બાથરૂમમાં મોં ધોઈને રૂમાલથી મોં લૂછતાં લૂછતાં મને અવનીના મારા હૃદય પર ઘા કરતાં શબ્દો યાદ આવ્યા ‘ડાચું જોયું છે કોઈ દિવસ.’ મેં મને બાથરૂમમાં લગાડેલા આયનામાં બે કદમ પાછળ હટીને ધારીને જોયો. ડાબી બાજુએ પાંથી પાડીને સરસ રીતે ઓળેલા ઘટાદાર કાળા ભમ્મર વાળ, કાળી ઘાટી આંખો, થોડુંક લાંબુ નાક, નાકની નીચે ચેહરાને શોભાવતા ગુલાબી અને આછા કાળા રંગના હોંઠ, દાંતમાં ઉપરના ચોખઠામાં બંને બાજુ એક એક વધારાના સહેજ બહાર નીકળેલા પણ ઉપરના હોઠમાં દબાઈ રહેતા દાંત, કાળી મૂછો અને આખા ચેહરાને શોભાવતી સરસ રીતે ટ્રીમ કરેલી કાળી દાઢી શ્યામવર્ણ ચેહરા પર શોભતા હતા. મેં પહેરેલા જીન્સ અને ટીશર્ટ શરીરના મધ્યમ બાંધાને યોગ્ય લુક આપતા હતા. મેં સહેજ કાટખૂણે શરીરને ફેરવીને મારા નિતંબને જોયા, એ પણ મારી સુંદરતામાં વધારો તો કરતાં જ હતા તો પછી અવનીના કહેવા પાછળનો આશય શું હતો એ સમજવા મથતો હું વારેઘડીયે બંને બાજુ શરીર ફેરવીને મને નિહાળી રહ્યો હતો.
મને હું સુંદર લાગ્યો. મને ફરી અવાજ સંભળાયો, “વ્હાલા... વ્યક્તિ શરીરથી નહીં, ચારિત્ર્યથી સુંદર બને છે.” હવે તમારામાંથી કેટલાક વિચારતા હશે કે મહર્ષિ તારું ચારિત્ર્ય તો લંપટ છે. તો એવું તમને લાગતું હશે, પણ ખરેખર એવું છે નહીં. મારા દિલમાં જે હોય છે એ જ મારા હોંઠો પર હોય છે અને હા પુરુષ તરીકે કોઈ સ્ત્રીની સુંદરતાને નિહાળવી એ કંઈ લંપટવેડા ના કહેવાય. જો કોઈ પુરુષ એવી બડાઈ હાંકતો હોય કે હું મારી પ્રેમિકા કે મારી પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીની સુંદરતાથી તેની તરફ આકર્ષિત થતો નથી તો કાંતો એ પુરુષ નથી અને કાંતો એ બનાવટ કરે છે. દરેક સ્ત્રી અને પુરુષને વિજાતીય આકર્ષણ હોય જ છે અને એ થાય એ સ્વાભાવિક છે. એ કુદરતી સંરચનાનો એક ભાગ છે. મારા આત્મવિશ્વાસથી ભરપુર હું બાથરૂમમાંથી બહાર નીકળી અવનીના આ રમખાણ પછી જથ્થાબંધ રાખડીઓનો ઓર્ડર આપવાનો વિચાર કરતો મારી કેબીનમાં આવ્યો.
મારી ખુરશીમાં બેસી હું મારા અતીતમાં સરી પડ્યો. મારા ભૂતકાળની મારી ત્રણ પ્રેમિકાઓ યાદ આવી ગઈ. ત્રણેય એક એકથી ચડીયાતી સાબિત થઈ હતી.
પહેલીવાર મને જે પ્રેમ થયો એ ઘટના અદભુત હતી. આમેય પહેલીવારનો પ્રેમ ખાસ જ હોય છે. મારા પપ્પાને એક દિવસ કંપનીમાંથી આવતા મોડું થવાનું હતું એટલે મારી મમ્મીએ મને શાકભાજી લાવવાની ટ્રેનીંગ માટે મોકલતી હોય એમ કહ્યું, “મહર્ષિ જા, શાકભાજી લઈ આવ.”
કમને હું થેલી સાઇકલ પર ભરાવી શાકમાર્કેટમાં પહોંચ્યો. પાંચસો ગ્રામ ભીંડા, અઢીસો ગ્રામ ગુવાર અને અઢીસો ગ્રામ આદું લઈને હું બટાકાના જથ્થાબંધ વેપારી પાસે પહોંચ્યો. એ બુમો પાડી રહ્યો હતો, “વીસના અઢી કિલો, ખાલી કરવાનો ભાવ. વીસના અઢી કિલો.”
સાંભળ્યું છતાં આપણા ગુજરાતીઓની આદત પ્રમાણે મેં પૂછ્યું, “શું ભાવ આપ્યા, બટાકા?”
એને પણ મારા જેવા સાંભળ્યા છતાં પુછાવાવાળા જ રોજ મળતા, એની માટે એ નવાઈ ન હતી એટલે એણે એના સૂરમાં જ કહ્યું, “વીસના અઢી કિલો.”
