જીવનસંગિની - 3 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનસંગિની - 3

પ્રકરણ-૩
(શિક્ષાનું મહત્વ)

મનોહરભાઈ અનામિકાની શાળામાંથી ફોન આવતાં જ તરત જ દોડ્યા. શાળાએ પહોંચીને એમણે પૂછ્યું, "શું થયું છે મારી અનામિકાને? ઘરેથી હું એને મુકવા આવ્યો ત્યાં સુધી એની તબિયત તો બિલકુલ ઠીક હતી તો પછી અત્યારે અચાનક એને ચક્કર કેવી રીતે આવી ગયા?"

"તમે ચિંતા ન કરો મનોહરભાઈ. અનામિકા બિલકુલ ઠીક છે અને હવે એ ભાનમાં પણ આવી ગઈ છે. પણ એને ચક્કર કેવી રીતે આવી ગયા તો હવે ડોક્ટર જ કહી શકે. અમે ડોક્ટરને પણ ફોન કરી દીધો છે. એ થોડીવારમાં આવતા જ હશે.

અનામિકા પોતાના પિતાને જોતાં જ એમને વળગી પડી. અને રોવા લાગી. મનોહરભાઈએ એને શાંત પાડવાનો પ્રયત્ન કરતા કહ્યું, " શાંત થઈ જા દીકરા! બિલકુલ ચિંતા ન કરીશ. આપણે હમણાં ડોક્ટરને બતાવી દઈએ અને એ તને દવા આપશે એટલે તને બિલકુલ સારું થઈ જશે."

થોડીવારમાં ડૉક્ટર ત્યાં આવ્યાં. એણે અનામિકાને તપાસીને કહ્યું, " કંઈ ચિંતા કરવા જેવું નથી. ખાલી થોડી ખેંચ આવી ગઈ હતી. એટલે એ બેભાન થઈ ગઈ હતી. પણ હું તમને લખી આપું એ રીપોર્ટ બને તો જલ્દીથી કરાવી લેજો." એટલું કહીને ડૉક્ટરે એમને જે તપાસ કરાવવાની હતી એ લખી આપી. અને ડૉક્ટર ત્યાંથી ચાલ્યા ગયા અને મનોહર ભાઈ અનામિકાને લઈને ઘરે આવ્યા.

અનામિકાને આજે જલ્દી ઘરે આવેલી જોઈને માનસીબેને પૂછ્યું, "કેમ આજે આટલાં જલ્દી ઘરે આવી ગયા? મનોહરભાઈએ શાળામાં જે કંઈ પણ બન્યું એ બધી વાત કરી. આ સાંભળીને માનસીબેન ચિંતામાં આવી ગયા. એમને ચિંતામાં જોઈને મનોહરભાઈ બોલ્યા, "તું ચિંતા ન કરીશ માનસી. આપણે ડૉક્ટરે કીધી છે એ તપાસ કરાવી લઈશું. અનામિકાને કંઈ જ નહીં થાય."

બીજે દિવસે મનોહરભાઈ અને માનસીબહેન અનામિકાના રીપોર્ટ કરાવવા ગયાં. રીપોર્ટ જોઈને ડૉક્ટરે એમને કહ્યું, "બહુ ખાસ ચિંતા કરવા જેવું નથી પરંતુ બાળકીમાં કેલ્શિયમની ઉણપ છે. હું તમને કેલ્શિયમની ગોળીઓ લખી આપું છું. એ રોજ રાતે એને જમ્યા પછી આપવાની છે. બાકી ચિંતા ન કરશો."

"પણ આવું થવાનું કારણ શું? ડૉક્ટર સાહેબ! મારા તો ઘરમાં એ કોઈના નખમાંયે રોગ નથી તો મારી આ દીકરીને આવી ખામી રહેવાનું કારણ શું?"

ડૉક્ટરે એમના મનનું સમાધાન કરતાં કહ્યું, "બની શકે કે કદાચ પ્રેગ્નન્સી દરમ્યાન માનસીબહેને કેલ્શિયમની ગોળીઓ ના લીધી હોય અને એની અસર આ બાળકીમાં આવી હોય. એ પણ એક કારણ હોઈ શકે છે."

ડૉક્ટરની આ વાત સાંભળીને માનસીબહેન તરત જ બોલ્યા, "હા, ડૉક્ટર સાહેબ! હું તો હંમેશા ગોળીઓ લેતી જ હતી પણ ક્યારેક ક્યારેક કામમાં લેવાનું ભૂલી જતી હતી. મારી એ બેદરકારીની સજા આજે મારી દીકરી ભોગવી રહી છે."

ડૉક્ટર બોલ્યા, "જે થવાનું હતું એ તો હવે થઈ જ ગયું છે. એ સમય તો ફરી પાછો નહિ આવે હવે, પણ અત્યારે જે પરિસ્થિતિ છે એનો આપણે ઈલાજ કરી શકીએ એમ છીએ. અને આ કંઈ ગંભીર બિમારી નથી. અને એવાં તો કેટલાંય બાળકોમાં અપૂરતા પોષણને કારણે પણ આવી કેલ્શિયમની કમી હોય જ છે. આ કેલ્શિયમની કમી પૂરી કરવા માત્ર દવા જ લેવાની હોય છે. એમાં કંઈ ચિંતા કરવા જેવું છે જ નહીં."

