અતીતરાગ - 16 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 16

અતીતરાગ-૧૬

હિન્દી ફિલ્મ જગતમાં બ્લેક એન્ડ વ્હાઈટથી લઈને આજ સુધીમાં કંઇક ખૂબસૂરત અને યાદગાર ચહેરા આવ્યાં અને ગયાં.

પણ એક ચહેરો એવો હતો જે આજે પણ કરોડોના મન મસ્તિષ્ક પર રાજ કરે છે.

હું વાત કરી રહ્યો છું.. મલ્લિકા-એ-હુશ્નની.
હું વાત કરી રહ્યો છું.. વિનસ ઓફ ધ ઇન્ડીયન સિલ્વર સ્ક્રીનની.
હું વાત કરી રહ્યો છું.. મારકણા અને માદક સ્મિતના માલકિનની.
હાં,
હું વાત કરી રહ્યો છું... મધુબાલાની.

મધુબાલાની લાઈફમાં એક સમય એવો પણ આવ્યો કે તેમને જેલ જવાનો વખત પણ આવ્યો હતો.

કેમ ? ક્યારે ? કોના કારણે ? અને કઈ રીતે આ વિકટ પરીસ્થિતના સંજોગનું નિર્માણ થયું, આજની કડીમાં તે ઘટના વિષે વિસ્તૃત ચર્ચા કરીશુ.

આ વાત થઇ રહી છે, વર્ષ ૧૯૫૦ના સમયગાળાની
આ વાત થઇ રહી છે, ફિલ્મ ‘નયા દૌર’ના નિર્માણ દરમિયાન ઉભી થયેલી વિકટ પરિસ્થિતિના કારણે બહુચર્ચિત થયેલાં કોર્ટ કેસની.

ફિલ્મ’ નયા દૌર’ જેના નિર્માતા, નિર્દેશક હતાં, બી.આર.ચોપરા. અને ફિલ્મના લીડ રોલ માટે બી.આર.ચોપરાએ કાસ્ટિંગ કરી હતી, તે સમયની બહુચર્ચિત અને ફિલ્મ દર્શકોની મનપસંદ જોડી, દિલીપકુમાર અને મધુબાલાને.

‘નયા દૌર’નું કરારનામું તૈયાર થયું. જેમાં મધુબાલા અને દિલીપકુમારે હસ્તાક્ષર કર્યા.મધુબાલાને એડવાન્સ પેમેન્ટ માટે ત્રીસ હજારની રકમ આપવામાં આવી.

અને એ કરારનામાની ઝીણવટ ભરી શરતોનું વિસ્તારથી વિશ્લેષણ કરી બતાવ્યું બી.આર.ચોપરાએ દિલીપકુમાર, મધુબાલા અને મધુબાલાના પિતા અતાઉલ્લા ખાન સમક્ષ.
તેમાં એક ખાસ શર્ત એ હતી કે, ‘નયા દૌર’ના શૂટિંગ માટે આઉટ ડોર શૂટિંગ કરવું આવશ્યક છે. જે લોકેશન માટે પસંદગી થઇ હતી તે સ્થળ હતાં, ભોપાલ અને પુના.

સૌને સ્વેચ્છાથી આ પ્રસ્તાવ મંજૂર કર્યો, ત્યાર બાદ મુહુર્ત થયું ‘નયા દૌર’નું.

પ્રથમ બે સપ્તાહનું શૂટિંગ મુંબઈના એક સ્ટુડીઓમાં સંપન્ન થયું, એ પછી સૌને ભોપાલ જવા માટે જાણ કરાઈ.

ભોપાલ જવાનું ફરમાન થતાં ‘નયા દૌર’ના નિર્માણમાં એક વિચિત્ર વણાંક આવ્યો.
મધુબાલાના પિતા અતાઉલ્લા ખાને કોલ કરી, બી.આર.ચોપરાને જણાવ્યું કે,

‘મધુબાલા ભોપાલ નહીં આવી શકે.’
ચોપરા સાહેબે કારણ પૂછ્યું
જવાબમાં અતાઉલ્લા ખાને એવું કહ્યું કે,
‘મધુબાલાની તબિયત નાદુરસ્ત છે, તેના હ્રદયમાં છેદ છે, એ વાત તો આપ જાણો જ છો, ભોપાલમાં શૂટિંગ દરમિયાન કોઈ મેડીકલ ઈમરજન્સીની પરિસ્થિતિ ઉભી થઇ તો ?