મેં એને કહ્યું, “સારા સારા વીસના અઢી કિલો આપો.” એણે તરત જ તેના મોટા ત્રાજવાને પકડીને બટાકામાં ખોસ્યું અને બટાકા ભરી લીધા.
આ જોઇને મેં એને રોકતાં કહ્યું, “અરે ભાઈ સારા સારા વીણીને આપોને.” પેલાને મેં જાણે ગાળ દીધી હોય એમ એ ભાઈએ બટાકા પાછા મૂકી દીધા અને મને ટણીમાં કહ્યું, “જ્યાં વીણીને મળતા હોય ત્યાંથી લઈ લેજે.”
મનમાં તો થયું કે મેલું પાટું તો જાય ગડથોલું ખાતો. પણ મને પેલો અવાજ સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.”
હું હજી તો માંડ દસ ડગલાં ચાલ્યો હોઈશ ત્યાં જ પાછળથી મીઠ્ઠો અવાજ સંભળાયો, “સાંભળો.” મારા અંતરાત્માએ કહ્યું કે તને જ બોલાવે છે. મેં પાછળ વળીને જોયું. મારા જેટલી જ ઉંચાઈ ધરાવતી, માથે ગૂંથેલો ચોટલો ને તેમાંથી સવારથી બાંધેલો હોવાથી અત્યારે અસ્તવ્યસ્ત થયેલા આગળથી ખુલી ગયેલા પણ કાન પાછળ સરખા કરેલા વાળ, નાનકડી નાંખો, પાતળા હોઠ અને શ્યામવર્ણ ધરાવતી એક પાતળી છોકરી ઉભી હતી. મને પહેલી નજરે જ એ ગમી ગઈ હતી એનું એક કારણ એ પણ હતું કે આજથી પહેલાં મને કોઈ છોકરીએ સામેથી બોલાવ્યો ન હતો.
એને હું નીરખી રહ્યો હતો એ જોયા પછી પણ એ શરમાયા વગર જ બોલી, “તમારે બટાકા જોઈએ છેને.” મેં કેવળ માથું હકારમાં ધુણાવ્યું.
તેણે કહ્યું, “ચાલો મારી સાથે હું તમને એક દુકાને લઈ જાઉં.” હું તેની સાથે દોરાયો. તે મને એક દુકાને લઈ ગઈ ત્યાંથી એણે વીણીને તોલાવેલા બટાકા મારી થેલીમાં નાંખી હું વેપારીને પૈસા ચૂકવી પેલી યુવતી સામે જોઇને ત્યાંથી ઘર તરફ જવા ચાલી નીકળ્યો.
હું સાઇકલ લઈને જઈ રહ્યો હતો ત્યાંજ અચાનક એક સ્કુટી મારી પાસે આવી. પેલી યુવતી જ હતી જેણે મને બટાકા લઈ આપ્યા હતા. મને છણકો કરતાં બોલી, “થેંક યુ કહેવાનો રીવાજ છે કે નહીં?”
હું એકદમ ડઘાઈ ગયો, છતાં મેં અવાજમાં જુસ્સો લાવીને થેંક યુ કહ્યું. એ હજી મારી સાઈકલની સાથે સાથે તેની સ્કુટી ચલાવતાં ચલાવતાં હસીને બોલી, “મને ઓળખે છે.” જે હમણાં સુધી તમે કહેતી હતી એ સીધી તું પર આવી ગઈ હતી. મેં રસ્તા પર આજુબાજુ જોયું. લોકો અમને જ જોઈ રહ્યા હોય એવું જણાયું, પણ પેલીને એની કોઈ પરવા જ ન હોય એમ એણે મારી સામે જવાબ માંગવા આંખ ઉલાળી. મેં નકારમાં માથું હલાવ્યું.
એણે હસીને કહ્યું, “જીનાલી. તારી બાજુની સોસાયટીમાં રહું છું. તું મને ગમે છે. તને જોવા હું રોજ સ્કુલે જવા વહેલી આવીને મારા સ્ટેન્ડ પર ઉભી રહું છું. અને તેં હજી મને એકપણ વાર જોઈ નથી.” મેં ફરીવાર નકારમાં માથું હલાવ્યું.
“શું માથું હલાવે છે? કાલે આટલા વાગ્યે આવી જજે, હું તારી શાકમાર્કેટમાં રાહ જોઈશ. આઈ લવ યુ.” એ બોલીને ખડખડાટ હસી અને મારાથી સાઈકલની બ્રેક વાગી ગઈ. મને ‘આઈ લવ યુ’ કહીને એના મનનો ભાળ હળવો થઈ ગયો હોય એમ એ હાથ પહોળા કરીને હવાને પોતાનામાં સમાવી લેવાને ઈરાદે સ્કૂટીને ભગાવતી ત્યાંથી નીકળી ગઈ.
