ઇકરાર - (ભાગ ૭) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇકરાર - (ભાગ ૭)

મેં જે દ્રશ્ય જોયું તેના પર મને વિશ્વાસ નહતો થઈ રહ્યો, પણ હું એ નારી આંખે જોઈ રહ્યો હતો. મેં બેત્રણવાર આંખો મસળીને પછી ફરીથી જોયું. એ મારો વહેમ ન હતો, એ હકીકત હતી. સીતા માતાને જેમ ધરતીએ પોતાનામાં સમાવી લેવા માર્ગ આપ્યો હતો એમ જો અત્યારે મને ધરતી માં માર્ગ આપે તો તેમાં સમાઈ જવાની અદમ્ય ઈચ્છા હતી. પણ કાફેના માલિકે ઘણો ખર્ચો કરીને ફલોરિંગ બનાવ્યું હશે એ વિચારી મારો ધરતીમાં સમાઈ જવાનો વિચાર મેં માંડી વાળ્યો. મેં નજર ઊંચી કરીને સામે જોયું. મારી સામે મને દસ માળની બિલ્ડીંગ દેખાઈ. મારી સામે મેં જે દ્રશ્ય જોયું હતું તે જોઇને મન કહી રહ્યું હતું હવે જીવનનો કોઈ અર્થ નથી. મને થયું સામેની બિલ્ડીંગના દસમાં માળેથી ભૂસકો મારીને જીવનલીલા સંકેલી લઉં.

મેં મારી સામે થોડેક દૂર એક ટેબલ પર લેંબા અને અવનીને પ્રેમાલાપ કરતાં જોયા ને મારો પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી ગયો હતો. મારા વિચારો ઊંચા થઈને પછડાતા હતા, ત્યાં જ મારી સામે લાલ રંગ છવાઈ ગયો. મેં નજર ઊંચે કરીને જોયું તો એ રીચા હતી. તેણે સફેદ ચમેલીના ફૂલોથી ઢંકાયેલો લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. મોં પર હળવો મેક અપ અને આઈ લાઈનર કર્યા હતા, કાનમાં સફેદ મોતી સમી બુટ્ટીઓ પહેરી હતી. વાળને પાછળની તરફ ઓળી પોની ચોટલી વાળી હતી. ખભા પર લટકાવેલું લેધરનું પર્સ ટેબલ પર મૂકી રીચા મારી સામેની ખુરશીમાં ગોઠવાઈ ગઈ.

રીચાએ બેસતાવેંત જ સવાલ પૂછ્યો, “અહિયાં કેમ?”

મારા મનમાં પણ પસ્તાવો થયો કે અહીં ન આવ્યો હોત તો સારું થાત. કમસે કામ અવની અને લેંબાને સાથે જોઇને જીવ તો ન બળત. પણ આજે ભ્રમ તૂટવાનો હશે. લેંબાના હાથમાં કોલ્ડ કોફીનો કપ જોઇને એવું લાગી રહ્યું હતું, જાણે વાંદરાના હાથમાં બ્રાઉની આવી ગઈ હોય.

“બોલો શું કહેતા હતા તમે?” રીચાના સવાલથી મારું ધ્યાન લેંબા અને અવનીમાંથી પાછુ ખેંચાઈને રીચા પર આવ્યું.

મેં મારા મગજમાં જે વિચાર ગઈ કાલે આવ્યો હતો તે રીચા સામે મુકતા કહ્યું, “આપણે લગ્ન કરી લઈએ?” હું એટલું ઝડપથી બોલ્યો હતો કે મને પોતાને એવું લાગ્યું કે મેં અવની અને લેંબાને જોઇને અવની સાથે બદલો લેવા રીચા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હોય.

રીચા ચમકી અને ગુસ્સામાં બોલી, “વ્હોટ?”

હું એના અવાજમાં આવેલા ગુસ્સાને પારખી ગયો. મેં સ્વસ્થ થતાં કહ્યું તમે ખોટું ના સમજો. હું તમને મારો પ્લાન સમજાવું. મેં એને વાત કહેતા પહેલાં એક વાર ફરી લેંબો અને અવની શું કરે છે એ જોવા તેમના પર એક ઉડતી નજર નાંખી. મને એન્જલીના જોલી વિક્રમ ઠાકોર સાથે ડેટ પર આવી હોય એવું એ બંનેને જોઇને લાગ્યું.

“કહો” ફરી રીચાના અવાજે મારું ધ્યાન અમારી વાતમાં લાવી દીધું. મેં કહેવાની શરૂઆત કરી, “તે દિવસ લોન માટે પ્રોપર્ટી મોર્ગેજ મુકવાની વાતથી ઓસ્ટ્રેલીયા જવાનું તમારૂ સપનું તૂટ્યું એ જોઇને મારું દિલ સખત દુભાયું હતું, કારણ કે આપના બંનેની મંજિલ એક છે.”

રીચા વચ્ચે જ બોલી પડી, “શું?”

મેં એક ઝાટકે જવાબ આપ્યો, “ઓસ્ટ્રેલીયા. મારું સપનું પણ ઓસ્ટ્રેલીયા સેટલ થવાનું હતું. હતું શું કામ, છે. મારે પણ ઓસ્ટ્રેલીયા જવું છે, પણ મારો સ્ટડી ગેપ વધારે છે.”

રીચા કંટાળા સાથે બોલી, “ગોળ ગોળ વાત કર્યા વગર સીધી વાત કરો ને.”

