હું સવારે ઉઠયો ત્યારે લગભગ આઠ વાગી ગયા હતા. હજી શરીરમાં રહેલી સુસ્તી ખંખેરવા આખા શરીરને બંને તરફ આમળીને આળસ મરડી ફ્રેશ થયો ત્યાં જ દિવ્યાનો અવાજ સંભળાયો, “ઊંઘ આવી બરાબર.”
મેં બગાસું ખાતા કહ્યું, “હા. ગુડ મોર્નિંગ.”
દિવ્યાએ મને સામે ગુડ મોર્નિંગ કહ્યું અને કોફીનો કપ લઈને આવી મારી સામે બેઠી. મેં દિવ્યા પાસેથી એણે મારી સામે ધરેલો કપ લઈને એને નિહારતા કહ્યું, “તને જોઇને કોઈ કહે નહીં કે તું બે બાળકોની માં છે.”
દિવ્યા મારી ટીખળ કરતાં બોલી, “ચલ હટ, ફ્લર્ટ કરે છે.”
મેં કહ્યું, “ના ના ખરેખર કહું છું. જો તું ઇન્ડીયામાં હોત તો અત્યારે તારી ઉંમર દેખાવા લાગી હોત. તારી જ નહીં સંદીપની પણ. સંદીપે પણ ફિટનેસ સરસ જાળવી રાખી છે. અહીંના વેધરનો ફરક ચોખ્ખો દેખાય છે.”
ત્યાં જ સંદીપ આવ્યો અને બોલ્યો, “ઊંઘ આવી કે નહીં અહીં સોફા પર.”
મેં કહ્યું, “મને તો ગમે ત્યાં ઊંઘ આવી જાય. ફક્ત શરીર થાક અનુભવવું જોઈએ.”
સંદીપે કહ્યું, “તારી બહેનપણી ઊઠી કે નહીં?”
મેં જરાક આંખ કાઢીને સંદીપને કહ્યું, “અલા, આવી કમેન્ટ્સ એના સંભાળતા ન કરતો. એને ખોટું લાગશે.”
દિવ્યાએ મને પૂછ્યું, “પણ તને એ મળી ક્યાં?”
મેં દિવ્યા અને સંદીપ બંનેને અમારા પ્રથમ મુલાકાતથી અહીં આવ્યા સુધીની આખી ઘટના કહી સંભળાવી. આખી ઘટના સાંભળ્યા પછી દિવ્યા બોલી, “પણ રીચાનો સ્વભાવ સારો લાગે છે. એને વાંધો ન હોય તો હંમેશ માટે સાથે રહો.”
મેં આંચકો આપતા કહ્યું, “ના ભાઈ ના. આપણે તો ઓસ્ટ્રેલીયન સીટીઝન શોધવી છે. આમેય અહીં સીટીઝનશીપ લેવી અઘરી છે.” એ વાતને પડતી મૂકી અમે બીજી વાતોએ ચડી ગયા. થોડીકવારમાં રીચાએ આવીને બધાને ગુડ મોર્નિંગ વિશ કર્યું અને મેં ફ્રેશ થવા રૂમમાં જવા પગ ઉપાડ્યા.
સંદીપે કહ્યું, “આજનો દિવસ થોડી તકલીફ વેઠી લે. સાંજ સુધીમાં તમારી રૂમની સામેનો જે રૂમ છે એનો બધો સામાન શિફ્ટ કરીને ગેરેજમાં ગોઠવી દઈએ છીએ.”
હું ફ્રેશ થઈને આવ્યો પછી નાસ્તો કરીને મેં અને સંદીપે હાલ અમારો જે રૂમ હતો એની બિલકુલ સામેના રૂમનો સામાન કાઢીને ગેરેજમાં સેટ કરી આખો રૂમ ખાલી કરી નાંખ્યો. રૂમ થોડોક નાનો હતો, પણ મને એ મારા માટે અનુકુળ લાગ્યો હતો. રૂમને જોઇને જ મેં એને મારી રીતે સજાવવાનું નક્કી કર્યું હતું. મેં મારો બધો સામાન મારા નવા રૂમમાં લાવી ગોઠવી દીધો.
