અનોખો સંબંધ Nij Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખો સંબંધ

નિહારિકાની એનજીઓ સ્ત્રીઓ અને બાળકો માટે કાર્યરત હતી. એક સાંજે નિહારિકા થોડું ઘણું કામ પતાવી ઘરે જવાના વિચારમાં હતી કે તેના મોબાઈલમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. એટલે નિહારિકા મળેલી માહિતી નાં આધારે તે એડ્રેસ ઉપર પહોંચી જાય છે. અને ત્યાં જઈ જોવે છે તો એક પાંચ થી છો માસની બાળકી દયનીય સ્થિતિમાં એક જૂના કપડામાં લપેટાયેલી પડી હતી.

હકીકતમાં ત્યાં આવેલા મોટા કચરાના ઢેરમાં તે બાળકીને કોઈ કચરાની માફક નાખી ગયું હતું. અને ત્યાંથી અવર જવર કરતા લોકોમાંથી કોઈની નજર એની ઉપર પડી હતી અને તેમણે જ આસપાસના લોકોને ભેગા કરી એ બાળકીને બહાર કાઢીને નિહારિકાને ફોન કર્યો હતો.

બાળકીની હાલત ખુબજ ગંભીર જણાતી હતી. ભુખી તરસી રડી રડીને જાણે આક્રંદ કરતી પૂછી નાં રહી હોય કે મારો શું વાંક? મને કયા ગુનાહની સજા મળી કે હું સાવ કચરાની માફક નાખી દેવાઇ. શું મારો મમતાનો, માતૃત્વનો કોઈ અધિકાર નઈ?

નિહારિકાનું મન દ્રવી ઉઠ્યું બાળકીની આવી દશા જોઇને. એણે તરતજ બાળકીને લઈ લીધી. તાવના કારણે બાળકીનું શરીર જાણે ધગધગી રહ્યું હતું. અતિ આક્રંદથી રડી રડીને એના શ્વાસ ફૂલી રહ્યા હતા. જાણે ધમણની જેમ ચાલી રહ્યા હતા. બહુ રડવાથી તે હીબકે ચડી ગઈ હતી.

નિહારિકાએ એને ભીના નેપ્કિનથી આખું શરીર સાફ કરી આપ્યું.અને તેને પ્રેમથી થપથપાવીને શાંત કરવા લાગી. નિહારિકાનો મમતા ભર્યો સ્પર્શ મળતા બાળકી ધીરે ધીરે શાંત થવા લાગી.તે બાળકીને પોતાની ગાડીમાં લઈને હોસ્પીટલ પહોંચી ગઈ. તુરંત એની સારવાર ચાલુ કરવામાં આવી. પોલીસને જાણ કરવામાં આવી. ડોક્ટરના જણાવ્યા અનુસાર તે બાળકી ઘણા સમયથી ભૂખી તરસી અને બીમાર હોવાનું જાણવા મળ્યું. કુપોષણ અને કમજોરી અને સતત રડવાથી તેની સ્થિતિ વધુ ગંભીર હતી અને તે બેભાન થઈ ગઈ હતી. એટલે તેને આઇસીયુમાં રાખવી પડી હતી.

નિહારિકા આખી રાત તેની સાથે બેસી રહે છે. એની નજર એ કોમળ ફૂલ જેવી બાળકી પરથી હટતી નહોતી. હોસ્પિટલના સ્ટાફને પણ બાળકી માટે ખૂબ કરુણા જાગે છે. સૌં કોઈ તેની સારવારમાં લાગી જાય છે.આખી રાત બાળકી બેભાન રહે છે. સવાર થતાં તે આંખો ખોલે છે. બધાજ ખુશ થઈ જાય છે. ડોકટર આવીને બધું તપાસી બધું ઠીક હોવાનું જણાવે છે. નિહારિકા તેને દૂધ પીવડાવે છે. હવે બાળકી થોડી સ્વસ્થ જણાય છે.

બાળકી હવે હસે રમે છે. નિહારિકા તેની સાથે ઘણો સમય વિતાવી પછી નર્સને તેનું ધ્યાન રાખવા જણાવી પોતાના ઘરે જવા નીકળે છે. તે બાળકીને કપાળે હળવું ચુંબન કરી જવા જતી હોય છે તો બાળકી તેની આંગળી પકડી રાખે છે અને ખૂબ રડવા લાગે છે.એટલે ડોકટર બાળકીને તેની સાથે લઈ જવાની છૂટ આપે છે. અને સમયસર ચેકઅપ માટે લઈ આવવા જણાવે છે.

તે બાળકીને લઈ પોતાના એનજીઓ પર આવે છે. અને નિહારિકા તેને ત્યાં પોતાની સાથે જ રાખે છે. ત્યાં આ બાળકી જેવા કેટલાય અનાથ બાળકો અને નિઃસહાય સ્ત્રીઓ નિહારિકાનો પરિવાર બનીને રહેતા હોય છે . નાના મોટા સૌ કોઈ તે ફૂલ જેવી બાળકીને આ રીતે તરછોડાયેલી જાણી થોડા દુઃખી જરૂર થાય છે. પણ પછી નાના બાળકો એને પ્રેમથી રમાડવા લાગે છે. તો મોટા એને ખૂબ આશીર્વાદ આપી સ્નેહથી સાંભળે છે . "જે પોતે અનાથ છે તે બધાને એક કુટુંબની જેમ રાખે છે." જી હા નિહારિકા પોતે પણ અનાથ હોય છે. અને અનાથાશ્રમમાં રહીને જ મોટી થઈ હોય છે અહીંયા સહુનો એકબીજા સાથે એક અનોખો સંબંધ બંધાયેલો જોવા મળે છે.
🌺નીતુ જોષી નીજ 🌺