NARI-SHAKTI - 28 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ- 28 , (શશ્વતી- આંગિરસી)

નારી શક્તિ, પ્રકરણ- 28,"શશ્વતી- આંગિરસી"

[ હેલ્લો ફ્રેન્ડ્સ, વાંચક મિત્રો ! નમસ્કાર ! નારી શક્તિ પ્રકરણ- 28,, "શશ્વતી- આંગિરસી"-આ પ્રકરણમાં આપ સર્વેનું હાર્દિક અભિવાદન કરું છું. ગયા પ્રકરણમાં આપણે ઋગ્વેદકાલીન "ઉમા-હેમવતી"ની કથા જાણી. જેમાં ઉમા- હેમવતી કેવી રીતે ઇન્દ્ર, વરુણ ,અગ્નિ વગેરેનો અહંકાર ઊતારે છે તે વિશે આપણે રસપ્રદ કથા જાણી. હવે પ્રકરણ 28 માં "શશ્વતી- આંગિરસી"એ વિશેની કથા અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. કથા ખૂબ જ સુંદર અને રસપ્રદ છે.
જેમાં શશ્વતી- અંગિરસી પોતાની તપ અને સાધનાથી અને અશ્રાંત સેવાથી દેવ શાપ વશ નપુંસક થયેલા પોતાના પતિને ફરીથી પૌરુષ પ્રદાન કરે છે એ વાતની કથા અહીંયા રજૂ કરવામાં આવી છે. ઋગ્વેદકાલીન આવી કેટલી એ નારીઓ છે ,જેમણે પોતાની તપ સાધનાથી પતિ પરાયણ ધર્મની રક્ષા કરીને પતિને કોઈને કોઈ આપત્તિ માંથી ઉગાર્યા છે. નારી ધર્મ બચાવ્યો છે,બજાવ્યો છે.
આપ સર્વેને એ જરૂર વાંચવી ગમશે એવી અભિલાષા સાથે આપનો ખૂબ ખૂબ આભાર !!માતૃ ભારતી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર !! ]

(1) " શશ્વતી-આંગિરસી",,,
પ્રસ્તાવના:-
અનન્ય ભાવથી પતિ સેવા અને પતિવ્રતા ધર્મનું પાલન એ ભારતીય સંસ્કૃતિમાં નારીનો મુખ્ય ધર્મ માનવામાં આવે છે. પૌરાણિક કથાઓમાં અને ધર્મશાસ્ત્રીય વિધાનોમાં આ વિષય પર વિશેષ મહત્વ દેવામાં આવ્યું છે. પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિના આધાર પર આ માનવામાં આવે છે.
મહર્ષિ ચ્યવન ની પત્ની સુકન્યા, સત્યવાન ની પત્ની સાવિત્રી, વશિષ્ઠ ની સહધર્મચારિણી પત્ની અનસૂયા વગેરે સ્ત્રીઓ પતિ સેવા નો આદર્શ માનવામાં આવે છે. આની સાથે જ એક અગ્રગણ્ય નામ આવે છે જે છે શશ્વતી- આંગિરસી. જેમણે પોતાની તપ સાધના અને અશ્રાન્ત સેવાથી દેવ શાપ વશ નપુસંક થયેલા પોતાના પતિને પુનઃ પૌરુષ યુક્ત બનાવ્યો હતો.

ઋગ્વેદના આઠમા મંડળ ના પ્રથમ સૂક્તમાં 34 માં મંત્રની ઋષિ "શશ્વતી- આંગિરસી" છે. એનું નામ શશ્વતી અને ગોત્ર નામ આંગિરસી છે, જે ઋષિ અંગિરસોની પ્રખ્યાત પરંપરાથી એને વ્યાખ્યાયિત કરે છે. ઋગ્વેદના નવમા મંડળમાં વર્ણવાયેલા સૂક્તમાં દર્શનનો શ્રેય આ ઋષિની પરંપરાનો છે.

