અતીતરાગ - 12 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 12

અતીતરાગ-૧૨

મહેબૂબ ખાન અને દેવ આનંદ બન્ને દિગ્ગજો એ ક્યારેય સજોડે કામ નથી કર્યું પણ,

મહેબૂબ ખાનની મેગા હીટ ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ની પબ્લિસીટી મહેબૂબ ખાન કરતાં
સારી રીતે કરી હતી, અભિનેતા દેવ આનંદ સાબે.

હાં, તમને આ વાત માનવામાં નહીં આવે કે, ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ અને દેવ આનંદ વચ્ચે શું કનેક્શન હોઈ શકે ?

દેવ આનંદ તેમની એક ફિલ્મને લઈને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ સાથે સંકળાયેલા છે.
અને તે વાતનો મહેબૂબ ખાનને પણ ગર્વ છે.

જો આપને આ વાતનું અનુસંધાન ન મળતું હોય તો સ્વાભાવિક છે કે, તમે દેવ આનંદની એ ક્લાસિક ફિલ્મ જોવાનું ચૂકી ગયાં હશો અથવા એ કિસ્સો આપના સ્મરણમાં નથી.

આજે આપની સમક્ષ હું દેવ આનંદની એક માઈલ સ્ટોન કહી શકાય એવી એ ફિલ્મ વિષે વાત શેર કરી રહ્યો છું. જે ખરાં સમયકાળ કરતાં ખુબ વહેલાં પડદા પર આવી ગઈ હતી. ખુબ લાજવાબ અને બહેતરીન ફિલ્મ હતી એ.

એ ફિલ્મનું ડીરેક્શન કર્યું હતું દેવ આનંદના નાના ભાઈ વિજય આનંદે અને ફિલ્મની વાર્તા પણ તેણે જ ઘડી હતી. વિજય આનંદનું નીક નેઈમ હતું ‘ગોલ્ડી.’

આ ફિલ્મ સાથે સંકળાયેલો સૌથી રસપ્રદ કિસ્સો એ છે કે, આ પહેલી અને એકમાત્ર એવી ફિલ્મ હતી કે, જેમાં ત્રણેય આનંદ બધુંઓ એક સાથે એક ફિલ્મમાં જોવા મળ્યા હતાં.. ચેતન આનંદ, દેવ આનંદ અને વિજય આનંદ.

ફિલ્મ રીલીઝ થઇ હતી વર્ષ ૧૯૬૦માં. દેવ આનંદની સાથે હતી વહીદા રહેમાન.
જી હાં. હવે આપને થોડો થોડો અંદાઝ આવી ગયો હશે કે, હું કઈ ફિલ્મનો ઉલ્લેખ કરી રહ્યો છું.

યસ.. યુ આર રાઈટ...
‘કાલા બાઝાર.’

એક યાદગાર અને નોંધપાત્ર ફિલ્મ ‘કાલા બાઝાર’ ના નિર્માણ માટે સૌથી ઉત્તમ અને પ્રશંસનીય યોગદાન હતું વિજય આનંદનું. જેમણે આ ફિલ્મ માટે હ્રદયસ્પર્શી વાર્તા લખી. ફિલ્મની કથા બિન પરમ્પરાગત યા રૂઢીરીવાજો વિરદ્ધની હતી.

ફિલ્મમાં નાયક, મતલબ દેવ આનંદને કાળા બજારનો વ્યવસાય કરતાં બતાવ્યાં છે.
કાળા બજારને જીવન નિર્વાહનું માધ્યમ શા માટે અપનાવવું પડ્યું? તે વાતને પરિપક્વતા અને તથ્યો સાથે ખુબ બારીકાઈથી સમજાવવાની સફળ કોશિષ કરવામાં આવી છે.

