4.
મોનિકાએ એકદમ મારો હાથ ખેંચ્યો અને ત્યાં પડેલ એક ગાદલાંઓના થપ્પા વચ્ચે પોતે મને વળગીને સુઈ ગઈ અને અમે બન્ને એ થપ્પાની વચ્ચેનાં ગાદલાના વીંટામાં એકબીજા ઉપર સુઈ રહ્યાં.
એણે મને ચૂપ રહેવા ઈશારો કર્યો. હવે મારું ધ્યાન પડ્યું. ભાગવામાં એની કાળી ટોપી પડી ગઈ હતી. અરે! એનો એક ગાલ એસીડથી ખરડાઈ ગયેલ ચામડી વાળો હતો.
"ઇતને મેં હી હોગે કુત્તે કે પિલ્લે. છોડના નહીં." કહેતા બે ચાર માણસો એ ચોર સાથે અમારી બાજુમાંથી દોડ્યા. કોઈનો દોડતો પગ મારી પીઠ પરથી થઈને ગયો. મેં એ માર ઝીલી લીધો. પીઠ પર સરખો માર લાગ્યો. મોનિકા મારી નીચે હતી. તે મારી સાથે દબાઈ પણ ગાદલું અને મારું શરીર - એ બે તેનું આવરણ બની રહેતાં તેને કશું થયું નહીં.
એ લોકો આગળ ગયા ત્યાં મોનીકા કહે "બાલ બાલ બચે. એ લોકો મારી પાછળ આમેય પડેલા. આગળની પોળમાં હું રહેતી હતી. એમના એક સાગરીતે મારો પીછો કરી, રોજ મને આંતરી. પહેલાં તો તેની સાથે 'ફ્રેન્ડશીપ' કરવા દબાણ કર્યું. પછી ધમકીઓ આપી. પછી મારૂં ધર્માંતર કરી મારી સાથે લગ્ન કરવા રોજ મારો રસ્તો રોકી દબાણ કરેલું. મેં પોલીસની મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી એ રોમિયોને પકડાવ્યો એટલે એના સાગરીતે મારા મોં પર એસિડ નાખ્યું. એમાં આ ગાલ.."
એ રડી પડી. મેં એને પીઠ પસવારી સાંત્વન આપ્યું.
"આજે એ જ એસિડ ફેંકનારો લાગમાં આવ્યો. એ ભાગતો તમારી અગાશીએ આવ્યો ત્યાં મેં કપડાં સુકવવાની એક દોરી ગાંઠ સાથે એક પાઇપ પરથી કાઢી ખાલી આંટી ચડાવી, પાછળ બીજી પાઇપ પર ફરી આંટી મારી. થોડી નીચે. એ અગાશીની પાળ નજીક, પાળનાં જ લેવલે હતી. એમાં ભરાઈ એ પડ્યો. આ પેલાં બહેનનો મોબાઈલ. એના પડતાં એના હાથમાંથી છૂટી ગયો. "
એણે એક મોબાઈલ તેની લેગીન્સમાં છુપાવેલો તે બતાવ્યો.
"પેલા પાસે બીજા પણ બે ચાર મોબાઈલ હોય એમ લાગ્યું." મેં કહ્યું.
"તો એ આટલામાં જ હોવો જોઈએ. હજુ બીજા મોબાઈલ ચોરી એક સાથે વેંચી મારવાની વેતરણમાં હશે." મોનિકાએ કહ્યું.
ત્યાં એ અને બીજો સાગરીત એક જુના બજાજ સ્કૂટર પર અમારી તરફ આવતા દેખાયા. અમે એક્દમ ઝડપથી દોડીને એક સીડી જેવું હતું તેની પાછળ સંતાઈ ગયાં.
એ લોકો ફરી ત્યાં ગાદલાંઓ પાસે ઊભા. ગાદલાં ઊંચાંનીચાં કરી લાત મારી. પછી કાઈં ન મળતાં આજુબાજુ જોઈ ફરી સ્કૂટર ચાલુ કરી બાજુની શેરીમાં ગયા.
"આ શેરીમાં જવું હોય તો આ એક ચા ની હોટલ અથવા બાજુનાં ઘરમાંથી નીકળાય છે. મને ખ્યાલ છે. ચાલ, એ લોકો ક્યાં જાય છે એ જોઈએ." મેં કહ્યું.
અહીં રહેઠાણોની વ્યવસ્થા પરાપૂર્વથી એવી હોય છે કે ઘરનું આગલું દ્વાર એક પોળમાં હોય તો બીજું ક્યારેક બીજી પોળ કે બીજા ખાંચામાં ખૂલે. પોળની મકાનોની આંટીઘૂંટી પોળનો રહેવાસી જ સમજે.
અમે બાજુના ઘરનું અધખુલ્લું બારણું આગળીયામાં હાથ નાખી ખોલ્યું. એક ખૂણે હિંચકા પર વયસ્ક દંપત્તી બેઠું હતું. વચ્ચે જલેબીની ડીશ પડેલી.
"લે, આ કોણ આ અત્યારે આવ્યું ભલા?" કાકા બોલ્યા.
" કહું છું ભલા, ચશ્માં પહેરી જોઉં. છે કોઈ ફાંકડી જોડી છે. અરે ઉભો, આ જલેબી તો ચાખતાં જાઓ." કાકીએ પોળનાં આતિથ્યનો પરિચય આપ્યો.
અમે બે એકેક જલેબી મોંમાં ઠોસી અને સામી બાજુ એ ઘરમાંથી નીકળી બીજી એક સાંકડી શેરીમાં આવ્યાં. ત્યાંથી જ સ્કુટરવાળા એમને બહાર નીકળતો મેઈન રોડ પકડવો હોય તો જઈ શકે. એ લોકો આવવા જ જોઈએ. અમે એ કાકા કાકીનાં ઘરની પાછલી જાળીમાંથી થઈ તેમનાં ઓટલને ખૂણે બહાર આવેલાં સંડાસમાં છુપાઈને જોવા લાગ્યાં.