Ajukt - 2 books and stories free download online pdf in Gujarati

અજુક્ત (ભાગ ૨)

ઇન્સ્પેકટર ચૌધરીએ પોતાની જાતને તરત સંભાળી લીધી. ત્યાં સુધી દૂર ઉભેલામાંથી અમુક લોકો પોલીસ ટુકડીની પાસે આવી ગયા હતા. ઇન્સ્પેકટરે સુટકેસમાં રહેલી પોલીથીનમાં નજર નાંખી. વાદળી શર્ટમાં કોણીથી હથેળી સુધીનો હાથ વીંટીને મુકેલો હતો.

ડાભીને બીજી પોલીથીનની બેગ ખોલવાનો આદેશ કર્યો. ડાભીએ બીજી પોલીથીનની ગાંઠ ખોલી ને તેમાંથી જાંબલી પેન્ટમાં સાથળનો પગનો ભાગ વીંટીને મુકેલો હતો તે બહાર કાઢ્યો. બંનેના ઉપર અને નીચેના ભાગ ખુલ્લા અને લોહીથી ખરડાયેલા નજરે પડી રહ્યા હતા. સ્વેટર લાલ રંગનું હોવાથી પહેલી નજરે જોતાં લોહીના ડાઘ દેખાયા ન હતા. શર્ટ ને પેન્ટ લોહીથી તરબતર હતા. લોહી સુકાઈ ગયેલું હતું.

સુટકેસની આસપાસ ઊભેલા લોકો પણ ધીમે ધીમે સામાન્ય અવસ્થામાં આવી રહ્યા હતા. ધીમે ધીમે ભીડ વધી રહી હતી. ભીડમાંથી અમુક પોતાના મોબાઈલમાં સુટકેસ અને લાશના ટુકડાના ફોટા પાડવામાં મશગુલ થઈ ગયા હતા.

ઈન્સ્પેક્ટરે હવાલદારને હુકમ આપતાં કહ્યું, “કામત, ભીડને અહીંથી ખસેડો.”

ઇન્સ્પેકટરનો હુકમ મળતાં જ તરત ત્રણ હવાલદાર ભીડને દૂર ખસેડવામાં લાગી ગયા હતા અને લોકોને સુટકેસથી પચાસેક ફૂટ દૂર ઊભા રહેવા સમજાવી રહ્યા હતા. ભીડમાં રહેલા તમામ સુટકેસથી દૂર ઉભા રહ્યા હતા, પણ તેમાંથી અમુક હજી પણ ફોટા પાડવામાં અને વિડીઓ બનાવવામાં વ્યસ્ત હતા.

ગોળના ટુકડાની જાણ જેમ માખીઓને થઈ જાય છે તેમ મીડિયાને પણ આવી ઘટનાઓની જાણ ખબર નહી કેવી રીતે તરત થઈ જાય છે. મીડિયાવાળાઓએ આવતાવેંત કવરેજ શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં ઘટનાની માહિતી મુંબઈમાં પ્રસરી ગઈ હતી. ત્યાં ઉભેલામાંથી ઘણાએ આ ઘટનાને સોશિયલ મીડિયા પર વહેતી કરી દીધી.

ઈન્સ્પેક્ટરે સમય ના બગડતા હવાલદારોને આદેશો આપવાનું શરૂ કર્યું હતું.

સુટકેસ પાસેના હવાલદારને સુચના આપતા કહ્યું, “ડાભી, સુટકેસ બંધ કરી લાશના ટુકડા ફોરેન્સિક માટે હોસ્પિટલ મોકલવાની વ્યવસ્થા કર.”

ભીડને સાચવી રહેલા હવાલદારોને પોતાની પાસે બોલાવી કામ સોંપતા કહ્યું, “અહીં આજુબાજુ તપાસ કરો, લોકોને પૂછો, માછીમારોને પૂછો કે આવી બીજી કોઈ સુટકેસો કે કોઈ અન્ય પ્રકારની બેગો કે પછી લાશના અન્ય અંગો કોઈએ જોયા છે?”

