અતીતરાગ - 18 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 18

અતીતરાગ-૧૮

એક એવી હિન્દી ફિલ્મ જેનું નામ આજની તારીખમાં પણ હિન્દી ફિલ્મ જગતની ઓળખ છે.

જે ફિલ્મે હિન્દી સિનેમામાં કંઇક કીર્તિમાન સ્થાપિત કર્યા.
એ ફિલ્મનું નામ છે.. ‘મુગલ-એ આઝમ.’

જે ફિલ્મની રીલીઝ માટે દુનિયાભરના ફિલ્મ રસિકો કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં.
તે ફિલ્મના ઐતિહાસિક અને ઝાકળમાળ ભર્યા યાદગાર પ્રીમિયર પર સમગ્ર બોલીવૂડ ઉમટી પડ્યું હતું.

પણ જેમની સૌને અત્યંત આતુરતા પૂર્વક ઇન્તેઝારી હતી એ ફિલ્મના નાયક અને નાયિકા તે ફિલ્મના પ્રીમિયર પર નહતા આવ્યાં.

જી હાં. દિલીપકુમાર અને મધુબાલા.
શું કારણ હતું તેમની ગેરહાજરીનું ?

જે ફિલ્મ ‘મુગલ-એ આઝમ’ ના પ્રીમિયરમાં દિલીપકુમાર અને મધુબાલાની અનુપસ્થિતિ હતી તે રીલીઝ થઇ હતી તારીખ ૫ ઓગસ્ટ ૧૯૬૦ના દિવસે

એ સિનેમાઘરમાં જે તે સમયે પણ હતું અને આજે પણ છે..

મરાઠા મંદિર.
જેટલી તનતોડ મહેનત ફિલ્મના ડાયરેક્ટર કે.આસિફે ‘મુગલ-એ-આઝમ’ને કચકડે મઢવામાં કરી હતી એટલ જ જહેમત તેમણે ફિલ્મ રિલીઝની પબ્લિસીટી માટે કરી હતી.

ફિલ્મ પ્રીમિયરના ત્રણ મહિના અગાઉથી ‘મરાઠા મંદિર’ સિનેઘરની બહાર એક આર્ટીફીસીયલ કિલ્લાનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું. જેના પર ‘કે.આસિફ’ અને ‘મુગલ-એ-આઝમ’ ને મહાકાય અક્ષરો અંકિત કરવામાં આવ્યાં હતાં.

વર્ષ ૧૯૬૦ના સમયગાળા માટે આ બહુ મોટી વાત હતી. હિન્દી ફિલ્મ ઈતિહાસમાં આટલાં મોટા કદમાં કોઈ ફિલ્મની જાહેરાત થતાં કોઈએ જોઈ નહતી.

મુંબઈ શહેરના પ્રાઈમ લોકેશન પર વિરાટ સાઈઝના કટ આઉટ્સ ખડા કરવામાં આવ્યાં હતાં. જેમાં પૃથ્વીરાજ કપૂર, દિલીપકુમાર અને મધુબાલા કટ આઉટ્સ સામેલ હતાં.
ફિલ્મ ‘મુગલ-એ આઝમ’ ની ટીકીટ પર પણ ફિલ્મનું પોસ્ટર અંકહતું.ફિલ્મની ટીકીટ માટેનું એડવાન્સ બુકિંગ ત્રણ મહિના અગાઉથી શરુ થઇ ગયું હતું.

જે પ્લાનિંગથી ‘મુગલ-એ-આઝમ’ની ધમાકેદાર અને ચકાચોંધ કરી તેવી પબ્લિસીટી કરી હતી તેના કારણે આપ બીલીવ નહીં કરો... ૧૯૬૦માં ૧ રૂપિયો અને ત્રીસ પૈસાના દામની ટીકીટ રૂ.૧૦૦, હાં, સો રૂપિયામાં વેંચાઈ હતી કાળા બજારમાં.

‘મુગલ-એ-આઝમ’ ના પ્રીમિયરનું આમંત્રણ કાર્ડ પણ શાહી અંદાઝમાં બનાવવામાં આવ્યું હતું. બે દાંડી વચ્ચેના કાપડ પર લખાણ લખીને જે રીતે રાજા રજવાળાના સમયમાં તેમના દૂત કોઈ સંદેશ લઈને જતાં એવાં માધ્યમથી ઇન્વીટેશન કાર્ડ મોકલવામાં આવ્યાં જેમાં લખ્યું હતું ‘અકબરનામા’.

૫ ઓગસ્ટ ૧૯૬૦ના દિવસે મુંબઈ શહેરના ટોચના રાજકારણી, સેલીબ્રીટીઝ અને બોલીવૂડ જગતથી મરાઠા મંદિર ઉભરાઈ ગયું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી યશવંતરાવ ચવ્હાણ, અભિનેત્રી નિમ્મી. નુતન, તનુજા, મીનાકુમારી, કમાલ અમરોહી, શમ્મી કપૂર, રાજ કપૂર, શ્યામા, વહીદા રહેમાન, વિજયા લક્ષ્મી પડિત,
આવાં કંઇક નામી ગ્રામી હસ્તીઓ પ્રીમિયર પર પધારી હતી.