મેં કહ્યું, “એ જ કરું છું. જુઓ તમારી પાસે પૈસાની સગવડ નથી અને મારી પાસે ડીગ્રીની સગવડ નથી. જો આપણે બંને કોન્ટ્રાક્ટ મેરેજ કરી લઈએ તો બંનેનું કામ થઈ જશે. હાલ હું બધા જ પૈસા કાઢીશ એટલે કે ઓસ્ટ્રેલીયા જવાનો જે પણ ખર્ચો થાય એ બધો અત્યારે હું કરીશ. ત્યાં જઈને કમાઈને તમે મને ઓસ્ટ્રેલીયા જવાનો જે પણ ખર્ચો થાય એના અડધા આપી દેજો. આપણા બંનેનું કામ થઈ જશે.”

રીચાના ચેહરાના ભાવો જોઇને એમ તો લાગતું જ હતું કે એને મારી સ્કીમ ગમી હતી પણ એ કંઇક વિચારમાં હતી. હોય જ ને. કોઈ પણ છોકરી કોઈ અજાણ્યા છોકરાની વાત પર આમ અચાનક તો વિશ્વાસ ન જ કરી શકેને.

એની વિટંબણા જોઈને મેં કહ્યું, “કોઈ જ ઉતાવળ નથી. તમે તમારા ઘરે પૂછી જોજો અને પછી વિચારીને કહેજો. પણ એક ખાસ વાત કહું, આમાં આપણને બંને ફાયદો છે. તમે કે હું એકલા જઈએ તેમાં જે ખર્ચો થાય તેના કરતાં અડધો જ ખર્ચો થશે અને આપણા બંનેના સપના પણ પુરા થઈ જશે.”

મારી વાત સમજાઈ રહી હોય, પણ હજી મનમાં શંકા કુશંકાઓ હોય એમ તે બોલી, “પણ”

મેં ઉતાવળે કહ્યું, “પણ ને બણ. જવું છે તો કંઈક તો કરવું જ પડશે ને. કાલે નક્કી કરીને કહેજો.”

રીચા “ઠીક છે, કાલે વિચારીને કહું” બોલીને ઉભી થઈ ગઈ. તેનું લેધરનું પર્સ ઉઠાવી જવા માટે વળી. મેં ઉભા થઈને કહ્યું, “તમારું જે પણ ડિસીઝન હોય એ મને કાલે કહેજો, કારણ કે એકવાર ઇન્ટેક જતું રહેશે પછી બીજા છ મહિના રાહ જોવી પડશે.” તે માથું હલાવી હા કહીને નીકળી ગઈ. તે ગઈ પછી ફરી મારું ધ્યાન પ્રેમાલાપમાં વ્યસ્ત અવની અને લેંબા પર ગયું. અવનીને કોલ્ડ કોફીના ઘૂંટડા ભરાવતા લેંબાને જોઇને મનમાં તો થયું કે ‘બંનેને મેલું એક એક પાટું જાય ગડથોલા ખાતા’, પણ મને ફરી પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ. પ્રેમ રંગભેદ નથી જોતો, વ્હાલા. બસ જેને એ થઈ જાય છે એ તો ફક્ત એના રંગે રંગાઈ જાય છે.”

મારી સામે જાણે રજની કાકા સ્વયં પ્રગટ થઈને બોલતા હોય એમ મેં સામે જોઇને કહ્યું, “અરે શું કાકા રંગભેદ નથી જોતો. આ લેંબો અવનીને ડાઘા પાડી દેશે એનું શું. મને તો એમના બાળકોની ચિંતા થાય છે. બાળકોમાં મિકસ કલર પથરાઈ જશે. બિચારા.”

‘અવની હાથમાંથી ગઈ’ એમ વિચારી મેં લેંબાને શુભકામનાઓ પાઠવવા જોરથી બુમ પાડી, “લેંબા.” કાફેમાં બેઠેલા અડધે અડધ લોકોએ મારી સામે જોયું, જાણે એમનું નામ લેંબો હોય. અવનીએ ગુસ્સાથી મારી સામે જોયું. મને મારી ભૂલ સમજાઈ. મને લાગ્યું ‘લેંબાભાઈ’ કહેવા જેવું હતું. મેં બંને હાથના અંગુઠા બતાવી લેંબાને કોન્ગ્રેચ્યુલેશન કહ્યું. મને એવો આભાસ થયો જાણે લેંબો પણ મને ચીડવવા અંગુઠો બતાવી કહી રહ્યો હોય, ‘લે.. રહી ગયો ને.’

હું કાફેમાંથી ભગ્નહૃદયે બહાર નીકળવા વળ્યો. મેં મનમાં વિચાર્યું, ‘ઘોર કલિયુની વાતો શાસ્ત્રોમાં કહી છે તે કદાચ આ જ છે. છોકરીઓ પણ... અરે લેવલ તો જોવું જોઈએ કે નહીં. મને તેમના લગનની કંકોત્રી દેખાઈ, “લેંબાજી વેડ્સ અવની.” તે દિવસે તો મને કહેતી હતી કે ડાચું જોયું છે તારું, તો લેંબાનું ડાચું નહિ જોયું હોય?’ હદ છે. પણ મારા માટે રીચા સાથે જે વાત થઈ એ વધુ અગત્યની હતી. મારું ઓસ્ટ્રેલીયા જવાનું સપનું પુરૂ થવા જઈ રહ્યું હતું તેવું મને મનોમન લાગી રહ્યું હતું. મને સિડનીના બીચ પર મને લપેટાઈને સુતેલી જેનીનું સપનું યાદ આવી ગયું, ભલે હું જેની નામની કોઈ યુવતીને નહતો ઓળખતો, તો પણ એ કલ્પના માત્ર મને રોમાંચિત કરી દેતી હતી.