બપોરે જમ્યા પછી સંદીપે મને કહ્યું કે ચાલો હું તમને બંનેને મારું આખું ઘર બતાવું. સંદીપનું ઘર બે માળનું હતું નીચેના ફ્લોર પર ડ્રોઈંગરૂમ અને તેની ડાબી તરફ ઓપન કિચન હતું. ડ્રોઈંગરૂમની જમણી બાજુએ રહેલા પેસેજની બંને તરફ એક એક રૂમ હતા, જેમાં એક રૂમ દિવ્યા તથા સંદીપ માટે અને બીજો રૂમ તેના દીકરા યુવરાજ અને દીકરી શિખા માટે હતો. યુવરાજ સાત વર્ષનો અને શિખા પાંચ વર્ષની હતી. ઉપરના માળે અમને બંનેને ફાળવેલ એક એક રૂમ સિવાય એક મોટો રૂમ હતો જેમાં મિની થીયેટર અને નાનકડો બાર બનાવેલો હતો. સંદીપે જણાવ્યું કે આ રૂમ ગેટ ટુ ગેધર માટે હતો. ઘરની આગળની બાજુએ ખુલ્લી જગ્યામાં નાના મોટા ફૂલછોડ લગાડેલા હતા અને ઘરની ચારેય બાજુ હારબંધ અલગ અલગ જાતના ઝાડ હતા. ઘરને અડીને ડાબી બાજુએ ગેરેજ હતું, જેમાં બે ગાડીઓ હતી. જેમાં એક ટોયોટા કંપનીની કોરોલા અને બીજી મર્સીડીઝની કંપનીની સી ક્લાસના કોઈ મોડલની કાર નજરે ચડતી હતી. ઘરની અંદર પણ શો પીસ અને વોલ પર સુંદર ચિત્રોની ફ્રેમો લગાડેલી હતી.
ઘર જોઇને રીચા બોલી ઊઠી, “સુંદર ઘર છે.”
મેં ઉમેરતા કહ્યું, “સુંદરની સાથે સાથે જે સજાવટ કરી છે તે પણ અદભુત છે.”
સંદીપે મારું અને રીચાનું IMB બેંકમાં ખાતું ખોલાવ્યું જેથી અમારે કોઈ પણ પ્રકારના નાણાંકીય વ્યવહાર કરવા હોય તો સરળતા પડે. અમારા બંનેના ખાતામાં એક હજાર ડોલર પણ જમા કરાવી દીધા. મેં અને રીચાએ જયારે ના પાડી તો એણે એમ કહી અમને મનાવી લીધા કે નોકરી ચાલુ કરી કમાઓ એટલે પાછા આપી દેજો.
થોડા દિવસ અમે બધા સાથે મળીને આમતેમ ફરતા રહ્યા. દિવ્યા અને સંદીપ તથા તેના બાળકોને પણ મિની વેકશન મળી ગયું હોય એમ અમારી માટે એમણે રજાઓ રાખી દીધી હતી. અમે સિડની હાર્બર બ્રીજ પરથી પસાર થયા ને સંદીપે તેનું વર્ણન કર્યું. સિડની ઓપેરા હાઉસ, રોયલ બોટનિક ગાર્ડન, ડાર્લિંગ હાર્બર, ક્વીન વિક્ટોરિયા બિલ્ડીંગ, સિડની ટાવર, તારોન્ગા ઝૂ, ચાઈના ટાઉન વગેરે વગેરે જગ્યાઓએ મન ભરીને મજા માણી અને અલગ અલગ રેસ્ટોરન્ટના ફૂડ ટેસ્ટ કર્યા પછી એક દિવસ બોન્ડી બીચ પર પહોંચ્યા. અને ત્યાંનો નજારો જોઇને મારી આંખ આગળ મારું સપનું હકીકત થઈ આવ્યું હોય એવો અનુભવ હું કરી રહ્યો હતો.
બિકનીમાં સજ્જ નારીઓ જોઈને મારા ઉમંગો ઉછાળવા માંડ્યા હતા અને એમાં પણ એક ગુલાબી બિકની ધારી યુવતીએ મારી સામે સ્મિત વેરતા ‘હાય’ કહ્યું ને મારા કાનમાં શરણાઈ વાગવાનો નાદ સંભળાયો. મેં પણ જવાબમાં ‘હાય’ કહ્યું. મારા સાથીદારોએ મારી સામે જોયું એટલે મેં મારી જાતને સંભાળીને તેમનામાં પરોવી.
ધીમે ધીમે રીચા પણ એકદમ સહજ થવા લાગી હતી ને હવે તેના મોંમાંથી ‘સર’ ગાયબ થઈને મહર્ષિ સહજતાથી બોલવા લાગ્યું હતું. રીચા અને દિવ્યા જાણે કે નાનપણથી સાથે હોય એટલી એકબીજાની નજીક આવી ગઈ હતી. શિખા એકદમ બોલકી અને નિખાલસ હતી, જયારે યુવરાજ શરમાળ પણ હોશિયાર હતો. શિખા અને મારી વચ્ચે પાક્કી દોસ્તી થઈ ગઈ હતી. એ મને અંકલ અંકલ કરીને નાનામાં નાની વસ્તુઓ પણ મને બતાવતી.
