પ્રકરણ-૨
(સંબંધોના સરવાળા)
અનામિકા હવે મોટી થઈ ગઈ હતી. એ શાળાએ જવા લાગી હતી. અનામિકા હવે બાલમંદિરમાં આવી ગઈ હતી. મનોહરભાઈ રોજ કલગી અને અનામિકાને શાળાએ મૂકવા જતાં. આજે પણ એ બંનેને શાળાએ મૂકીને બેંકમાં કેશિયરની નોકરી કરવા ગયાં. હજુ તો થોડી જ વાર થઈ હશે ત્યાં જ એમને શાળામાંથી ફોન આવ્યો કે, અનામિકા બેભાન થઈ ગઈ છે. તમે જલ્દી અહીં આવી જાવ. આ સાંભળીને મનોહરભાઈ તરત જ દોડતાં શાળાએ પહોંચ્યા.
****
મિહિરભાઈ એક બેંકમાં મેનેજરની નોકરી કરતાં હતાં. બેંકમાં નોકરી કરતા હોવાને કારણે થોડાં થોડાં સમયે એમની અલગ અલગ શહેરમાં બદલી થયા કરતી. એમનું જીવન જેમ સામાન્ય મધ્યમ વર્ગના લોકોનું હોય એવું જ એમનું જીવન હતું. માતા પિતા બાળપણમાં જ મૃત્યુ પામ્યાં હતા અને પોતે ઘરમાં સૌથી મોટા હતા એટલે એમના બે ભાઈઓ અને બે બહેનો એ બધાંની જ જવાબદારી એમના શિરે આવી હતી. અને જવાબદારીના વધુ પડતાં ભારને કારણે ક્યારેક એ ખૂબ જ થાકી જતાં અને અમુક વખતે હતાશ થઈ જતાં અને એમની આ હતાશા ગુસ્સામાં પરિવર્તિત થઈ જતી અને એ ગુસ્સો એ પોતાની પત્ની મનીષા પર ઉતરતો. ગુસ્સામાં એ પોતાની પત્ની પર હાથ ઉપાડતાં પણ અચકાતા નહીં. પણ એમની પત્ની મનીષા કે જે સ્વભાવે ખૂબ જ સહનશીલ હતી કે, પછી એમ કહીએ કે એમનો એમના ઘરમાં કોઈ અવાજ જ નહોતો. એ ક્યારેય કંઈ જ બોલતાં નહિ અને સામાન્ય રીતે બધું સહન જ કરતાં. માત્ર ઘરનું કામ જ કર્યા કરતાં. એમની દુનિયા રસોડામાંથી શરૂ થઈને રસોડામાં જ પૂરી થઈ જતી હતી. બાકી પોતાના બાળકો એ જ એમનું જીવન હતું. મિહિર અને મનીષાને ત્રણ બાળકો હતાં. એમાં સૌથી મોટો નિશ્ચય કે, જે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. એનાથી નાનો સાગર અને સૌથી નાની એક બહેન વિદ્યા. મિહિર ભાઈને દીકરી કરતાં પોતાના બંને દીકરા વધુ વહાલા હતાં. ગમે તેમ પણ અંતે તો એ એમના વારસદાર હતાં.
મિહિર ભાઈ નોકરીની સાથે સાથે પોતાની જ્ઞાતિનું પણ કામ સંભાળતાં. જ્ઞાતિમાં એમનું કુટુંબ ખૂબ ઉચ્ચ કોટિનું મનાતું. જ્ઞાતિના લોકોને એમના પર અતિ આંધળો વિશ્વાસ. કેટલાય લોકોના લગ્ન એમણે કરાવ્યાં હશે એટલે જ્ઞાતિના લોકો એમને ખૂબ જ માન આપતાં.
પણ ઘણીવાર બહાર જેવું દેખાય છે એવું અંદર હોતું નથી. બહાર ઉચ્ચ નામના ધરાવતાં મિહિરભાઈનું ઘર ખૂબ જ રૂઢિચુસ્ત માનસ ધરાવતું. એમના ઘરની સ્ત્રીઓએ માથું હંમેશા ઢાંકેલું જ રાખવાનું. વડીલોની હાજરીમાં પતિ સાથે બેસી ન શકે. જ્યાં પુરુષો હોય ત્યાં જઈ ન શકે. વહુઓ પોતાના દેર કે જેઠ સાથે મુક્ત રીતે વાત ન કરી શકે. સ્ત્રીઓનું એમના ઘરમાં કોઈ માન સન્માન નહીં તો પછી સ્ત્રીઓના અવાજની તો વાત જ શું કરવી? સ્ત્રીઓની બુધ્ધિ પગની પાનીએ એવું માનવાવાળું એમનું કુટુંબ. ઘરના પુરુષો સ્ત્રી ઉપર હાથ ઉપાડતાં પણ ક્યારેય અચકાતા નહીં. અને ઘરની બધી સ્ત્રીઓ પણ આ અન્યાય ચૂપચાપ સહન કર્યા કરતી. કોઈ જ આ અન્યાય સામે અવાજ ઉઠાવવાવાળું નહોતું. કહેવા માટે તો મિહિરભાઈનો પરિવાર એક શિક્ષિત પરિવાર હતો પણ જે શિક્ષા સ્ત્રીઓનું સન્માન કરતાં ન શીખવે એ શિક્ષા પણ શું કામની?