સુચના મળતા તરત જ બધા પોતપોતાના કામે લાગી ગયા. ડાભીએ સુટકેસમાં સ્વેટર પાછું મૂકી સુટકેસ બંધ કરી. સુટકેસ લઈ ડાભી ત્યાંથી રવાના થયો અને ગાડીમાં ગોઠવાયો. ગાડીના ડ્રાઈવરને લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલ જવા કહ્યું. ડ્રાઈવરે ગાડી શરૂ કરી અને ગાડી હોસ્પિટલ ભણી રવાના થઈ.

 ત્રણ હવાલદારો પણ પોતપોતાના કામે લાગી ગયા હતા. એક હવાલદાર ભીડમાં ઊભેલા લોકોને પ્રશ્નો પૂછી રહ્યો હતો કે કોણે પહેલા સુટકેસ જોઈ, કિનારે કેવી રીતે આવી વગેરે. પણ ત્યાં ઊભેલા દરેક લોકો મીઠું મરચું ભભરાવી અલગ અલગ જવાબદારી આપી રહ્યા હતા.

અન્ય બે હવાલદાર માછીમારોને પૂછી રહ્યા હતા કે કોઈએ કોઈ સુટકેસ કે અન્ય કોઈ બેગો કિનારે આવેલી જોઈ છે કે પછી દરિયામાં તરતી જોઈ છે? ઇન્સ્પેકટર મીડીયાવાળા સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

લગભગ બે કલાક પછી માછીમારોને પૂછપરછ કરવા ગયેલા હવાલદારો પરત ફર્યા, પણ તેમની પાસે માછીમારો પાસેથી એવી કોઈ માહિતી મળી નહીં કે જેથી કેસને મદદ મળી શકે. દરિયા કિનારે તપાસ કરાઈ પણ અન્ય કોઈ બેગ, સુટકેસ કે લાશના બાકીના ટુકડા મળ્યા નહીં.  લોકોને પૂછી રહેલા હવાલદારે પણ જણાવ્યું કે કોઈને કંઈ ખબર નથી.

હોસ્પિટલ ગયેલો ડાભી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરાવી ગાડી લઈને પરત આવી ગયો હતો. ઇન્સ્પેકટરના કહેવાથી બધા પોલીસ સ્ટેશન રવાના થવા ગાડીમાં ગોઠવાયા. ડ્રાઈવરે પોલીસ સ્ટેશન તરફ ગાડી હંકારી.

પોલીસ સ્ટેશને આવી સૌથી પહેલાં બધાએ ચા પીધી. ત્યારબાદ ઇન્સ્પેક્ટર ચૌધરીએ પોતાના ઉપરી અધિકારીને સમગ્ર ઘટનાનો વિગતવાર રીપોર્ટ આપ્યો.

ચૌધરીનું મગજ કામ કરતુ ન હતું કે એક હાથ અને પગ ના ટુકડાને સહારે કેવી રીતે તપાસ આગળ વધારવી. હોસ્પીટલમાંથી એટલી જ માહિતી મળી હતી કે મરનાર કોઈ પુરુષ છે કે જેની ઉંમર આશરે ૫૦ થી ૬૦ વર્ષની વચ્ચે છે. ભારત દેશનું પોલીસ ખાતું હજી અમેરિકા કે યુરોપ જેટલું પ્રગતિશીલ નથી થયું કે જેની પાસે ડીએનએનો ડેટા છે, જેના આધારે મરનારના ડીએનએથી ખબર પડી શકે કે તેના ફેમિલીની જાણ થઇ શકે.

પોલીસે પોતાની તપાસ હાથ ધરી. આસપાસના તમામ સીસીટીવી કેમેરાની ફૂટેજ મંગાવી. મુંબઈમાં છેલ્લા થોડાક દિવસોમાં ગુમ થયેલા લોકોની માહિતી મંગાવી. તમામ તપાસ કરવા છતાં પોલીસના હાથ ખાલી જ રહ્યા. ન તો સીસીટીવી ફૂટેજમાં કંઈ મળ્યું, ન તો ગુમ થયેલા લોકોના લીસ્ટમાંથી કોઈ વ્યક્તિ સાથે આ લાશના ટુકડા સંબંધી કંઈ માહિતી મળી કે ન તો બાકીના લાશના ટુકડા મળ્યા.