આજના મલ્ટીપ્લેકસ થીએટર કલ્ચરને એ વાત ગળે નહીં ઉતરે કે, ફિલ્મ ટીકીટના બ્લેક માર્કેટીગના બિઝનેસ પર ઘણા પરિવારોના ઘર નભતા હતાં. ફિલ્મ ટીકીટના કાળા બજારનો ધંધો ત્યાં સુધી ધમધોકાર ચાલ્યો જ્યાં સુધી મલ્ટી પ્લેક્સનો ઉદય નહતો થયો.

‘કાલા બજાર’ ફિલ્મ સાથે જોડાયેલાં કંઇક કિસ્સા એવાં છે જે પહેલા કયારેય નહતા બન્યા. જેણે ‘કાલા બાઝાર’ ને હટકે અને લેન્ડમાર્ક ફિલ્મ સાબિત કરી.
રેર ઓફ ધ રેર.

હિન્દી ફિલ્મ જગતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એવું બન્યું કે કોઈ ફિલ્મમાં કોઈ અન્ય ફિલ્મના પ્રીમિયરને કેપ્ચર કરવામાં આવ્યું હોઈ.

અને એ અન્ય ફિલ્મ હતી ‘મધર ઇન્ડિયા.’
‘મધર ઇન્ડિયા’ રીલીઝ થઇ હતી ૧૪ ફેબ્રુઆરી ૧૯૫૭ના દિવસે. મુંબઈના લીબર્ટી સિનેમાઘરમાં.

‘મધર ઇન્ડિયા’ ના સંપૂર્ણ પ્રિમીયરનું કવરેજ કરીને વિજય આનંદે તે ફૂટેજ એડ કર્યા ફિલ્મ ‘કાલા બાઝાર’ માં.

‘મધર ઇન્ડિયા’ ૧૯૫૭માં આવી અને ‘કાલા બાઝાર’ આવી ૧૯૬૦માં.

હવે આપ જરા વિચારો કે ત્રણ વર્ષ આગાઉ આ યુનિક આઈડિયા આનંદ બ્રધર્સના દિમાગમાં સ્ફૂર્યો હતો. બન્ને કેટલા દીર્ઘદ્રષ્ટા હતાં તેનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે.

૧૯૫૭માં જ આનંદ બધુંઓએ મહેબૂબ ખાનની અનુમતિ લઈને ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું રીઅલ પ્રીમિયર વિથ રીઅલ સ્ટાર્સ જોડે શૂટ કરી લીધું હતું.

અને ત્રણ વર્ષ બાદ ફિલ્મ ‘કાલા બાઝાર’ના દ્રશ્યમાં એ દર્શાવવામાં આવ્યું છે કે,
દેવ આનંદ ‘મધર ઇન્ડિયા’ના પ્રીમિયર પર ફિલ્મ ટીકીટના કાળા બજાર કરે છે.

ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ ના પ્રીમિયરમાં આપને લતા મંગેશકર, નરગીસ, દિલીપકુમાર, બાળા સાહેબ ઠાકરે, મહમ્મદ રફી, રાજેન્દ્રકુમાર, કિશોર કુમાર તેમની પહેલી પત્ની રૂમાદેવી,સોહરાબ મોદી અને મહેબૂબ ખાન આ સૌ આપને નજરે પડશે... દેવ આનંદની ફિલ્મમાં.

આ વાતની અગત્યતા અને રોમાંચ એટલાં માટે છે કે, આજે આપણે કોઈ પણ ફિલ્મનો પ્રીમિયર મોબાઈલમાં આસાનીથી જોઈ શકીએ છીએ..
પણ ૧૯૬૦માં ફિલ્મ પ્રીમિયરની ઝલક માત્ર ન્યુઝ પેપર અથવા કોઈ મેગેઝીનના માધ્યમથી માત્ર તેના ફોટોગ્રાફ્સમાં જ જોવાની તક મળતી.

