અંતરપટ-3
જીવનમાં ઘણા લોકો તમને એવા મળે કે જેમાના વર્તનથી
તમે કઠોર હ્રદયના બની જવાના વિચાર આવે, ઘણા બની પણ જાય,
પણ તમારું અંતરપટ તમને તમારા વાસ્તવિક સ્વભાવને છોડવા ન દે
તો સમજવું કે તમે તમારા અંતરપટ સાથે જોડાયેલા છો...
એમણે ભાવનાને, તૃષારના બાબતે એકવાર ફેરવિચારણા કરવા સમજાવી જોઈ પરંતુ પ્રેમમાં પાગલ થઈ ચુકેલી ભાવનાને કે સમયે તૃષાર સિવાય બીજું કંઈ દેખાતું નહોતું. પરંતુ એને ક્યાં ખબર હતી કે તૃષારના માતા-પિતા એ તૃષારને સ્પષ્ટ કહી દીધું હતું કે,"ભાવના આપણી લાઈફ સાથે સેટ થઈને નહી રહે તો એને તારે છુટાછેડા આપી દેવાના.’’
પહેલેથી જ આવી વિચારસરણી ધરાવતા પરિવાર સાથે શું સેટ થઈને રહી શકે ભાવના ? લગ્ન તો લેવાઈ ગયાં ને મધુરજની માટે વિદેશ પ્રવાસ પણ થઈ ગયો પરંતુ એ તો નવી જનરેશનનો એકમાત્ર ક્રેઝ માત્ર હતો. બાકી ત્રણેક મહિનામાં તો આસમાનમાંથી ધરતી પર પડતી થઈ ગઈ હતી ભાવના. એને ધીરેધીરે વાસ્તવિકતાનું ભાન થતું ગયું હતું. અઠવાડિયે એક જ વાર પિયરમાં ફોન કરવો. સાસરીમાં સાસુ-સસરાનાં દરેક સારા નરસા હુકમનું પાલન કરવું. બે વરસથી રિસામણાં કરીને આવેલ નણંદનાં બાળકોને પણ ભાવનાએ જ સાચવવાનાં ને અને એણે જ તૈયાર કરવાનાં. દર રવિવારે હોટેલોમાં જમવામાંથી ભાવનાની તો બાદબાકી. તૃષારના પિતાની કંપનીમાંથી લાવેલ ઘરકામમાં લેપટોપ પર દરરોજ તૃષારને મદદ કરવી. આખો દિવસ ઘરકામ કરવાનું તો ખરું જ કારણ અગાઉ ઘરમાં કામવાળા બહેન હતા તેમને ભાવનાના ઘરમાં આવ્યા છુટ્ટા કરવામાં આવેલ હતા. આ બધાં પ્રકરણોએ ભાવનાને સાચી વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું હતું. પરંતુ મા ઘેલા તૃષાર આગળ ફરીયાદ કરવાનો કોઈ અવકાશ જ ક્યાં હતો. તેને માટે તો તેના માબાપ પૂજનીય હતા, એ તો ભાવના પણ સમજતી નહોતી. ? પરંતુ આ ઘરમાં એનું સ્થાન કેવું છે એ સમજી ચુકી હતી .
છેવટે બાર મહિનાના ટુંકા ગાળામાં જ લગ્ન જીવન પછી એનો અંતર આત્મા ત્રાહિમામ પોકારી ઉઠ્યો. એણે તૃષારની હાજરીમાં જ એની સાસુને કહી દીધું, "હું હવે આ ઘરમાં રહી શકું તેમ નથી."
પળવારનોય વિલંબ કર્યા વગર ઘરભંગ થવાના આરે આવીને ઉભી રહેલી નણંદે તાત્કાલિક પ્રત્યુત્તર આપી દીધો,"કાલે જતી હોય તો અત્યારે જ ચાલી નિકળ. આમેય તારા જેવી ગરીબ ગમારને લાવીને મારો ભાઈ છેતરાઈ જ ગયો છે."
ભાવનાની દયામણી નજર તૃષાર પર મંડાયેલી હતી પરંતુ એના મોંઢામાંથી એક હરફ પણતેની બહેનના બોલેલા વેણ માટે બહાર ના આવ્યો. તકની રાહ જોઈને ઉભેલ તૃષારની મમ્મી બોલી ઉઠી. "લાખોપતિ વિજયલાલની એકની એક દીકરી કેટલી સારી હતી ! પરંતુ આ છોકરીએ તૃષાર પર શું વશીકરણ કર્યું કે એના પર મોહી પડ્યો ? એના આવ્યા પછી તો મારા પર્સમાંથી કેટલીય વાર રૂપિયા ઓછા થયેલ દેખાયા છે. મેં વળી મનમાં એવું વિચારીને જતું કર્યું કે, બિચારી ગરીબ ઘરની છોકરી છે. ભલે ને પાંચ દશ હજાર એના કુટુંબમાં પહોંચાડતી હોય ! થોડું આપણા ઘરમાંથી ઓછું થઈ જવાનું છે એમ મમાની આંખ આડા કાન કર્યા ?"
ભાવનાની આંખો છલકાઈ ઉઠી. એણે તૃષાર પર છેલ્લી નજર નાખી. એણે સાચા હ્રદયથી પ્રેમ કર્યો હતો તૃષારને, એટલે તો આ બધું સહન કરી રહી હતી. પરંતુ એને અત્યારે સમજાઈ ગયું કે, તૃષાર તો એના રુપ યૌવનને મોહી પડ્યો હતો. તૃષારની એ વાસના હતી વાસ્તવિક પ્રેમ નહી. છતાંય પાંચેક મિનિટ કંઈના બોલી ભાવના.
છેવટે નીચું જોઈને બોલી, "તમારે કંઈ કહેવું છે તૃષાર ?‘‘
તૃષાર બોલ્યો,"તું અમારી સાથે સેટ નહી થઈ શકે ભાવના. હું તારી માફી માંગું છું. બીજું કોઈ પાત્ર શોધી લેજે. અને જતી વખતે લાખ બે લાખ રૂપિયાની જરૂર હોય તો મારી મમ્મી પાસેથી લેતી જજે." કહીને તરુણ ઓફિસે જવા નિકળવાની તૈયારી કરવા લાગ્યો.
છંછેડાયેલી સિંહણની જેમ ભાવના તાડુકીને બોલી ઉઠી , "વાહ રે લાખોપતિ પરિવારના આ સંસ્કારો ? વહુના જાકારા માટે કંઈ કહેવા લાયક છે જ નહીં એટલે છેલ્લે ચોરીનું આળ ? ઠોકરે મારુ છું તને અને તમારા રૂપિયા અને તમારા પરિવારને. બે દિવસમાં જ ડાયવોર્સ પેપર મોકલાવી દેજે. સહી કરી આપીશ. "એના પિયરનાં ચાર પાંચ જોડી કપડાં ભરીને સડસડાટ ચાલતી થઈ ગઇ હતી ભાવના.
======================================================================
Dipak Chitnsi
Dchitnis3@gmail.com