અને બીજું કારણ એ બતાવ્યું કે,
‘ભોપાલ જેવું લોકેશન તો મુંબઈની આસપાસના વિસ્તારમાં પણ મળવું શક્ય છે, તો તેના માટે ભોપાલ સુધી લાંબા થવાની શું જરૂર છે ?’

વળતા જવાબમાં બી.આર.ચોપરાએ કહ્યું કે,
‘કરારનામું કરતી વેળાએ આ તમામ વાતનો ઉલ્લેખ થઇ ચુક્યો છે અને ત્યારે તમે સંમત પણ હતાં તો અત્યારે તમને શું અડચણ છે ?’

‘એ જે કંઈપણ હોય પણ મેં નક્કી કર્યું છે કે, મધુબાલા શૂટિંગ માટે આઉટડોર લોકેશન પર નહીં જ જાય.’ કંઇક આવો ઉડાઉ અને પાયાવિહોણો પ્રત્યુત્તર આપ્યો અતાઉલ્લા ખાને.

ફરી બી.આર.ચોપરાએ જણાવ્યું કે
‘તમે ઇન્કાર કરો છો તો તેનો મતલબ એમ કે, તમે કરારનામાનો ભંગ કરી રહ્યા છો.’

‘મધુબાલા મુંબઈની બહાર શૂટિંગ નહીં જ કરે, એ મારો આખરી અને અફર નિર્ણય છે’ આવું સાફ સાફ શબ્દોમાં અતાઉલ્લા ખાને સુણાવી દીધું.

શાંતિથી મામલો શાંત પડે એ માટે છેવટે બી.આર.ચોપરાએ કહ્યું કે,
‘જો આપ કરારનામાનો ભંગ કરશો તો એડવાન્સ પેમેન્ટ માટે આપેલાં રૂપિયા ત્રીસ હજાર તમારે પરત કરવાના રહશે.’
તેના રીપ્લાઈમાં અતાઉલ્લા ખાને ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતાં કહ્યું કે,
‘તે રકમ પરત નહીં મળે, એ સાઈનીંગ એમાઉન્ટ હતી, અને એકવાર ગયેલાં પૈસા પાછા નથી મળતાં.’

બસ આટલું સાંભળતા ગુસ્સે ભરાયેલાં બી.આર.ચોપરાએ તે જ ઘડીએ નિર્ણય લઇ લીધો કે, ‘નયા દૌર’ માંથી મધુબાલાની હકાલપટ્ટી કરી નાખવી.

મધુબાલાને રીપ્લેસ કરી, તેમણે સાઈન કરી વૈજંતીમાલાને.
અને આ બદલાવને બી.આર.ચોપરાએ જબરદસ્ત પબ્લિસીટી આપી.

વર્તમાન પત્રમાં એક ફૂલ પેઈજની જાહેરાત છપાવવામાં આવી, તેમાં ‘નયા દૌર’નું પોસ્ટર અંકિત કરવામાં આવ્યું. તે પોસ્ટરમાં દિલીપકુમાર, મધુબાલા અને વૈજંતીમાલા ત્રણેયના નામ હતાં. પણ..

મધુબાલાના નામ પર મોટી ચોકડીનું નિશાન મુકવામાં આવ્યું હતું.

એ જાહેરાતનો મતલબ, ઢોલ પીટી, ગાઈ વગાડી, સૌને જાણ કરવામાં આવી કે, ‘નયા દૌર’ માંથી મધુબાલાને હાંકી કાઢવામાં આવી છે.

જે કોઈ ધારી ન શકે એવું બન્યું..