અંગિરસોનો ઉલ્લેખ મોટાભાગે બહુવચનમાં એક સમૂહના રૂપમાં થયેલો જોવા મળે છે. એમને આકાશના પુત્ર (દિવા -પુત્રા), સત્યના વ્યાખ્યાતા, મેધાવી ,મહાબલિ ,વીરો, યજ્ઞવિધાનના પ્રથમ વિચારક- પ્રચારક, પુરોહિતોમાં બ્રહ્મા વગેરે નામોથી બિરદાવવામાં આવ્યા છે. બહુ સંખ્યક ઋગ્વૈદિક મંત્રો અનુસાર એમણે સર્વપ્રથમ જંગલોમાં નિગૂઢ અગ્નિ ને પ્રાપ્ત કર્યો હતો. તેથી અંગિરસો કહેવાયા. અંગિરસોએ ઇન્દ્ર વગેરેની મિત્રતા અને અમૃતતત્વ પ્રાપ્ત કર્યું હતું. આ મહાન પરંપરાથી જોડાયેલી શશ્વતીએ પતિ સેવાનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કરીને મંત્ર દર્શનથી જીવન સત્યનો સાક્ષાત્કાર કરીને પોતાના નામથી શાશ્વત બનાવતા પિતા પ્રદત્ત શશ્વતી નામને સાર્થક કર્યું હતું.
શશ્વતી નો વિવાહ યદુજન ના રાજા આસંગ પ્લાયોગિ સાથે થયો હતો. આસંગ એક દાનશીલ રાજા હતો. પોતાના પુરોહિત મેઘા તિથિ ને વિપુલ પ્રમાણમાં ધન રાશિ અને 10,000 ગાયોનું દાન કરીને તે સમયમાં સર્વદાનીઓમાં શ્રેષ્ઠ સિદ્ધ થયો હતો.
કોઈ એક અનુશ્રુતિ અનુસાર કોઈ કારણ વશ દેવ શાપ વશ રાજા આસંગ નપુસંક થઈ ગયા.શશ્વતીએ પોતાના મહાન તપ વડે તેમને પુન: પુન્સત્વયુક્ત એટલે કે પુન: પૌરુષ યુક્ત કર્યા હતા. અનુક્રમણીઓના આધાર પર સાયણે( સાયણ નામના આચાર્ય એ) શશ્વતીના આ મંત્ર નું ભાષ્ય આ દેવશાપના સંદર્ભમાં લખ્યું છે. પોતાના તપ વડે ફરીથી પોતાના પતિને પુન: પુન્સત્વયુક્ત જોઈને રાત્રિમાં શશ્વતી અત્યંત પ્રસન્ન થઈ અને આ મંત્ર દ્વારા એની સ્તુતિ કરતા કહેવા લાગી,
આની આગળ પુન્સત્વ નું સૂચક અંગ દેખાઈ રહ્યું છે તે અસ્થિરહિત ,વિશાળ અને નીચેની તરફ લંબ છે, અંગિરસ ની પુત્રી આસંગની પત્ની શશ્વતી નારીએ તેને જોઈને કહ્યું, હે આર્ય ! હે સ્વામી! તમે અતિશય કલ્યાણકારી ભોગ -સાધનને ધારણ કરતા ફરીથી પુન્સત્વયુક્ત બન્યા છો. પૌરુષ ને પુન: ધારણ કર્યું છે. (મંત્ર 34)
શાશ્વતી ની આ દીર્ઘ સાધના ફળીભૂત થઈ. દેવ શાપ દેવ કૃપામાં પરિવર્તિત થયો. આ શાશ્વતીના જીવનની ધન્ય ક્ષણો હતી, સર્વોત્તમ ક્ષણો હતી. નારી ધર્મના ટોચ શિખર પર ઉજવળ સ્વર્ણ સમાન સર્વથા તે શુદ્ધ સિદ્ધ થઈ હતી તેથી શાશ્વતીના આનંદને છંદ બનીને અભિવ્યક્ત કરવામાં આવે છે. નારી ધર્મની આ સિદ્ધિની સાથે જ સંભવતઃ શાશ્વતી એના નામની સાથે નારી એવું અભિધાન પણ જોડવામાં આવ્યું છે. એટલે કે શાશ્વતી નારી , એટલે કે ઇતિહાસમાં જેનું નામ અમર છે એવી નારી. નારી જીવનના આદર્શને વશ
શશ્વતીએ પોતાના નામ પ્રમાણે ઇતિહાસમાં શાશ્વત બનાવ્યો છે. તેથી તેને શાશ્વતી કહેવું પણ યોગ્ય છે.

આવું જ એક બીજું ઉદાહરણ પણ ઋગ્વેદમાં મળે છે જેનું નામ છે વધ્રિમતી.

(2) વધ્રિમતી......
ઋષિ કન્યા વધ્રિમતી અશ્વિની દેવો પ્રત્યે દ્રઢ ભક્તિ રાખવા વાળી વિદૂષી નારી હતી. તેમને 'પુરંધી' આ વિશેષણથી પણ સત્કારવામાં આવે છે. તેણીનો પતિ નપુસંક હતો. તેણીએ અનેક સ્તોત્રો દ્વારા અશ્વિદેવોનું આહ્વાન કર્યું હતું. વધ્રિમતીના આહ્નવાનને સાંભળીને અશ્વિની દેવોએ તેણીના પર કૃપા કરી હતી. કહેવાય છે કે અશ્વિદેવોની કૃપાથી તેનો પતિ પણ પુનઃ પૌરુષત્વને પામ્યો હતો અને તેણીને હિરણ્ય હસ્ત નામનો પુત્ર વરદાન રૂપે આપ્યો હતો. (અશ્વિદેવો, દેવોના વૈદ્યો તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધ છે, અશ્વિદેવો સફળ વૈદ્ય હતા. ઉપનિષદની કથામાં ધૌમ્યઋષિના શિષ્ય ઉપમન્યુને તેમણે અંધત્વ દૂર કરીને આંખો આપી હતી તે કથા પ્રસિદ્ધ છે. તેથી અહીં પણ સંભવ છે કે વધ્રિમતીના પતિને પણ એમણે નપુસંક્ત્વ દૂર કરી પુનઃ પુરુષત્વ પ્રદાન કર્યું છે. વેદકાળમાં પણ વિજ્ઞાન ચરમસીમા પર હતું એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. )

વધ્રિમતી સ્ત્રીત્વની સાર્થકતા માતૃત્વમાં છે એમ માનતી હતી, તેથી સ્તોત્ર રચનાઓ અને પ્રાર્થનાઓ દ્વારા તેણીએ અશ્વિની દેવોને પ્રસન્ન કર્યા અને એમની પાસેથી પુત્ર પ્રાપ્તિ દ્વારા પોતાના નારીત્વને સાર્થક કર્યું. જય હો નારીત્વ !! જય હો સ્ત્રીત્વ !! જયતુ ભારતીય નારી !!!

[ © & Written by Dr. Damyanti Harilal Bhatt. ]


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED