અતીતરાગ – ૬
અતીતરાગની ગત પાંચમી કડીના અંતે મેં કહ્યું હતું કે. અતીતરાગ કડી ક્રમાંક છમાં
આપણે હરિહર ઝરીવાલા ઉર્ફે સંજીવકુમારનું ફિલ્મી નામ કઈ રીતે અને કોણે પાડ્યું એ રસપ્રદ કિસ્સા વિષે ચર્ચા કરીશું.
શેક્સપીયરે એવું કહ્યું હતું કે. નામમાં શું રાખ્યું છે ?
જો આ વિશ્વભરની વસ્તીમાં આપ સ્વયંના અસ્તિત્વને મહત્તા આપતા હો તો આપનું નામ જ આપની એ ઓળખ છે, જેના થકી સૌ આપથી પરિચિત છે, અને ભવિષ્યમાં યાદ પણ કરશે.
પણ કોઈને તેનું નામ નાપસંદ હોય તો ? શું કરવાનું ?
સંજીવકુમારને તેના નામ હરિહર ઝરીવાલામાં કોઈ ફિલ્મી ટચ નહતો લાગતો એટલે તેમણે તેનું નામ બદલ્યું, એકવાર નહીં પણ બે વાર, હાં બે વાર.
કઈ રીતે ?
હવે જાણીએ, શું હતો એ કિસ્સો.
સંજીવકુમાર મૂળ વતની રહ્યાં સૂરતના, પણ બચપણથી જ સ્થાઈ થયાં મુંબઈમાં. તેમણે તેમની ફિલ્મી સંઘર્ષની શરૂઆત કરી નાટકો દ્વારા. ઇપ્ટા (ઇન્ડિયન પીપલ થીએટર એસોસિએશન )ના સદસ્ય બન્યાં બાદ ઇપ્ટા મારફતે ભજવાતા વિવિધ નાટકોનો તેઓ હિસ્સો બન્યાં.
આપણા ગુજરાતી લોગમાં એ વાત સામાન્ય છે કે. નામની પાછળ ‘ભાઈ’ ઠપકારી જ દેવાનું, પૂછ્યા વગર.
એટલે સંજીવકુમારને સૌ હરિભાઈ કહીને સંબોધતા અને એ સંજીવકુમારને ખુંચતું.
તેમને લાગતું જાણે કોઈ વડીલને સંબોધી રહ્યાં હોય એવી લાગણી થતી.
તે કાયમ એવું વિચારતા કે કોઈ એવું નામકરણ કરું જે ફિલ્મસ્ટારને છાજતું હોય.
સંઘર્ષ દરમિયાન મહામુસીબતે તેમણે એક ફિલ્મમાં કામ કરવાનો જુગાડ કર્યો ત્યારે તેમણે નક્કી કરી લીધું કે તે કોઈ નવા ફિલ્મી નામ સાથે જ ફિલ્મમાં પદાપર્ણ કરશે.
તેમણે તેમનું નામ અગ્રેજી આલ્ફાબેટ “એસ” પરથી રાખવાનું નક્કી કર્યું.
‘એસ’ પર પસંદગી મુકવાનું કારણ તેમની માતાનું નામ ‘એસ’ થી શરુ થયું હતું.
‘એસ’ મતલબ શાંતાબેન.
ઘણાં માનસિક વ્યાયામ અને મિત્રો સાથેની મસલત પછી સંજીવકુમારે ‘એસ’
પરથી તેમનું નામ પસંદ કર્યું..
‘સંજય.’
અને સંજયની સાથે તડકો લગાવતાં જોડ્યું, કુમાર,
એટલે હરિહર ઝરીવાલા બન્યા ‘સંજયકુમાર’
પણ..ખાટલે મોટી ખોટ.
તેમની પહેલી ફિલ્મના કેપ્શન ક્રેડીટમાં તેમનું નામ પડદા પર જ ન આવ્યું.
તે ફિલ્મ વર્ષ ૧૯૬૦માં રીલીઝ થયેલી. કલાલારો હતાં સુનીલદત્ત, જોય મુખરજી આશા પારેખ અને હેલન. તે ફિલ્મમાં સંજીવકુમારની એક નાનકડી ભૂમિકા હતી.
ફિલ્મનું નામ હતું ‘હમ હિન્દુસ્તાની’.
સૌ પ્રથમ ફિલ્મી પડદે તેનું નામ આવ્યું.. ગુજરાતી ફિલ્મ ‘રમત રમાડે રામ’ દ્વારા.
