પોળનું પાણી - 1 SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોળનું પાણી - 1

1.

સંક્રાંતિની સવારના સાડાદસ વાગેલા. આજે તો પવન પણ ખૂબ અનુકૂળ હતો. સવારની ઠંડી થોડી ઓછી થઈ હતી એટલે મારી અગાશીની આસપાસ જ્યાં જુઓ ત્યાં ઉપર રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ અને નીચે રંગબેરંગી વસ્ત્રોમાં શોભતાં માણસો દેખાતાં હતાં. પોળની સંક્રાંતની તો વાત જ અલગ.

આ વખતે લાઉડસ્પીકર વગાડવાની મનાઈ હતી પણ એમ ફિક્કી ઉતરાણ કોને ગમે! ચારે તરફથી બ્યુગલો અને થાળીઓ વાગતી હતી. 'લપ્પેટ..,' 'કાપ્યો છે..', 'હુરર.. હુટ્ટ ..' જેવા અવાજો આવી રહ્યા હતા. વાતાવરણ તહેવારને અનુરૂપ બરાબર જામ્યું હતું.

હું મારો એક ખૂબ દૂર ગયેલો પતંગ પકડીને એનું હવે તડકામાં માંડ દેખાતું ટપકું જોઈ રહ્યો હતો. હમણાં સુધી પહેલાં મમ્મી અને પછી પડોશનો છોકરો ફીરકી પકડી ઉભાં હતા. મમ્મી ઘરનાં કામ નીપટાવવા ગઈ અને છોકરાનું ધ્યાન બીજા પતંગો પકડવામાં ગયું એટલે હું એકલો પડ્યો હવે ફિરકી એક નાનાં સ્ટેન્ડમાં રાખી હું પુરી એકાગ્રતાથી મારો પતંગ જોઈ રહ્યો હતો. એણે ત્રણ પતંગો તો કાપ્યા. હવે દોરી જ ભર હવામાં પતંગને આગળ ને આગળ લઈ જતી હતી અને મારી આંગળીઓ પતંગને અંકુશમાં રાખી નચાવતી હતી, ઢળી જતો બચાવતી હતી.

ઓચિંતી કોણ જાણે ક્યાંથી એક દોરી વચ્ચેથી આવી. સાવ નીચેથી. કોઈ જસ્ટ ચગાવવો શરૂ કરતું જ હતું અને નીચેથી એની દોરી મારી દોરી સાથે ઘસાઈ. પેચ તો હવામાં હોય. અહીં તો એક ભર હવામાં અને એક નીચે, જેને ચડાવવા ખેંચવો તો પડે. પછી શું? મારો પતંગ એની સાથે ઘસાઈને નીચે આવ્યો. મારે હવે ખેંચે જ છૂટકો. મેં મારો પતંગ ખેંચ્યો. ત્યાં બાજુની અગાશીએથી પણ એ ખેંચાયો. બાજુની અગાશીમાંથી મારા પતંગને કોઈ પતંગ લપટાએલો અને એ બેયને કોઈ ખેંચતું હતું. એનો પતંગ ગોળ ગોળ ફરવા માંડ્યો અને મારો તો એની ખેંચના જોરે જ કોઈ ઝાડ કે પાઈપમાં ભરાયો. વગર કાપ્યે કપાયો.

મેં ગુસ્સે થઈ પતંગની દિશામાં જોયું.

'સોરી, સોરી. હું પતંગને સહેજ હવાની દિશામાં ફેરવવા ગઈ ને તમારી દોરીમાં લપટાઈ ગયો.' બોલનાર કિશોરી કમ યુવતી હતી. એણે ઠંડીથી બચવા કે એમ જ કાળી ટોપી પહેરેલી. એમાંથી મારી તરફ એનો એકદમ ગુલાબી ગાલ દેખાયો. એના વાળ બ્રાઉન હતા. તડકામાં ચમકતા એકદમ સુંવાળા. ખભે પહોંચતા. તેણે શોર્ટ્સ પહેરેલી. તેમાંથી એકદમ ગોરા, કૂણાકૂણા, ઘાટીલા પગ દેખાતા હતા.  ટીશર્ટમાંથી પૂર્ણ ગોળ ઉરજો પણ ધ્યાન ખેંચતા હતા. ખીલતી કળી જેવું બેસતું યૌવન. ચિત્રમાં જોઈએ એવું સુંદર ફિગર.

 

આમ સંક્રાંત સુધરતી હોય તો ઘોળ્યો એક પતંગ.

'ચાલે. નજીક નજીકનાં ધાબાઓમાં થઈ જાય. અંદરોઅંદર પેચ. એમ કરીએ. મારે આમેય હવે કોઈ ફીરકી પકડનારૂં કોઈ નથી. નથી તમારે. તો હવે તમે ચગાવો. હું તમારી ફીરકી પકડું.' મેં કહયું.

આવી તક જવા દેવાય?

એ થોડું શરમાઈ. મારી સામે જોઈ સંમતિ આપતું મીઠું હસી. હું ધાબાની વંડી ઉપર બેસી એને ધાબે ગયો.

એનાથી વળી તોફાની પવનમાં પતંગ ચડતાં ઘુમરી ખાવા લાગ્યો. મેં એનો હાથ પકડી એના ખભા તરફ ઠુમકો મરાવ્યો. સત્તર અઢાર વર્ષની યુવતીના હાથની કુમાશ અને શીતળતા મને દઝાડી ગઈ. એનો પતંગ ચગ્યો. એ ખુશખુશાલ થઈ બુમો પાડવા  લાગી. બે ત્રણ વાર એ પાછળ ગઈ કે હું ફીરકી સાથે આગળ, એ અને હું ટકરાયાં. બીજું શું કહું? મઝા માણી.

એમ લાગ્યું કે એ પણ મારી નિકટતા માણી રહી હતી.

ઉપર પતંગ લહેરાઈ રહ્યા, નીચે બે યુવાન હૈયાં.