જે દિવસે બોન્ડી બીચ પર ગયા એ દિવસે રાત્રે બીચ પર બીચ પાર્ટીનું આયોજન હતું. અમે બધાએ એમાં ભાગ લેવાનું નક્કી કર્યું. રાત્રે રોક મ્યુઝીકના તાલે હૈયેહૈયા અને શરીરે શરીર મિલાવી સ્ત્રી અને પુરુષો મન મૂકીને નાચી રહ્યા હતા. એમને નાચતા જોઇને થાય કે અહીં આવીને ગમે તેવું ટેન્શન હોય તો પણ ઓગળી જાય. સંદીપ અમારા બધા માટે કોકટેલ ડ્રીંક્સ લઈ આવ્યો. અમે ડ્રીંક્સ પીતાં પીતાં પાર્ટીની મજા માણી રહ્યા હતા. અમે પણ હળવે હળવે નાચી રહ્યા હતા. રીચા ધીમે ધીમે ખીલી રહી હતી. મ્યુઝીકના તાલે એ પણ ખુબ નાચી.
થોડીવાર પછી હીપ હોપ જાઝ મ્યુઝીક શરૂ થયું. સ્ત્રી અને પુરુષો કપલ બની ડાન્સ કરવા લાગ્યા. સંદીપ અને દિવ્યા પણ ડાન્સ કરવા લાગ્યા અને હું અને રીચા બાળકો પાસે ઉભા રહ્યા હતા, ત્યાં જ સવારે જે બીકીની ધારી યુવતીએ મને હાય કહ્યું હતું એણે અત્યારે જીન્સ અને ટીશર્ટ પહેર્યું હતું, એ મારી પાસે આવીને બોલી, “કેન વી ડાન્સ?” હું આખી ઘટના સમજવા મથી રહ્યો હતો ત્યાંજ એ મને ખેંચીને ભીડમાં લઈ ગઈ.
મેં ગભરાતાં ગભરાતાં કહ્યું, “આઈ ડોન્ટ નો હાઉ ટુ ડાન્સ.”
એણે મારી આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવતાં કહ્યું, “બી કુલ. ઇટ્સ સો ઇઝી.” એણે એક હાથ મારી કમરમાં ભરાવ્યો અને મારી ડાન્સ ટીચર હોય એમ મને એક એક મુવ્સ સમજાવવા લાગી અને થોડીવારમાં તો જાણે જાદુ થયું હોય એમ હું એના સાથે એક જાણકાર ડાન્સર માફક ડાન્સ કરી રહ્યો હતો. અંધકારમાં રંગબેરંગી ઝળહળતી લાઈટોના પ્રકાશ વચ્ચે આજુબાજુમાં કોણ છે તેની પરવા કર્યા વિના ભીડ ડાન્સના રંગે રંગાયેલી હતી. મારો આ પહેલો અનુભવ હતો. મારી સાથી ડાન્સર અને મારું શરીર એકબીજાને ઘસાઈ રહ્યા હતા. એના સ્તનયુગ્મ મારી છાતીને અડકતા અને મારા આખા શરીરમાં વીજળીનો કરંટ પસાર થઈ જતો. ધ્યાનમાં ઊંડા ઉતરી ગયેલા સાધકની માફક અમે ડાન્સ કરવામાં એટલા ડૂબી ગયા હતા કે અમને ખબર જ ન હતી કે અમે શું કરી રહ્યા છીએ. મારી સાથી ડાન્સરે તેના હોંઠ મારી ગરદન પર થઈને મારા ગાલ પર ફેરવવા માંડ્યા. મેં પણ તેનું અનુકરણ કરવા માંડ્યું. તેણે એના હોંઠ મારા હોંઠ પર મૂકી એક તસતસતું ચુંબન લીધું અને મારા આખા શરીરનો કાબુ જાણે તેના હાથમાં હોય એમ હું પણ એને સહાય કરવા લાગ્યો.
મારા પર કામદેવ હાવી થાય એ પહેલાં હું તેનાથી અળગો થઈને ભીડમાંથી બહાર આવી ગયો. પેલી યુવતી પણ મારી પાછળ તણાઈ અને બોલી, “વ્હોટ હેપ્પન?”
મેં કહ્યું, “આઈ એમ ટાયર્ડ. પ્લીઝ ફાઈન્ડ અનાધર પાર્ટનર?”
એને ખોટું લાગ્યું હોય એમ બોલી, “વ્હોટ!”
મેં શાંતિથી સ્વથ થતા કહ્યું, “યસ, પ્લીઝ.”
એ નીકળી ગઈ ને મારા હોંઠ ફફડ્યા, “હાશ..” અને મેં સામે જોયું રીચા મારી સામે જોઇને જાણે મારી મજાક કરતી હોય એમ હસી, એ રાત્રે એ યુવતી આખી રાત મારા મગજ પર છવાયેલી રહી.