છેવટે અલગ અલગ જ્યુરીસડીકશનના કારણે તપાસમાં પડતી મુશ્કેલી નિવારવા માટે કેસને મુંબઈ ક્રાઈમ બ્રાંચને સોંપવાનો નિર્ણય લેવાયો. માહિમ પોલીસને રાહત થઈ.

 ક્રાઈમ બ્રાંચની જે ટીમને કેસ સોંપવામાં આવ્યો હતો તેના ઇન્ચાર્જ જનક મિશ્રા અગાઉ પણ ઘણા પેચીદા કેસ ઉકેલી ચુક્યા હતા. જનક મિશ્રાની ખૂબી એ હતી કે તેઓ કેસને લગતી ઝીણામાં ઝીણી દરેક બાબતને ચીવટપૂર્વક તપાસ કરતાં અને એટલે જ તે ક્રાઈમ બ્રાંચમાં હતા.

જનક મિશ્રાએ ઘટનાસ્થળેથી મળેલી તમામ વસ્તુઓ મંગાવી. ઘટનાસ્થળેથી લાશના હાથ અને પગના ટુકડા, એક સુટકેસ, પેન્ટ, શર્ટ અને સ્વેટર સિવાય કંઈપણ મળ્યું ન હતું.

તેમણે સુટકેસથી શરૂઆત કરી. સુટકેસની અંદર કે બહાર કોઈપણ પ્રકારનો ટેગ લગાડેલો ન હતો. સુટકેસ કોઈ લોકલ કંપનીએ બનાવી હોય એવું લાગતું હતું. સ્વેટર પરથી પણ કંઈ મળ્યું નહીં. પેન્ટને પણ તપાસી જોયું. પેન્ટના ખિસ્સા ખાલી હતા. પેન્ટ ઉપર પણ કોઈ ટેગ મળ્યો નહીં. શર્ટને તપાસ કરતાં મિશ્રાની આંખ ચમક આવી. કોલરની નીચે લગાડેલું સ્ટીકર દેખાયું. સ્ટીકર પર લખ્યું હતું, “એલ્મો મેન્સ વિયર.”

મિશ્રા માટે આ પહેલી સફળતા હતી. તેમને ખબર હતી કે આજે પણ ઘણા સિવડાવેલ પેન્ટ શર્ટ પહેરવાનું પસંદ કરે છે, કારણ કે સિવડાવેલ પેન્ટ શર્ટનું ફીટીંગ પરફેક્ટ આવે છે. તે પોતે પણ સિવડાવેલ કપડાં પહેરવાનું પસંદ કરતાં હતાં. તેમની આંખમાં ચમક એટલા માટે પણ આવી હતી, કારણ કે તેઓ જાણતા હતા કે દરજી જે પણ કપડાં સીવે છે તેનો ટુકડો કપડાંના માપ સાથે પોતાની બિલબુકમાં લગાડે છે. જેથી જયારે કપડાં સીવ્યા બાદ કપડાં લેવા આવનારની ઓળખ કરી શકાય.

મિશ્રાએ એલ્મો મેન્સ વિયરની તપાસ કરાવી અને તેમણે બે જ દિવસમાં દુકાનનું સરનામું શોધી કાઢ્યું. દુકાન કુર્લા વેસ્ટમાં હતી. તેમણે પોતાની ટીમ સાથે સમય વેડફ્યા વિના તરત જ દુકાને પહોંચવાનો નિર્ણય કર્યો..