મહેબૂબ ખાન સાહેબે આ પ્રીમિયર શૂટ કરવાં માટે આપેલી પરવાનગી પાછળ કારણ હતું, દેવ આનંદ અને મહેબૂબ ખાન વચ્ચેની ગાઢ મિત્રતા.

દેવ આનંદના ‘નવકેતન’ બેનરની ઓફિસનું સ્થળ હતું મહેબૂબ સ્ટુડીઓ. અને દેવ આનંદ મહેબૂબ સ્ટુડીઓના ટ્રસ્ટી પણ હતાં
મહેબૂબ ખાનનો પર્સનલ ગ્રીનરૂમ જે મહેબૂબ સ્ટુડીઓમાં સ્થિત હતો તે કાયમી ધોરણે દેવ આનંદને આપ્યો હતો. તે ગ્રીનરૂમમાં દેવ સાબ તેમના કોસ્ચ્યુમ, ટોપી,મફલર મૂકી રાખતાં.

ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ના પ્રીમિયર પર મહત્તમ બોલીવૂડના સિતારા હાજર રહ્યાં હતાં તેનું પણ એક રસપ્રદ રીઝન હતું.

‘મધર ઇન્ડિયા’ના નિર્માણની સમાપ્તિ બાદ જયારે મહેબૂબ ખાને ફિલ્મ વિતરકો (ડીસ્ટ્રીબ્યુટર્સ) ને બતાવી, ત્યારે કોઈ વિતરકે ફિલ્મ ખરીદવામાં રસ ન દાખવ્યો.
સૌએ એક કારણ આગળ ધર્યું કે, આ ફિલ્માં કોઈ મહાનાયક નથી.માત્ર નરગીસના નામ પર આ ફિલ્મ પર આર્થિક રોકાણ કરવું એ મુર્ખામી ભર્યું પગલું સાબિત થશે.

આ વાહિયાત વાત સાંભળતા મહેબૂબ ખાન ગુસ્સે ભરાયા અને તેમણે ખુદની જ એક ડીસ્ટ્રીબ્યુટર કંપનીની સ્થાપના કરી દીધી. અને તેમણે ભરપુર આત્મ વિશ્વાસ સાથે કહ્યું કે, '
કોઈપણ કાળે હું આ ફિલ્મને સફળ બનાવી જ જંપીશ.'

હવે આ સમગ્ર મામલો મહેબૂબ ખાન માટે તેમની ઈમેજનો સવાલ થઇ પડ્યો હતો.

અને ત્યારબાદ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તમામ કલાકાર અને કસબીઓને આમંત્રણ પાઠવ્યું.
મહેબૂબ ખાનના આમંત્રણને એક આહવાન સમજીને સમગ્ર બોલીવૂડ ઉમટી પડ્યું લીબર્ટી સિનેમાઘર તરફ.

અને એ પછી ‘મધર ઇન્ડિયા’ ની સફળતાએ રચેલા અભૂતપૂર્વ ઈતિહાસથી આપ સૌ વાકેફ છો.

આગામી કદી..

અતીતરાગની બારમી કડીના વૃતાંતમાં સુખદ નહીં પણ દુઃખદ સંભારણા વિષે ચર્ચા કરીશું.

કંઇક અંશે વ્યથિત કરી મુકે એવી વીતકકથા. હિન્દી ફિલ્મ જગતના એ તારલાં જે એવાં કસમયે ખરી ગયાં જે સમયે તેમના અભિનયનું તેજ સૌને ચકાચોંધ કરી રહ્યું હતું.

આજે દાયકાઓ બાદ પણ તેમના નામ સ્મરણ માત્રથી તેમના વિરલ વ્યક્તિવની ઝાંખી નજર સમક્ષ ઉપસી આવે.

સીને જગતના એ સાત સિતારાના ચિતાર વિષે...વિગતવાર ચર્ચા હવે પછીની કડીમાં.

વિજય રાવલ
૨૩/૦૮/૨૦૨૨