*****
બીજો એક પરિવાર હતો દિગ્વિજયભાઈનો. ખૂબ ગરીબ પરિવાર હતો. ખાવાનું પણ એમને રોજ મળે નહીં એટલી હદે ગરીબ પરિવાર હતો એમનો. દિગ્વિજયભાઈના પરિવારમાં એમની એક પત્ની અને ચાર બાળકો. સૌથી મોટો મૌલિક, એનાથી નાનો મેહુલ અને બે જોડકી બહેનો મીરાં અને મયુરી. એમની ગરીબાઈ જ એટલી હતી કે, બાળકોને ભણાવવાનું તો એ વિચારી શકે એમ જ નહોતા. દિગ્વિજયભાઈ એક કલાકાર હતાં. એમને કુદરતે બીજું તો કંઈ નહોતું આપ્યું પણ ગાવાની કળા સારી એવી આપી હતી. રેલ્વે સ્ટેશન પાસે એ તંબુ બાંધીને એ રહેતાં અને જે ટ્રેન આવે એમાં ચડી જતાં અને પોતાના મંજીરા લઈને એ ગાવા પહોંચી જતાં. અને કોઈને એમનો અવાજ ગમે તો એમને બે પાંચ રૂપિયા આપી દેતાં ને કોઈ વળી માલદાર પાર્ટી હોય તો વળી દસ રૂપિયા આપી દેતાં. ઘરે આવીને એ પોતાને ગાવાની જે કંઈ આવક થઈ હોય એમાંથી થોડી પોતે રાખતાં અને બાકીની પોતાની પત્ની મંજુને આપી દેતાં ને મંજુ એમાંથી જે કંઈ વસ્તુ ખરીદી શકાય એ ખરીદી લાવતી અને એમાંથી જે ખાવાનું બને એ બાળકોને બનાવી આપતી. એમ એ લોકોનું ગુજરાન ચાલતું. દિગ્વિજય ભાઈને બે ભાઈઓ હતાં એ બંનેની સ્થિતિ સારી હતી પરંતુ એમના ધૂની સ્વભાવને કારણે કોઈ એમને પોતાની સાથે રાખવા તૈયાર નહોતા.
એવામાં એક દિવસ એમનો સિતારો ચમક્યો. એ ટ્રેનમાં ગાવા માટે ગયા અને જેમણે એમનું ગીત સાંભળ્યું એ પોતે મ્યુઝિક કમ્પોઝર હતા. એમણે આ કલાકારનો અવાજ પારખ્યો અને કહ્યું, "હું એક મ્યુઝિક કમ્પોઝર છું અને સાઉથ આફ્રિકામાં એક પ્રોગ્રામ કરવાનો છું. તમે સારું ગાવ છો તો તમે મારી સાથે મારા શૉ માં ગાશો?"
દિગ્વિજયભાઈ તો આ સાંભળીને વિચારમાં પડી ગયા. એમને વિચારોમાં ગરકાવ થયેલાં જોઈને સામેના વ્યક્તિ એ કહ્યું, "તમે પૈસાની બિલકુલ ચિંતા ન કરો. તમારે એક રૂપિયો પણ ખર્ચવાનો નથી. તમારે માત્ર મારી જોડે આવવાનું જ છે અને ગીત ગાવાનું છે. જે કંઈ પણ ખર્ચ થશે એ બધો જ હું ભોગવીશ. માટે એ બાબતે તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. માત્ર તમારી હા ઈચ્છું છું."
અને દિગ્વિજયભાઈએ એમને હા પાડી દીધી. એમણે ઘરમાં આવીને આ વાત જણાવી તો બધાં ખૂબ ખુશ થઈ ગયા. સાઉથ આફ્રિકા જવાની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી પણ કિસ્મતને કદાચ હજુ એમની ખુશી મંજુર નહોતી. જે દિવસે સાઉથ આફ્રિકા જવાના હતા બરાબર એ જ દિવસે એમની પત્ની મંજુની તબિયત લથડી. એમણે ત્યાં જ રોકાઈ જવું પડ્યું. એમણે સાઉથ આફ્રિકા જવાની ના પાડવી પડી. પોતાની પત્નીને ઠીક થઈ જાય એ માટે એ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા.
***
શું થયું હશે અનામિકાને? શું મિહિરભાઈના રૂઢિચુસ્ત વાતાવરણમાં અવાજ ઉઠાવનારી કોઈ સ્ત્રીનું આગમન થશે? શું દિગ્વિજયભાઈની ગરીબી દૂર થશે? મિહિરભાઈ અને દિગ્વિજયભાઈના પરિવારનો શું સંબંધ હશે મનોહરભાઈના પરિવાર સાથે? જાણવાં માટે વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.