મિશ્રા અને ટીમને દુકાન શોધવામાં મુશ્કેલી ન પડી.  દુકાન બહાર ઉભા રહી મિશ્રાએ બોર્ડ જોયું. બોર્ડ ઉપર એલ્મો મેન્સ વિયર નામ કન્ફર્મ કરી મિશ્રા દુકાનમાં દાખલ થયા. દુકાન બહુ મોટી ન હતી. દુકાનમાં જઈ સામે ઊભેલા આધેડ વયના એક વ્યક્તિને મિશ્રાએ પૂછ્યું, “માલિક ક્યાં છે?”

પેલા આધેડે મજાકમાં કહ્યું, “કેમ સાહેબ હું માલિક જેવો નથી લાગતો?”

મિશ્રાએ પણ મજાકમાં જવાબ આપ્યો, “એવું નથી સાહેબ, પણ ખૂનની પૂછપરછ કરતાં પહેલાં જાણવું તો જોઈએને કે પૂછપરછ કોની કરવાની છે?”

પેલા આધેડને ખૂન શબ્દ સાંભળી આંચકો લાગ્યો. મજાકનો તેનો સ્વર બદલાઈને ગંભીર થઈ ગયો, તેના ચેહરાના ભાવ બદલાઈ ગયા અને તે એટલું જ બોલી શક્યો, “ખૂન!”

મિશ્રાએ આગળ ચલાવતાં કહ્યું, “ખૂનમાં એલ્મો મેન્સ વિયરના માલિકની સંડોવણી છે, એટલે પૂછપરછ કરવા આવ્યા છીએ.” મિશ્રાની સાથે આવેલા અધિકારીઓ મરક મરક હસી રહ્યા હતા. તેમને મિશ્રાના મજાકિયા સ્વભાવથી પરિચિત હતા.

સંડોવણી સાંભળીને પેલાની ગભરાહટમાં વધારો થયો. તેણે મિશ્રાને સવાલ કર્યો, “કોણ છો તમે? અને કયા ખૂનની વાત કરી રહ્યા છો? હું આખો દિવસ તો અહીં દુકાનમાં હોઉં છું, હું ક્યારે ખૂન કરવા જવાનો હતો? અને હું શું કામ કોઈનું ખૂન કરું?”

મિશ્રાએ ગંભીર મુખમુદ્રા કરી કહ્યું, “મજાક કરું છું. ગભરાઈ ગયાને?”

પેલા આધેડે પરસેવો લૂછતાં કહ્યું, “ખૂન ન કર્યું હોય ને કોઈ આમ અચાનક આરોપ લગાડે તો ગભરાઈ તો જવાયને સાહેબ.”

મિશ્રાએ માફી માંગતા કહ્યું, “સોરી, અમે એક કેસની તપાસ માટે આવ્યા છીએ અને તમારી થોડીક મદદ જોઈએ.”

પેલા આધેડે રાહતનો દમ લીધો અને કહ્યું, “હા, હા બોલો સાહેબ. મારાથી થતું હશે એટલું કરી આપીશ.”

મિશ્રાએ સાથી અધિકારીને કહ્યું, “સુરેશ, પેલો શર્ટ આપ.”

સુરેશે પોતાની બેગમાંથી એક પોલીથીનમાં વીંટાળેલ શર્ટ કાઢી મિશ્રાને આપ્યો. મિશ્રાએ શર્ટ એલ્મો મેન્સ વિયરના માલિકના હાથમાં મુક્યો અને પૂછ્યું, “આ તમારે ત્યાં સીવેલો શર્ટ છે. તમે તપાસ કરો કે આ કોણે સીવડાવ્યો હતો?”

પેલા આધેડે શર્ટના કોલરની નીચે લગાડેલું સ્ટીકર જોઇને કહ્યું, “હા સાહેબ, આ શર્ટ તો મારે ત્યાં જ સીવેલો છે.”

મિશ્રાએ કહ્યું, “તો તપાસ કરીને કહો કે કોણે સીવડાવ્યો હતો?”

પેલા આધેડે વિનંતીના સૂરમાં કહ્યું, “સાહેબ, પાંચ દસ મિનીટ આપો, બિલબુક જોઇને કહું.”