સામે અતાઉલ્લા ખાને પણ એક ન્યુઝ પેપરમાં ફૂલ પેઈજ એડ આપી.
તે જાહેરાતમાં મધુબાલાની તમામ આવનારી ફિલ્મોના નામની સૂચી હતી, અને તેમાં ‘નયા દૌર’નું નામ પણ હતું, પણ..

‘નયા દૌર’ના નામ પર એક ક્રોસનું નિશાન હતું. મતલબ ચોકડી.

આ તરફ બી.આર.ચોપરા પુરજોશથી લાગી પડ્યા ‘નયા દૌર’ના શૂટીંગમાં અને સમય મર્યાદામાં ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ આટોપી પણ લીધું.

અતાઉલ્લા ખાનને એ વાતની જાણ થઇ કે, ‘નયા દૌર’ રીલીઝ થવાની તૈયારીમાં છે. તો તેમણે કોર્ટમાં એક અરજી દાખલ કરીને રજૂઆત કરી કે,

‘મધુબાલા જોડે કરારનામું સાઈન કર્યા બાદ મધુબાલાને હટાવી દેવામાં આવી કોઈપણ જાતની કાયદેસર કાર્યવાહી કર્યા વિના, તો ફિલ્મ ‘નયા દૌર’ ની રીલીઝ પર મનાઈ હુકમનું ફરમાન કરવામાં આવે.’
અને કોર્ટે સુનાવણી કરતાં ‘નયા દૌર’ ને રીલીઝ ન કરવાનો મનાઈ હુકમ જારી કર્યો.

હવે આ કિસ્સામાં આવ્યો એક નવો અણધાર્યો વણાંક..
બી.આર.ચોપરા ફિલ્મોમાં આવ્યાં પહેલાં વકીલાતનો અભ્યાસ કરતાં હતાં, તેમની પાસે લો ની ડીગ્રી પણ હતી. જે આટલાં વર્ષે તેમના ખપમાં આવી.

બી.આર.ચોપરાએ મધુબાલા પર છેતરપીંડી અને રકમ હડપવાનો કેસ કોર્ટમાં દાખલ કર્યો.

કોર્ટમાં આ કેસ ચાર મહિના સુધી ચાલ્યો. આ કેસની સુનવણીના સમયે કોર્ટ ચિક્કાર માનવ મેદનીથી ભરાઈ જતી. લોકોને કેસમાં નહીં પણ એ જોવામાં વધુ રુચિ હતી કે, અસ્સલમાં દિલીપકુમાર અને મધુબાલા કેવાં દેખાય છે. ?

એ કેસ એટલો ચર્ચિત બની ગયો કે, દેશના અગ્રણી વર્તમાન પત્રોની હેડલાઈન બની ગયો. તે કેસથી મધુબાલાને ઘણી નકરાત્મક પબ્લિસીટી મળી પણ ‘નયા દૌર’ને મફતમાં જબરદસ્ત પબ્લિસીટી મળી ગઈ.

કોર્ટે બંને પક્ષની દલીલ અને આરોપ-પ્રત્યારોપ સાંભળ્યા. પણ આ પુરા કેસમાં સૌથી મહત્વનું નિવેદન હતું દિલીપકુમારનું. જેના પર સૌની નજર હતી.

દિલીપકુમારે નિવેદન આપ્યું પણ બી.આર.ચોપરા તરફથી અને તેની તરફેણમાં.

ભરચ્ચક કોર્ટમાં દિલીપકુમારે સાક્ષીના રૂપમાં તેનું નિવેદન આપતાં કહ્યું કે,

‘હું મધુબાલાને પ્રેમ કરું છું., તેનો શુભચિંતક છું, પણ આ મામલામાં તેઓએ ખુબ જુઠાણા ચલાવ્યા છે. તેમના કારણે બી.આર.ચોપરાને ઘણું આર્થિક નુકશાન વેઠવું પડ્યું છે.
દિલીપકુમારની સાક્ષી આ કેસ માટે ટર્નિગ પોઈન્ટ સાબિત થઇ.
કેસ ચાલુ રહ્યો, પણ કોર્ટે ‘નયા દૌર’ની રીલીઝ પરનો પ્રતિબંધ હટાવી લીધો.