અને તે પણ માત્ર ‘સંજય’ તરીકે.
ત્યારબાદ એક બીજી ફિલ્મ આવી. જેમાં જોય મુખરજી મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મનું નામ હતું, ‘આઓ પ્યાર કરે.’ તે ફિલ્મમાં પણ સ્ક્રીન પર નામ હતું ફક્ત ‘સંજય’.
એ પછી તેમની મુલાકાત થઇ કમાલ અમરોહી સાથે. તેમણે સંજીવકુમારનો તેમની આગામી ફિલ્મના કાસ્ટિંગ માટે સ્ક્રીન ટેસ્ટ લીધો અને તેમાં સંજીવકુમાર સફળ રહ્યાં.
એ ફિલ્મનું નામ હતું ‘શંકર હુસેન’.
પણ કમાલ અમરોહીને ‘સંજયકુમાર’ નામ ન ગમ્યું. એટલે તેમણે સંજીવકુમારને કહ્યું કે હું તમારૂ નામ ‘ગૌતમ રાજવંશ’ રાખીશ. જો તમને યોગ્ય લાગે તો વાત આગળ વધારીએ.
મરતા ક્યા ન કરતાં. ?
એ સમય સંજીવકુમારનો સંઘર્ષકાળ હતો એટલે ના પડવાનો કોઈ અવકાશ નહતો.
પરંતુ અહીં પણ કિસ્મતને કઈક અલગ જ મંજૂર હતું.
એ સમય દરમિયાન કમાલ અમરોહી અને તેની પત્ની મીનાકુમારી વચ્ચે ચાલતાં ખટરાગનું સમાધાન થઇ ગયું અને કમાલ અમરોહી તેમની ડ્રીમ પ્રોજેક્ટ ફિલ્મ ’પાકીઝા’ જે અધુરી હતી તે પૂરું કરવાની તૈયારી લાગી પડ્યા.
અને ફિલ્મ ‘શંકર હુસેન’ને મૂકી બાજુ પર.
‘શંકર હુસેન.’ ફિલ્મ રીલીઝ થઇ વર્ષ ૧૯૭૭માં. પણ જો એ ફિલ્મ તે સમયે રીલીઝ થઇ હોત તો આજે સંજીવકુમારને આપણે સૌ ‘ગૌતમ રાજવંશ’ના નામથી ઓળખતા હોત.
વર્ષ ૧૯૬૪માં સંજીવકુમાર ફિલ્મ “નિશાન’માં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં હતાં. અને તે જ વર્ષે એટલે કે ૧૯૬૪માં સંજયખાનની ફિલ્મ રીલીઝ થઇ ‘દોસ્તી’ અને સંજયખાન બોલીવૂડમાં છવાઈ ગયાં. અને સંજીવકુમારની મુસીબત રહી ઠેરની ઠેર.
સંજયખાન અને સંજયકુમાર આ બન્ને નામમાં જરૂર વિટંબણા ઉભી થશે, એવું સંજીવકુમાર માનવા લાગ્યાં.
ફિલ્મ ‘નિશાન’ના દિગ્દર્શક એસ.પી.ઈરાનીએ સંજીવકુમારને નામ તબદીલ કરવાની સલાહ આપીને કહ્યુ કે,એક બોલીવૂડ, બે સંજય તેમાં ગુંચવાડો ઉભો થશે.
અંતે ઘણી માથાપચ્ચી બાદ નામ ફાઈનલ થયું.. ‘સંજીવકુમાર’
ફિલ્મ ‘નિશાન’ રીલીઝ થઇ વર્ષ ૧૯૬૫માં. ફિલ્મી પડદા પર પ્રથમવાર તેમને ઓળખ આપવામાં આવી ‘સંજીવકુમાર’ તરીકે.
આગામી કડી....
રેકોર્ડિગ સ્ટુડીઓમાંથી ચાલુ રેકોર્ડિંગ દરમિયાન હિન્દી ફિલ્મ જગતના બે દિગ્ગજ ગાયકોને તગેડી મુકવામાં આવ્યાં હતાં..
કારણ આપ્યું કે તેમનો સ્વર ગાયક બનવાને લાયક નથી.
એ બે મહાન સિંગર્સના નામ હતાં.. કિશોરકુમાર અને આશા ભોંસલે.
અતીતરાગની આગામી કડીમાં આપની જોડે વિગતવાર ચર્ચા કરીશું એ યાદગાર કિસ્સા વિષે.
વિજય રાવલ
૧૩/૦૮/૨૦૨૨