ચિંતા કરવા જેવું નથી એવા ડૉક્ટરના શબ્દો સાંભળીને મનોહરભાઈ અને માનસીબહેને રાહતનો શ્વાસ લીધો.

****
"હું શું કહું છું તમને કે, આપણે આપણા આ બંને દીકરાઓ ને ભણાવવા જોઈએ એવું તમને નથી લાગતું? આમ ને આમ ક્યાં સુધી જિંદગી જીવાશે? જો દીકરાઓ ભણશે તો જ કંઈક સારું કમાઈ શકશે ને તો જ આપણી આ ગરીબી દૂર થશે. દીકરીને નહીં ભણાવીએ તો ચાલશે, કેમ કે એણે તો ભણીને પણ રોટલાં જ ઘડવાના છે પણ દીકરાઓને તો ભણાવવા જ પડશેને? તમે કંઈક કરો ને એમને ભણાવવા માટે." મંજુબહેને દિગ્વિજય ભાઈને કહ્યું.

"તારી વાત તો સાચી છે મંજુ પણ મારી પાસે એની ફી ભરવાના પૈસા પણ નથી તો હું એ લોકોને કઈ રીતે ભણાવું? તું જ કહે. બાકી મારા દીકરાઓ જો ભણી શકે તો એની સૌથી વધુ ખુશી મને જ થશે." દિગ્વિજયભાઈએ સત્ય સમજાવતાં કહ્યું.

"તમે કહો તો હું જ્યાં કચરા પોતા કરવા જાઉં છું એ માયા બહેનને વાત કરી જોઉં જો એ થોડીઘણી મદદ કરે તો.." મંજુબેન બોલ્યા.

"સારું તને ઠીક લાગે એમ કર." દિગ્વિજયભાઈએ અનુમતિ આપી દીધી.

મંજુબહેને પોતે જ્યાં કામ કરતાં હતાં એ માયાબેનને વાત કરી જોઈ. માયાબહેને તરત જ કહ્યું, "મંજુ, તું બિલકુલ ચિંતા ના કરીશ. આજથી તારા ચારેય છોકરાઓને ભણાવવાની જવાબદારી મારી. એમની બધાંની ફી હું આપીશ. આમ પણ મારે કોઈ બાળકો તો છે નહીં હું જો કોઈ બાળકોનું ભવિષ્ય સુધારી શકીશ તો એના જેટલી કોઈ જ ખુશી નથી મારા માટે. તું કાલે જ જઈને શાળાએથી એડમિશન માટેનાં ફોર્મ લઈ આવજે. આ લે આ બાળકોના સ્કૂલની ફી ભરવાના પૈસા. હું તને અત્યારે જ આપું છું. હવે બિલકુલ મોડું ના કરીશ. અને હા, મારે આ પૈસા પાછા નથી જોઈતાં."

"પણ બહેન હું ખાલી મારા દીકરાઓને જ ભણાવવા માંગુ છું. દીકરીઓને ભણાવવાની કોઈ જ જરૂર નથી. આમ પણ એણે તો ભણીને પણ રોટલાં જ ઘડવાના છે ને?" મંજુબહેને કહ્યું.

"દીકરીઓને શા માટે નથી ભણાવવા માંગતી તું? દીકરીઓની તો તારે ફી પણ ભરવાની નથી. એને તો સરકાર પણ મફત ભણાવે છે. જો આજે એક દીકરી ભણશે તો એ પોતાના સંતાનોને સારું ભવિષ્ય આપી શકશે માટે આજના સમયમાં દીકરીઓને તો શિક્ષા આપવી બહુ જ જરૂરી છે. દીકરાઓની સાથે સાથે દીકરીઓને પણ શાળાએ મોકલજે. હું તો તને સાચી સલાહ આપું છું બાકી પછી તને જેમ ઠીક લાગે તેમ કરજે." માયાબહેને કહ્યું.

મંજુબહેન આજે ખૂબ ખુશ હતાં. એમણે ઘરે આવીને ખુશખબર આપ્યાં. અને બાળકોને કહ્યું, "આવતીકાલથી તમારે બધાએ હવે સ્કૂલે ભણવા જવાનું છે."

મંજુબહેનની આ વાત સાંભળીને બાળકો પણ ખુશ થઈ ગયા કે, હવે અમે પણ બીજા બધાં બાળકોની જેમ સ્કૂલે જઈ શકીશું.

****
કેવો હશે શાળામાં દિગ્વિજયભાઈના સંતાનોનો અનુભવ? શું મંજુબહેન ક્યારેય પણ માયાબહેનનું ઋણ ચૂકવી શકશે? શું અનામિકાની તબિયતમાં ક્યારેય પણ સુધારો આવશે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા માટે વાંચતાં રહો આ વાર્તા જીવનસંગિની.