મિશ્રાએ હં... કહ્યું અને પેલો અંદર જઈ બિલબુકો તપાસવા માંડ્યો. લગભગ પંદર મિનીટ પછી એક બિલબુક અને શર્ટ લઈને પાછો આવ્યો.

મિશ્રાને બિલબુક બતાવતાં પેલાએ કહ્યું, “સાહેબ, આ રહ્યું તેનું બીલ. તેનું નામ છે બેનેટ રિબેલો.

મિશ્રાએ બિલબુક હાથમાં લીધી. બીલની પાછળ લગાવેલા શર્ટના ટુકડા સાથે શર્ટને સરખાવી જોયો. તેમને ખાતરી થઈ ગઈ કે આ એ જ શર્ટ છે કે જેનો ટુકડો બીલની પાછળ લગાવેલો છે. અને કદાચ આ મૃતકનો જ શર્ટ હશે એવો અંદાજો લગાવ્યો. તેમણે બીલ ઉપર લખેલું નામ વાંચ્યું, “બેનેટ રિબેલો.” તેમના સાથી અધિકારીએ પોતાની ડાયરીમાં નામ નોંધી લીધું.

મિશ્રાએ પ્રશ્નાર્થ નજરે પેલા આધેડની સામે જોઈ પૂછ્યું, “એડ્રેસ નથી?”

પેલાએ કહ્યું, “સાહેબ, મોટેભાગે ગ્રાહકો અહીં આવીને જ પોતાના કપડાં લઈ જાય છે એટલે અમે કોઈનું એડ્રેસ નથી લેતા.”

મિશ્રાએ ઠીક છે કહી સૂચના આપતાં કહયું,"આ, બિલબુકમાં નજર કરી ફરીથી નામ વાંચી, બેનેટ રિબેલો પોતે આવે અથવા કોઈ એના વિશે પૂછે તો મને તુરંત જાણ કરજો." 

મિશ્રાએ પેલા આધેડને પોતાનું વિઝિટિંગ કાર્ડ આપતાં ઉમેર્યું, "આ મારો નંબર છે."

પેલાએ હકારમાં માથું હલાવતા કહ્યું, "ચોક્કસ સાહેબ."

મિશ્રાએ શર્ટ પોતાના સાથી અધિકારીને આપ્યો અને પેલા આધેડને બાય કહી દુકાનની બહાર નીકળવા પગ ઉપાડ્યા. મિશ્રા દુકાનની બહાર નીકળે એ પહેલાં પાછળથી પેલાનો અવાજ સંભળાયો.

આધેડે ઔપચારિકતા બતાવતા કહ્યું, "સાહેબ, ચા, કોફી કે ઠંડુ, બોલો શું લેશો?"

મિશ્રાએ પાછા ફરતાં કહ્યું,"હવે... નીકળતા સમયે. ખાલી ઔપચારિકતા બતાવવા."

પેલાના ચેહરા પર જાણેકે ચોરી પકડાઈ ગઈ હોય તેવા ભાવ આવી ગયા. એણે કહ્યું, " એવું નથી સાહેબ."

મિશ્રાએ વળતો પ્રહાર કર્યો, "તો કેવું છે?" તરત હસીને કહયું, "મજાક કરું છું. ફરી કોઈવાર આવીશું તો જરૂર પીશું."

મિશ્રા તરત દુકાનની બહાર નીકળી ગયા. ચાલતા ચાલતા તેમના સાથી અધિકારીએ પ્રશ્ન કર્યો, "સર, અહીં પણ નામ સિવાય કંઈ મળ્યું નહીં, હવે?

મિશ્રાએ ફક્ત જોઈએ એટલું જ જવાબમાં કહ્યું. પોતે પણ અસમંજસમાં હતા કે હવે શું? ના તો હજી સુધી લાશના બીજા અંગો મળ્યા છે કે ન તો મરનારની કોઈ ઓળખ થઈ છે. હાથમાં છે તો ફક્ત નામ, "બેનેટ રિબેલો."

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED