ્યું, “તમે ફોન નંબર આપ્યો હતોને એ?”


એણે કહ્યું, “ક્યાં આપ્યો હતો?” આટલું સાંભળતા તો પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવો ધ્રાસકો પડ્યો. ક્યાં ક્યાં નંબર આપી આવી છે આ.


સામેથી હસવાનો અવાજ સંભળાયો, “અલા, મજાક કરું છું. બોલ.”


મેં કહ્યું, “કાલે મળીયે?” અને ટક ટક ટક અવાજ સંભળાયો. એણે ફોન કટ કરીને મારું અપમાન કર્યું હોય એવું ફિલ થયું. પરંતુ મેં જોયું તો એણે નહીં પણ મારી એક રૂપિયાની સેકન્ડ પૂરી થઈ ગઈ હતી. હું ફોન લગાડું એના પહેલાં જ એનો ફોન સામેથી STD બૂથના એ લાલ ડબલામાં આવ્યો અને અમે બીજે દિવસે એની એક ફ્રેન્ડના ઘરે બપોરે મળવાનું નક્કી કર્યું.


પછી તો અમે અઠવાડિયામાં ત્રણ ચાર મળતાં અને ભરપુર પ્રેમ કરતાં. એ એટલી નિખાલસ (બ્રોડ માઈન્ડેડ) હતી કે ભરપુર પ્રેમ સંભવી શકતો. પણ કાળી હતી તોય અમારા પ્રેમને કોઈની નજર લાગી હોય એમ એક દિવસ અવાવરું જગ્યાએ એની સ્કૂટીના ટેકે એ મારા ખોળામાં બેઠી હતી ને અમે પ્રેમાલાપમાં વ્યસ્ત હતા ત્યાં જ બે ચાર પહેલવાન અમારી સામે આવીને ઉભા થઈ ગયા. એમને જોતા જ એ ઉછળીને મારા ખોળામાંથી ઉભી થઈ ગઈ. પેલા પહેલવાનોમાંથી એક જણાએ એને એક ઝાપટ મારી દીધી. એ પહેલવાનોનો મુકાબલો કરવાની મારી તાકાત ન હતી તો પણ મર્દાનગી બતાવવા મેં પેલાઓને લલકારતા કહ્યું, “એ છોકરી પર શું હાથ ઉપાડે છે? તાકાત હોય તો મારી સાથે વાત કર.” મારા દ્વારા બોલાયેલા વાક્ય પછીની પેલા પહેલવાનોએ મારી કરેલી ધોલાઈની ઘટના પછી મારી સમજમાં આવી ગયું કે પ્રેમ આંધળો હોય છે, કારણ કે મારી સામે ઊભેલા પહેલવાનો મને તોડી નાખવાની ક્ષમતા ધરાવતા હોવા છતાં મેં એમને લલકાર્યા ને એમનો કલર જોઈને પણ હું ન સમજ્યો કે એ તેના ભાઈ હોઈ શકે છે.


ભલે મને તોડી નાંખ્યો પણ માનવતા ન ભૂલ્યા. મને હોસ્પિટલ પહોંચાડી દેવાને બદલે મને મારા ઘરે લઈ ગયા અને આખી ઘટના વિસ્તારથી મારા મમ્મી પપ્પાને સુણાવી. હવે તમે સમજી જ ગયા હશો કે કેમ હું બી કોમથી આગળ ભણી ન શક્યો ને કેમ મારા ઘરમાં મારી ઈજ્જત નથી.


હું દવાખાને પાટાપીંડી કરાવીને બહાર નીકળતો હતો ત્યાં જ પૂજા સામે આવી. મારી હાલત કાપો તો લોહી ના નીકળે એવી હતી. મેં આજુબાજુ જોયું ક્યાંય પેલા પહેલવાનો તો નથીને.


પૂજા નિખાલસતાથી બોલી, “એ નથી આવ્યા.” થોડુંક અટકીને બોલી, “સોરી, આપણે હવે નહીં મળીએ.” મનમાં તો થયું કે ‘મેલું પાટું જાય ગડથોલું ખાતી.’ પણ મને ફરી પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.”


એ ત્યાંથી નીકળી ગઈ. પૂજાથી છુટકારો થયો એનાથી મારી ખુશી સમાતી ન હતી, મેં જેવા નાચવા હાથ ઊંચા કર્યા કે દર્દથી કણસી ઉઠ્યો. મને ફરી પેલો અવાજ સંભળાયો. તમે વિચારતા હશો કે આ વારેઘડીયે કોનો અવાજ સંભળાય છે તને. તો તમને કહેવાનું રહી ગયું કે એ અવાજ રજનીકાકાનો છે.


રજનીકાકા કોણ? ઓળખાણ આપું એમની. રજનીકાકા અમારા વિસ્તારના ફેમસ વાળંદ છે અને મેં મારા જીવનની મોટાભાગની ફિલોસોફી તેમના મુખેજ સાંભળી છે. મને એ જયારે જ્યારે બોલે ત્યારે કોઈ પ.પૂ.ધ.ધૂ.૧૦૦૦૮ શ્રી રજની સંત બોલતા હોય એવું લાગે. એકવાર એમને મને મારા વાળ કાપતા કાપતા કહેલું, “મહર્ષિ પ્રેમમાં પડો તો વાગે એ નક્કી. ક્યારેક તરત અસર થાય અને જો બેઠો માર વાગે તો શિયાળામાં થાય. પણ થાય ચોક્કસ. પ્રેમમાં પડો નહીં, પણ પ્રેમમાં તરો. જેને પ્રેમમાં તરતા આવડ્યું એ જ પેલે પર જઈ શકે.” મને અત્યારે મારી હાલત જોઈ એ બરાબર બંધબેસતું જણાતું હતું.