મહાન ગાયિકા સુરૈયાજી, જવલ્લે જ કોઈ પ્રીમિયર પર જતાં તે સુરૈયાજી, કે. આસિફના આમંત્રણને માન આપીને આવ્યાં હતાં.
અને આ પ્રીમિયર પર આવ્યાં હતાં સુરૈયાજીના ભૂતપૂર્વ પ્રેમી દેવ આનંદ, તેની પત્ની કલ્પના કાર્તિક સાથે.

પણ એક વ્યક્તિ એવી પણ હતી કે જેની હાજરીએ સૌને ચૌંકાવી દીધા.

એ વ્યક્તિ હતી પાકિસ્તાનથી આવેલા કે.આસિફના કઝીન નઝીરખાન.

નઝીરખાન એક સમયે સિતારાદેવીના પતિ હતાં. સિતારાદેવી એક વેલ નોન કથ્થક નૃત્યાંગના હતાં. અને સિતારાદેવીએ નઝીરખાનથી અલગ થઈને કે.આસિફ સાથે લગ્ન કર્યા હતાં.

૧૯૪૭માં જયારે હિન્દુસ્તાનના ભાગલાં પડ્યા ત્યારે નઝીરખાન પાકિસ્તાન જતાં રહેલાં. અને તે દિવસે પ્રીમિયર પર નઝીરખાન તેની પત્ની સુવર્ણલતા જોડે આવેલાં.

‘મુગલ-એ આઝમ’ ના પ્રીમિયર પર સૌ આવ્યાં, પણ જે ન આવ્યાં તેની ચર્ચા વધુ થઇ.
જી. હાં, દિલીપકુમાર અને મધુબાલા.

દિલીપકુમારની અનુપસ્થિતિનું ખાસ કારણ હતું કે, તે સમયે કે.આસિફ અને દિલીપકુમાર પરસ્પર બન્ને વચ્ચે બોલવાના સંબંધ પણ નહતાં.

તેનું કારણ..

કારણ એ કે જયારે 'મુગલ-એ-આઝમ'નું નિર્માણ થઇ રહ્યું હતું ત્યારે દિલીપકુમાર અને કે.આસિફ વચ્ચે એવાં ગાઢ સંબંધ બંધાઈ ચુક્યા હતાં કે. દિલીપકુમારનું નિવાસસ્થાન એ કે.આસિફનું બીજું ઘર બની ગયું હતું. કે.આસિફ મહત્તમ સમય દિલીપસાબના ઘરે જ વિતાવતા. એ સમય દરમિયાન દિલીપકુમારના બહેન અખ્તર અને કે.આસિફ પ્રેમ રંગમાં રંગાઈ ગયાં.
બન્ને એ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા. આ વાતથી દિલીપકુમાર અતિ આહત થયાં હતાં. અને સંબંધ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હોવાથી દિલીપકુમારે પ્રીમિયરમાં ગેરહાજર રહી તેમનો ગુસ્સો વ્યક્ત કર્યો.

કે. આસિફે ત્રણ લગ્ન કર્યા હતાં. અખ્તર, સિતારાદેવી અને નિગાર સુલતાના.

અને મધુબાલાનું ગેરહાજર રહેવું સવાભાવિક હતું. કારણ કે, મધુબાલા કોઈપણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી નહતા આપતા. કારણ હતું તેમના પિતાની સદંતર મનાઇ હતી કોઇપણ ફિલ્મના પ્રીમિયર પર જવાની. કે. આસિફના અતિ આગ્રહ કર્યા બાદ પણ તેઓ હાજર ન રહી શક્યા.

‘મુગલ-એ-આઝમ’ના પ્રીમિયર માટે ફિલ્મની પ્રિન્ટને એક શણગારેલા હાથીની અંબાડી પર રાખીને મરાઠા મંદિર સુધી લાવવામાં આવી હતી.

આગામી કડી..
જયારે પણ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાંથી મહાન ફિલ્મ મેકર અથવા દિગ્ગજ ડાયરેક્ટરની સુચિની તૈયાર કરવાની હોય ત્યારે એક નામ ભૂલ્યા વગર યાદ કરવું પડે..

‘રાજ ખોસલા’

રાજ ખોસલા જે ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને સ્ક્રીન પ્લે રાઈટર પણ હતાં.

એક એવાં ફિલ્મ મેકર જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય વિષયક ફિલ્મોની શરુઆત કરી. અથવા ક્રાઈમ,સસ્પેન્સ અને મર્ડર મિસ્ટ્રી ફિલ્મનું ચલણ ચાલુ કર્યું.

આવી ફિલ્મો રાજ ખોસલાની ઓળખ બની ગઈ હતી.

‘સી.આઈ.ડી’, ‘મેરા સાયા.’ ‘વોહ કૌન થી’ આ એવી ફિલ્મો હતી જે તેના જોનરમાં અતિ સફળ રહી.

આ રાજ ખોસલાએ એકવાર ખુદ પોતાની જાતને ચપ્પલથી ફટકારી હતી.

કારણ....

અતીતરાગની આગામી કડીમાં...

વિજય રાવલ
૨૬/૦૮/૨૦૨૨