બીજા દિવસે હું શાકમાર્કેટમાં પહોંચ્યો એના પહેલાં જ એ આવી ગઈ હતી. મને જોઈને ધમકાવતા એવી રીતે બોલી જાણે અમે કાલે નહીં ઘણા સમયથી એકબીજાને મળતા હોઈએ, “કેમ મોડું કર્યું? મને રાહ જોવાની આદત નથી?” મારા માટે પ્રેમમાં પડવાનો આ પહેલો અનુભવ હતો એટલે શું કરવું એની ખબર ન પડી, પણ પછી તો અમે રોજ શાકમાર્કેટમાં ને પછી બહાર પણ મળવા લાગ્યા. એ ગર્લ્સ સ્કુલમાં બારમાં ધોરણમાં ભણતી હતી એટલે તેને છોકરાઓનો પરિચય ઓછો હતો. એણે મને કહ્યું કે એણે મને પહેલીવાર જોયોને પ્રેમ થઈ ગયો હતો.
બીજા વર્ષે તેણે મારી જ કોલેજમાં એડમીશન લીધું એટલે મને લાગ્યું કે હવે તો મજા પડી જશે, પણ મને ખબર ક્યાં હતી કે હું જેને મજા માનું છું એ સજા થઈ જશે. ધીમે ધીમે મને એના શંકાશીલ સ્વભાવનો પરિચય થવા લાગ્યો. હું કોઈ છોકરી સાથે વાત કરતો હોઉંને જો જોઈ લે તો મને હજારો સવાલ પૂછી નાખે, કોણ હતી એ? શું વાત કરતો હતો? કેમ વાતો કરતો હતો? એ તારી શું થાય છે? પછી તો આ રોજનું થવા માંડ્યું.
એક દિવસ હું અને મારા મિત્રો જોર જોરથી હસીને વાતો કરી રહ્યા હતા અને જીનાલી દુરથી જોઈ રહી હતી. વારેઘડીયે હું ઉડતી નજરે એને જોઈ લેતો હતો એથી અચાનક એને શું થયું ખબર નહીં, એ મારી પાસે આવીને સીધી મારી ઉપર વરસી પડી, “મારી મજાક કરે છે? હેં. તારા ભાઈબંધો આગળ મને હલકી સાબિત કરે છે? ને પાછા શરમ વગરના બધા જોર જોરથી હસો છો.” આવા તો અગણિત સવાલો સાથે એણે આખી કોલેજ વચ્ચે મારું ફૂલેકું કાઢ્યું.
એ દિવસે મારું મગજ બહેર મારી ગયું. મને પેલો અવાજ સંભળાયો, “પ્રેમ એ આઝાદી છે, બંધન નથી. તમને મુક્ત કરે એ પ્રેમ. જેમાં જીવવાની મજા આવે એ પ્રેમ. પ્રેમ જો વિષ બનવા માંડે તો સમજવું એ પ્રેમ નહીં, આકર્ષણ છે.” મેં નિર્ણય લઈ લીધો હતો. જીનાલી સાથે આખું જીવન જીવવું અઘરું થઈ જશે.
બીજે જ દિવસે એને કોલેજ પત્યા પછી મેં દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, “સોરી.” હું કોલેજના પાછળ આવેલા પાર્કિંગના પછવાડેના નાનકડા જંગલમાં પડેલા એક તૂટેલા બાંકડા પર એને એ ગણતરી કરીને લઈ આવ્યો હતો કે એ જો ફરી મારું ફૂલેકું કાઢવાનો ઈરાદો કરે તો હું પલાયન થઈ શકું.
એણે હજી સુધી પોતે સાચી ઠરીને મારી જ ભૂલ હું સ્વીકારી રહ્યો છું એના આનંદ અને મીઠા ગુસ્સા સાથે કહ્યું, “પણ તું કરે છે એવું કે મને ગુસ્સો આવી જાય છે.”
મેં એની ભૂલ સુધારતા કહ્યું, “હું એટલા માટે સોરી નથી કહી રહ્યો કે તું સાચી છે, પણ એટલા માટે કહી રહ્યો છું કે આપણે અલગ થઈ જવું જોઈએ. મને એવું લાગે છે કે આપણે આખી જિંદગી સાથે નહીં રહી શકીએ. ક્યારેક ક્યારેક આપણે ખોટો સાથી પસંદ કરી લઈએ છીએ.”
હું કંઈ આગળ બોલું એ પહેલાં જ એ વિફરી, “ઓ...ઓ... તારી ફિલોસોફી તારી પાસે રાખ. તું સમજે છે શું તારા મનમાં. મને તારા જેવા હજાર મળી જશે, પણ તને મારા જેવી નહીં મળે... યાદ રાખજે. ચલ હટ.” કહીને ત્યાંથી નીકળી ગઈ. મારે કહેવું તો હતું કે તને હજાર મુબારક ને તારા જેવી નહીં મળે એ મારા નસીબ, પણ એણે ગઈકાલે મારી સાથે જે પ્રસંગ કર્યો હતો એનાથી મને આશા નહતી કે આટલો જલ્દી જીનાલીથી મને છુટકારો મળી જશે. મને એને જતા જોઈ મનમાં તો થયું કે મેલું પાટું તો જાય ગડથોલું ખાતી. પણ પેલો અવાજ મને સંભળાયો, “ક્ષમા વીરસ્ય ભૂષણમ.”