અંતરપટ-7
અણગમતું અણછાજતું બનશે, તું બનવા દે,
આઘાતના પણ પ્રત્યાઘાત પડશે, તું પડવા દે,
હોય દોષ તારો તો અન્ય સાથે મિથ્યા લડીશનાં,
ખુદને ખુદ સાથે લડવું પડશે, તું લડવા દે,
હશે પોતીકા એ તો સમય સાથેજ રહેશે છેક સુધી,
રસ ઉડી જશે તો એય ઉડી જશે,તું ઉડવા દે.
ભાવનાએ ભીની આંખે એના લગ્નજીવનની કરુણ કથની કહી સંભળાવી. થોડી વાર ફરીથી ખામોશી છવાઈ ગઈ. અંતમાં ભાવનાના પિતાજીએ ભાવિનને વિનંતી ભર્યા ભાવે કહ્યું, જો બેટા ભાવિન, "મારી દિકરીની વેરાન રણ જેવી જીંદગીને તારી દુઃખ ભરી જીંદગી સાથે એકતાર કરીને પ્રેમની સુખમયી પગદંડીએ પગલાં પાડવાની હિંમત નહી કરે બેટા!" ભાવિન પણ આજે જ્યારે ભાવનાના પિતાએ તેને બેટા ! કહીને કરેલ સંબોધન બાદ તેના મનથી પણ ભાર ઘણો બધો હળવો થઇ ગયો હતો. તે પણ ઇચ્છતો હતો કે, જે તેની સાથે અગાઉ થયું તે બધું એક કાળ એ સમયે હતો તેને પરિણામે બનવાકાળ બધું બની ગયું હવે નવેસરથી નવીજીંદગી નવો દાવ શરૂ કરવાનું યોગ્ય હશે જ, તેને પરિણામે જ, હવેલીના દ્વાર આગળ જ કારનું બંધ થવું, શ્રીજીબાવાના ચિત્રાજીનું ઘરમાં લાવવું અને જે માનવી વર્ષોથી નાસ્તિકતાનું જીવન જીવતો આવ્યો હતો તેને જીવનમાં આ બધું બનવું એ કોઇ સારા સંકેત જ આપી જાય છે. પરિણામ સ્વરૂપ તેને ભાવનાના પિતાજીની વાતો સાંભળીને જવાબ આપ્યો.
"હા, બાપુજી ! કેમ નહીં ! શ્રીજી બાવાની અસીમ કૃપા હશે એ પણ !
પળવારમાં તો સૌના મુખ પરથી દુઃખના ઓછાયા ક્યાં જતા રહ્યા ખબર ન રહી ? ભાવનાનું મુખ તો શરમ સંકોચથી લાલઘૂમ થઈ ગયું.
એ જ વખતે ભાવિને એના પપ્પાને ફોન જોડ્યો."પપ્પા ! આજે મેં એક સામાન્ય પરિવારની દીકરીને ધર્મપત્નિ તરીકે અપનાવી લીધી છે. શું અમે આશિર્વાદ લેવા આવીએ તો આપશો ખરા !"
ફોન પર માત્ર ડૂસકાં સંભળાયાં. થોડીવારે ભાવિનની મમ્મીનો અવાજ આવ્યો એ પણ અશ્રુસભર. હા દિકરા ! કેમ નહીં ! પરંતુ તારે અહીં આવવાની જરૂર નથી. અમે માવતર કમાવતર થયાં હતાં. દેવ જેવા દિકરા સાથે અમે અન્યાય કર્યો છે. તું કંઈ પણ આગળ બોલે તો તને અમારા સોગંદ છે. અમે કલાકમાં જ નિકળીએ છીએ.
. રાત્રે દશ વાગ્યે ભાવિનના માતા-પિતા અને ભાઈ આવી પહોંચ્યાં. આવતાંવેંત ભાવિનનો ભાઈ અને એની પત્નિ ભાવિનના પગમાં પડી ગયાં તો ભાવિન અશ્રુધારા વહાવતો માબાપના પગે પડી ગયો. માબાપ ભાવિનને ભેટીને ખાસ્સીવાર રડતાં રહ્યાં. થોડીવારમાં જ ભાવના અને એનો પરિવાર આવતા સ્વાગતા માટે ચા કોફી લઈને હાજર થયો.
. ભાવિને ભાવનાની ઓળખાણ આપતાં એની મમ્મીને કહ્યું, "મમ્મી ! આ તમારી પુત્રવધૂ." સાસુ સસરાના આશિર્વાદ લીધા.
. નાહી ધોઈને સ્વસ્થ થઈને બધાં ભાવનાના નાનકડા ફ્લેટમાં હોંશે હોંશે જમ્યાં.
જમીને બધાં વાતે વળગ્યાં પરંતુ જાહેરમાં બધી હકીકત કહીને ભાવિનના માબાપ માફી માગવાની વિનંતી કરી રહ્યાં હતાં એની સપ્રેમ મનાઈ ફરમાવીને ભાવિને પિતાજીને કહ્યું, "બાંધી મુઠ્ઠી લાખની પપ્પા ! તમારા વિચારોએ તો મને શ્રીજી બાવાના શરણે આળોટતો કરી દીધો છે. મને નાસ્તિકમાંથી આસ્તિક બનાવી દીધો છે. તમે સૌ ઉભાં થઈને સામે રહેલ તસવીરને હાથ જોડીને એકવાર બોલો, "ૐ નમઃ ભગવતે વાસુદેવાય."
. ભાવિને તો એક જ વાર બોલવાનું કહ્યું હતું પરંતુ એના પરિવારે તો સતત "ૐ નમઃ ભગવતે વાસુદેવાય."મંત્ર સતત ચાલું રાખ્યો. એ ચારેય વ્યક્તિઓની વેદનાએ પવિત્ર મંત્રજાપમાં આંખોથી અવિરત વહી રહેલ અશ્રુપ્રવાહ સાથે પલાયન કરી રહી હતી. ભાવિને ફરીથી એ ચારેય જણને સાંત્વના આપતાં કહ્યું, "હવે તો એ બાંધી મૂઠીમાં મને નિર્લેપ પ્રેમ વગર કંઈ બચ્યું દેખાતું નથી. આપણે સર્વેએ વીતી ગયેલ ભૂતકાળને ભૂલીને વર્તમાનને માણવાનો સમય આવી ગયો છે.
વહેમ અને વાસ્તવિકતાનાં ભેદ પણ ખુલશે,
અંતરપટનાં પડદાંય ખુલશે, તું ખુલવા દે.
=================================================================
Dipak Chitnis(DMC)
dchitnis3@gmail.com