નારી તું નારાયણી - 3 Nij Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારી તું નારાયણી - 3

આજે મારી વાતોમાં એક એવી નારીની વાત કરવાની છે કે જેમના માટે હર્દય પુર્વક માન થાય છે. એમના માટે સાચેજ ગૌરવ અનુભવાય છે. જેમણે સાચેજ નારીને આ યુગની નારાયણી ગણી.
અમારા ઘરથી નજીકમાંજ ગંગામાસી રહે છે. ગંગામાસી પોતે બાળવાડી એટલે કે બાળમંદિરમાં નોકરી કરતા હતા. અને તેમના પતિ ખેતીકામ કરતા હતા. એક સામાન્ય જીવન જીવતા હતા. ગંગામાસીને બે દીકરાઓ અને એક દીકરી હતા, સંતાનમાં.

મોટો દીકરો બેંકમાં નોકરી કરતો હતો. અને નાનો દીકરો ફોજમાં હતો. અને દીકરીને પણ સારા ઘરમાં પરણાવી દીધી હતી. એમના સમાજની રીતી પ્રમાણે બન્ને દીકરાઓના વહેલા જ લગ્ન કરી દેવામાં આવેલા. નાનો દીકરો જે ફોજમાં હતો. તેના લગ્ન કોમલ સાથે થયા હતાં.
લગ્નના પાંચ વર્ષમાં ફોજી દીકરો સહિદ થઈ ત્રિરંગો ઓઢતો ગયો અને પાછળ શ્વેત કોમલ માટે 3 વરસનો દીકરો અને કાયમ માટે આ સફેદીનો રંગ છોડતો ગયો. કોમલનું રંગોળીભર્યું જીવન અચાનક સફેદ રણ જેવું બની ગયું. એની જીવનરૂપી ફૂલવાડીમાં જાણે સફેદ ફૂલ જ બચ્યા હતા. અન્ય રંગોએ જાણે સદાના માટે કોમલને અલવીદા કહી દીધું હતું. કોમલ જાણે હવે જીવનમાં કશુજ બચ્યું નથી તેમ નિરાશાના અંધકારમાં ખોવાતી જતી હતી. જાણે હવે જીવવાની કઈ ચાહ તેને રહી નાં હતી. જેમતેમ કરી ગંગામાસીએ પોતાને અને કોમલને સાચવ્યા.
એકાદ વરસમાં જ મોટા દીકરા અને વહુનાં વર્તનનો બદલાવ જોવા મળતા એમને અંદાજ આવી ગયો હતો કે મોટા દીકરા અને વહુને કોમલ અને તેનો દીકરો બોજ લાગવા લાગ્યા છે. તેમને કોમલની ખૂબ ચીંતા થવા લાગી. ગંગામાસી અને તેમના પતિ કોમલને બીજા લગ્ન માટે સમજાવતા પણ કોમલ એકની બે ના થઈ. એણે સાફ કહી દીધું કે એક ભવમાં બે ભવ નઈ કરું.

ગંગામાસી અને તેમના પતિ કોમલના ભવિષ્ય માટે ચિંતા કરે છે. એટલે ગંગામાસી નિર્ણય કરે છે કોમલને પગભર કરવા માટે, તેનું જીવન કોઈના પર નિર્ભય રહીને નાં વિતાવવું પડે. તેને માટે, કઈક કરવા માટે નક્કી કરે છે. કોમલ ખાલી બાર સુધીજ અભ્યાસ કરેલ હોવાથી આગળ શું કરી શકે તેના માટે ઘણીબધી જગ્યાએથી માહિતી એકત્ર પણ કરી આવ્યા.
ગંગામાસીએ કોમલને રસોઈ બનાવવાનો બહુ શોખ હતો તે નીત નવી રસોઈ બનાવતી માટે તેની રસોઇકળાનેજ તેના જીવનની આજીવિકા બનાવી આપવાનું નક્કી કર્યું. અને તેમણે કોમલને બેકરી સાયન્સ નો અભ્યાસ કરાવ્યો. કોમલ કોલેજ જતી ત્યારે ગંગામાસી ઘરનું કામ અને તેના દીકરાને જતનથી લાલન પાલન કરવા લાગ્યા. મોટો દીકરો જમીન અને ઘરમાં ભાગ લઈ અલગ રહેવા ચાલ્યો ગયો. તેને ક્યારેય આ બધાનો વિચાર કર્યો નથી.
એક તો પહેલેથીજ ઓછી જમીન હતી. અને હવે તેમાં ભાગ પડવાથી જીવન જીવવું થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું. જીવન નિર્વાહ માટે હાથ તંગ રહેવા લાગ્યો. ગંગામાસી હિંમત ના હાર્યા. તેમણે ટિફિન સર્વિસ ચાલુ કરી. તેમના પતિ સાથે મળીને ખેતી, ઘર અને ટિફિન સર્વિસ ચલવવા લાગ્યા.

કોમલનો અભ્યાસ પૂર્ણ થતાં તેને એક બેકરી ખોલી આપી. સાથે અમૂલના પાર્લરની એજન્સી પણ લઈ આપી. અને પોતાની ટિફિન સર્વિસ પણ ચાલુ રાખી. બહુજ ઓછું શિક્ષણ મેળવ્યું હતું ગંગામાસીએ પણ સંસ્કાર અને ઘડતર પેઢી તારી દે એવા મેળવ્યા હતા. પોતાની આગવી સૂઝબૂઝ અને ઉમદા વિચારસરણી વડે આખું કુટુંબ એમણે તારી દીધું હતું.

એક સાહસી, પરાક્રમી, માભોમ માટે શહીદ થનાર દીકરાને એના પત્ની અને બાળકને જીવનની નવી દિશા આપીને માતાએ પોતાના પુત્રને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી. ધન્ય છે આવા માવતરને. જે પોતે તો એમના કુટુંબ માટે નારાયણી બની ગયા. પણ દીકરાની વહુને પણ નારાયણીનો અવતાર માની વધાવી લીધી.
એટલે જ નારીને નારાયણી કહેવાય હશે.
નીતુ જોષી નીજ