ફિલ્મ રિલીઝના પહેલાં દિવસે સુપરહિટના સંકેત મળી ગયાં.

બધું સમું નમું પાર ઉતરતાં, થોડા સમય બાદ એક સમાચાર આવ્યાં કે બી.આર.ચોપરાએ મધુબાલા પરનો કોર્ટ કેસ પરત ખેંચી લીધો.

ટેકનીકલી અને લીગલી બને રીતે બી.આર.ચોપરા અલ્મોસ્ટ કેસ જીતી જવાની કગારમાં હતાં.. જો કોર્ટ કેસની કાર્યવાહી આગળ ચાલી હોત તો મધુબાલાનું જેલમાં જવું નક્કી જ હતું.

અતાઉલ્લા ખાન અને બી.આર.ચોપરાના અહં ટકરાવના કારણે સૌથી વધુ ભોગવવાનું આવ્યું મધુબાલાના ભાગે.

તેની અંગત જિંદગી અને લવ લાઈફને જાહેરમાં ઉછાળવામાં આવી. ‘નયા દૌર’ જેવી સફળ ફિલ્મ તેના હાથમાંથી જતી રહી. અને ખાસ તો દિલીપકુમાર સાથેના તેના પ્રેમ સંબંધ પર હંમેશ માટે પૂર્ણવિરામ મુકાઇ ગયું.

આગામી કડી..

પેલું કે છે ને કે, ઘણીવાર આખે આખો હાથી આસાનથી પસાર થઇ જાય પણ અંતે તેનું પૂંછડુ સલવાઈ જાય.

આગામી કડીમાં આપણે જેની દિગ્ગજ હસ્તીની વાત કરવાના છે, તેની જોડે કંઇક આવું જ થયું.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની રજેરજથી માહિતીગાર દિગ્ગજ સ્ટાર્સ જયારે પહેલીવાર પ્રોડ્યુસર બને અને તેની ફિલ્મ સેન્સર બોર્ડમાં એ રીતે સલવાઈ જાય કે.રીલીઝ થશે કે નહીં તેનો પણ અંદાઝ ન આવે, તો વિચારો કે તેની શું દશા થાય. ?
સેન્સર બોર્ડની અવળચંડાઇના ભોગે ઘણી ફિલ્મો અને તેના નિર્માતા ધૂળ ચાટતાં થઇ ગયાં છે.

પણ આ માથાભારે (અભિનયમાં) નિર્માતાએ સેન્સર બોર્ડ સામે એવો પંગો લીધો કે સેન્સર બોર્ડના અધિકારીઓને ધૂળ ફાંકતા કરી દીધા.

જે ફિલ્મની ૨૫૦ કટ્સ અને ‘A’ સર્ટીફીકેટ વિના ફિલ્મ રીલીઝ થવાની કોઈ જ શક્યતા નહતી. તેની જગ્યા એ આ ધુરંધર નિર્માતાએ એક પણ કટ્સ અને ‘U’ સર્ટીફીકેટ સાથે વટથી ફિલ્મ રીલીઝ કરાવડાવી.

પણ સાથે સાથે એવાં શપથ પણ લીધાં કે, આજ પછી કયારેય નિર્માતા ન બનવું.

શું નામ હતું એ લીજેન્ડ અભિનનેતાનું ? તે ફિલ્મ કઈ હતી ? ક્યાં કારણોસર સેન્સર બોર્ડે ૨૫૦ કટ્સનો આ આગ્રહ રાખ્યો ? એવું તે શું હતું એ ફિલ્મમાં ?
અને સેન્સર બોર્ડ સામે લાલ આંખ કરવાની શી જરૂર પડી ? અને અંતે કોના ઇશારાથી સઘળું સમું નમું પાર ઉતરી ગયું ?

તમામ સવાલોના ઉત્તર અતીતરાગની આગામી કડીમાં.

વિજય રાવલ
૨૬/૦૮/૨૦૨૨